ડો.અનિતા
લોકસાહિત્ય પર આધારિત સિધ્ધાંત માટે કોપીરાઈટ મેળવનાર દેશના પ્રથમ નાગરિક બન્યા
'આપણા સાહિત્યમાં એટલી લોકકથાઓ છે કે
જેને આર્કિઓલોજી, જીઓલોજી કે ઈતિહાસ સાથે સંલગ્ન કરીને
અભ્યાસ કરીએ તો નવી શોધ થઈ શકે છે. પરંતુ અફસોસની વાત એ છે આ વિષયમાં ઊંડાણ પૂર્વક
રિસર્ચ જ ઓછું થઈ ગયું છે.અને આ દિશામાં રિસર્ચ કરીને કોપીરાઈટ મેળવનાર હું પ્રથમ
નાગરિક બની છું.'એમ, પ્રો.ડો.અનિતા શુક્લાનું કહેવું છે.
એમ.એસ.યુનિ.ના હિન્દી વિભાગમાં
પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો.અનિતાએ મે ૨૦૧૭થી આ પ્રોજેક્ટ હાથ ધર્યો હતો. તેઓ છત્તીસગઢના
અડભાર ગામની વતની છે.અને જ્યારે પણ તેઓ ત્યાં જતા ત્યારે 'છમાસી રાત કી
ઘટના' આ લોકકથા ખૂબ સાંભળતા હતા. લોકકથાના મૂળ શોધવા માટે
જીઓલોજીની થીયરી સાથે જોડાઈને સંશોધન કર્યું હતું.ત્યારે ધ્યાનમાં આવ્યું કે, જ્યારે પૃથ્વી
એક મહાદ્વીપ હતી ત્યારે લાખો વર્ષ પહેલા પણ માનવ જીવન અસ્તિત્વમાં હતું. લોકકથાને
આધારે છમાસી રાત ધુ્રવિય ક્ષેત્રમાં થતી હતી એટલે છત્તીસગઢ ધ્રુવિય ક્ષેત્રની પાસે
હતું અથવા લોકોની અવર-જવર અહીં રહેતી હતી.છમાસી રાતનો ઉલ્લેખ ફક્ત લોકકથામાં જ
નહીં પરંતુ વ્રજ ભાષામાં લખાયેલા લોકગીતમાં પણ થયો છે. પૃથ્વી જ્યારે પૂર્ણ
રુપમાંથી ટૂકડા સ્વરુપમાં બદલતી હશે ત્યારે મનુષ્યે પણ એક સ્થળેથી બીજા સ્થળે
સ્થળાંતર કર્યું હશે કારણકે ત્યારે બનેલી છમાસી ઘટના આજે પણ લોકકથાના સ્વરુપે લોકો
સાંભળી રહ્યા છે. વધુમાં તેમણે કહ્યું, લોક સાહિત્ય જ્ઞાન-વિજ્ઞાનનો ભંડાર
છે. જેમાં સદીઓ પહેલાનો સાંસ્કૃતિક વારસો સમાયેલો છે. તેમાં ઘણા તથ્યો પણ સચવાયેલા
છે. તેને ઈતિહાસ વિષયના સહારાથી સમજી શકાય તેમ છે.ઉલ્લેખનીય છે કે
ડો.અનિતા શુક્લાએ આ રિસર્ચ પેપર જુલાઈ મહિનામાં ઈન્ડોનેશિયામાં યોજાયેલી
આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ 'લેંગ્વેજ લીટરેચર એન્ડ સોસાયટી'માં પોતાનું
પેપર ઓનલાઈન વીડિયો કોન્ફરન્સ દ્વારા રજૂ કર્યું હતું.
- છમાસી ઘટના
શું છે?
છત્તીસગઢના અડભાર ગામની લોકકથા
પ્રમાણે છમાસી એટલે છ મહિના રાત અને છ મહિના દિવસ.જ્યારે શિવ ભગવાનની બારાત
દેવી-દેવતાઓ સાથે છ મહિનાના અંધકારમાંથી જઈ રહી હતી ત્યારે તમામને સૂચના આપવામાં
આવી હતી કે જ્યાં સવાર થાય ત્યાં રોકાઈ જવાનું.અને જ્યારે તેઓ અડભાર ગામમાં
પહોંચ્યા ત્યારે સવાર પડી ગઈ એટલે આ તમામ બારાતીઓ પથ્થર રુપે ત્યાં સ્થિર થઈ ગયા
હતા. આજે પણ અડભારની ગલીઓમાં પથ્થરની મૂર્તિઓ જોવા મળે છે.
- સૂરજે જ્યારે
આંખ બંધ કરી ત્યારે રાત થઈ!
વ્રજ ભાષામાં લખાયેલ ગીત 'ઝમકી અટરિયન
ચઢી ગયી સૂરજ' વિશે વાત કરતા ડો.અનિતાએ કહ્યું કે, સૂર્ય દેવતા
ઘણા વ્યસ્ત રહેતા હતા તેમના ઘરમાં તેમની માતા અને પત્નિ રહેતી હતી.તેઓ છ-છ મહિના
સુધી ઘરે આવતા ન હતા. એક દિવસ તેઓ વેશ પલ્ટો કરીને પોતાના ઘરે પહોંચ્યા ત્યારે
પત્નિ તેમને ઓળખી ગઈ. સૂર્ય દેવતાની આગતા-સ્વાગતા કરી, જમવાનું આપ્યુ
અને જ્યારે સૂર્ય દેવ પલંગ પર આરામ કરવા ગયા ત્યારે ધીમે-ધીમે તેમની આંખ બંધ થતી
ગઈ અને ત્યારથી છ મહિના રાતની શરુઆત થઈ.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો