સોમવાર, 9 સપ્ટેમ્બર, 2019

ચંદ્ર પર 'વિક્રમ'નાં સગડ મળ્યાં : સંપર્કની આશા


- ચંદ્રયાન-2ના ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી

- લેન્ડરનો સંપર્ક તૂટયો તે જ લોકેશન પરથી ઓર્બિટર આગામી બે દિવસમાં પસાર થશે


લેન્ડિંગ સોફ્ટ ન હતું એટલે મુશ્કેલી સર્જાયાનું ઇસરોનું અનુમાન લેન્ડરને નુકસાન થયાની સંભાવનાઓ નકારી શકાય નહીં : નિષ્ણાતો
સંપર્ક તૂટયાના 36 ક્લાક બાદ ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું ચોક્કસ લોકેશન મળ્યું

ચંદ્રયાન-૨નું વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટી પર મળી આવ્યું છે. તે ચંદ્રની સપાટી પર ટકરાયું હશે, તેનું સોફ્ટ લેન્ડિંગ નહીં થયું હોય તેમ ઈસરોના વડા કે. સિવાને રવિવારે જણાવ્યું હતું. ચંદ્રયાન-૨ના ઓર્બિટરે વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી છે, પરંતુ વિક્રમ લેન્ડર સાથે હજી સુધી સંપર્ક થઈ શક્યો નથી.
જોકે, ટૂંક સમયમાં તેની સાથે સંપર્ક સૃથાપિત થઈ શકશે તેમ કે. સિવાને ઉમેર્યું હતું. ચંદ્રયાન-૨ના ઓર્બિટરના ઓન-બોર્ડ કેમેરાએ લેન્ડર રોવર અને તેની અંદરના પ્રજ્ઞાાન રોવરની થર્મલ ઈમેજ ઝડપી છે ત્યારે હવે ઈસરોના વૈજ્ઞાનિકો આગળના વિકલ્પોની સંભાવનાઓ ચકાસી રહ્યા છે.
શું વિક્રમ લેન્ડર સાથે ફરી સંપર્ક થઈ શકશે? વિક્રમ કેવી સિૃથતિમાં છે? તેના પર લાગેલા ઉપકરણો બરાબર છે? તેને કોઈ નુકસાન થયું છે કે કેમ તે સવાલોના જવાબો આગામી ૧૨ દિવસમાં મળી શકશે તેમ ઈસરોના વૈજ્ઞાનિકોનું માનવું છે. 
ચંદ્રયાન-૨નું ઓર્બિટર સલામત છે અને તે ૧૦૦ કિ.મી.ની ઊંચાઈ પર તેની ભ્રમણ કક્ષામાં ચંદ્રની પરીક્રમા કરી રહ્યું છે. તે આગામી સાડા સાત વર્ષ સુધી એક્ટિવ રહેશે અને ચંદ્રની સપાટીની અનેક હાઈ રિઝોલ્યુશન તસવીરો મોકલશે. ઓર્બિટરના કેમેરા અત્યાર સુધીના કોઈપણ ચંદ્ર મિશનમાં સૌથી વધુ રિઝોલ્યુશન ધરાવે છે. ઓર્બિટર આગામી બે દિવસમાં એ જ લોકેશન પરથી પસાર થશે, જ્યાં લેન્ડર સાથેનો સંપર્ક તૂટયો હતો. હવે લેન્ડરના લોકેશનની માહિતી પણ મળી ગઈ છે.
એવામાં ઓર્બિટર જ્યારે તે લોકેશન પરથી પસાર થશે ત્યારે તે લેન્ડરની હાઈ રિઝોલ્યુશન તસવીરો લઈ શકે છે. ઓર્બિટર દ્વારા મોકલાયેલા ડેટાના વિશ્લેષણથી કોઈ નિષ્કર્ષ પર  પહોંચી શકાશે. આગામી ૧૨ દિવસમાં લેન્ડરની સિૃથતિ અંગેના બધા સવાલોના જવાબ મળી જશે તેમ ઈસરોએ અગાઉ જણાવ્યું હતું.
ચંદ્રયાન-૨ના લેન્ડર વિક્રમે શુક્રવારે મધ્ય રાત્રી બાદ ચંદ્રની સપાટી પર ઉતરાણ વખતે સપાટીથી ૨.૧ કિ.મી. દૂર ઈસરો સાથેનો સંપર્ક ગુમાવતાં ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગના ભારતના સાહસિક મિશનને ફટકો પહોંચ્યો હતો.
જોકે, લેન્ડરે ઉતરાણ સમયે તેમજ ઓર્બિટરે મોકલેલા ડેટાનું વિશ્લેષણ થઈ રહ્યું છે. હાલ વિક્રમ લેન્ડર અંગે કંઈ પણ નક્કર કહેવું ઘણું જ વહેલું ગણાશે તેમ કે. સિવાને જણાવ્યું હતું.
ચંદ્રની સપાટી પર ટકરાતી વખતે લેન્ડર વિક્રમ અને પ્રજ્ઞાાન રોવરને નુકસાન થયું હશે કે કેમ તે અંગે પૂછવામાં આવતાં કે. સિવાને કહ્યું કે આ અંગે અમારી પાસે હાલ કોઈ માહિતી નથી.
પરંતુ કેટલાક અવકાશ નિષ્ણાતોનું કહેવું છે કે વિક્રમ લેન્ડરને ચંદ્રની સપાટી પર ટકરાયા બાદ નુકસાન થયું હોવાની સંભાવનાઓને નકારી શકાય તેમ નથી. વિક્રમ લેન્ડરે ઈચ્છિત વેગ સાથેતેના ચાર પગ પર સપાટી પર ઉતરાણ કર્યું નહીં હોય અને તેનાથી લેન્ડરને નુકસાન થયું હોઈ શકે છે. આ અંગે કોઈ અસ્પષ્ટતા નથી તેમ એક વરિષ્ઠ અવકાશ વૈજ્ઞાાનિકે જણાવ્યું હતું.
કે. સિવાને શનિવારે જણાવ્યું હતું કે ઈસરો ૧૪ દિવસ સુધી લેન્ડર સ ાથે સંપર્ક સાધવાનો પ્રયાસ કરશે. જોકે, ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચંદ્રની સપાટી પર લેન્ડરને શોધી કાઢ્યા બાદ સિવાને ભારપૂર્વક કહ્યું કે વિક્રમનો સંપર્ક કરવાના પ્રયાસો હજુ ચાલુ જ રહેશે. તેમણે કહ્યું કે વિક્રમ લેન્ડર ચંદ્રની સપાટીથી ૨.૧ કિ.મી. દૂર હતું ત્યાં સુધી તેનું સોફ્ટ લેન્ડિંગ આયોજન મુજબ અને સામાન્ય હતું, પરંતુ ત્યાર બાદ સિૃથતિ બગડી હતી અને વિક્રમ સાથેનો સંપર્ક તૂટી ગયો હતો.
ઈસરોના એક વરિષ્ઠ અિધકારીએ જણાવ્યું હતું કે સમય પસાર થઈ રહ્યો છે અને વિક્રમનો સંપર્ક સૃથાપવાની સંભાવના ઓછી ને ઓછી થઈ રહી છે, પરંતુ તેમણે ઉમેર્યું કે લેન્ડરે જ્યાં હાર્ડ લેન્ડિંગ કર્યું છે તે લોકેશન પર સૂર્યના કિરણો પહોંચતા હશે તો લેન્ડર હજી પણ પાવર જનરેટ કરી શકે છે અને સૌર પેનલ્સ સાથે તેની બેટરીઓ રિચાર્જ થઈ શકશે. પરંતુ તે સંભાવનાઓ નહીવત્ જેવી જણાય છે તેમ ઈસરોના અિધકારીએ જણાવ્યું હતું.
ઈસરોના જણાવ્યા મુજબ ચંદ્રયાન-૨ મિશન તેના ૯૫ ટકા આશયો પૂરા કરવામાં સફળ રહ્યું છે એન વિક્રમ સાથેનો સંપર્ક ગુમાવવા છતાં આ મિશન ચંદ્રના વિજ્ઞાનમાં યોગદાન આપવાનું ચાલુ રાખશે.
અવકાશ સંસૃથાએ જણાવ્યું કે ચંદ્રયાન-૨ના ચોક્કસાઈપૂર્વકના લોન્ચ અને મિશનના મેનેજમેન્ટને પગલે ઓર્બિટરની લાઈફ એક વર્ષના બદલે લગભગ સાત વર્ષ જેટલી થઈ છે.
દરમિયાન સિવાને જણાવ્યું કે વિક્રમ લેન્ડરના અસફળ ઉતરાણ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈસરોના વૈજ્ઞાનિકોને ઉત્સાહપૂર્ણ સંબોધન અને સમગ્ર દેશમાંથી મળેલા નૈતિક ટેકા બાદ તેમના વૈજ્ઞાાનિકો અને એન્જિનિયરોનો ઉત્સાહ વધી ગયો છે.
ઈસરોના ભૂતપૂર્વ અધ્યક્ષ કે. કસ્તુરિરંગને પણ જણાવ્યું હતું કેવડાપ્રધાન મોદીના પ્રેરક, ઉત્સાહજનક સંબોધન તેમજ રાષ્ટ્રના સકારાત્મક પ્રતિસાદથી ઈસરોના વૈજ્ઞાાનિકો ખૂબ જ પ્રભાવિત થયા છે. તેનાથી સિવાન અને ઈસરોની ટીમનો ઉત્સાહ વધી ગયો છે.
અમે આથી વધુ કોઈ સારી બાબતની અપેક્ષા નહોતી કરી. ઈસરોના અન્ય એક ભૂતપૂર્વ વડા એ. એસ. કિરણકુમારે જણાવ્યું હતું કે વિક્રમ લેન્ડરના સોફ્ટ લેન્ડિંગ મિશનની જટીલતાઓને ધ્યાનમાં લેતાં સોફ્ટ લેન્ડિંગ મિશનની હજારો સંભાવનાઓ હતી. દેશવાસીઓએ આ બાબતને ધ્યાનમાં લીધી અને ઈસરોને ટેકો આપ્યો તે ખૂબ જ પ્રશંસનીય બાબત છે.
થર્મલ ઈમેજ કેવી રીતે કામ કરે છે
શુક્રવારની મોડી રાત્રે લેન્ડર વિક્રમ સાથે ઈસરોનો સંપર્ક તૂટી ગયા બાદ માત્ર ઈસરો જ નહીં દેશવાસીઓમાં પણ નિરાશા વ્યાપી ગઈ હતી. જોકે રવિવારે ઈસરોના વડા કે. સિવાને જણાવ્યું કે ચંદ્રયાન-૨ના ઓર્બિટરે ચંદ્રની સપાટી પર વિક્રમ લેન્ડરનું લોકેશન શોધી કાઢ્યું છે અને તેની થર્મલ ઈમેજ મોકલી છે. ચંદ્રયાન-૨ ત્રણ ભાગ ઓર્બિટર, લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાાનમાં વિભાજિત છે.  ઓર્બિટર ચંદ્રની ભ્રમણ કક્ષામાં ફરતાં થર્મલ કેમેરાની મદદથી વિક્રમ લેન્ડરની થર્મલ ઈમેજ મોકલી છે.
દરેક વસ્તુનું પોતાનું તાપમાન હોય છે, તેનો ઉપયોગ કરીને થર્મલ કેમેરા તેની થર્મલ ઈમેજ બનાવે છે. કેમેરામાંથી નીકળતા કિરણો આ માહિતીને ઈલેક્ટ્રોનિક સિગ્નલમાં બદલે છે. કેમેરામાંથી મળેલી માહિતીને એક વીડિયો મોનિટર પર થર્મલ ઈમેજ બનાવવા અને તાપમાનની ગણતરી કરવા માટે પ્રોસેસ કરવામાં આવે છે. તેમાંથી એક તસવીર સામે આવે છે, જેને થર્મલ ઈમેજ કહેવાય છે.
વિક્રમનો સંપર્ક સાધવામાં લૂનર ડે મહત્વપૂર્ણ
ઈસરોને ચંદ્રયાન-૨ના ઓર્બિટરની મદદથી ચંદ્ર પર વિક્રમ લેન્ડરનું લોકેશન મળી ગયું છે. જોકે, હજી સુધી તેની સાથે સંપર્ક થઈ શક્યો નથી. ઈસરોના વૈજ્ઞાનિકો સતત વિક્રમ સાથે સંપર્ક સ્થાપિત કરવાના પ્રયાસ કરી રહ્યા છે. તેના માટે આગામી ૧૨ દિવસ ઘણા જ મહત્વના રહેશે. હકીકતમાં હાલ લૂનર ડે હોવાના કારણે આગામી ૧૨ દિવસ સુધી ચંદ્ર પર દિવસ રહેશે. એક લૂનર ડે પૃથ્વીના ૧૪ દિવસ સમકક્ષ હોય છે, જેમાંથી બે દિવસ પસાર થઈ ગયા છે. આગામી ૧૨ દિવસ પછી ચંદ્ર પર રાત રહેશે. આથી આ સમયમાં વૈજ્ઞાનિકોને વિક્રમ સાથેનો સંપર્ક સાધવામાં મુશ્કેલી પડશે. પરીણામે ઈસરો માટે વિક્રમ લેન્ડરનો સંપર્ક સાધવા આગામી ૧૨ દિવસ ઘણા જ મહત્વપૂર્ણ રહેશે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો