શનિવાર, 29 સપ્ટેમ્બર, 2018




સબરીમાલા મંદિરમાં તમામ મહિલાઓને પ્રવેશનો અધિકાર : સુપ્રીમ



સુપ્રીમ કોર્ટે શુક્રવારે વધુ એક ૪ વિરુદ્ધ ૧ના ઐતિહાસિક ચુકાદામાં કેરળનાં સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતાં કેરાલા હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ(ઓથોરાઇઝેશન ઓફ એન્ટ્રી) રૂલ્સ, ૧૯૬૫ની જોગવાઈઓ રદ કરી નાખી છે. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ દીપક મિશ્રા, જસ્ટિસ રોહિન્ટન નરિમાન, જસ્ટિસ એ. એમ. ખાનવિલકર, જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ અને જસ્ટિસ ઇંદુ મલ્હોત્રાની પાંચ જજની બંધારણીય બેન્ચે ૮૦૦ વર્ષ જૂની ધાર્મિક પરંપરાનો અંત લાવતાં સબરીમાલા મંદિરમાં રજસ્વલા મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને દૂર કરી દીધો છે. બેન્ચે જણાવ્યું હતું કે, ઉંમરના કોઈપણ પ્રકારના બાધ વિના મહિલાઓ કેરળનાં સબરીમાલા મંદિરમાં પ્રવેશ કરી શકે છે. કેરાલા હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ (ઓથોરાઇઝેશન ઓફ એન્ટ્રી) રૂલ્સ, ૧૯૬૫ હિંદુ મહિલાઓના ધર્મપાલનના અધિકારનું ઉલ્લંઘન કરે છે. શારીરિક ગુણધર્મો પર આધારિત કોઈ કાયદો બંધારણની પરીક્ષામાં પાસ થઈ શકે નહીં. ધર્મમાં પુરુષનાં પ્રભુત્વને પૂજા કરવાના અધિકાર છીનવી લેવાની પરવાનગી આપી શકાય નહીં. ભારતમાં મહિલાને દેવી તરીકે પૂજાય છે અને મંદિરમાં પ્રવેશ કરતાં અટકાવવામાં આવે છે. ધર્મનાં નામે પુરુષવાદી વિચારો યોગ્ય નથી.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, તમામ ભક્તો એકસમાન છે. મહિલા હોવાને કારણે ભક્ત સાથે ભેદભાવ કરી શકાય નહીં. સબરીમાલા મંદિરમાં ૧૦થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશ નહીં આપવાની પરંપરા બંધારણીય સિદ્ધાંતોનું ઉલ્લંઘન કરે છે. કોઈ વ્યક્તિનાં ગૌરવને ટોળાની નૈતિકતાના નિર્ણય પર છોડી શકાય નહીં. ધર્મને આગળ કરીને મહિલાને પૂજા કરતી અટકાવી શકાય નહીં. મહિલા રજસ્વલા છે તેના આધારે તેને મંદિરમાં પ્રવેશતી અટકાવી શકાય નહીં. આ પ્રકારની પરંપરાઓ મહિલાઓનાં ગૌરવનું હનન કરે છે અને તેને બંધારણ અંતર્ગત પરવાનગી આપી શકાય નહીં. સુપ્રીમ કોર્ટે પોતાને અલગ ધાર્મિક સંપ્રદાય ગણાવતાં અયપ્પા સમુદાયને જણાવ્યું હતું કે, અયપ્પાના ભક્તો અલગ ધાર્મિક સંપ્રદાય નથી. અયપ્પાના ભક્ત હિંદુ જ છે, તેઓને અલગ ધાર્મિક સંપ્રદાય ગણી શકાય નહીં.
વિવાદકથા
શું છે સબરીમાલા કેસ?
પાંચ મહિલા વકીલોનાં ઈન્ડિયન યંગ લોયર્સ એસોસિયેશને સુપ્રીમમાં કેરાલા હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ રૂલ્સ, ૧૯૬૫ની કલમ ૩(બી)ને પડકાર આપ્યો હતો. આ કલમ રજસ્વલાની ઉંમર દરમિયાન મહિલાઓને મંદિરમાં પ્રવેશતી અટકાવે છે. ૧૯૯૧માં કેરળ હાઇકોર્ટે કેરાલા હિંદુ પ્લેસિસ ઓફ પબ્લિક વર્શિપ રૂલ્સ, ૧૯૬૫ અંતર્ગત સબરીમાલા મંદિરમાં ચોક્કસ વયજૂથની મહિલાઓના પ્રવેશ પરના પ્રતિબંધને યથાવત્ રાખતો ચુકાદો આપ્યો હતો. હાઇકોર્ટે જણાવ્યું હતું કે, ધાર્મિક પરંપરાઓ અંગે નિર્ણય લેવાનો અધિકાર ફક્ત મંદિરના વડા પૂજારીને જ છે. હાઇકોર્ટના ચુકાદાને ૨૦૦૮માં હેપી ટુ બ્લીડ જેવાં સંગઠનો દ્વારા પડકાર અપાયો હતો.
૨૦૦૬માં સબરીમાલાની મુલાકાત લઈ કન્નડ અભિનેત્રી જયમાલાએ વિવાદ સર્જ્યો હતો
કર્ણાટકના મહિલા અને બાળ કલ્યાણમંત્રી અને કન્નડ અભિનેત્રી જયમાલાએ ૨૦૦૬માં સબરીમાલા મંદિરની મુલાકાત લેતાં વિવાદ સર્જાયો હતો. ૨૦૦૬માં જયમાલાએ કબુલાત કરી હતી કે, મેં ૨૭ વર્ષની વયે મારા પતિ પ્રભાકર સાથે સબરીમાલાની મુલાકાત લીધી હતી.
દંતકથા
આ પ્રેમકથાને કારણે સબરીમાલામાં રજસ્વલા મહિલાઓને પ્રવેશ અને પૂજાનો અધિકાર નહીં
એવી માન્યતા છે કે, ભસ્માસુરના વધ માટે ભગવાન વિષ્ણુએ મોહિનીનો વેશ ધારણ કર્યો હતો, પરંતુ ભગવાન શિવ વિષ્ણુના આ મોહિની રૂપ પર મોહિત થઇ ગયા અને બંનેના સંયોગથી લોર્ડ અયપ્પાનો જન્મ થયો હતો. અયપ્પા નાના હતા ત્યારે દક્ષિણ ભારતમાં એક રાક્ષસીનો આતંક હતો. તેને વરદાન મળ્યું હતું કે, તેને શિવ અને વિષ્ણુના સંયોગથી પેદા થયેલું સંતાન જ હરાવી શકશે. આમ અયપ્પાએ રાક્ષસીને પરાજિત કરી હતી. હાર બાદ ખુલાસો થયો કે રાક્ષસી એક સુંદર મહિલા હતી. તે શ્રાપને કારણે રાક્ષસી બની હતી. શ્રાપમુક્ત થયેલી મહિલા અયપ્પાને પ્રેમ કરવા લાગી હતી પરંતુ અયપ્પાએ પ્રેમનો પ્રસ્તાવ નકારી જણાવ્યું હતું કે, મને વનમાં જઇ ભક્તોની પ્રાર્થના સાંભળવાનો આદેશ મળ્યો છે. જે દિવસે ભક્ત મારી પ્રાર્થના કરવાનું બંધ કરશે ત્યારે હું તારી સાથે લગ્ન કરીશ. આ વાત સાંભળીને યુવતી રાજી થઇ ગઇ હતી અને પાસેનાં એક મંદિરમાં બેસીને રાહ જોવા લાગી હતી. આ મહિલાની દેવી મલિકપુરથમ્મા તરીકે પૂજા થાય છે. તેના સન્માનને કારણે દેવ અયપ્પા પોતાના મંદિરમાં રજસ્વલા સ્ત્રીનું સ્વાગત કરતાં નથી જેથી દેવી મલિકપુરથમ્માના પ્રેમ અને બલિદાનનું અપમાન ન થાય.                                                                       

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો