ગુરુવાર, 29 ઑગસ્ટ, 2019

દીપા મલિકને ખેલ રત્ન: ગુજરાતના હરમીત દેસાઈને અર્જુન એવોર્ડ એનાયત

 

- રાષ્ટ્રીય સ્પોર્ટસ દિને દેશના શ્રેષ્ઠ રમતવીરોનું રાષ્ટ્રપતિના હસ્તે સન્માન

- રશિયામાં વર્લ્ડ ચેમ્પિયનશીપની તૈયારી કરી રહેલો બજરંગ પુનિયા કાર્યક્રમમાં હાજર રહી ન શક્યો

 
હોકીના જાદુગર તરીકે દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવનારા મેજર ધ્યાન ચંદના જન્મદિવસે ઉજવાતા રાષ્ટ્રીય રમત દિવસના ઉપક્રમે આજે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે દેશના શ્રેષ્ઠ રમતવીરો અને કોચીસનું સન્માન કરવામા આવ્યું હતુ. દેશનો સર્વોચ્ચ રમત પુરસ્કાર - ખેલ રત્ન એવોર્ડ રિયો પેરાલિમ્પિકમાં સિલ્વર મેડલ જીતનારી પેરા-એથ્લીટ દીપા મલિકને એનાયત કરવામાં આવ્યો હતો. જ્યારે ખેલ પુરસ્કાર માટે પસંદ થયેલો કુસ્તીબાજ બજરંગ પુનિયા તેની તાલીમની વ્યસ્તતાના કારણે કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આગામી વર્લ્ડ ચેમ્પિયનશીપની પૂર્વતૈયારી માટે પુનિયા હાલમાં રશિયામાં તાલી લઈ રહ્યો છે. 
રાષ્ટ્રપતિના હસ્તે ૧૯ રમતવીરોને અર્જુન પુરસ્કાર પણ એનાયત કરવામાં આવ્યા હતા,જેમાં ગુજરાતનો આંતરરાષ્ટ્રીય બેડમિંટન સ્ટાર હરમીત દેસાઈ પણ સામેલ હતો. હરમીતે ગત વર્ષે કોમનવેલ્થ ગેમ્સમાં ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ અને ડબલ્સમાં બ્રોન્ઝ જીત્યો હતો. તેણે એશિયન ગેમ્સમાં પણ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે તાજેતરમાં ઘરઆંગણે રમાયેલી કોમનવેલ્થ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભારતને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ જીતાડવામા મહત્વની ભૂમિકા ભજવ્યા બાદ વ્યક્તિગત ઈવેન્ટમાં પણ ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ હાંસલ કરી હતી. તાજેતરમાં તેણે સાઉથ ઝોનની નેશનલ રેન્કિંગ ઈવેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઈટલ જીતીને દેશના નંબર વન ખેલાડી બનવાનું ગૌરવ પણ મેળવ્યું હતુ.
સૌરાષ્ટ્રના દિગ્ગજ ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને પણ અર્જુન એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યો હતો. જો કે તે હાલમાં વિન્ડિઝમાં ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાં રમી રહ્યો હોવાથી કાર્યક્રમમાં હાજર રહી શક્યો નહતો. આ ઉપરાંત અર્જુન એવોર્ડ મેળવનારા ખેલાડીઓમાં તાજેતરમાં બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીતનારો સાઈ પ્રણિત સામેલ હતો. હેપ્ટાથ્લીટ સ્વપ્ના બર્મન, મહિલા ક્રિકેટર પૂનમ યાદવ, ફૂટબોલર ગુરપ્રિત સિંઘ સંધૂ, બે વખત વર્લ્ડ ચેમ્પિયનશીપમાં સિલ્વર જીતી ચૂકેલી સોનિયા લાઠેર, એશિયન ગેમ્સમાં ઘોડેસ્વારીનો સિલ્વર જીતનારા ફોઆદ મિર્ઝા, ભૂતપૂર્વ કબડ્ડી ટીમનો કેપ્ટન અજય ઠાકુર, મોટરસ્પોર્ટસ રેસર ગૌરવ ગીલને અર્જુન એવોર્ડ એનાયત થયો હતો. 

મંગળવાર, 27 ઑગસ્ટ, 2019

વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયન સિંધુનું સ્વદેશ આગમન સમયે ભવ્ય સ્વાગત


- સિંધુ ભારતની સૌપ્રથમ બેડમિંટન વર્લ્ડ ચેમ્પિયન: વડાપ્રધાને પણ સિંધુને બિરદાવી

- ખેલ મંત્રાલયે રૂ.10 લાખનો ચેક આપી સન્માન કર્યું


સ્વિત્ઝર્લેન્ડમાં રમાયેલી વર્લ્ડ બેડમિંટન ચેમ્પિયનશીપમાં ઐતિહાસિક ગોલ્ડ મેડલ જીતનારી ભારતીય બેડમિંટન સ્ટાર પુસાર્લા વેંકટા સિંધુ આજે સ્વદેશ પરત ફરી ત્યારે એરપોર્ટ પર તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતુ. બેડમિંટનના ઈતિહાસની ભારતની સૌપ્રથમ વર્લ્ડ ચેમ્પિયન સિંધુ અને તેના કોચિસ નવી દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતર્યા ત્યાર બાદ તેમને ચાહકો અભિનંદન આપવા માટે ઘેરી વળ્યા હતા. ભારતીય રમત જગત અને બેડમિંટન જગતના ઓફિસિઅલ્સની સાથે સાથે સિંધુના પરિવારજનો તેમજ મિત્રો અને અન્ય શુભેચ્છો તેમજ ચાહકો એરપોર્ટ પર મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યા હતા.
સ્વદેશ આગમન સમયે ભવ્ય આવકાર મેળવનારી સિંધુ ભારે રોમાંચિત થઈ ગઈ હી. તેણે કહ્યું કે, હું ખુબ જ ખશું છુ. મને મારા દેશ પર ગર્વ છે. આ વિજય મેળવવા માટે ઘણી રાહ જોવી પડી પણ આખરે તે મને પ્રાપ્ત થયો છે, જે મારા માટે આનંદની વાત છે. સ્વદેશ આગમન બાદ સિંધુ તેના કોચિસ અને પરિવારના સભ્યોની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવા પહોંચી હતી. વડાપ્રધાને તેમના વ્યક્તિગત ટ્વિટર હેન્ડલ પર પી.વી. સિંધુ અને તેના કોચિંગ સ્ટાફ સાથેની તસવીરો શેયર કરી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના હસ્તે સિંધુને વર્લ્ડ ચેમ્પિયનશીપનો મેડલ પહેરાવ્યો હતો. તેમને સિંધુને 'ભારતના ગૌરવ' તરીકે ઓળખાવી હતી. 
વડાપ્રધાન સાથેની મુલાકાત અગાઉ સિંધુએ ખેલ મંત્રી કિરણ રિજિજુને મળવા પહોંચી હતી. તેમણે ભારત સરકાર તરફથી સિંધુને ૧૦ લાખ રૃપિયાનો ચેક એનાયત કર્યો હતો. સિંધુની સાથે તેના બેડમિંટન એસોસિએશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ હિમાન્તા બિશ્વા સર્મા, તેના કોચીસ પુલેલા ગોપીચંદ, સાઉથ કોરિયાના કિમ જી-હ્યુન અને સિંધુના પિતા પી. વી. રામના હતા. સિંધુના પિતા પી.વી. રામના ૧૯૮૬માં એશિયન ગેમ્સની વોલીબોલ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીતનારી ભારતીય ટીમમાં સામેલ હતા. 
સિંધુએ ઉમેર્યું કે, મને મારા ગોલ્ડ મેડલની ઉજવણી કરવાની હજુ તક મળી નથી. બાસેલમાં ગોલ્ડ મેડલ જીત્યા બાદ અમે બને તેટલી જલ્દી સ્વદેશ પાછા ફરવા માંગતા હતા. આ પછી બીજા જ દિવસે અમારી ફ્લાઈટ હતીજે પછી સ્વદેશ આવ્યા બાદ પણ હજુ દોડધામમાં વ્યસ્ત છું. હું વધુ મહેનત કરીને વધુ મેડલ્સ જીતવાનો પ્રયાસ કરીશ.
સુવર્ણ ચંદ્રકથી ટીકાકારોને જવાબ આપ્યો છે: સિંધુ
છ મેજર ટુર્નામેન્ટની હારને કારણે ટીકાકારોનું નિશાન બનેલી સિંધુએ આખરે વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ગોલ્ડન સફળતા હાંસલ કરી લીધી છે. સિંધુએ કહ્યું કે, વર્લ્ડ ચેમ્પિયનશીપનો સુવર્ણ ચંદ્રક એ મારા ટીકાકારો માટે જવાબ સમાન છે. મારી પ્રતિભા સામે સતત પ્રશ્નો કરનારાઓને મેં મારા બેડમિંટન અને રમતથી મેળવેલી સફળતાથી જે કહેવાનું હતુ તે કહી દીધું છે. 
દેશનું ગોરવ, એક ચેમ્પિયન જે સુવર્ણ અને કીર્તિ સાથે સ્વદેશ પરત ફરી છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર હેન્ડલ પર સિંધુની સાથેની તસવીરો શેયર કરતાં લખ્યું કે, દેશનું ગૌરવ, એક ચેમ્પિયન કે જે સુવર્ણ અને ઘણી બધી કીર્તિ સાથે સ્વદેશ પરત ફરી છે. સિંધુને મળીને આનંદ થયો. તેને અભિનંદન અને તેને ભવિષ્ય માટે ખુબ ખુબ શુભેચ્છાઓ.

વધુ મેડલ જીતવા વધુ મહેનત કરીશ’: વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પ્યિન સિંધુ

- વતનમાં ભવ્ય સ્વાગત સાથે પાછી ફરી


વર્લ્ડ બેડમિંગ્ટન ચેમ્પિયનનો ખિતાબ જીતીને પીવી સિંઘુ સોમવારે સ્વદેશ પાછી ફરી ત્યારે પાટનગર નવી દિલ્હીના ઇંદિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર એનું ભવ્ય સ્વાગત કરાયું હતું.
અગાઉ બે વખત સિંધુ વર્લ્ડ ચેમ્પિયનશીપની સ્પર્ધા હારી ચૂકી હતી. પરંતુ હિંમત ન હારતાં એણે પ્રયાસો ચાલુ રાખ્યા હતા અને સતત પુરુષાર્થ કરીને ત્રીજીવાર વર્લ્ડ ચેમ્પિયન બની હતી. એરપોર્ટ પર મિડિયા સાથે વાત કરતાં એણે કહ્યું કે ભવિષ્યમાં હું દેશ માટે વધુ મેડલ્સ જીતી લાવું એવી મારી પોતાની આશા છે.
હું સતત વધુ મહેનત કરીશ અને મારી રમતને વધુ ઉત્કૃષ્ટ બનાવીશ. હું મારા ચાહકો અને પ્રશંસકોની આભારી છું. એમણે મારો આત્મવિશ્વાસ ટકાવી રાખવા મને સતત પ્રોત્સાહિત કરી હતી.
તેણે એમ પણ કહ્યું હતું કે બબ્બે વાર હું વર્લ્ડ ચેમ્પિયનશીપમાં હારી એટલેમારી આકરી ટીકા કરનારા મારા સમીક્ષકોને આ મારો જવાબ છે. ગયા વર્ષે હું હતાશ હતી ત્યારે મને પ્રોત્સાહિત કરવાને બદલે એ લોકો મારી સતત ટીકા કરતા રહ્યા હતા.


મંગળવાર, 13 ઑગસ્ટ, 2019

'એર ઈન્ડિયા' ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી ભારતીય એરલાઈન્સ બનશે

- દિલ્હી-સાન ફ્રાન્સિસ્કોની ફ્લાઈટના સમયમાં 90 મિનિટનો ઘટાડો થશે
- અત્યારે ભારતની કોઈ પણ એરલાઈન્સ નોર્થ પોલ પરથી ઊડીને અમેરિકા જતી નથી

15 ઑગસ્ટથી શરૂઆત : 4000 કિલોમીટર અંતર ઘટી જશે

ઉત્તર ધુ્રવ (નોર્થ પોલ) પરથી ઊડીને અમેરિકા પહોંચનારી પહેલી એરલાઈન્સ તરીકે એર ઈન્ડિયા પોતાનું નામ નોંધાવશે. દિલ્હી-સાન ફ્રાન્સિસકો વચ્ચેની ડાઈરેક્ટ ફ્લાઈટ 15મી ઑગસ્ટથી તેના પરંપરાગત રૂટને બદલે ઉત્તર ધુ્રવ પરથી ઊડીને અમેરિકા પહોંચશે.
આ નવા રૂટને કારણે અંતર 12,000 કિલોમીટરને બદલે 8,000 કિલોમીટર જેટલું થશે, જ્યારે પ્રવાસનો સમય 17 કલાકથી ઘટીને 15.5 કલાક થશે. પૃથ્વીનો ઉત્તર છેડો ઉત્તર ધુ્રવ તરીકે ઓળખાય છે. એ પ્રદેશ બર્ફીલો છે, ત્યાં પાંખી વસાહત છે, મોટા શહેરો તો બિલકુલ નથી. માટે કોઈ પણ એરલાઈન્સે ત્યાંથી ઊડાન ભરતી વખતે સાવધાન રહેવું પડે.
કેમ કે ઈમર્જન્સી લેન્ડિંગ કરવાનું થાય તો ક્યાં ઉતરાણ કરવું? પરંતુ થોડા સમય પહેલા ડિરેક્ટર ઓફ સિવિલ એવિએશન દ્વારા ભારતની વિવિધ એરલાઈન્સને આ નવો માર્ગ પસંદ કરવા અંગે વિચારણા કરવા કહેવાયું હતું.
અન્ય કોઈ એરલાઈન્સ આગળ નથી આવી પરંતુ હવે એર ઈન્ડિયા તેની ડાઈરેક્ટ ફ્લાઈટ આ નવા રસ્તેથી ઊડાવશે. એ માટે એર ઈન્ડિયાએ કેપ્ટન રજનીશ શર્મા અને કેપ્ટન દિગ્વીજય સિંહ એ બન્ને પાઈલટોની પસંદગી કરી છે. 
ભારતની કોઈ એરલાઈન્સ અત્યારે આ માર્ગે પ્રવાસ કરતી નથી. એવિએશન ડિરેક્ટરે અગાઉ જ સ્પષ્ટતા કરી હતી કે જે એરલાઈન્સ બધી શરતો પૂરી કરતી હશે, તેને આ માર્ગ પસંદ કરવાની છૂટ મળશે.
એર ઈન્ડિયા એ બધી શરતો પૂરી કરે છે, તેના વિમાનો સમક્ષ છે, ઈમર્જન્સી લેન્ડિંગના વિકલ્પો તૈયાર રાખ્યા છે. માટે તેને છૂટ અપાઈ છે. દુનિયાની અન્ય કેટલીક એરલાઈન્સ આ માર્ગેથી પ્રવાસ કરે જ છે.
અત્યારે દિલ્હી-મુંબઈથી સાન-ફ્રાન્સિસ્કો (અથવા અમેરિકાના પશ્ચિમ કાંઠે) જતી ફ્લાઈટો પૂર્વ દિશામાં બાંગ્લાદેશ, મ્યાનમાર, ચીન, જાપાન, પ્રશાંત મહાસાગર થઈને અમેરિકા પહોંચશે. જ્યારે નોર્થ પોલનો નવો રૂટ પશ્ચિમથી પૂર્વ તરફનો હશે. એ ફ્લાઈટ કિર્ગિસ્તાન, કઝાખસ્તાન, રશિયા, આર્કટિક સમુદ્ર, કેનેડા થઈને ફ્રાન્સિસ્કો પહોંચશે. 
અગાઉ એર ઈન્ડિયાએ 2007માં આ રૂટ પરથી ફ્લાઈટ ઊડાવી છે. કેપ્ટન અમિતાભ સિંહાએ દિલ્હીથી સિએટલ વચ્ચેનું એર ઈન્ડિયા વિમાન બોઈંગ-777 નોર્થ પોલના રૂટ પરથી ઊડાવ્યું હતુ. પરંતુ એ નિયમિત સર્વિસ ન હતી. આ નવી શરૂઆતથી સમય બચવા ઉપરાંત બળતણનો બચાવ થશે, પ્રદૂષણ પણ ઘટશે.

ગુરુવાર, 8 ઑગસ્ટ, 2019

અમેરિકાએ હિરોશીમા પર 'લીટલ બોય' અને નાગાસાકી પર 'ફેટ મેન' અણુબોંબ ફેંક્યા હતા

સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસ અંતર્ગત સેમિનાર

સાયન્સ સિટી ખાતે હિરોશીમા દિવસને નિમિતે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. સેમિનારમાં કપડવંજના પ્રોફેસર મુકેશભાઇ ભટ્ટે સ્ટુડન્ટસ સાથે વાતચીત કરી હતી. કાર્યક્રમની શરૃઆતમાં તેમણે હિરોશીમાં પર કરવામાં આવેલ અણુબોમ્બ હુમલાને લાગતો વીડિયો બતાવ્યો હતો. સ્ટુડન્ટસને માહિતી આપતા પ્રો. ભટ્ટે કહ્યું કે, ૧૯૪૫ માં દ્વિતીય વિશ્વ યુદ્ધ દરમિયાન અમેરિકાએ જાપાનના શહેર હિરોશીમા અને નાગાસાકી ૬ ઓગસ્ટ અને ૯ ઓગસ્ટના રોજ અણુબોમ્બ ફેંક્યો હતો, જેમાં ૮૦,૦૦૦ લોકોના મોત થયા હતા અને આ શહેરોનો લગભગ ૯૦ ટકા ભાગ નષ્ટ થઈ ગયો હતો. ઉપરાંત લાખો લોકો પરમાણુ રેડિએશનનો શિકાર બન્યા હતા. હિરોશીમા પરના સેમિનારમાં ૧૬૦ જેટલા સ્ટુડન્ટ હાજર રહ્યા હતા. 
અમેરિકનએ બી-૨૯ યુદ્ધ વિમાનનો ઉપયોગ કર્યો હતો
હિરોશીમા પર કરવામાં આવેલા પરમાણુ હુમલામાં અમેરિકન બી-૨૯ બોમ્બર યુદ્ધ વિમાનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેના પાયલોટ પાલ ટીબ્ટ્સ હતા. તેમજ યુદ્ધ વિમાન દ્વારા હિરોશીમા પર ફેંકવામાં આવેલા બોમ્બનું નામ 'લીટલ બોય' હતું. જે યુરેનિયમનો બનેલો હતો, જ્યારે નાગાસાકી પર ફેકાયેલા બોમ્બનું નામ 'ફેટ મેન' હતું. જે પ્લુટોનિયમનો બનેલો હતો.

જમ્મુ કાશ્મીરમાં કુલ 9 વર્ષ સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું હતું


 Image result for jammu kashmir
જમ્મુ કાશ્મીર રાજકિય અસ્થિરતાનો વારંવાર ભોગ બન્યું હોવાથી ૯ વર્ષ કરતા પણ વધુ સમય રાષ્ટ્રપતિ શાસન રહયું હતું. જમ્મુ કાશ્મીરમાં નેશનલ કોન્ફરન્સ અને પીડીપી જેવા સ્થાનિક રાજકિય પક્ષો દર ૬ વર્ષે થતી રાજકિય ચૂંટણીમાં ભાગ લે છે.  આ સ્થાનિક પક્ષોમાં પણ પરીવારવાદ હાવી રહયો છે. ૧૯ જાન્યુઆરી ૧૯૯૦ થી ૯ ઓકટોબર ૧૯૯૬ સુધી ૬ વર્ષ અને ૨૬૪ દિવસ સૌથી લાંબા સમય સુધી રાષ્ટ્રપતિ શાસન રહયું હતું. જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજજો આપતી આર્ટિકલ 370 અને આર્ટીકલ 35 એ રદ થતા તે ભારતનું એક પૂર્ણ રાજય બન્યું છે. આ રાજયની રાજકિય સ્થિતિ કેવી હતી તે રાષ્ટ્રપતિ શાસનના લાંબા ગાળા પરથી સમજી શકાય છે. 
૨૬ માર્ચ થી ૧૬ જુલાઇ -૧૯૭૭ -
રાષ્ટ્રપતિ શાસન - ૧૦૫ દિવસ 
રાજયપાલ -     એલ કે ઝા
કારણ - કોંગ્રેસે શેખ અબ્દુલા સરકારને ટેકો પાછો ખેંચી લેતા સરકાર લઘુમતીમાં આવી હતી.

૬ માર્ચ થી ૭ નવેમ્બર -૧૯૮૬
રાષ્ટ્રપતિ શાસન - ૨૪૬ દિવસ 
રાજયપાલ - જગમોહન
 શેખ અબ્દુલ્લાના જમાઇ ગુલામ મહંમદ શાહે ૨૬ કોંગ્રેસ ધારાસભ્યો અને ૧૨ નેશનલ કોંગ્રેસના બળવાખોરોની મદદથી ફારુક અબ્દુલાની સરકારને ઉથલાવી હતી.માર્ચ ૧૯૮૬માં ગુલામ મહંમદ શાહની સરકારને કોંગ્રેસે ટેકો પાછો ખેચી લીધો હતો.

૧૯ જાન્યુઆરી ૧૯૯૦ થી ૯ ઓકટોબર ૧૯૯૬
રાષ્ટ્રપતિ શાસન - ૬ વર્ષ અને ૨૬૪ દિવસ 
રાજયપાલ - જગમોહન
કારણ - આતંકવાદી અને અલગાવવાદી પ્રવૃતિઓએ જોર પકડતા સ્થિરતા માટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડયું હતું.

૧૮ ઓકટોબર થી ૨ નવેમ્બર -૨૦૦૨
રાષ્ટ્રપતિ શાસન - ૧૫ દિવસ
રાજયપાલ - જી.સી સકસેના
કારણ - ૨૦૦૨ની વિધાનસભા ચૂંટણી પછી ફારુક અબ્દુલાએ રાજયના રખેવાળ મુખ્યમંત્રી તરીકે રહેવાની ના પાડી દેતા કોંગ્રેસ અને પીડીપીની નવી સરકાર ના બને ત્યાં સુધી રાષ્ટ્રપતિ શાસન લાદવામાં આવ્યું હતું.

૧૧ જુલાઇ ૨૦૦૮ થી ૫ જાન્યુઆરી -૨૦૦૯
રાષ્ટ્રપતિ શાસન - ૧૭૮ દિવસ 
રાજયપાલ - એન એન વોરા
કારણ - ગુલામનબી આઝાદની સરકારને પીડીપી પાર્ટીએ ટેકો પાછો ખેંચી લેતા  લઘુમતીમાં આવેલા આઝાદે અવિશ્વાસની દરખાસ્તનો સામનો કર્યા વિના જ રાજીનામુ ધરી દીધું હતું.

૯ જાન્યુઆરી થી ૧ માર્ચ -૨૦૧૫
રાષ્ટ્રપતિ શાસન - ૫૧ દિવસ 
રાજયપાલ - એન એન વોરા 
કારણ - વિધાનસભા ચૂંટણી પરીણામો એક પણ રાજકિય પક્ષને સ્પષ્ટ બહુમતી ન મળતા છેવટે રાષ્ટ્રપતિ શાસન લાદવું પડયું હતું.

૮ જાન્યુઆરી થી ૨ એપ્રિલ - ૨૦૧૬
રાષ્ટ્રપતિ શાસન - ૮૭ દિવસ 
રાજયપાલ - એનએન વોરા 
કારણ - મુખ્યમંત્રી મુફતી મહંમદ સઇદનું અવસાન થતા પીડીપીના અધ્યક્ષ મહેબુબા અને ભાજપ વચ્ચેની સમજૂતી તૂટી હતી.

૨૩ ઓગસ્ટ ૨૦૧૮ થી અત્યા૨ સુધી 
રાષ્ટ્પતિ શાસન - ૩૪૬ દિવસ 
રાજયપાલ - સત્યપાલ મલિક 
કારણ - ભાજપે પીડીપીના મહેબુબા મુફતી સૈયદની સરકારને ટેકો પાછો ખેંચી લીધો હતો.

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સુષમા સ્વરાજનો દેહ પંચમહાભૂતમાં વિલિન

- લોધી રોડના સ્મશાનગૃહમાં પુત્રી બાંસુરીએ મુખાગ્નિ આપ્યો
- વડાપ્રધાન મોદી, લાલકૃષ્ણ અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થયા
- વિદેશ મંત્રી તરીકે સ્વરાજે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો

ભૂતપૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની બુધવારે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે દિલ્હીના લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે અંતિમક્રિયા કરવામાં આવી હતી. પક્ષના મુખ્યાલયથી તિરંગામાં લપેટીને સુષમા સ્વરાજનો દેહ લોધી રોડ સ્મશાનગૃહ લવાયો હતો, જ્યાં તેમની પુત્રી બાંસુરી સ્વરાજે તેમને મુખાગ્ની આપ્યો હતો અને તેમના પતિ સ્વરાજ કૌશલ પુત્રી સાથે ઊભા હતા.
ભાજપના ૬૭ વર્ષના વરિષ્ઠ નેતા સુષમા સ્વરાજનું મંગળવારે રાતે હૃદય રોગના હુમલાને કારણે નિધન થયું હતું. હૃદય રોગનો હુમલો થતાં તેમને એઈમ્સ ખસેડાયા હતા. જોકે, ડોક્ટરો તેમને બચાવી શક્યા નહોતા. તેમના અચાનક નિધનના સમાચારથી સમગ્ર દેશમાં આધાતનું મોજું ફરીવળ્યું હતું.

બુધવારે તેમના મૃતદેહને અંતિમ દર્શન માટે પક્ષના કાર્યાલય પર લાવવામાં આવ્યો હતો, જ્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડૂ, પક્ષના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહસહિત હજારો લોકોઅ ર્તેમને શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી. પક્ષીય રાજકારણથી ઉપર ઉઠી કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, મનમોહન સિંહ, મુલાયમ સિંહ સહિત વિપક્ષના અનેક વરિષ્ઠ નેતાઓએ સુષમા સ્વરાજના અંતિમ દર્શન કર્યા હતા.

પક્ષના કાર્યાલયથી તિરંગામાં લપેટાયેલા તેમના દેહને લોધી રોડ ઈલેક્ટ્રિક સ્મશાનગૃહ ખાતે લવાયો હતો. તેમની અંતિમયાત્રામાં પીએમ મોદી, અડવાણી, વેંકૈયા નાયડુ સહિતના નેતાઓ ભાવુક થઈ ગયા હતા.
મોદી સરકારની પ્રથમ મુદતમાં વિદેશ મંત્રી તરીકે તેમણે વિદેશ મંત્રાલયની કામગીરીને માનવીય સ્પર્શ આપ્યો હતો. વિદેશમાં ફસાયેલા ભારતીયોની મદદે તેઓ હંમેશા રહેતા. તેઓ ટ્વીટર પર ખૂબ જ સક્રિય હતા. તેમની આ સક્રિયતાના કારણે જ અનેક ભારતીયોને તેમણે સહાય કરી હતી. જોકે, સ્વાસ્થ્યના કારણોસર તેમણે ૨૦૧૯ની લોકસભા ચૂંટણી લડવાનું ટાળ્યું હતું.
તેમના અંતિમ દર્શન માટે પક્ષના હજારો કાર્યકરો ઉમટી પડયા હતા. અનેક લોકોએ ભાજપના મુખ્યાલય પર સુષમા સ્વરાજની અંતિમ ઝાંખી પોતાના મોબાઈલમાં કેપ્ચર કરવા પ્રયાસ કર્યા હતા. ભાજપની મુખ્ય કારોબારીમાં પ્રવેશ કરનાર તેઓ સૌપ્રથમ મહિલા નેતા હતા.  તેઓે ઓક્ટોબર ૧૯૯૮માં બાવન દિવસ માટે દિલ્હીના પ્રથમ મહિલા મુખ્ય મંત્રી બન્યા હતા. સુષમા સ્વરાજ પોતાની પ્રતિભાના જોરે પક્ષમાં એકપછી એક ક્રમ ચઢતાં ટોચની હરોળમાં પહોંચ્યા હતા.