મંગળવાર, 20 માર્ચ, 2018


એકસમયે માનવ વસ્તી સાથે રહેતી અને આજે અસ્તિત્વ સામે ઝઝુમતી ચકલીની સંખ્યા હવે 10 ટકા પણ રહી નથી!


આજે વિશ્વ ચકલી દિવસ: વાતાવરણને જીવંત રાખનાર ચકલી આજે તેની ઘટતી સંખ્યાને કારણે વધુ યાદ કરવામાં આવે છે
- માળો બાંધવાની અણઆવડત અને દુશ્મનોની હેરાનગતિને કારણે ચકલીઓની સંખ્યા ઘટી રહી છે
માનવ વસ્તીની સાથે વસનારૃ આ નાનકડું પક્ષી તે ચકલી. ઘર આંગણે, બખોલમાં, ગોખલામાં કે માટીના કુંડા જેવા માળામાં રહેનારૃ અને આખો દિવસ ચીં..ચીં..ચીં... એ ઉડા.. ઉડ... કરનારૃ અને વાતાવરણને જીવંત રાખનાર આ ચકલી આજે 'વિશ્વ ચકલી દિવસ' નિમિત્તે તેની ઘટતી સંખ્યાને કારણે વધુ યાદ કરવામાં આવે છે.

20મી માર્ચ એટલે પર્યાવરણની સમતુલા જળવાઇ રહે અને તેનું જતન થાય અને પ્રકૃતિ સાથે પોતાના અસ્તિત્વને જાળવવા સતત ઝઝૂમતાં આ નાનકડા પક્ષીને બચાવવા ૨૦ માર્ચનો દિવસ 'ચકલી બચાવો' અભિયાન તરીકે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે.

આ દિવસે વ્યક્તિગત રીતે તેમજ સંસ્થાઓ દ્વારા સામુહિક રીતે વિવિધ જનજાગૃતિના કાર્યક્રમો કરવામાં આવે છે. આ અબોલ પક્ષીને માનવ વસ્તીની આસપાસ અને સલામત જગ્યામાં માળો બાંધીને રહે તે હેતુસર પાટનગરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા માટીના કે પુંઠાના ઘરનું વિતરણ કરવામાં આવે છે. સાથે પક્ષીઓને નજીકમાં પીવાનું પાણી મળી રહે તે માટે પરબનું પણ વિતરણ કરવામાં આવે છે. ચકલીના ઘરને ગમે ત્યાં અથવા વૃક્ષો ઉપર મુકી દેવાથી કે આ માળાઓ લટકાવી દેવાથી ચકલી ક્યારેય સફળતાપૂર્વક માળો બાંધીને રહી શકતી નથી.

કારણ કે, તેના દુશ્મનો ખાસ કરીને નાની-મોટી કાબરો, પુંછડીવાળો મોટો કાબર (ટ્રાઇપોટ), નાના બાજ પક્ષીઓ તેમજ રાત્રિના સમયે બિલાડી ચકલીના ઇંડા, બચ્ચા તેમજ માળાને રફેદફે કરીને બધી મહેનત નકામી કરી દે છે. એક સમયે આ ચકલીઓના ઝુંડ ચીં...ચીં... કરતાં જોવા મળતાં હતાં. આજે આ ચકલી પોતાના અસ્તિત્વ ઉપરના ખતરા સાથે જંગ ખેલી રહી છે.

થોડા વર્ષો પહેલા મકાનોની એવી વ્યવસ્થા હતી કે, ચકલી ઘરમાં સરળતાથી આવ-જા કરી શકતી હતી. પરંતુ ઘરમાં છબીઓ ટીંગાળવાની તેમજ પાટીયા ઉપર ઉંધા વાસણો મુકવાની પ્રથા કાળક્રમે બદલાઇ જતાં અને  નવા મકાનોમાં ચુસ્ત બારી-બારણાંની ડીઝાઇનના કારણે ચકલીઓને ફરજીયાત ઘરની બહાર નીકળી જવું પડયું અને બહાર ગમે ત્યાં માળો બાંધવાની નોબત આવતાં પોતાની અણઆવડતના કારણે અને દુશ્મનોની સતત હેરાનગતિને કારણે બહુ ઓછી સંખ્યા ચકલીઓની વસ્તી રહેલા પામી છે.

આ અંગે સેક્ટર-૩ એમાં રહેતા પંકજ પરમારે જણાવ્યું હતું કે ચકલી બચાવો અભિયાનના વ્યક્તિગત કે સંસ્થાઓના પ્રયાસો પ્રશંસાને પાત્ર છે, ચકલીના માળાઓ થોડો યોગ્ય માર્ગદર્શન હેઠળ સુરક્ષીત જગ્યાએ એટલે કે પોતાના ઘરની ઓસરી જ્યાં કાટખૂણો પડતો હોય તેવી થોડી ઊંચી જગ્યામાં આ કુંડાના કે પુંઠાના માળા મુકવામાં આવે તો ત્યાં ચકલી અવશ્ય ત્યાં માળો બાંધશે.

ઘરના લોકોની સતત અવર જવરના કારણે દુશ્મન પક્ષીઓ તેમજ બિલાડી દૂર રહેશે જેથી સલામત અને સુરક્ષીત ઘર મળતાં ચોક્કસ ચકલીઓની સંખ્યા વધશે અને ચકલી બચાવ અભિયાનનો ધ્યેય પણ સિધ્ધ થતાં 'વિશ્વ ચકલી દિવસ' ની ઉજવણી પણ સાર્થક નિવડશે.

આજના યુવાનો પરિવાર, મિત્રો સાથે કલાકો સુધી સ્માર્ટફોન ઉપર વ્યસ્ત રહે છે પણ પ્રકૃતિ માટે વોટસઅપ કે ફેસબુકમાં થોડો સમય આપી તેને બચાવવા અને તેની માવજત થાય તેવા નાના મોટા ઘણા કિમિયાઓ જેવા કે માટીના કુંડા, પુંઠાના ઘર કયાં કેવી રીતે સલામત અને સુરક્ષીત મુકવા તેનો પ્રચાર કરે તો પણ ઘણી જાગૃતિ આવી શકે અને પોતાના અસ્તિત્વના જંગ માટે લડતા નાનકડા પક્ષી માટે પણ આપણે ઘણાં ઉપયોગી થઇ શકીશું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો