ગુરુવાર, 6 સપ્ટેમ્બર, 2018

કચ્છનું એ રેડિયો સ્ટેશન જે માત્ર મહિલાઓ દ્વારા ચાલે છે

 

"હું પહેલાં કોઈની સામે કંઈ પણ બોલતી વખતે ઘણી શરમાઈ જતી હતી અને કોઈ પણ નવી વ્યક્તિ સામે બોલતાં અચકાતી પણ હતી." કચ્છનાં 25 વર્ષીય શાંતા પાયણે આ વાત કહી.
શાંતા કહે છે, "જ્યારથી હું 'સઈયરેં જો' રેડિયો સાથે જોડાઈ છું, ત્યારથી મને લાગે છે કે, મેં મારો પોતાનો અવાજ શોધી લીધો છે."

'સઈયરેં જો' રેડિયોમાં શાંતા એક સ્વંયસેવિકા તરીકે કામ કરે છે.

બીજી તરફ, તેઓ કડિયાકામ કરીને દરરોજનાં 200 રૂપિયા કમાય છે. તેમની જેમ અનેક મહિલાઓ કચ્છમાં પોતાનાં અંદરનો અવાજ આ રેડિયો મારફતે શોધી રહી છે.

'સઈયરેં જો' રેડિયો એક સામુદાયિક એટકે કે કૉમ્યુનિટી રેડિયો છે. રેડિયોને ગામડામાં રહેતી મહિલાઓ જ ચલાવે છે. આમાંથી કેટલીક મહિલાઓએ ક્યારેય શાળામાં ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી.

શાંતા પાયણ છેલ્લા કેટલાક મહિનાથી આ રેડિયોમાં સ્વયંસેવિકા તરીકે કામ કરી રહ્યાં છે.

કચ્છનાં લગભગ 26 ગામડાંમાં લોકો નિયમિત રીતે 'સઈયરેં જો' રેડિયો સાંભળે છે.

ભારત સરકારના ઇન્ફર્મૅશન અને બ્રૉડકાસ્ટિંગ વિભાગ મુજબ, 'સઈયરેં જો' ઉપરાંત જમ્મુ અને કાશ્મીરનો રેડિયો 'શારદા', ભારતના સરહદી વિસ્તારોમાં કાર્યરત માત્ર બે કૉમ્યુનિટી રેડિયો સ્ટેશન છે.

જીવનને સ્પર્શી રહ્યો છે આ રેડિયો
2012માં શરૂ થયા બાદ 'સઈયરેં જો' રેડિયોના આશરે 6000 જેટલાં શ્રોતાઓ છે. 90.4 મેગાહર્ટ્ઝની ફ્રિક્વન્સી પર સાંભળવા મળતું આ રેડિયો કચ્છ જિલ્લામાં આવેલા નખત્રાણા તાલુકાના ભીમસર ગામથી ઑપરેટ કરે છે.

કચ્છ મહિલા વિકાસ સંગઠન દ્વારા રૂ. આઠ લાખ 50 હજારના ખર્ચે આ કૉમ્યુનિટી રેડિયો સ્ટેશનની સ્થાપના કરવામાં આવી છે.

'સઈયરેં જો' રેડિયો પર કચ્છની મહિલાઓને સમજાય તેવી રીતે તેમની કચ્છી ભાષામાં કાર્યક્રમ પ્રસારિત કરવામાં આવે છે. આ રેડિયો પર ગામલોકોને મદદરૂપ થાય તેવા સ્વાસ્થ્યને લગતા તેમજ સરકારી યોજનાઓ અને પશુપાલન વિશેની માહિતી આપતા કાર્યક્રમ વધારે પ્રસારિત થાય છે.
શરીફા છેડા 'સઈયરેં જો'નાં રેડિયો સ્ટેશન મૅનેજર છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો