વેળાવદરમાં ઘાસના સપાટ મેદાનો પર કાળિયારને દોડતા-કૂદતા
જોવા એક લાહવો
- કાળિયાર
રાષ્ટ્રીય ઉદ્યાનની વર્ષે 616 વિદેશી
સહિત 11,390 પ્રવાસીઓએ
મૂલાકાત લીધી
ભાવનગર જિલ્લાના વેળાવદર સ્થિત કાળિયાર રાષ્ટ્રીય
અભ્યારણ્યમાં ઘાસના સપાટ મેદાનો પર દોડતા-કૂદતા કાળિયારોને જોવા તે દરેક વ્યક્તિ
માટે એક લાહવો છે. આજે વિશ્વ પ્રવાસન દિવસ છે, ત્યારે વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાનની વાત કરવી ઘટે ! અહીં
વિતેલા એક વર્ષમાં 10,774 ભારતીય અને 616 વિદેશી સહિત 11,390 પ્રવાસીઓએ મૂલાકાત લીધી હતી. જેમાં ફોરેસ્ટને રૂ. 26,55,753ની આવક થઈ હતી.
કાળિયારના મોટા ટોળાનો એક સાથે શિકાર કરવા કેટલીક શિકારી
ટોળકીઓ સક્રિય બની હતી. જેથી કાળિયારને શિકારીઓથી બચાવવા 1969માં અભ્યારણ્યની સ્થાપના થઈ હતી. 1976માં આ સમગ્ર વિસ્તારની 1800 હેક્ટર જમીનને આવરી લઈ કાળિયારો
માટે અહીં રાષ્ટ્રીય ઉદ્યાન સ્થાપવામાં આવ્યુ હતુ. કાળિયાર હરણ તેના દેહસૌષ્ઠવ, છલાંગોવાળી ગતિ, સુંદર શિંગડા અને આકર્ષક દેખાવના
કારણે વિશ્વના સુંદર તૃણભક્ષી પ્રાણીઓમાં મહત્વનું સ્થાન ધરાવે છે.
કૃષ્ણમૃગના નામથી ઓળખાતા કાળિયાર એક મૃગ પરિવારનું સુંદર
પ્રાણી છે. જેની બરોબરી દુનિયાની બીજી કોઈ મૃગજાત ભાગ્યે જ કરી શકશે. આ કાળિયાર
જાત ભારતીય છે. જે ભારત બહારની અન્ય કોઈ વન્ય સૃષ્ટિમાં જોવા મળતી નથી. વેળાવદર
રાષ્ટ્રીય ઉદ્યાનમાં કાળિયારો માટે આદર્શ વ્યવસ્થા કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાની મૂલાકાતે આવતા કોઈ પણ વિદેશી કાળિયારને
જોવાની તક ચૂકતા નથી. ચોમાસા દરમિયાન હાલ અભ્યારણ્ય બંધ છે. પરંતુ ગત વર્ષ દરમિયાન
616 વિદેશીઓએ કાળિયાર રાષ્ટ્રીય અભ્યારણ્યની મૂલાકાત લીધી હતી.
સાથો સાથ 10,774 ભારતીય પ્રવાસીઓ પણ કાળિયાર અભ્યારણ્યના મહેમાન બન્યા હતા.
આજે વિશ્વ પ્રવાસન દિને આ સ્થળની માત્ર ભાવનગર જ નહીં દેશભરમાં શ્રેષ્ઠ પ્રવાસન
સ્થળ તરીકે નોંધ લેવાઈ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો