બુધવાર, 28 જૂન, 2017

યુરોપ આખું સાયબર હુમલાની ઝપટમાં : યુક્રેનનું સરકારી તંત્ર હેક



થોડા સમય પહેલા ત્રાટકેલા સાઈબર વાઈરસે ફરીથી યુરોપ પર હુમલો કર્યો છે. આ વખતે રેન્સમવેરે વધુ અપડેટ થઈને કમ્પ્યુટર સિસ્ટમમાં ઘૂસણખોરી કરી છે. પ્રાથમિક ધોરણે યુરોપના દેશો પેટ્રવેપ નામના આ વાઈરસની લપેટમાં આવ્યા છે. 

યુરોપિયન દેશ યુક્રેનને વાઈરસની સૌથી વધુ અસર થઈ છે. યુક્રેનની બેન્કો, સરકારી સિસ્ટમ, મેટ્રો રેલવે અને અન્ય જાહેર સગવડો બંધ કરી દેવી પડી છે. કેમ કે તેમની કમ્પ્યુટર સિસ્ટમ પર વાઈરસે કબજો જમાવ્યો છે.

યુરોપમાં જગતની અનેક મોટી કંપનીઓ કામ કરે છે. એ પૈકીની ઘણી ખરી કંપનીઓએ વાઈરસ એક્ટિવિટીની ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન સાઈબર નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આ વાઈરસ યુરોપથી આખા જગતમાં ફેલાઈ શકે છે. બ્રિટિશ અખબાર ધ ઈન્ડિપેન્ડટના અહેવાલ પ્રમાણે આ વાઈરસે યુક્રેનમાંથી સ્પેન અને ભારતમાં ફેલાવાની શરૃઆત કરી છે. માટે ભારતીય કમ્પ્યુટરોએ પણ સાવધાની દાખવવી પડશે. જોકે ભારતમાં ઓલરેડી આ વાઈરસે ત્રાસ મચાવવાની શરૃઆત તો કરી જ દીધી છે.


મે મહિનામાં આવેલા વાન્નાક્રાય વાઈરસ વખતે જ સાઈબર નિષ્ણાતોએ ચેતવણી આપી હતી કે આવો હુમલો ફરી થઈ શકે છે. એ વાત એક મહિનામાં જ સાચી પડી છે. 

રશિયાની સૌથી મોટી ઓઈલ ઉત્પાદક કંપની રોસનેફ્ટ, ડેન્માર્કની શિપિંગ કંપની મર્ક્સ, સ્પેનની મોન્ડેલેજ, બ્રિટન સ્થિત જગતની સૌથી મોટી એડવર્ટાઈઝિંગ એજન્સી ડબલ્યુપીપી સહિતની જાયન્ટ કંપનીઓ પ્રાથમિક ધોરણે વાઈરસનો શિકાર બની છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો