ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

લૉકહિડ માર્ટિને ભારત માટે જ ખાસ બનેલું ફાઈટર વિમાન એફ-21 રજૂ કર્યું

- ભારતમાંથી ૧૫ અબજ ડૉલરનો ઑર્ડર મેળવવા અમેરિકી કંપનીનો પ્રયાસ

- એક સમયે રફાલ સાથે લૉકહિડ માર્ટિન પણ વિમાન વેચવાની સ્પર્ધામાં હતી

ભારત તૈયાર થાય તો ભારતમાં જ ઉત્પાદન કરવા કંપનીની તૈયારી

અમેરિકી એરોસ્પેસ કંપની લૉકહિડ માર્ટિને આજે ભારત માટે ખાસ તૈયાર કરેલું ફાઈટર વિમાન એફ-૨૧ રજૂ કર્યું હતું. બેંગાલુરુ પાસે ચાલી રહેલા એરો ઈન્ડિયા શૉ દરમિયાન આ વિમાન રજૂ કરવામાં આવ્યુ હતુ. કંપનીએ આ વિમાન ભારતમાં જ ઉત્પાદિત થાય એ માટે તૈયારી પણ દર્શાવી છે.
ભારતે આમ તો ફ્રાન્સના રફાલ વિમાનો ખરીદવાનું મન બનાવી લીધું છે અને એ સોદો એક પછી એક સ્ટેજ વટાવતો આગળ વધી રહ્યો છે. પરંતુ કોઈ તબક્કે ભારતને પુન:વિચાર કરવાનું મન થાય તો આ અમેરિકી કંપનીએ વિકલ્પ આપ્યો છે.
હકીકત એવી છે કે વર્ષો પહેલા જ્યારે ભારતે સવાસો ફાઈટર વિમાનો ખરીદવાની પ્રક્રિયા શરૃ કરી ત્યારે કુલ પાંચ ફાઈટર વિમાન સ્પર્ધામાં હતા. આ પાંચ વિમાનમાં ફ્રાન્સની કંપની દસોલનું રફાલ વિમાન, અમેરિકી કંપની લૉકહિડ માર્ટિનનું એફ-૧૬, બોઈંગનું એફ-એ-૧૮, સ્વીડિશ કંપની સાબનનું ગ્રીપેન અને યુરોફાઈટર કંપનીનું ટાયફૂન ફાઈટર જેટનો સમાવેશ થાય છે. ટેન્ડરિંગની પ્રક્રિયા આગળ વધી એમાં છેવટે ઑર્ડર રફાલને મળ્યો છે.
રફાલનો સોદો અત્યારે થોડો વિવાદમાં છે. ભારતે અત્યારે અંદાજે ૧૫ અબજ ડૉલરના ફાઈટર વિમાનનો ઑર્ડર આપવાનો છે. જો રફાલનો સોદો છેલ્લી ઘડીએ કોઈ કારણોસર અટકે તો પછી ખરીદી શકાય એટલા માટે લૉકહિડે પોતાનું વિમાન એફ-૨૧ રજૂ કર્યું છે. લૉકહિડે આ વિમાન ભારતમાં જ તૈયાર કરી શકાય તેની તૈયારી પણ દર્શાવી છે. 
લૉકહિડ માર્ટિનના ભારત સ્થિત અધિકારી વિવેક લાલે જણાવ્યુ હતુ કે આ વિમાન આધુનિક છે અને તેમાં પાંચમી પેઢીની ટેકનોલોજીનો સંગમ થયો છે. અગાઉ પણ લૉકહિડે જો ભારત ઑર્ડર આપે તો વિમાનનું ઉત્પાદન ભારતમાં કરવાની તૈયારી દર્શાવી હતી પરંતુ સરકાર તરફથી સકારાત્મક જવાબ મળ્યો ન હતો.  કંપનીના કહેવા પ્રમાણે પાંચમી પેઢીના બે વિમાન એફ-૨૨ અને એફ-૩૫ની કેટલીક ટેકનોલોજી પણ આ વિમાનમાં વપરાઈ છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો