રવિવાર, 8 સપ્ટેમ્બર, 2019


PM નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં ઓરિક સિટીનું ઉદ્ધાટન કર્યુ



મુંબઈમાં ત્રણ મેટ્રો લાઈનની આધારશિલા પણ મૂકી હતી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી , મહારાષ્ટ્ર ના ઔરંગાબાદની મુલાકાત લીધી હતી. અહીં તેમણે સૌપ્રથમ સ્વયં સહાયતા સમૂહની એક પ્રદર્શની નિહાળી હતી. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ ગ્રામીણ મહારાષ્ટ્રના બદલાવ પર લખવામાં આવેલ એક પુસ્તકનું, વિમોચન કર્યું હતું. પ્રધાનમંત્રીએ ઔરંગાબાદ ઔદ્યોગિક શહેરનાં હોલ બિલ્ડીંગ અને કમાંડ સેંટરનું ઉદ્ધાટન કર્યું હતું. તેમજ ઔદ્યોગિક શહેર પરિયોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડનું એલપીજી ગેસ કનેક્શનનું વિતરણ પણ કર્યું હતું. ત્યાર બાદ પ્રધાનમંત્રીએ અહીં મહિલાઓ માટે આયોજીત કરવામાં આવેલ સ્વયં સહાયતા સંમ્મેલનને સંબોધિત કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે, ઔરંગાબાદ નવું સ્માર્ટ સીટી બની રહ્યું છે અને ઔદ્યોગિક ગતિવિધિનું કેન્દ્ર પણ બનશે. તે માટે ઔદ્યોગિક કંપનીઓએ કામ કરવાનું શરૂ કરી દીધું છે. પ્રધાનમંત્રીએ ઉજ્જવલા યોજનાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, ઉજ્જવલા યોજના હેઠળ 8 કરોડ ગેસ કનેક્શન આપવાનું લક્ષ્ય 7 મહિનામાં જ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે અને તેમાંથી 44 લાખ ગેસ કનેક્શન માત્ર મહારાષ્ટ્રમાં જ આપવામાં આવ્યા છે.
પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીએ, મુંબઇ બાંગડોગરી સ્ટેશન ખાતે , ત્રણ મેટ્રોલાઇનનું ભૂમિપુજન કર્યું હતું. સમગ્ર મુંબઇમાં 320 કિલોમીટર મેટ્રોનેટવર્ક, 2024 સુધીમાં પૂર્ણ થશે ત્યારે લગભગ 1 કરોડ લોકો મુસાફરી કરી શકશે. જેમાં આધુનિક સીગ્નલ સીસ્ટમથી સમગ્ર નેટવર્ક તૈયાર થશે. આ યોજનામાં 50 હજાર લોકોને સીધી રોજગારી મળશે. પ્રધાનમંત્રી દ્વારા રીમોટ કંટ્રોલથી "મેટ્રો-માર્ગની" 3 આધારશીલા મુક્યા બાદ મેટ્રોભવનનું ભૂમિપુજન કરવામાં આવ્યું હતું. સમારોહને સંબોધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બેંગલુરૂમાં ઇસરોના વૈજ્ઞાનિકોએ જે જુસ્સો બતાવ્યો છે, તેમાંથી આપણે સૌ શીખી શકીએ છીએ. તેમણે કહ્યું કે લક્ષ પ્રાપ્ત કરનારા 3 પ્રકારના લોકો હોય છે. પરંતુ સૌથી ઉચા સ્તરે તે લોકો પહોચે છે જે લગાતાર પડકાર સામે નિરંતર પ્રયાસ કરી લક્ષ પ્રાપ્ત કરીને જ રહે છે. ઇસરોના સ્ટાફ સભ્યો, લક્ષ પ્રાપ્ત કરનારા સુધી લગાતાર પ્રયત્નશીલ રહે છે. તેમણે કહ્યું કે ચંદ્ર ઉપર પહોંચવાનું સ્વપ્ન જરૂર પૂર્ણ થશે. આજે મુંબઇમાં MMRDA ની 20 હજાર કરોડ રૂપિયાની યોજના શરૂ થઇ છે. તે માટે લોકોને શુભેચ્છા પાઠવું છું. આ યોજનાથી લોકોનું જીવન સરળ કરવામાં મદદ મળશે. આવી અનેક યોજનાથી મુંબઇમાં બદલાવની શરૂઆત થઇ છે.


બુધવાર, 4 સપ્ટેમ્બર, 2019

રિયો શૂટિંગ વર્લ્ડ કપ: ભારત પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ સાથે નંબર વન


- મનુ-સૌરભ અને અપૂર્વી-દીપક મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીત્યા

- ભારતના અભિષેક અને યશશ્વિનીને સિલ્વર મેડલ

======મનુ ભાકેર અને સૌરભ ચોધરી તેમજ અપૂર્વી ચંદેલા અને દીપક કુમારની જોડીએ મિક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવતા ભારતે રિયો શૂટિંગ વર્લ્ડ કપમાં પાંચ ગોલ્ડ, બે સિલ્વર અને બે બ્રોન્ઝ એમ કુલ ૯ મેડલ્સ સાથે ટોચનું સ્થાન મેળવ્યું હતુ.
ભારતની મનુ ભાકેર અને સૌરભ ચૌધરીની જોડીએ મિક્સ એર પિસ્તોલ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. તેમણે ૧૭-૧૫થી ભારતના જ અભિષેક વર્મા અને અંજુમ મુદગીલને હરાવી હતી. આ સાથે મનુ ભાકેર અને સૌરભ ચૌધરીએ સતત ચોથા શૂટિંગ વર્લ્ડ કપમાં મિક્સ એર પિસ્તોલ ઈવેન્ટનો ગોલ્ડ મેડલ જીત્યો હતો. 
જ્યારે દીપક કુમાર અને અપૂર્વી ચંદેલાની જોડીએ મિક્સ રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. જ્યારે ભારતની અંજુમ મુદગીલ અને દિવ્યાંશ સિંઘ પનવરને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. 
રિયો શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતના મેડલ વિજેતા
ગોલ્ડ મેડલ : ઈલાવેનિલ વાલારિવન (૧૦ મી. એર રાઈફલ), અભિષેક વર્મા (૧૦ મી. એર પિસ્તોલ), યશશ્વિની સિંઘ દેશવાલ (૧૦ મી. એર પિસ્તોલ), મનુ ભાકેર અને સૌરભ ચૌધરી (મિક્સ એર પિસ્તોલ ટીમ), અપૂર્વી ચંદેલા અને દીપક કુમાર (મિક્સ એર રાઈફલ ટીમ)
સિલ્વર મેડલ : સંજીવ રાજપુત (૫૦ મી. રાઈફલ થ્રી પોઝિશન), અભિષેક વર્મા અને યશશ્વિની સિંઘ દેશવાલ (મિક્સ એર પિસ્તોલ ટીમ)
બ્રોન્ઝ મેડલ : સૌરભ ચૌધરી (૧૦ મી. એર પિસ્તોલ), અંજુમ મુદગીલ અને દિવ્યાંશ સિંઘ પનવર (મિક્સ એર રાઈફલ ટીમ)


શુક્રવાર, 30 ઑગસ્ટ, 2019

ગુજરાતની ઈલાવેનિલને શૂટિંગ વર્લ્ડ કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ

 - વર્લ્ડ કપમાં 10 મીટર એર રાઈફલમાં ગોલ્ડ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર

- વર્લ્ડ કપમાં ગોલ્ડ છતાં ઓલિમ્પિકની ટિકિટ ન મળી



ગુજરાતની આંતરરાષ્ટ્રીય શૂટર ઈલાવેનિલ વાલારિવને સીનિયર લેવલના શૂટિંગમાં પણ શાનદાર દેખાવ કરતાં રિયોમાં યોજાયેલા વર્લ્ડ કપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. ઈલાવેનિલે મહિલાઓની ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૧.૧ પોઈન્ટ્સના અંતરથી સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો. આ સાથે તે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વર્લ્ડ કપનો ગોલ્ડ મેડલ જીતનારી ભારતની ત્રીજી મહિલા શૂટર બની ગઈ છે. અગાઉ અંજલી ભાગવત અને અપૂર્વી ચંદેલા આવી સિદ્ધિ મેળવી ચૂક્યા છે.
રિયોમાં શરૃ થયેલા શૂટિંગના વર્લ્ડ કપમાં ઈલાવેનિલે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં ૨૫૧.૭ના સ્કોર સાથે બધાને પાછળ રાખી દીધા હતા. બ્રિટનની સેઓનાડ સીન્ટોસને ૨૫૦.૬ના સ્કોર સાથે સિલ્વર મેડલ મળ્યો હતો.જ્યારે તાઈપેઈની યીંગ-શીન લીનને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત થયો હતો. 
ઈલાવેનિલની સાથે ભારતની અપૂર્વી ચંદેલા અને અંજુમ મુદગીલ પણ સ્પર્ધામાં હતા. જોકે રેન્કિંગમાં નંબર વનનું સ્થાન ધરાવતી અપૂર્વી ફાઈનલમાં ક્વોલિફાય કરી શકી નહતી. જ્યારે અંજુમ છઠ્ઠા ક્રમે રહી હતી. સુવર્ણ જીતવા છતાં ઈલાવેનિલને ઓલિમ્પિકની ટિકિટ મળી શકી નથી કારણ કે અપૂર્વી અને અંજુમે અગાઉ જ આ ઈવેન્ટમાં ઓલિમ્પિકમાં ક્વોલિફાય કરી લીધું છે. આઇએસએસએફના નિયમ અનુસાર એક ઈવેન્ટમાં એક જ દેશના માત્ર બે જ શૂટરોને ઓલિમ્પિકમાં પ્રવેશ આપવામાં આવે છે.

ગુરુવાર, 29 ઑગસ્ટ, 2019

દીપા મલિકને ખેલ રત્ન: ગુજરાતના હરમીત દેસાઈને અર્જુન એવોર્ડ એનાયત

 

- રાષ્ટ્રીય સ્પોર્ટસ દિને દેશના શ્રેષ્ઠ રમતવીરોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

- રશિયામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહેલો બજરંગ પુનિયા કાર્યક્રમમાં હાજર રહી ન શક્યો

 
હોકીના જાદુગર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવનારા મેજર ધ્યાન ચંદના જન્મદિવસે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસના ઉપક્રમે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દેશના શ્રેષ્ઠ રમતવીરો અને કોચીસનું સન્માન કરવામા આવ્યું હતુ. દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર - ખેલ રત્ન એવોર્ડ રિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પેરા-એથ્લીટ દીપા મલિકને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ખેલ પુરસ્કાર માટે પસંદ થયેલો કુસ્તીબાજ બજરંગ પુનિયા તેની તાલીમની વ્યસ્તતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આગામી વર્લ્ડ ચેમ્પિયનશીપની પૂર્વતૈયારી માટે પુનિયા હાલમાં રશિયામાં તાલી લઈ રહ્યો છે. 
રાષ્ટ્રપતિના હસ્તે ૧૯ રમતવીરોને અર્જુન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા,જેમાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય બેડમિંટન સ્ટાર હરમીત દેસાઈ પણ સામેલ હતો. હરમીતે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતાડવામા મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તાજેતરમાં તેણે સાઉથ ઝોનની નેશનલ રેન્કિંગ ઈવેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને દેશના નંબર વન ખેલાડી બનવાનું ગૌરવ પણ મેળવ્યું હતુ.
સૌરાષ્ટ્રના દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે તે હાલમાં વિન્ડિઝમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આ ઉપરાંત અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં તાજેતરમાં બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારો સાઈ પ્રણિત સામેલ હતો. હેપ્ટાથ્લીટ સ્વપ્ના બર્મન, મહિલા ક્રિકેટર પૂનમ યાદવ, ફૂટબોલર ગુરપ્રિત સિંઘ સંધૂ, બે વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતી ચૂકેલી સોનિયા લાઠેર, એશિયન ગેમ્સમાં ઘોડેસ્વારીનો સિલ્વર જીતનારા ફોઆદ મિર્ઝા, ભૂતપૂર્વ કબડ્ડી ટીમનો કેપ્ટન અજય ઠાકુર, મોટરસ્પોર્ટસ રેસર ગૌરવ ગીલને અર્જુન એવોર્ડ એનાયત થયો હતો. 

મંગળવાર, 27 ઑગસ્ટ, 2019

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન સિંધુનું સ્વદેશ આગમન સમયે ભવ્ય સ્વાગત


- સિંધુ ભારતની સૌપ્રથમ બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયન: વડાપ્રધાને પણ સિંધુને બિરદાવી

- ખેલ મંત્રાલયે રૂ.10 લાખનો ચેક આપી સન્માન કર્યું


સ્વિત્ઝર્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટાર પુસાર્લા વેંકટા સિંધુ આજે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. બેડમિંટનના ઈતિહાસની ભારતની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ અને તેના કોચિસ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા ત્યાર બાદ તેમને ચાહકો અભિનંદન આપવા માટે ઘેરી વળ્યા હતા. ભારતીય રમત જગત અને બેડમિંટન જગતના ઓફિસિઅલ્સની સાથે સાથે સિંધુના પરિવારજનો તેમજ મિત્રો અને અન્ય શુભેચ્છો તેમજ ચાહકો એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વદેશ આગમન સમયે ભવ્ય આવકાર મેળવનારી સિંધુ ભારે રોમાંચિત થઈ ગઈ હી. તેણે કહ્યું કે, હું ખુબ જ ખશું છુ. મને મારા દેશ પર ગર્વ છે. આ વિજય મેળવવા માટે ઘણી રાહ જોવી પડી પણ આખરે તે મને પ્રાપ્ત થયો છે, જે મારા માટે આનંદની વાત છે. સ્વદેશ આગમન બાદ સિંધુ તેના કોચિસ અને પરિવારના સભ્યોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. વડાપ્રધાને તેમના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ પર પી.વી. સિંધુ અને તેના કોચિંગ સ્ટાફ સાથેની તસવીરો શેયર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હસ્તે સિંધુને વર્લ્ડ ચેમ્પિયનશીપનો મેડલ પહેરાવ્યો હતો. તેમને સિંધુને 'ભારતના ગૌરવ' તરીકે ઓળખાવી હતી. 
વડાપ્રધાન સાથેની મુલાકાત અગાઉ સિંધુએ ખેલ મંત્રી કિરણ રિજિજુને મળવા પહોંચી હતી. તેમણે ભારત સરકાર તરફથી સિંધુને ૧૦ લાખ રૃપિયાનો ચેક એનાયત કર્યો હતો. સિંધુની સાથે તેના બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ હિમાન્તા બિશ્વા સર્મા, તેના કોચીસ પુલેલા ગોપીચંદ, સાઉથ કોરિયાના કિમ જી-હ્યુન અને સિંધુના પિતા પી. વી. રામના હતા. સિંધુના પિતા પી.વી. રામના ૧૯૮૬માં એશિયન ગેમ્સની વોલીબોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતા. 
સિંધુએ ઉમેર્યું કે, મને મારા ગોલ્ડ મેડલની ઉજવણી કરવાની હજુ તક મળી નથી. બાસેલમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અમે બને તેટલી જલ્દી સ્વદેશ પાછા ફરવા માંગતા હતા. આ પછી બીજા જ દિવસે અમારી ફ્લાઈટ હતીજે પછી સ્વદેશ આવ્યા બાદ પણ હજુ દોડધામમાં વ્યસ્ત છું. હું વધુ મહેનત કરીને વધુ મેડલ્સ જીતવાનો પ્રયાસ કરીશ.
સુવર્ણ ચંદ્રકથી ટીકાકારોને જવાબ આપ્યો છે: સિંધુ
છ મેજર ટુર્નામેન્ટની હારને કારણે ટીકાકારોનું નિશાન બનેલી સિંધુએ આખરે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી લીધી છે. સિંધુએ કહ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનશીપનો સુવર્ણ ચંદ્રક એ મારા ટીકાકારો માટે જવાબ સમાન છે. મારી પ્રતિભા સામે સતત પ્રશ્નો કરનારાઓને મેં મારા બેડમિંટન અને રમતથી મેળવેલી સફળતાથી જે કહેવાનું હતુ તે કહી દીધું છે. 
દેશનું ગોરવ, એક ચેમ્પિયન જે સુવર્ણ અને કીર્તિ સાથે સ્વદેશ પરત ફરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડલ પર સિંધુની સાથેની તસવીરો શેયર કરતાં લખ્યું કે, દેશનું ગૌરવ, એક ચેમ્પિયન કે જે સુવર્ણ અને ઘણી બધી કીર્તિ સાથે સ્વદેશ પરત ફરી છે. સિંધુને મળીને આનંદ થયો. તેને અભિનંદન અને તેને ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

વધુ મેડલ જીતવા વધુ મહેનત કરીશ’: વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પ્યિન સિંધુ

- વતનમાં ભવ્ય સ્વાગત સાથે પાછી ફરી


વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પિયનનો ખિતાબ જીતીને પીવી સિંઘુ સોમવારે સ્વદેશ પાછી ફરી ત્યારે પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
અગાઉ બે વખત સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપની સ્પર્ધા હારી ચૂકી હતી. પરંતુ હિંમત ન હારતાં એણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને સતત પુરુષાર્થ કરીને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ પર મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું કે ભવિષ્યમાં હું દેશ માટે વધુ મેડલ્સ જીતી લાવું એવી મારી પોતાની આશા છે.
હું સતત વધુ મહેનત કરીશ અને મારી રમતને વધુ ઉત્કૃષ્ટ બનાવીશ. હું મારા ચાહકો અને પ્રશંસકોની આભારી છું. એમણે મારો આત્મવિશ્વાસ ટકાવી રાખવા મને સતત પ્રોત્સાહિત કરી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે બબ્બે વાર હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હારી એટલેમારી આકરી ટીકા કરનારા મારા સમીક્ષકોને આ મારો જવાબ છે. ગયા વર્ષે હું હતાશ હતી ત્યારે મને પ્રોત્સાહિત કરવાને બદલે એ લોકો મારી સતત ટીકા કરતા રહ્યા હતા.


મંગળવાર, 13 ઑગસ્ટ, 2019

'એર ઈન્ડિયા' ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી ભારતીય એરલાઈન્સ બનશે

- દિલ્હી-સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટના સમયમાં 90 મિનિટનો ઘટાડો થશે
- અત્યારે ભારતની કોઈ પણ એરલાઈન્સ નોર્થ પોલ પરથી ઊડીને અમેરિકા જતી નથી

15 ઑગસ્ટથી શરૂઆત : 4000 કિલોમીટર અંતર ઘટી જશે

ઉત્તર ધુ્રવ (નોર્થ પોલ) પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી એરલાઈન્સ તરીકે એર ઈન્ડિયા પોતાનું નામ નોંધાવશે. દિલ્હી-સાન ફ્રાન્સિસકો વચ્ચેની ડાઈરેક્ટ ફ્લાઈટ 15મી ઑગસ્ટથી તેના પરંપરાગત રૂટને બદલે ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચશે.
આ નવા રૂટને કારણે અંતર 12,000 કિલોમીટરને બદલે 8,000 કિલોમીટર જેટલું થશે, જ્યારે પ્રવાસનો સમય 17 કલાકથી ઘટીને 15.5 કલાક થશે. પૃથ્વીનો ઉત્તર છેડો ઉત્તર ધુ્રવ તરીકે ઓળખાય છે. એ પ્રદેશ બર્ફીલો છે, ત્યાં પાંખી વસાહત છે, મોટા શહેરો તો બિલકુલ નથી. માટે કોઈ પણ એરલાઈન્સે ત્યાંથી ઊડાન ભરતી વખતે સાવધાન રહેવું પડે.
કેમ કે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનું થાય તો ક્યાં ઉતરાણ કરવું? પરંતુ થોડા સમય પહેલા ડિરેક્ટર ઓફ સિવિલ એવિએશન દ્વારા ભારતની વિવિધ એરલાઈન્સને આ નવો માર્ગ પસંદ કરવા અંગે વિચારણા કરવા કહેવાયું હતું.
અન્ય કોઈ એરલાઈન્સ આગળ નથી આવી પરંતુ હવે એર ઈન્ડિયા તેની ડાઈરેક્ટ ફ્લાઈટ આ નવા રસ્તેથી ઊડાવશે. એ માટે એર ઈન્ડિયાએ કેપ્ટન રજનીશ શર્મા અને કેપ્ટન દિગ્વીજય સિંહ એ બન્ને પાઈલટોની પસંદગી કરી છે. 
ભારતની કોઈ એરલાઈન્સ અત્યારે આ માર્ગે પ્રવાસ કરતી નથી. એવિએશન ડિરેક્ટરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે જે એરલાઈન્સ બધી શરતો પૂરી કરતી હશે, તેને આ માર્ગ પસંદ કરવાની છૂટ મળશે.
એર ઈન્ડિયા એ બધી શરતો પૂરી કરે છે, તેના વિમાનો સમક્ષ છે, ઈમર્જન્સી લેન્ડિંગના વિકલ્પો તૈયાર રાખ્યા છે. માટે તેને છૂટ અપાઈ છે. દુનિયાની અન્ય કેટલીક એરલાઈન્સ આ માર્ગેથી પ્રવાસ કરે જ છે.
અત્યારે દિલ્હી-મુંબઈથી સાન-ફ્રાન્સિસ્કો (અથવા અમેરિકાના પશ્ચિમ કાંઠે) જતી ફ્લાઈટો પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, જાપાન, પ્રશાંત મહાસાગર થઈને અમેરિકા પહોંચશે. જ્યારે નોર્થ પોલનો નવો રૂટ પશ્ચિમથી પૂર્વ તરફનો હશે. એ ફ્લાઈટ કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, રશિયા, આર્કટિક સમુદ્ર, કેનેડા થઈને ફ્રાન્સિસ્કો પહોંચશે. 
અગાઉ એર ઈન્ડિયાએ 2007માં આ રૂટ પરથી ફ્લાઈટ ઊડાવી છે. કેપ્ટન અમિતાભ સિંહાએ દિલ્હીથી સિએટલ વચ્ચેનું એર ઈન્ડિયા વિમાન બોઈંગ-777 નોર્થ પોલના રૂટ પરથી ઊડાવ્યું હતુ. પરંતુ એ નિયમિત સર્વિસ ન હતી. આ નવી શરૂઆતથી સમય બચવા ઉપરાંત બળતણનો બચાવ થશે, પ્રદૂષણ પણ ઘટશે.