ગુરુવાર, 21 ફેબ્રુઆરી, 2019

બલ્ગેરિયાની બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલને ગોલ્ડ મેડલ
 
- 'મારો આ ગોલ્ડ મેડલ પુલવામાના શહીદોને અર્પણ કરું છું'
- ૨૩ વર્ષનો અમિત આર્મીમાં નાઈબ સુબેદાર છે

બલ્ગેરિયામાં યોજાયેલી પ્રતિષ્ઠિત સ્ટ્રાન્દ્જા મેમોરિયલ બોક્સિંગ ટુર્નામેન્ટમાં ભારતના અમિત પંઘાલે ૪૯ કિગ્રા વજન વર્ગમાં ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. ૨૩ વર્ષના અમિતે તેનો આ મેડલ તાજેતરમાં પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કર્યો હતો. અમિત ખુદ આર્મીમાં નાઈબ સુબેદાર તરીકે ફરજ બજાવે છે. 
સુવર્ણ સફળતા મેળવ્યા બાદ ભાવુક બનેલા અમિત પંઘાલે કહ્યું કે, હું મારો આ ગોલ્ડ મેડલ પુલવામામાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોને અર્પણ કરું છું. હું પોતે પણ આર્મીથી આવું છું અને એટલે જ મને આ ઘટનાને કારણે વધુ દુઃખ થયું. હું અહીં ગોલ્ડ મેડલ જીતીને શહીદોને શ્રદ્ધાંજલી અર્પવા ઈચ્છતો હતો અને દરેક મુકાબલામાં મેં જાન રેડી દીધી હતી. 
એશિયન ગેમ્સમાં ચેમ્પિયન બનેલા અમિતે યુરોપીયન બોક્સિંગમાં પ્રતિષ્ઠિત મનાતી ટુર્નામેન્ટમાં સતત બીજા વર્ષે ગોલ્ડ મેડલ જીત્યો હતો. બલ્ગેરિયાના સોફિયામાં યોજાયેલી ટુર્નામેન્ટમાં ૪૯ કિગ્રા વજન વર્ગની ફાઈનલમાં અમિતનો મુકાબલો કઝાકિસ્તાનના તેમિર્તાસ ઝ્હુસુપ્પોવ સામે થયો હતો. જેમાં તેણે લડાયક દેખાવ કરતાં જીત હાંસલ કરી હતી.
અમિતે ઊમેર્યું કે, આ તેનો ૪૯ કિગ્રાની કેટેગરીનો અંતિમ મુકાબલો હતો. હવે તે ૫૨ કિગ્રા વજન વર્ગની કેટેગરીમાં ભાગ લેવાની શરૃ કરવા જઈ રહ્યો છે.તેણે કહ્યુ કે, ઓલિમ્પિકમાં ૪૯ કિગ્રાની કેટેગરી નથી આ માટે માટે વજનવર્ગ બદલવું પડયું છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો