બુધવાર, 4 જુલાઈ, 2018

સ્વામી વિવેકાનંદને અમેરિકાની ધર્મસંસદમાં મોકલવામાં ગુજરાતનો પણ ફાળો હતો

સ્વામી વિવેકાનંદને અમેરિકાની ધર્મસંસદમાં મોકલવામાં ગુજરાતનો પણ ફાળો હતો

- આજે સ્વામી વિવેકાનંદનો નિર્વાણદિન, જાણો કોણે આપી હતી અમેરિકા જવાની પ્રેરણા


આધ્યાત્મનું પ્રતીક બની ચૂકેલા સ્વામી વિવેકાનંદનો આજે 116મો નિર્વાણ દિવસ છે. ૧૯૦૨ની ૪થી જુલાઈએ બેલુર ખાતે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. સ્વામીજીનો અભ્યાસ તો અનેક ક્ષેત્રોમાં હતો, પરંતુ તેમની વ્યાપક ઓળખ શિકાગોમાં આપેલા પ્રવચન પછી બની હતી.
બરાબર સવાસો વર્ષ પહેલા ૧૮૯૩માં શિકાગોમાં આપેલા એ પ્રવચનથી પશ્ચિમના દેશોને હિન્દુ ધર્મની આધ્યાત્મિકતાનો ખ્યાલ આવ્યો તો વળી સ્વામીજીને પણ વિશ્વવ્યાપી ઓળખ મળી. સ્વામી વિવેકાનંદને અમેરિકા મોકલવામાં ગુજરાતનો નોંધપાત્ર ફાળો છે.
૧૮૮૮થી લઈને ૧૮૯૩ સુધી તેમણે ભારત ભ્રમણ કર્યું હતુ અને એ દરમિયાન તેઓ ગુજરાત પણ આવ્યા હતા. ગુજરાતમાં તેમણે ૧૮૯૧-૯૨ દરમિયાન અમદાવાદ, વડોદરા, વઢવાણ, લીંબડી, જૂનાગઢ, ગિરનાર, કચ્છ, દ્વારકા, પાલિતાણા, નડિઆદ, પોરબંદર.. એમ ઢગલાબંધ સ્થળોએ સફર કરી હતી. લીંબડીમાં તેઓ ઠાકોર જશવંતસિંહ (બીજી તસવીર)ના મહેમાન બન્યા હતા.
ઠાકોર જશવંતસિંહ અને સ્વામીજી વચ્ચે રોજ રાતે મોડે સુધી બેઠક જામતી હતી અને વિવિધ વિષયો પર ચર્ચા થતી હતી. જશવંતસિંહ વારંવાર પરદેશ જતા હતા. માટે તેમની સાથેની વાતોમાં જ સ્વામીજીને વિચાર આવ્યો કે પશ્ચિમના દેશો ભારતને બરાબર સમજતા નRIથી.
એ પછી તેમણે વિલાયત જવાનું નક્કી કર્યું હતુ. એ પછીનો ઈતિહાસ જાણીતો છે. ભારતના પશ્ચિમ ભાગમાં ફરતા ફરતા તેઓ જૂનાગઢ પહોંચ્યા ત્યારે તેમની મુલાકાત દીવાન વિહારીદાસ સાથે થઈ હતી અને પછી બન્ને મિત્ર બની ગયા હતા.
પરદેશ ગયા પછી પણ સ્વામીજીનો વિહારીદાસ સાથે પત્ર-વ્યવહાર ચાલતો રહ્યો હતો. એક પત્રમાં તેમણે લખ્યું હતુ કે હું ઘણા રાજા-મહારાજાઓને મળ્યો છું, પણ વડોદરાના ગાયકવાડથી વધુ મને કોઈએ પ્રભાવિત નથી કર્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો