બુધવાર, 8 મે, 2019

મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ભારત અને બાંગ્લાદેશ મળીને  એક ફિલ્મ બનાવશે.

સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં બંન્ને પક્ષના અધિકારીઓની બેઠક દિલ્હીમાં મળી હતી
આ ફિલ્મ બંગ બંધુના જીવન પર આધારિત રહેશે. સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર  ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં  બંન્ને પક્ષના અધિકારીઓની એક બેઠક દિલ્હીમાં મળી હતી. ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ આ ફિલ્મનું નિર્માણ કરશે.
વર્ષ 2020માં બંગ બંધુનું શતાબ્દી વર્ષ મનાવવામાં આવશે. આ પ્રસંગે અમિત ખરેએ જણાવ્યું હતું , કે બંન્ને દેશના પ્રધાનમંત્રીઓ વચ્ચે ફિલ્મ નિર્માણ માટે સંમતિ સધાયેલી છે. આને પગલે દૂરદર્શન  અને આકાશવાણી જેવા માધ્યમો વચ્ચે સંબંધ વધુ ગાઢ બનશે.



ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા

શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે
હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનુ ખુબ મહત્વ હોય છે. શિયાળો પુર્ણ થતા શ્રદ્ધાળુઓ માટે ચારધામ યાત્રાની શરુઆત કરવામાં આવી છે. ગંગોત્રી અને યમનોત્રીના દ્વાર યાત્રાળુઓ માટે ખૂલ્લા કરવામાં આવ્યા. ત્યાર બાદ શ્રી કેદારનાથ અને બદ્રીનાથના દ્વાર યાત્રાળુઓ માટે અનુક્રમે ખૂલ્લા મુકાશે.
 


World Thalassemia Day - 8th May




જીવલેણ રોગ તરીકે જાણિતા થેલેસીમિયાના ગુજરાતમાં હજારો દર્દીઓ 
આજે વર્લ્ડ થેલેસેમિયા દિવસ છે. વિશ્વભરમાં 8 મે ના રોજ , વર્લ્ડ થેલેસેમિયા દિવસની ઉજવણી કરવામાં આવે છે. જેથી આ બીમારી વિશે લોકોમાં જાગૃતિ આવે , અને નિવારણની માહિતી ફેલાવી શકાય. ભારતમાં આશરે 3થી 4 કરોડ થેલેસેમિયાના દર્દી છે. આ આંકડો ગુજરાતમાં 17 ટકા જેટલો ઊંચો છે. આ બીમારીમાં સૌથી ગંભીર. બીટા થેલેસેમિયા મેજર છે. 
થેલેસેમિયા ગ્રસ્તના શરીરમાં હિમોગ્લોબીનનું ઉત્પાદન ઘટી જાય છે, અને તેને એનીમિયા થવાનું જોખમ વધી જાય છે. થેલેસેમિયા માઇનોર ધરાવતા માતા - પિતામાંથી આ રોગ તેમના બાળકોને થાય છે. ભૂખ ન લાગવી, નબળો શારીરિક બાંધો, વિકાસમાં વિલંબ, માથાના કદમાં અસાધારણ વધારો વિગેરે જેના લક્ષણ છે. આવા દર્દીને દર 15 દિવસે લોહી ચડાવીને હિમોગ્લોબીનની માત્રા જાળવવી પડે છે.


મંગળવાર, 7 મે, 2019


પવિત્ર રમઝાન માસની શરૂઆત

એક મહિનો મુસ્લિમ સમાજના લોકો અલ્લાહની ઇબાદત માટે રાખશે રોઝા
આજથી મુસ્લિમ બિરાદરોના પવિત્ર તહેવાર રમઝાન માસની શરૂઆત થઇ ગઇ છે. ગઈકાલે સાંજે રમઝાન માટે નમાઝ પઢવામાં આવ હતી , ગઈકાલે સાંજે ચાંદ દેખાયા  બાદ રમઝાન મહિનો ,શરૂ થયાની જાહેરાત કરવામાં આવી હતી. ઈસ્લામી કેલેન્ડરનો  આ નવમો મહિનો છે  અને મુસ્લીમ સમુદાયના લોકો, સવારથી સૂર્યાસ્ત સુધી ભોજન અને પાણી બંને ત્યજે છે. રમઝાનના અંતિમ દિવસને ઈદુર ફીતર ઉજવાય છે. રમઝાનના મહિનાને  ત્રણ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. પ્રથમ દસ દિવસ રહેમત, બીજો હિસ્સો માફી જ્યારે ત્રીજો ભાગ જન્નતથી આઝાદીનો છે. એટલે કે મુક્તિ પામવાનો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને રમઝાન મહિનાની શુભેચ્છા પાઠવી છે. તેમણે આશા વ્યક્ત કરી છે કે, આ પવિત્ર મહિનો સમાજમાં સોહાર્દ, ખુશી અને ભાઈચારાની ભાવનાને આગળ વધારશે
 


બુધવાર, 1 મે, 2019

આજનો દિન વિશેષ


*૧, મેં ગુજરાતના સ્થાપના દિને જોઈએ ગુજરાત વેશે થોડી માહિતી.*

અક્ષાંશ-રેખાંશ 24°32′N 73°25′E / 24.53°N 73.41°E
દેશ  ભારત
જિલ્લા(ઓ)૩૩
સ્થાપના મે ૧, ૧૯૬૦
રાજધાની ગાંધીનગર
સૌથી મોટું શહેર અમદાવાદ
સૌથી મોટું મહાનગર અમદાવાદ
રાજ્યપાલ ઓમ પ્રકાશ કોહલી
મુખ્ય મંત્રી વિજયભાઈ રુપાણી
વિધાનમંડળ(બેઠકો) ગુજરાત સરકાર (૧૮૨)
વસ્તી
• ગીચતા

૬,૦૪,૩૯,૬૯૨ (૧૦) (૨૦૧૧)
• ૩૦૮ /km2 (૭૯૮ /sq mi)

લિંગ પ્રમાણ ૧,૦૮૬ ♂/♀
માનવ વિકાસ દર (૨૦૧૧)  ૦.૫૨૭ (મધ્યમ) (૧૧)
સાક્ષરતા
• પુરુષ સાક્ષરતા
• સ્ત્રી સાક્ષરતા

૮૦.૧૮% (૧૨)
• ૮૭.૨૩%
• ૭૦.૭૩%

અધિકૃત ભાષા(ઓ) ગુજરાતી
સમય ક્ષેત્ર આઇએસટી (+૦૫:૩૦)
વિસ્તાર
• દરિયાકિનારો

૧,૯૬,૦૨૪ ચોરસ કિલોમીટર (૭૫,૬૮૫ ચો માઈલ) (૭)
• ૧,૬૦૦ કિલોમીટર (૯૯૦ માઈલ)

આબોહવા
• વરસાદ

•      ૯૩૨ મિ.મી (૩૬.૭ ઇં)

ISO 3166-2 IN-GJ
વેબસાઇટ ગુજરાત સરકારનું અધિકૃત વેબસાઇટ

ગુજરાત સરકારની મહોર
ગુજરાતના રાજ્યચિન્હો
ભાષા ગુજરાતી
ગીત જય જય ગરવી ગુજરાત
નૃત્ય ગરબા
પ્રાણી સિંહ
પક્ષી રાજહંસ
ફૂલ ગલગોટો
ફળ કેરી
વૃક્ષ વડ
રમત ક્રિકેટ, કબડ્ડી
ગુજરાત()(અંગ્રેજી ભાષા:Gujarat) ભારત દેશનું ઔદ્યોગીકૃત રાજ્ય છે[૧][૨][૩][૪] . ભારતના પશ્ચિમ છેડે આવેલું ગુજરાત પશ્ચિમે અરબી સમુદ્ર, ઉત્તરમાં સિંધ (પાકિસ્તાન), ઉત્તર અને ઉત્તરપૂર્વે રાજસ્થાન, પૂર્વે મધ્ય પ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રરાજ્ય તથા દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલી ના કેન્દ્રશાસિત પ્રદેશોથી ઘેરાયેલું છે. ગુજરાતનું પાટનગર ગાંધીનગર છે, જયારે તેનું સૌથી મોટું શહેર અમદાવાદ છે. અમદાવાદગુજરાતનું એકમાત્ર મેટ્રોપોલિટન શહેર છે[૫]. ગુજરાત રાજ્યનું નામ ગુજરાત ગુજ્જર, પરથી પડેલ છે. જેમણે ઇ.સ. ૭૦૦ અને ઇ.સ. ૮૦૦ દરમિયાન અહીં રાજ કર્યું હતું.

ગુજરાત રાજ્ય ની સ્થાપના મે ૧, ૧૯૬૦ ના રોજ બૃહદ મુંબઇ રાજ્ય માંથી ગુજરાતી બોલતા વિસ્તારો અલગ પાડીને કરવામાં આવી હતી. આ રાજ્ય સિંધુ ખીણ સંસ્કૃતિના પુરાતન અવશેષો ની પ્રમુખ જગ્યાઓ ધરાવે છે, જેમકે લોથલ અને ધોળાવીરા. લોથલ દુનિયાનું સૌ પ્રથમ બંદર હતું એવું માનવામાં આવે છે.

ગુજરાતે ભારતને તેની સ્વાતંત્ર્ય ચળવળ ના બે મોટા નેતાઓ ભેટ આપેલ છે, મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલ[૬]. ગુજરાતે વિશ્વના બે દેશોને રાષ્ટ્રપિતા આપ્યા છે. ભારત ને મહાત્મા ગાંધી અને પકિસ્તાનને મહમદ અલી ઝીણા. આ ઉપરાંત ગુજરાતે ભારતને શ્રી મોરારજી દેસાઈજેવા સિધ્ધાંતવાદી અને રાષ્ટ્રપ્રેમી વડાપ્રધાન પણ આપ્યા છે.[૭]આ ઉપરાંત સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના પ્રથમ ગૃહમંત્રીને ઉપવડાપ્રધાન હતા  કે જેમણે ૬૦૦ કરતા પણ વધારે રજવાડાઓ ને એકઠા કરીને બૃહદ ભારતની રચના કરી હતી

આવા આપણા ગુજરાત ની ગાથા ગાતુ ગીત કેમ ભુલાય

જય સોમનાથ, જય દ્વારકેશ...
આજ બાપુની પુણ્યભૂમિ પર ઉગ્યું સ્વર્ણ પ્રભાત
જય ગુજરાત…., જય જય જય ગરવી ગુજરાત

જય સોમનાથ, જય દ્વારકેશ, જય બોલો વિશ્વના તાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ યશગાથા ગુજરાતની
યશગાથા ગુજરાતની, આ ગુણવંતી ગુજરાતની, જય જય ગુજરાતની…

ભક્ત સુદામા અને કૃષ્ણના મિત્રભાવ ભુલાય નહિં
વૈષ્ણવજન તો તેને કહીએ નરસૈયો વિસરાય નહિં
જય દત્ત દિગંબર ગિરનારી, જય બોલો કાળીકામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત વીરોની ભૂમિ જેના ગુણ ગાતું સંસાર
રાજાઓના તાજ મુકાવ્યા ધન્ય વીર વલ્લભ સરદાર
જય દયાનંદ જય પ્રેમાનંદ જય બોલો બહુચરામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

દલપત નાન્હાલાલ દયાના મધુર કાવ્ય ભુલાય નહિ
મેઘાણીની શોર્ય કથાઓ અંતરથી વિસરાય નહિ
અમર કાવ્ય નર્મદના ગુંજે જય જય અંબે માતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

મળ્યા તેલ ભંડાર દ્રવ્યના, ભિષ્મપિતાની બલિહારી
ધન્ય ધન્ય ગુજરાતની ભૂમિ, થયા અહીં બહુ અવતારી
જય સાબરમતી, જય મહિ ગોમતી સરસ્વતી, બોલો નર્મદામાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

હિંદુ મુસ્લિમ વોરા પારસી હળીમળી સૌ કાર્ય કરે
સૃષ્ટિને ખૂણે ખૂણે ગુજરાતી જન વ્યાપાર કરે
જય સહજાનંદ જય જલારામ જય મહાવીર દાતારની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

અમર ભક્ત બોડાણો કલાપી મહાદેવ દેસાઇ
દાદાતૈયબજી કસ્તુરબા પટેલ વિઠ્ઠલભાઇ
આજ અંજલી અમર શહીદોને અર્પો ગુજરાતની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …

શ્રમ પર શ્રમ કરનારા માનવની આ ધરતી ન્યારી
સત્ય શાંતિ અને અહિંસાના મંત્રો દેનારી
શ્રમ સેવાની કરો પ્રતિગ્ના ઉગી ઉષા વિરાટની
સ્વર્ણ અક્ષરે લખશે કવિઓ …


Image result for gujarat sthapna divas
આજે 1લી મેના રોજ ગુજરાત રાજ્યના સ્થાપનાકાળને 60 વર્ષ પૂર્ણ થઇ રહ્યા છે. ત્યારે ગુજરાતની સંસ્કૃતિ અને વારસાને વિશ્વભરમાં ખ્યાતના અપાવનાર વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતમ યોગદાન આપનાર 60 મહાનુભાવોને ગુજરાત ગૌરવ રત્નએવોર્ડ એનાયત થશે.

ડો. શૈલેષ ઠાકર ફાઉન્ડેશન’, ‘ગુજરાત પબ્લિક અફેર્સ કાઉન્સલ ઓફ કેનેડાતથા ગુજરાતી સમાજ ઓફ યુ.એસ.એના સંયુક્ત ઉપક્રમે 1લી મેના રોજ અમદાવાદ શહેરના છસ્છ ખાતે આ શ્રેષ્ઠીઓને એવોર્ડ એનાયત કરી બહુમાન કરાશે. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે બિહાર હાઈકોર્ટના પૂર્વ મુખ્ય ન્યાયમર્બિત ડૉ. જે.એન.ભટ્ટ અને ગુજરાતના પોલીસ મહાનિદેશક શિવાનંદ જહા, દ્વારકેશલાલજી મહારાજ તથા કર્નલ કિરીટ જોષીપુરાના હસ્તે એવોર્ડ એનાયત થશે.

આ અંગે શૈલેષ ઠાકરે જણાવ્યુ હતુ કે, ગુજરાત પ્રાચિન કાળથી વેપાર-વણજ-દાન-સરવાણી અને વિવિધ ક્ષેત્રે શ્રેષ્ઠતમ પુરવાર કરતું રાજ્ય છે. અમારા ટ્રસ્ટ દ્વારા શ્રેષ્ઠીઓને ગુજરાત ગૌરવ રત્નએવોર્ડથી નવાજવાનું નક્કી કરાયું છે. જે ગુજરાત સ્થાપના દિને એવોર્ડ એનાયત થશે.

60 શ્રેષ્ઠીઓને મળશે ગુજરાત ગૌરવ રત્ન એવોર્ડ


કેડીલા હેલ્થકેરના ચેરમેન પંકજ પટેલ, વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્ર પટેલ, ફિલ્મ નાટકના કલાકાર સિધ્ધાર્થ રાંદેરિયા, ગઝલકાર મનહર ઉધાસ, નૃત્યકાર કુમુદીની લાખીયા, સાઈરામ દવે, ટીવી કલાકાર નેહા મહેતા, યુવા ફાઉન્ડર ભાવેશ ઉપાધ્યાય, ડૉ.તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી.ઉકાણી, ડૉ.સુધિર શાહ, ચેતન તપાડીયા, ડૉ.બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ.અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, નારાયણભાઈ કણજરીયા, ડૉ.રૂપેશ વસાણી, રત્ના આલા, મુખ્તાર શાહ, ડૉ.રાજીવ શાહ, ડૉ.અલ્કા બેંકર, ડૉ.મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ગેનાભાઈ પટેલ, મુક્તા પી.ડગલી

આ ઉપરાંત ડૉ. તેજસ પટેલ, વિઠ્ઠલદાસ બી. ઉકાણી, ડૉ. સુધિર શાહ, ચેતન તપાડીઆ, ડૉ. બી.વી.દોશી, હેમુ ગાંધી, ડૉ. અનિલ ગુપ્તા, ઝવેરીલાલ મહેતા, ડૉ. વિષ્ણુ પંડ્યા, નારાયણભાઇ કણજરીયા, શ્રીમતી સ્મિતા શાસ્ત્રી, ડૉ. રૂપેશ વસાણી, રત્ના આલા, ગુરુજી જી. નારાયણા, જીતેન્દ્રસિંગ ચૌહાણ, સંજય ઓઝા, મુખ્તાર શાહ, અરવિંદ વેગડા, બંકિમ પાઠક, પ્રફુલ દવે, ભાગવદ રૂષિ, કવિ રાજેન્દ્ર શુક્લ, યોગેશ ભાવસાર, એન.કે.પટેલ, ગીરીશ દાણી, અનુષ્કા પરીખ, ડૉ. રાજીવ શાહ, ડૉ. અલ્કા બેંકર, ડૉ. મનીષ બેંકર, શરદ ખાંડેકર, સુધિર ખાંડેકર, ભીખુદાન ગઢવી, શાહબુદીન રાઠોડ, ડૉ. ઉર્મન ધ્રુવ, યજ્ઞેશ પંડ્યા, ડૉ. રાજેન્દ્ર શાહ, સુરેશ પટેલ, આશિષ શેઠ, ઉમંગ ઠક્કર, રાજ મોહન મોદી, યોગેશ હીંગોરાની, ડાહ્યાભાઇ કરુણાશંકર શાસ્ત્રી, ગેનાભાઇ પટેલ, મુક્તા પી. ડગલી, જોરાવરસિંહ ડી. જાદવ, કનુભાઇ ટેલર, ડૉ. રઘુવીર ચૌધરી, યુસુફ કાપડિયા, દેવેન્દ્ર પટેલ, ડૉ. પ્રવિણ દરજી, હરીશ ભીમાણી, માધવ રામાનુજ, રજની જી. પટેલને ગુજરાત ગૌરવ રત્નએવોર્ડ અર્પણ કરવામાં આવશે.


મંગળવાર, 30 એપ્રિલ, 2019

બાવનથી આજ સુધી: કઈ ચૂંટણીમાં શું થયું?

 
આઝાદી પછી ૧૬ લોકસભા ચૂંટણી યોજાઈ છે. દરેક ચૂંટણી વખતે ભારતના ઈતિહાસને નવા વળાંક મળ્યા છે, રાજકારણના નવાં પ્રકરણો લખાયા છે. અહીં દરેક ચૂંટણીની નવીનતા રજૂ કરી છે
૧૯૫૨ પ્રથમ લોકસભા
 
કોંગ્રેસને ૩૬૪ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૧૬ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
એ યુગ એવો હતો જ્યારે આજના જેવુ નીચલી કક્ષાનું તો ઠીક, સામાન્ય કક્ષાનું રાજકારણ પણ શરૂ થયુ ન હતું. આઝાદીના લડવૈયાઓએ જ પ્રજા માટે નેતા હતા અને તેમના પ્રત્યે ઊંચો આદર હતો. ત્યારે દેશમાં લોકસભાની ૪૮૯ બેઠકો જ હતી. કુલ મળીને ૫૩ પક્ષો ચૂંટણી લડના મેદાનમાં ઉતર્યા હતા. ત્યારે રાજ્યો પણ આજના જેવા અને આજના જેટલા ન હતા. પણ વિંધ્ય પ્રદેશ, ત્રાવણકોર કોચીન, સૌરાષ્ટ્ર વગેરે રાજ્યોના નામ હતાં. પહેલી ચૂંટણીમાં ડૉ.આંબેડકર મુંબઈ બેઠક પરથી નારાયણ સાડોબા સામે હારી ગયા હતાં.
ત્યારે ઘણા નેતાઓ એવુ પણ માનતા હતાં કે ભારત જેવા વૈવિધ્યતા ધરાવતા દેશમાં લોકશાહી ન ચાલે. પ્રજાને કાબુમાં રાખવા સરમુખત્યાર શાહી જ જોઈએ, જે માન્યતા સમય જતાં ખોટી પડી. રસપ્રદ રીતે પહેલી ચૂંટણીએ ભારતના ૩ ભાવિ વડા પ્રધાન ચૂંટી કાઢ્યા હતાં, ગુલઝારી લાલ નંદા, મોરારજી દેસાઈ અને લાલ  બહાદુર શાસ્ત્રી. આજે ભારતની ચૂંટણી જગતની સૌથી મોટી ચૂંટણી ગણાય છે એમ ત્યારે પણ સૌથી મોટી ચૂંટણી હતી. એ વખતે દુનિયાએ ભારતની ચૂંટણી જેવડો લોકશાહી પ્રસંગ ક્યાંય જોયો ન હતો.
બીજી તરફ ત્યારે ભારતના ૭૦ ટકા મતદારો અભણ હતાં. માટે તેઓ ઉમેદવારના નામ કે પાર્ટીના નામને બદલે પક્ષના ચૂંટણી ચિહ્નને જ ઓળખતા હતાં. ચૂંટણી પંચે પણ એ પ્રમાણે જ વ્યવસ્થા કરી હતી. મહિલા અનામતની વાતો કર્યા વગર આખા દેશમાંથી ૨૪ મહિલા ઉમેદવારો ચૂંટાઈ આવી હતી. મણિબહેન પટેલ, પંડિત વિજયાલક્ષ્મી, સુચેતા કૃપલાની, રાજકુમારી અમૃતા કૌર વગેરે તેમાંના કેટલાક નામો છે.
૧૯૫૭ બીજી લોકસભા
કોંગ્રેસને ૩૭૧ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૧૭ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
આઝાદીના દાયકા પછી બીજી લોકસભા ચૂંટણી યોજાઈ હતી. દેશ હજુ થાળે પડી રહ્યો હતો. એ વખતે આજના જેટલી સંપત્તિ ન હતી, માટે નવાં કારખાના સ્થપાય એ પ્રયાસો ચાલી રહ્યા હતા. પંચવર્ષિય યોજનાઓ શરૂ થઈ હતી. બીજી ચૂંટણીમાં ચાર જ રાષ્ટ્રીય પક્ષો હતાં, કોંગ્રેસ, કમ્યુનિસ્ટ પાર્ટી, પ્રજા સોશ્યાલિસ્ટ પાર્ટી તથા ભારતીય જન સંઘ. 

ભારતના રાજ્યોની સંખ્યા ૧૭ હતી અને આજની જેમ સૌથી મહત્ત્વનું રાષ્ટ્ર ૫૮ બેઠક સાથે ઉત્તર પ્રદેશ હતું. ચૂંટણી લડવા કુલ ૧૫૧૯ ઉમેદવારો ઉભા હતા, જેમાંથી ૪૫ મહિલા હતી. પરિણામ આવ્યું ત્યારે ૨૨ મહિલા વિજેતા થઈ હતી. ચૂંટણીમાં ૧૫ પક્ષો તથા કેટલાક અપક્ષ ઉમેદવારો ઉભા હતાં. 

૩૩ ટકા ઉેમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. હિન્દુ હૃદય સમ્રાટ બનેલા યુવાન વાજપેયી પહેલી વાર ત્યારે જીત્યા હતા. ફિરોજ ગાંધી રાયબરેલીથી બીજી વખત ચૂંટાઈ આવ્યા હતાં. ત્યારે વળી એક નવી પ્રથા હતી. મોટા મત વિસ્તારોમાં એકથી વધારે બેઠકો હોય. પરિણામે ૪૯૪ બેઠકોના મત વિસ્તારો તો ૪૦૩ જ થતા હતા!
 
૧૯૬૨ ત્રીજી લોકસભા 
કોંગ્રેસને ૩૬૧ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૨૯ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
ગુજરાત માટે આ પહેલી ચૂંટણી હતી કેમ કે ગુજરાત રાજ્ય તરીકે જન્મી ચૂક્યું હતુ. ગુજરાતમાં ૨૨ બેઠકો હતી. નામ આજ કરતાં જરા અલગ જેમ કે સાબરમતી, કૈરા (ખેડા), બુલસર (વલસાડ) જેવા નામો હતા. ગુજરાતના ભાવિ મુખ્યમંત્રી ઘનશ્યામ ઓઝા ત્યારે સુરેન્દ્રનગરથી ચૂંટાયા હતા. એ રીતે ઢેબરભાઈ પટેલ, જશવંતરાય મહેતા, ફતેહસિંહ ગાયકવાડ, મોરારજી દેસાઈ.. વગેરે પણ વિજેતા થયા હતા. આગળ જતા વડા પ્રધાન બનેલા ગુલઝારીલાલ નંદા સાબરકાંઠા બેઠક પરથી ચૂંટાયા હતા.
ત્રીજી ચૂંટણી ૪૯૪ મતવિસ્તારોની ૪૯૪ બેઠકો માટે યોજાઈ હતી. એ ચૂંટણીથી એક મત વિસ્તારમાં એકથી વધારે બેઠક હોય એવી પ્રથા રદ થઈ હતી. દેશના રાજ્યોની સંખ્યા પણ વધીને ૧૮ થઈ હતી. સત્તા માટે મહત્ત્વના ગણાતા ઉત્તર પ્રદેશ અને બિહારની કુલ ૧૩૯ બેઠકોમાંથી ૧૦૧ બેઠકો કબજે કરી કોંગ્રેસે સપાટો બોલાવ્યો હતો. 

જવાહરલાલ નહેરુ માટે આ ફૂલપુરથી છેલ્લી ચૂંટણી હતી. ૧,૯૮૫ ઉમેદવારોએ ભાગ્ય અજમાવ્યુ હતું અને તેમાંથી ૪૩ ટકા કરતા વધારે ઉમેદવારોએ પોતાની ડિપોઝિટ ગુમાવી હતી. એ વખતે કોંગ્રેસના નહેરુ પ્રેરિત સમાજવાદથી કંટાળીને ચક્રવર્તિ રાજગોપાલાચારીએ કોંગ્રેસ છોડી દીધો હતો અને સ્વતંત્ર પાર્ટી નામે અલગ પક્ષ સ્થાપ્યો હતો. સ્વતંત્ર પાર્ટી દેશની પહેલી એવી પાર્ટી હતી જે બજાર કેન્દ્રિય અર્થતંત્રને પ્રાધાન્ય આપતી હતી. પણ મતદારોએ એમને ખાસ પ્રાધાન્ય આપ્યુ ન હતું. 
૧૯૬૭ ચોથી લોકસભા 
 
કોંગ્રેસને ૨૮૩ બેઠક મળી હતી, જ્યારે બીજા નંબરે ૨૩ સિટ સાથે કમ્યુનિસ્ટ પાર્ટી હતી.
એ વખતે કોંગ્રેસે બહુમતી હાંસલ કરી હતી પરંતુ છ રાજ્યોમાં તેનો સફાયો થયો હતો અને ૧૯૬૨ કરતાં બેઠકો પણ ૭૦ જેટલી ઓછી થઈ હતી. ઈન્દિરા તેના સ્વર્ગસ્થ પતિની બેઠક રાય-બરેલીથી સંસદમાં પહોંચ્યા હતાં. ૫૨૦ બેઠકો માટે બેઠક દીઠ ૪.૫૬ની સરેરાશ સાથે કુલ ૨,૩૬૯ ઉમેદવારો પ્રજાની અગ્નિ પરિક્ષામાં પાર ઉતરવા નીકળ્યા હતાં. જોકે તેમાંથી ૫૦ ટકા કરતા વધારે ઉમેદવારોની ડિપોઝિટ પણ ગઈ હતી. 

આ ગાળામાં જ ઈન્દિરાએ પોતાની આપખુદશાહી આરંભી હતી અને તેની સામે નારાજગી વધતી ગઈ હતી. એટલે પરિણામ આવ્યા ત્યારે રાજગોપાલાચારીની સ્વતંત્રતા પાર્ટીએ સપાટો બોલાવ્યો હતો અને કોંગ્રેસ પછી સૌથી વધુ બેઠકો હાંસલ કરી હતી. ૫૨૦ બેઠકો માટે ૭ રાષ્ટ્રીય અને ૧૮ રાજકીય કક્ષાના પક્ષોએ મેદાનમાં જુકાવ્યુ હતું. મતદારોની સંખ્યા વધીને ૨૫ કરોડ સુધી પહોંચી હતી અને ૫૦ ટકા કરતા વધારે મતદાન પણ થયુ હતું. 
૧૯૭૧ પાંચમી લોકસભા 
 
ભારત પર અવિરત શાસન કરતા કોંગ્રેસમાં ભાગલા પડયા હતા. ઈન્દિરાના શાસનથી તેના જ સાથીદારો ખુશ ન હતા માટે બે પક્ષ બન્યા, એક કોંગ્રેસ (ઈન્દિરા) અને બીજો ધ ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ (ઓર્ગેનાઈઝેશન) તરીકે ઓળખાયો. એ વખતના નેતા કામરાજ અને પછી મોરારજી દેસાઈ આ નવતર કોંગ્રેસના મુખ્ય આગેવાનો હતા. 

ભારતના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની સંખ્યા વધીને ૨૭  થઈ ગઈ હતી. તેમાં દાદરા અને નગર હવેલી એવો પ્રદેશ હતો જેના ભાગે એક પણ બેઠક ન હતી. કુલ ૫૩ પક્ષના ૨૭૮૪ ઉમેદવારો મેદાનમાં હતાં, જેમાંથી ૧૭૦૭ની ડિપોઝિટ ગઈ હતી. 
સ્વતંત્ર પાર્ટી  અને જન સંઘ માટે આ છેલ્લી ચૂંટણી હતી. એ પછી જન સંઘ ભારતીય જનતા પાર્ટીના નવા નામે નવો જન્મ લીધો હતો. એ વખતે જન સંઘે ૨૨ બેઠક મેળવી હતી. તો વળી સ્વતંત્ર પાર્ટી એ પછી ૧૯૭૪માં ચૌધરી ચરણસિંહના ભારતીય ક્રાંતિ દલમાં વિલિન થઈ ગઈ હતી. ત્યારે બેઠકની સંખ્યા ૫૧૮ હતી.
૧૯૭૭  છઠ્ઠી લોકસભા 
 
ભારતીય લોક દળ (જનતા પાર્ટી)ને ૨૯૫ બેઠક મળી હતી, બીજા નંબરે ૧૫૪ બેઠક સાથે કોંગ્રેસ (આઈ) પક્ષ રહ્યો હતો.
વડાંપ્રધાન રહી ચૂકેલા ઈન્દિરા ગાંધી એ વખતે ૫૫ હજારથી વધુ મતથી હારી ગયા હતા.  રાય બરેલીમાં ભારતીય લોક દળના ઉમેદવાર રાજ નારાયણ વિજેતા થયા હતા. ત્યારે ઈન્દિરા ઈઝ ઈન્ડિયા એન્ડ ઈન્ડિયા ઈઝ ઈન્દિરા એવા સુત્રો વહેતા થયા હતાં. એ બધા વચ્ચે પ્રજાએ નેતાઓને પોતાની ઔકાત બતાવી ઘરભેગા કરી દીધા હતાં. ઈન્દિરા ગાંધીની જોહુકમીના પરિણામે આઝાદી પછી પહેલી વખત કોંગ્રેસે બહુમત ખોવાનો વારો આવ્યો હતો. ભારતમાં પહેલી વખત બિન-કોંગ્રેસી સરકાર બની હતી.
૧૯૭૭માં ગુજરાતના નેતા મોરારજી દેસાઈ વડા પ્રધાન બન્યા હતા. ચૂંટણીમાં વિવિધ ૩૪ જેટલાં પક્ષોએ લડત આપી હતી. અપક્ષ મળીને કુલ ૨૪૩૯ ઉમેદવારોએ લડત આપી હતી. દેશના રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની સંખ્યા વધીને ૩૧ થઈ ગઈ હતી. નવા બનેલા સિક્કીમમાં કુલ ૧,૨૪,૦૨૩ મતદારો નોંધાયા હતા અને મતદાન માટે એક મતબૂથ હતું. પરંતુ એ રાજ્યમાંથી કોઈ કારણોસર એક પણ મત પડયો ન હતો!
૧૯૮૦  સાતમી લોકસભા 
 
થોડા સમય શાંત રહેલા ઈન્દિરા આ ચૂંટણીમાં પ્રચંડ લોકમત સાથે વિજેતા થયા હતા. રાય બરેલી ખાતેથી તેઓ વિજયા રાજે સિંધિયા સામે પોણા બે લાખ મતની તોતિંગ સરસાઈથી વિજેતા થયા હતાં. કોંગ્રેસનો વર્તમાન સિમ્બોલ પંઝો પહેલી વખત વપરાયો હતો. એ વખતે ઈન્દિરાની કેબિનેટમાં જ્ઞાાની ઝૈલ સિંહ અને નરસિંહમા રાવ સમાવાયા હતા જેઓ ભવિષ્યમાં અનુક્રમે દેશના રાષ્ટ્રપતિ અને વડા પ્રધાન થવાના હતા. 

૩૬ પક્ષ અને અપક્ષ મળીને કુલ ૪૬૨૯ ઉમેદવારો ઉભા રહ્યાં હતાં. રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશોની કુલ સંખ્યા ૩૧ હતી પરંતુ મિઝોરમ રાજ્ય હોવા છતાં તેના ફાળે એક પણ બેઠક ન હતી. એ રીતે કેન્દ્ર શાસિત પ્રદેશો દાદરા-નગર હવેલી અને લક્ષદ્વિપ પણ બેઠકો વિહિન હતા. આસામની ૧૨ અને મેેઘાલયની એક બેઠક પરથી મતદાન થયુ જ ન હતું. 

કેમ કે ત્યાંના મતદારોએ ગેરકાયદેસર ઘૂસી આવતા ઘૂસણખોરો સામે વિરોધ નોંધાવવા નિષ્ક્રિય રહ્યાં હતાં. એ સમયે ઝારખંડ નામનું રાજ્ય તો સ્વાભાવિક રીતે જ નહોતુ પણ ઝારખંડ રાજ્યને અલગ પાડવાની ડિમાન્ડ ચાલુ હતી. ઝારખંડ પાર્ટી નામે એક રાજકીય પક્ષ પણ હતો અને તેમણે એક બેઠક મેળવી હતી. 
 
૧૯૮૪ આઠમી લોકસભા 
કોંગ્રેસને અભૂતપુર્વ કહી શકાય એટલી ૪૦૪ બેઠક મળી હતી, બીજા ક્રમે ૨૨ બેઠક સાથે સીપીએમ હતું. 
ઈન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી ચૂંટણીમાં મતદારો પર તેમનો પ્રભાવ જોવા મળ્યો હતો.  રાજીવ વડા પ્રધાન પદના ઉમેદવાર હતાં અને દેશની જનતાએ તેમના પર જ પસંદગીનો કળશ ઢોળ્યો હતો. ૨૦૧૪ પહેલા એ છેલ્લી ચૂંટણી હતી જ્યારે કોઈ એક પક્ષને સ્પષ્ટ બહુમતી મળી હતી.
કેન્દ્રમાં સત્તાધારી રહેલો પક્ષ ભાજપ નવો-સવો ચૂંટણી લડી રહ્યો હતો. ભાજપે આખા દેશમાં ૨૨૪ ઉમેદવારો ઉભા રાખ્યા હતા અને એમાંથી ૧૦૮ની ડિપોઝિટ ગઈ હતી. પરંતુ ભાજપે ૨ સિટ જીતીને ખાતું ખોલાવ્યું હતુ. બે પૈકીની એક બેઠક મહેસાણાની હતી. વિપક્ષમાં રાષ્ટ્રીય પક્ષને બદલે ૩૦ સિટ સાથે  ટી.એન.રામરાવની તેલુગુ દેશમ પાર્ટી આવી હતી.
૧૯૮૯ નવમી લોકસભા 
કોંગ્રેસને ૧૯૭ બેઠક મળી હતી, જ્યારે જનતા દળને ૧૪૩ બેઠક મળી હતી.
આ ચૂંટણી વખતે ભાજપનું કદ બે બેઠકથી વધીને ૮૫ સુધી પહોંચ્યુ હતુ. એટલે કે નોંધપાત્ર પ્રગતી કરી હતી. બીજી તરફ રાજીવ ગાંધીની સરકારે ખાસ કંઈ ઉકાળ્યું ન હતુ, માટે તેમની બેઠકો ૪૦૪થી ઘટીને ૧૯૭ આવી ગઈ હતી. રાજીવ ગાંધી કેબિનેટમાં સંરક્ષણ અને અન્ય મંત્રાલયો સંભાળી ચુકેલા વિશ્વનાથ પ્રતાપ સિંહે ઘણા-બધા પક્ષોને એકઠા કરી જનતા દળ ઉભો કર્યો હતો. 

એ સમૂહ શક્તિને ૧૪૩ બેઠકો મળી હતી અને અન્ય સાથીદારોની મદદથી સરકાર પણ બની હતી. સામાન્ય રીતે વડા પ્રધાન બનવા ખેંચતાણ થતી હોય પરંતુ વી.પી.સિંહની ભલામણ છતાં હરિયાણાના દેવીલાલે ખુરશીનો ત્યાગ કર્યો હતો. ભવિષ્યમાં આઠમા વડા પ્રધાન બનવાની તૈયારી કરતા ચંદ્રશેખરે ટેકો પાછો ખેંચી લેતા બે વર્ષ ચાલેલી ખીચડી સરકાર પડી ભાંગી હતી. ત્યારે ચૂંટણીમાં મતદાનની ઊંમર ૨૧થી ઘડાટીને ૧૮ કરાઈ હતી. 
૧૯૯૧ દસમી લોકસભા 
ફરી વખત મેદાનમાં આવેલા કોંગ્રેસે ૨૩૨, જ્યારે મજબૂત બનેલા ભાજપે ૧૨૦ બેઠક હાંસલ કરી હતી
આ વખતે ફરીથી મતદારોએ પક્ષને સ્પષ્ટ  બહુમતી આપી ન હતી. મંડલ કમિશને ભલામણ કરેલી અનામત પ્રથાનો અમલ ત્યારથી શરૂ થયો હતો. મિક્સ સરકારની આગેવાની સવા બસ્સોથી વધુ બેઠક મેળવનારા કોંગ્રેસ પક્ષે લીધી હતી. 

કોંગ્રેસમાંથી નરસિંહમારાવ વડા પ્રધાન બન્યા હતા અને એ વખતે જ દેશના સૌથી મહત્ત્વપૂર્ણ આર્થિક સુધારા દાખલ કર્યા હતા. નહેરુ-ગાંધી પરિવારમાંથી ન આવતા હોય એવા શાસ્ત્રીજી પછી રાવ બીજા વડા પ્રધાન હતા. ચૂંટણી પ્રચાર વખતે જ રાજીવ ગાંધીની હત્યા થઈ હતી. એ પછી સોનિયા ગાંધીને વડા પ્રધાન થવાની ઑફર થઈ હતી, જે તેમણે સ્વીકારી ન હતી.
વડાપ્રધાન બનેલા નરસિંહરાવ નાદુરસ્ત તબિયતને કારણે ચૂંટણી લડયા ન હતા પણ પક્ષ પ્રધાનમંત્રીની ખુરશી પર બેસીને પછી પેટા ચૂંટણીમાં વિજયી થયા હતા. આ ચૂંટણી વખતે જ ભારતના રાજકારણમાં મુલાયમસિંહ યાદવનો ઉદય થયો હતો. ખિચડી સરકાર હોવા છતાં પાંચ વર્ષ સુધી રાજ કર્યું હતું.
૧૯૯૬  અગિયારમી લોકસભા
ભાજપને ૧૬૧ બેઠક મળી હતી, બીજા નંબરના પક્ષ કોંગ્રેસને ૧૪૦ સિટ મળી હતી.
આઝાદ ભારતમાં પહેલી વખત કોંગ્રેસ સિવાયના કોઈ પક્ષને જનતાએ પ્રચંડ સમર્થન આપ્યું હતું, એ પક્ષ ભાજપ હતો. જોકે ભાજપને માંડ ૧૩ દિવસ માટે સત્તા મળી હતી. વાજપેયીએ એટલો સમય રાજ કર્યું ત્યાં ટેકા ખરી પડયા હતા. એ પછી કોંગ્રેસે જનતા દળની આગેવાનીમાં બનેલા મોરચાને ટેકો આપ્યો હતો અને એ મોરચાના આગેવાન એચ.ડી.દૈવગોડા વડા પ્રધાન બન્યા હતા. 

મિશ્ર સરકારે થોડા સમયમાં જ અસલ રંગ દર્શાવવાનો શરૂ કર્યો હતો એટલે ૨ વર્ષમાં ૩ વડા પ્રધાન બદલાયા હતા. એ વખતે લોકોને પહેલી વાર ખબર પડી કે જો કોઈ એક પક્ષને પુરતાં મતો ન મળે તો કઈ રીતે અજાણ્યા નેતાઓ અચાનક વડા પ્રધાનની ખુરશી પર આવી જાય અને દેશ-દુનિયા તેને ઓળખી લે એ પહેલાં જતા પણ રહે. ઉમેદવારોની સંખ્યા વધીને ૧૩,૯૫૨ સુધી પહોંચી હતી અને તેમાંથી ૧૨,૬૮૮ તો ડિપોઝિટ ગુમાવી હતી.
૧૯૯૮  બારમી લોકસભા
 
ભાજપને ૧૮૨ અને બીજા ક્રમે કોંગ્રેસને ૧૪૧ બેઠક મળી હતી.
આ વખતે સમાજવાદી પક્ષ, જયલલિતાના એઆઈડીએમકે અને બીજુ જનતાદળ વગેરે નાના પક્ષ મેદાનમાં ઉતર્યા હતા અને મોટાં પણ થયા હતા. સદાકાળ ચાલ્યા આવતા અયોધ્યાના મુદ્દાને કારણે ેનડીએની સરકારે સત્તા મેળવી હતી. તેમને દક્ષિણમાંથી લાંબી રાહ જોવડાવ્યા પછી જયલલિથાએ ટેકો આપ્યો હતો અને મન પડયું ત્યારે પાછો ખેંચી પણ લીધો હતો! સોનિયા ગાંધી એ વખતે અમેઠી (ઉત્તર પ્રદેશ) અને બેલ્લારી (કર્ણાટક)એમ બે જગ્યાએથી ચૂંટાયા હતા. 

તો અગાઉ ૧૩ દિવસ માટે વડાપ્રધાન બનેલા વાજયેપી આ વખતે ૧૩ મહિના સુધી સરકાર ચલાવામાં સફળ રહ્યા હતા. એ પછી ટેકા ખસી જતા સરકારનું પતન થયું હતુ. ટૂંકી સત્તા છતાં વાજપેયીએ ઓપરેશન શક્તિ હેઠળ પોખરણમાં અણુ પરિક્ષણ કરીને અણુશસ્ત્ર મુદ્દે પોતાના તથા ભારતના મજબૂત ઈરાદાનો સંકેત આપી દીધો હતો.
૧૯૯૯  તેરમી લોકસભા
ભાજપને ૧૮૨ બેઠક મળી હતી, કોંગ્રેસે ત્યાર સુધીના ઈતિહાસમાં સૌથી ઓછી ૧૧૪ બેઠક મેળવી હતી.
સત્તાની ખેંચતાણને કારણે દેશની જનતાને બે વર્ષના ટૂંકા ગાળામાં બીજી ચૂંટણીનો લાભ મળ્યો હતો. એ ચૂંટણી પહેલા જ કાગરીલ યુદ્ધ ખેલાયું હતું. જોકે સત્તા પક્ષ ભાજપને તેનો જોઈએ એવો લાભ મળ્યો ન હતો, બહુમતી જરૂર મળી હતી પરંતુ એ સત્તામાં આવવા માટે પૂરતી ન હતી. ગુજરાતમાં ભાજપને ૨૦, કોંગ્રેસને ૬ બેઠક મળી હતી. 

એનડીએમાં ૨૦ પક્ષોનો મેળો જામ્યો હતો અને એ બધા પક્ષોને એકજૂઠ કરીને પાંચ વર્ષ પુરા કરવામાં અટલજીને સફળતા મળી હતી. આઝાદ ભારતમાં એ પહેલી બીન કોંગ્રેસી સરકાર હતી, જેણે પાંચ વર્ષ પૂર્ણ કર્યા હતા. ભાજપ પાસે સૌથી વધુ બેઠકો હતી પણ મતદાનની ટકાવારીમાં એ પહેલા ક્રમે ન હતી. સૌથી વધુ ૨૮ ટકા મતો કોંગ્રેસને મળ્યા હતાં, જ્યારે ભાજપને ૨૪ ટકા મતો મળ્યા હતાં! કુલ ૪૬૪૮ ઉમેદવારો ચૂંટણી માટે મેદાનમાં હતાં અને તેમાંથી ૩૪૦૦એ પોતાની ડિપોઝીટ ગુમાવી હતી. 
૨૦૦૪ ચૌદમી લોકસભા 
કોંગ્રેસને ૧૪૫ બેઠક મળી હતી, જ્યારે ભાજપને ૧૩૮ મળી હતી.
એનડીએ સરકારે ફીલ ગૂડ ફેક્ટર અજમાવ્યું, જેમાં મતદારોને કંઈ સારી ફિલિંગ ન આવી. અડવાણીની આગેવાની પણ જોઈએ એટલી સફળ ન રહી. માટે ભાજપની બેઠકોમાં મોટો ઘટાડો આવ્યો. ભાજપે ૫૩૪માંથી ૩૬૪ બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કોંગ્રેસે ૪૧૭ ઉમેદવારો પાસે ચૂંટણી લડાવી હતી. વડા પ્રધાન બનવાની તક આવી ત્યારે એ તક જતી કરી સોનિયા ગાંધીએ પડદાં પાછળ રહી સરકાર ચલાવાનું પસંદ કર્યું હતુ.

બીજી તરફ ભાજપને કેન્દ્રમાં સત્તા સુધી પહોંચાડનારા અટલજીએ એ ચૂંટણી પછી સક્રિય રાજકારણમાંથી ખસવાની શરૂઆત કરી દીધી હતી. કોંગ્રેસ પાસે પુરતી બેઠકો ન હતી પરંતુ વિશ્વાસનો મત રજુ કરવાનો સમય આવ્યો ત્યાં સુધીમાં તેમણે ૨૭૨ના જાદુઈ આંકની ગોઠવણ કરી લીધી હતી! ભાજપની હારના વિવિધ કારણોમાં એક વધુ પડતો આત્મવિશ્વાસ અને બીજુ એન્ટિ ઈન્કમ્બસી હોવાનું મનાયુ હતું.
૨૦૦૯ પંદરમી લોકસભા
કોંગ્રેસને ૨૦૬ અને ભાજપને ૧૧૬ બેઠક મળી હતી. 
અનેક હોબાળા અને સત્તામાં વિવિધ પક્ષોના શંભુમેળા છતાં કોંગ્રેસે ફરીથી સત્તા હાંસલ કરી હતી. એ બેશક સોનિયા ગાંધીની સિદ્ધી હતી. દેશના એક ખુણામાં જ રહેતા ડાબેરી પક્ષોની બેધારી નીતિનો પહેલી વખત આ લોકસભા વખતે દેશને પરિચય થયો હતો. ડાબેરીઓએ અમેરિકા સાથે પરમાણુ સંધિ સહિતના અનેક દેશના વિકાસ માટે અનિવાર્ય હોય એવા મુદ્દાઓમાં રોડા નાખ્યા હતાં. બાદમાં ડાબેરી પક્ષોએ સરકારનો સાથ પણ છોડી દીધો હતો. 

તો પણ યુપીએ સરકાર બહુમત સાબિત કરવામાં સફળ રહી હતી. ભાજપે ભાજપે અડવાણીને વડા પ્રધાન પદના દાવેદાર તરીકે રજુ કરી આગળ કર્યા હતા. હાર થયા પછી અડવાણીને સંપૂર્ણપણે કોરાણે મુકી દેવાની શરૂઆત થઈ હતી. ભારતમાં યુરોપ આખુ અને અમેરિકાની કુલ વસતી કરતા વધારે થાય એટલા ૭૧ કરોડ મતદારો નોંધાયા હતા. સમગ્ર ચૂંટણી માટે પહેલી વાર ઈલેક્ટ્રોનિક વોટિંગ મશિન(ઈવીએમ)નો જ ઉપયોગ થયો હતો. એ માટે સાડા તેર લાખથી વધારે ઈવીએમ વપરાયા હતાં. ગુનાઈત સાંસદોનો મોટે પાયે ઉદય થયો હતો કેમ કે ૧૫મી લોકસભામાં ઓછામાં ઓછા દોઢસો એવા સાંસદો હતાં, જેમના પર કેસ ચાલતા હતો.
૨૦૧૪  સોળમી લોકસભા
ભાજપના સંગઠન એનડીએને ૨૮૨ જ્યારે કોંગ્રેસને ૪૪ સિટ મળી હતી.
મોદી મેજિક શું છે એ ગુજરાત પછી આખા દેશને એ વખતે સમજાયુ હતું. સાથે સાથે કોંગ્રેસના રગશિયા સરકારથી પણ પ્રજા કંટાળી હતી. માટે જ્યાં ભાજપને પગ રાખવાની જગ્યા મળતી ન હતી એ ઉત્તર પ્રદેશમાં વિક્રમજનક રીતે ૮૦માંથી ૭૧ બેઠક મળી હતી. ઘણા વર્ષો પછી કોઈ પક્ષને સંપૂર્ણ બહુમતી મળી હતી અને સ્થિર સરકાર રચાઈ હતી. 

એ ભારતની પહેલી એવી ચૂંટણી હતી જેમાં સોશિયલ મીડિયા અને ટેકનોલોજીનો વ્યાપક ઉપયોગ થયો હતો. અડવાણીને ફરીથી વડા પ્રધાન પદના દાવેદાર થવાની ઈચ્છા હતી પરંતુ ભાજપે પહેેલેથી જ નરેન્દ્ર મોદીને ઉમેદવાર જાહેર કરી તેના ચાહકોને મતદાતામાં ફેરવી નાખ્યા હતા. કોંગ્રેસની બેઠકોની સંખ્યા પહેલી વાર ઘટીને બે આંકડા પર (૪૪) આવી ગઈ હતી. કુલ બેઠકની દસ ટકા સિટો પણ ન હોવાથી સત્તાવાર રીતે વિરોધ પક્ષના નેતાની વરણી થઈ શકી ન હતી.
 
સાડા ત્રણ દાયકાથી કોંગ્રેસ માટે 'પ્રવેશબંધી!'
 
ઇન્દિરા ગાંધીની હત્યા પછી યોજાયેલી લોકસભા ચૂંટણીમાં ૪૦૪ બેઠકો સાથે સમગ્ર દેશમાં કોંગ્રેસનું સ્ટીમ રોલર ફરી વળ્યું હતું. ૧૯૮૪માં કોંગ્રેસે ગુજરાતમાં છેલ્લી વાર જીતેલી લોકસભા બેઠકોમાં અમદાવાદ, સૂરત અને ભરુચનો સમાવેશ થાય છે. ૧૯૮૯માં ભાજપે હિંદુત્વના એજન્ડાના આધારે શહેરી વિસ્તારોમાં પકક્ડ જમાવતા કોંગ્રેસ આ બેઠકો પર હજુ સુધી જીત મેળવી શકી નહી. 
અમદાવાદ લોકસભા

અમદાવાદ લોકસભા બેઠકની વાત કરીએ તો ૧૯૬૨, ૧૯૬૭ અને ૧૯૭૧માં ગાંધીવાદી, સેવાભાવી ઇન્દુલાલ યાજ્ઞિાક(ઇન્દુચાચા) સાંસદ હતા. જેમાં તેઓ એક વાર એનજેપી,એક વાર અપક્ષ અને ૧૯૭૧ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ વતી ચૂંટણી જીત્યા હતા. ઇન્દેરા ગાંધીએ લાદેલી ઇમરજન્સી પછી ૧૯૭૭ની મધ્યાવર્તી ચૂંટણીમાં પણ અમદાવાદ બેઠક પર કોંગ્રેસના અહેસાન જાફરીએ જીત મેળવી હતી. 
૧૯૮૦માં મગનભાઇ બારોટ અને ૧૯૮૪માં અમદાવાદ બેઠક પર કોંગ્રેસના હારુભાઇ મહેતાએ ભાજપના અશોક ભટ્ટને પરાજય આપ્યો હતો. ૧૯૮૪માં હારુભાઇ કોંગ્રેસના સાંસદ તરીકે ચૂંટાઇ આવેલા છેલ્લા ઉમેદવાર હતા. ત્યાર પછી છેલ્લા ૩૫ વર્ષમાં યોજાયેલી ૮ લોકસભા ચૂંટણીમાં એક પણ વાર કોંગ્રેસ જીતી શકી નથી.
૧૯૮૯માં  હરીન પાઠકે પ્રથમ વાર અમદાવાદ બેઠક ભાજપની ઝોળીમાં નાખી હતી. ત્યાર પછી વર્ષ ૨૦૦૯ની લોકસભા ચૂંટણી સુધી હરીન પાઠક સાત વાર સાંસદ રહયા હતા.૨૦૧૪માં ભાજપે ઉમેદવાર બદલીને  હરીન પાઠકના અભિનેતા પરેશ રાવલને ટીકિટ આપતા તેઓ પણ ૩ લાખથી વધુ મતોથી વિજયી થયા હતા.

કોંગ્રેસે અમદાવાદ બેઠક જીતવા માટે છેલ્લા ૩૫ વર્ષમાં ૯ ઉમેદવારોને અજમાવ્યા છતાં ભાજપના ગઢ સમી આ લોકસભા બેઠકમાં ફાવી શકી નથી.  ભાજપ દ્વારા લોકસભાની દરેક ચૂંટણીમાં સરળતાથી ઉમેદવાર જાહેરાત થતી હતી પરંતુ ૨૦૧૯ના જંગમાં ઉમેદવારની પસંદગી ઘોંચમાં પડી હતી.
સુરત 
એક સમયે સૂરત બેઠક દેશના પ્રથમ ગુજરાતી વડાપ્રધાન મોરારજી દેસાઇનો ગઢ ગણાતી હતી. તેઓ ૧૯૬૨ અને ૧૯૬૭માં કોંગ્રેસ પક્ષ
, ૧૯૭૧ નેશનલ કોંગ્રેસ અને ૧૯૭૭માં ભારતીય લોક દળના ઉમેદવાર તરીકે ચૂંટણી જીત્યા હતા. તેઓ દેશની પ્રથમ બિન કોંગ્રેસી જનતા સરકારમાં વડાપ્રધાન પદ શોભાવતા હતા ત્યારે સૂરત બેઠકના સાંસદ હતા.૧૯૮૦માં મોરારજી દેસાઇ સૂરત બેઠક પરથી ચૂંટણી લડયા ન હતા. આથી કોંગ્રેસ (આઇ)ના  છગનભાઇ પટેલ (સીડી પટેલ) ભારતીય લોકદળના જસવંતસિંહ ચૌહાણને હરાવીને બેઠક જીતવામાં સફળ રહયા હતા.
૧૯૮૪ની લોકસભા ચૂંટણીમાં પણ સીડી પટેલે ભાજપના કાશીરામ રાણાને હરાવીને વિજેતા બન્યા હતા. સૂરત બેઠક જીતવામાં કોંગ્રેસને મળેલી છેલ્લી સફળતા હતી ત્યાર પછી આજ સુધી કોંગ્રેસ દર ટર્મમાં ઉમેદવાર બદલ્યા તેમ છતાં જીત મળી નથી. ૧૯૮૯માં ભાજપના કાશીરામ રાણાએ કોંગ્રેસના બે ટર્મથી સાંસદ સીડી પટેલને હરાવીને સૂરત બેઠક પર ભાજપને પ્રથમ વાર જીત અપાવી હતી. ત્યાર પછી કાશીરામ રાણા સતત ૬ ટર્મ સુધી આ બેઠક પરના વિજેતા હતા.૨૦૦૯માં કાશીરામ રાણાનું પત્તુ કાપીને ભાજપે દર્શનાબહેન જરદોશને ટીકિટ આપી હતી.તેઓ પણ ૨૦૦૯ અને ૨૦૧૪ એમ બે ટર્મ સુધી સૂરત બેઠકના સાંસદ રહયા.
ભરુચ
દક્ષિણ ગુજરાતનું પ્રવેશદ્વાર ગણાતી ભરુચ બેઠક પર ભાજપ ૩૫ વર્ષથી અજેય રહયું છે. ભાજપે ૧૯૮૯માં ભરુચ બેઠક પર ચંદુભાઇ દેશમુખને ટીકિટ આપતા તેમણે ભાજપને પ્રથમવાર વિજયની ભેટ આપી હતી.
  વર્ષ ૧૯૭૭, ૧૯૮૦ અને ૧૯૮૪ની સતત ૩ લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસના દિગ્ગજ અહેમદ પટેલ ભરુચ બેઠક પરથી સંસદના પ્રતિનિધિ હતા. મુસ્લિમ અને આદિવાસી બહુલ આ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે રોમાંચક મુકાબલો પણ જોવા મળે છે પરંતુ જીત સતત ભાજપની થાય છે. 

૧૯૮૯, ૧૯૯૧ અને ૧૯૯૬ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચંદુભાઇ દેશમુખે અહેમદ પટેલ અને આદિવાસી નેતા છોટુ વસાવાને હરાવીને ગઢ જાળવી રાખ્યો હતો. ૧૯૯૯માં ભાજપે ઉમેદવાર બદલતા ચંદુભાઇ દેશમુખના સ્થાને મનસુખ વસાવાને ઉભા રાખ્યા હતા. મનસુખ વસાવાએ પણ કોંગ્રેસના અમરસિંહ વસાવાને પરાજય આપીને ભાજપની જીતની પરંપરાને આગળ વધારી હતી. 

ભાજપના વસાવા ૨૦૦૪, ૨૦૦૯ અને ૨૦૧૪ની લોકસભા ચૂંટણીમાં પણ જીત મેળવીને કાંગ્રેસને વિજયથી વંચિત રાખી છે. આ બેઠક પર છેલ્લા ૩૫ વર્ષમાં કોંગ્રેસે અહેમદ પટેલથી માંડીને અઝીઝ ટંકારવી જેટલા સુધીના ૭ ઉમેદવારો અજમાવ્યા છતાં ભાજપને પરાસ્ત કરવામાં સફળતા મળી નથી.