બુધવાર, 28 જૂન, 2017


નોર્વેના લાંગયર બ્યેન નગરમાં માણસના મૃત્યુ પર પ્રતિબંધ છે



નોર્વેના દરિયાકાંઠા અને ઉત્તરધુ્રવની વચ્ચે આવેલું લોંગયરબ્યેન  નગર દુનિયાનું એવું સ્થળ છે જયાં માણસના મૃત્યુ  થવા પર પ્રતિબંધ છે. આથી ૨૦૦૦ પરીવારોની વસ્તી ધરાવતા આ ઇલાકામાં કોઇનું મૃત્યુ  ના થાય તેની ખાસ કાળજી રાખવામાં આવે છે. કોઇને એમ લાગે કે પોતાનું મૃત્યુ નજીક છે તો એ વાતને ગંભીરતાપૂર્વક લઇને વિસ્તાર છોડવાનું કહેવામાં આવે છે. 

ઇમરજન્સી કેસ હોય કે કોઇ ડચકાં ખાતું ધ્યાનમાં આવે કે તરત જ વિમાનમાર્ગે નગરની બહાર લઇ જવામાં આવે છે. સૌથી નવાઇની વાત તો એ છે કે નગરના સ્થાનિક પ્રશાસન દ્વારા ઇટ ઇઝ એ ઇલ્લિગલ ટુ ડાઇના કાયદાની સૂચના પણ આપવામાં આવે છે. 

તેનું કારણ એ છે કે લોંગયરબ્યેનમાં બારેમાસ લોહી થીજાવી દે તેવી ઠંડી પડે છે. જમીનમાં ૧૦ થી માંડીને ૪૦ મીટર સુધી બરફ પથરાયેલો છે.આથી શબની અંતિમક્રિયા કરવામાં આવે તો પણ ડેડ બોડી દાયકાઓ સુધી ઓગળ્યા કે સડયા વગર એમ ને એમ જ પડી રહે છે. વર્ષો પહેલા એક પડી રહેલા ડેડબોડી પર સંશોધન કરતા જાણવા મળ્યું હતું કે ઇસ ૧૯૧૭માં દફનાવાયેલું શબ એ જ અવસ્થામાં સચવાયેલું હતું. 

દાયકાઓ પહેલા ઇન્ફલુએન્ઝાની બીમારીના લીધે જે માણસનું અવસાન થયેલુ તે રોગના વાઇરસ પણ જૈસે થે સ્થિતિમાં હતા.આથી આ વિસ્તારમાં ડેડબોડીના કારણે બીમારી ફેલાઇ શકે છે એવું માનીને દફનાવવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 

આ નગરમાં સંશોધકો ભૂતકાળમાં કેટલા ડેડબોડી દફનાવેલા તે  શોધવા માટે પણ પ્રયત્નશીલ છે.સ્થાનિક પ્રશાસનને એમ લાગ્યું કે માણસ મરે તો તેને દફનાવવો પડે ને આથી મૃત્યુ  પામવા પર જ કાયદો લાદવામાં આવ્યો છે.જે હંમેશા દુનિયામાં ચર્ચાનો વિષય રહયો છે.

સ્પીટસબર્જન આઇલેન્ડ પર આવેલા આ સ્થળે  ઇસ ૧૯૦૬માં જોન લોંગઇયરે કોલ કંપની સ્થાપી હતી.આથી તેના નામ પરથી જ આ નગરનું નામ લોંગયરબ્યેન  પડયું છે.આ વિસ્તારમાં ૩ હજારથી વધુ હિંસક પોલાર બીયર જોવા મળે છે. અહીંયા સંશોધકો,વિજ્ઞાનિકો અને સાહસિક ટુરીસ્ટો આવવાનું વધારે પસંદ કરે છે.એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે સ્નો સ્કુટર વપરાય છે.વર્ષમાં ચાર મહિના સુધી સૂરજ ઉગતો ન હોવાથી રાત્રીનો અનુભવ થાય છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો