Sunday, 9 June 2019

અમેરિકાએ ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવાને મંજૂરી આપી, મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની પણ ઓફર

 

- ભારત અને અમેરિકા વચ્ચે 2.5 અબજ ડોલરની સમજૂતી થવાની શક્યતા

- ભારતને પોતાની સૈન્ય ક્ષમતાઓ વધારવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા કરવામાં મદદ મળશે


અમેરિકન સરકારે ભારતને સશસ્ત્ર ડ્રોન વેચવાને મંજૂરી આપી દીધી છે. આ સાથે જ તેણે ભારતને ઇન્ટેગ્રેટેડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ વેચવાની ઓફર કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને અમેરિકા વચ્ચે આ સમજૂતી ૨.૫ અબજ ડોલરમાં થવાની શક્યતા છે. આનાથી ભારતને પોતાની સૈન્ય ક્ષમતાઓને વધારવા અને ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં પોતાના હિતોની રક્ષા કરવામાં મદદ મળશે. 
અમેરિકાની તરફથી મંજૂરી અને ઓફરવાળો આ પ્રસ્તાવ ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં પુલવામામાં સીઆરપીએફ કાફલા પર થયેલા હુમલા પછી પાકિસ્તાનની સાથે વધેલી તંગદિલી વચ્ચે મળ્યો છે.
ઉલ્લેખનીય છે કે ચીનની વધતી સૈન્ય તાકાત પણ ભારત માટે ચિંતાનો વિષય રહી છે. આ સાથે જ ભારત એશિયામાં સંતુલિત શક્તિ સ્થાપિત કરવામાં પણ અમેરિકા માટે મદદરૂપ સાબિત થશે. 
અધિકારીઓના જણાવ્યા અનુસાર ટ્રમ્પ વહીવટી તંત્ર પોતાની સૌથી શ્રેષ્ઠ સૈન્ય ટેકનિકને ભારતને ઓફર કરવા માટે સંપૂર્ણ તૈયાર છે.  વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારતને સૈન્ય ડ્રોન વેચવાની મંજૂરી આપી દીધી છે. અમે ભારતને ઇન્ટિગ્રેટેડ એર એન્ડ મિસાઇલ ડિફેન્સ ટેકનોલોજી ઓફર કરી છે.
જો કે તેમણે આ ટેકનોલોજી કેટલા સમયમાં સોંપવામાં આવશે તે બતાવવાનો ઇનકાર કર્યો હતો. જૂન, ૨૦૧૭ દરમિયાન વડાપ્રધાન મોદી અને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની બેઠક દરમિયાન અમેરિકા ભારતને ગાર્ડિયન ડ્રોન્સનું સર્વેલન્સ વર્ઝન વેચવા તૈયાર થયું હતું.

No comments:

Post a comment