ગુરુવાર, 31 મે, 2018

દેશનો એકમાત્ર નિષ્ક્રિય જ્વાળામુખી કચ્છનો ધીણોધર ડુંગર છે : ડાયનોસોરયુગમાં ફાટયો હતો!


=Image result for dhinodhar hill kutcha
- હવાઈ અને ઈન્ડોનેશિયા સહિત અત્યારે જગતમાં સાત જ્વાળામુખી સક્રિય છે
- ડુંગરની ધાર પર કુદરતી રીતે કપાયેલા એકસરખા પથ્થર જોવા મળે છે: લગભગ ૭.૯ કરોડ વર્ષ પહેલા જ્વાળામુખીની

અત્યારે હવાઈ ટાપુ પર થોડા દિવસ પહેલા સક્રિય થયેલો કિલુવાયેઆ જ્વાળામુખી રોજ રોજ ભીષણ સ્વરૃપ ધારણ કરતો જાય છે. બીજી તરફ ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પરનો અગુંગ જ્વાળામુખી પણ લાવા ફેંકી રહ્યો છે. આજની તારીખે દુનિયામાં કુલ મળીને સાત જ્વાળામુખી નાના-મોટા પાયે સક્રિય છે. ભારતમાં એક જ સક્રિય જ્વાળામુખી છે અને એ છેક આંદામાન નિકોબાર સમુહના બેરન ટાપુ પર આવેલો છે. ભારતમાં કુલ મળીને વિવિધ પ્રકારના સાત જ્વાળામુખી નોંધાયેલા છે. એમાંથી એકમાત્ર નિષ્ક્રિય (ઈનએક્ટિવ) જ્વાળામુખી કચ્છમાં આવેલો ધીણોધર ડુંગર છે.

ભારતના વિવિધ જ્વાળામુખી

બેરન ઉપરાંત આંદામાન દ્વિપ સમુહ પર જ આવેલો બીજો જ્વાળામુખી બરતંગ છેલ્લે ૨૦૦૩માં સક્રિય થયો હતો. પરંતુ હવાઈ કે ઈન્ડોનેશિયાના જ્વાળામુખીની જેમ ભારતના આ જ્વાળામુખી બહુ નુકસાન કરતાં નથી. એ જ્વાળામુખી ઘણા નાના છે અને વળી ત્યાં કોઈ માનવ વસતી આવેલી નથી. બીજા ત્રણ જ્વાળામુખી એક્સટિન્ક્ટ થયેલા એટલે કે નિષ્ક્રિય થઈ ચૂકેલા છે, જે ફાટવાની કોઈ સંભાવના નથી. એક જ્વાળામુખી મડ વોલ્કેનો પ્રકારનો છે, જે માત્ર કાદવના થર જામી જવાથી બનેલો છે.

નિષ્ક્રિય છે, નષ્ટ નથી થયો!

આ પૈકી નખત્રાણાથી પંદરેક કિલોમીટર દૂર આવેલો ધિણોધર એ દેશનો એકમાત્ર એવો જ્વાળામુખી છે, જે હાલ નિષ્ક્રિય છે અને જરૃર પડયે સક્રિય થઈ પણ શકે.ભુસ્તરશાસ્ત્રીઓના મતે ધિણોધર સક્રિય થાય એવી શક્યતા બહુ ઓછી છે. છતાં પણ તેને નષ્ટ થયેલો જ્વાળામુખી જાહેર ન કરી શકાય. આમેય કચ્છની ધરતી સતત હલ-ચલ કરતી રહે છે. એટલે ત્યાં આવેલો જ્વાળામુખી સંશોધકો માટે મહત્ત્વનો છે. આખા કચ્છની ધરતી ભૌગૌલિક રીતે વૈવિધ્યપૂર્ણ છે અને તેમાં ધીણોધરનો પણ સમાવેશ થાય છે.

ડાયનાસોરયુગનો પુરાવો

ગુજરાતના ઘણા ડુંગર પૈકી ધીણોધર તેના વિશિષ્ટ દેખાવ અને ભુસ્તર રચનાથી નોખો પડે છે. મંદિર ઉપરાંત આસપાસની ટેકીરીઓ પર કરોડો વર્ષથી પથરાયેલો લાવા પથ્થર સ્વરૃપમાં ફેરવાઈ ગયેલો સ્પષ્ટ દેખાય છે. અંદાજે ૭.૯ કરોડ વર્ષ પહેલા આ જ્વાળામુખીની રચના થઈ હશે. ભૌગોલિક ઈતિહાસમાં એ સમયગાળો 'ક્રિટેશસ પિરિયડ' તરીકે ઓળખાય છે. એ સમયે જ પૃથ્વી પરથી ડાયનાસોર નાશ પામ્યા હતા. ડાયનાસોરના ખાત્માને સંભવત એ વખતના જ્વાળામુખી વિસ્ફોટ સાથે સીધો સબંધ છે.

ડેક્કન ટ્રેપનો ભાગ

૭.૯ કરોડ વર્ષ પહેલા ભારતમાં અનેક સ્થળે જ્વાળામુખી ફાટયા હતા અને પછી ધરતીમાં રહેલી ફાટ એક સાથે પુરી દીધી હતી. ધરતી પર ફાટ પુરી દેવા માટે જાણે થીંગડું માર્યું હોય એવી એ રચના 'ડેક્કન ટ્રેપ' તરીકે ઓળખાય છે. મધ્યપ્રદેશમાં થઈને છેક કચ્છના રણ સુધી પથરાયેલો એ ડેક્કન ટ્રેપ નામનો લાવા-થર દુનિયાના સૌથી મોટા જ્ળાળામુખી અવશેષોમાં સ્થાન ધરાવે છે. ધીણોધરનો તેમાં જ સમાવેશ થાય છે. ડાયનાસોર યુગમાં છેલ્લે ધીણોધર જ્વાળામુખી ફાટયો હશે.

પથ્થરનું જંગલ!

અનેક પ્રવાસીઓ ધીણોધર આવે છે અને તેમના ધ્યાને ડુંગરના ઢાળ પર પથરાયેલા વિશિષ્ટ પથ્થર ધ્યાને ચડયા વગર રહેતા નથી. એક સરખા કાપીને મુકાયા હોય એવા નાના-નાના પથ્થર કુદરતની કમાલ દર્શાવે છે. ત્યાં પથ્થરનું જંગલ હોય એવું દૃશ્ય સર્જાય છે. યુરોપમાં આવુ જંગલ છે એને પ્રવાસન જાહેર કરીને જગતભરમાં તેની પ્રસિદ્ધિ કરાઈ છે. ધીણોધર પોતે પણ પ્રવાસનના નકશામાં છે, પરંતુ તેના ભૌગોલિક પાસાં પર જોઈએ એટલું ધ્યાન આપવામાં આવ્યું નથી.

ધીણોધર એટલે કાનકટ્ટા સાધુઓનો મઠ

૩૮૬ મિટર ઊંચાઈ ધરાવતો ધીણોધર અત્યારે તો પ્રવાસન માટે પ્રખ્યાત છે. અહીં પ્રવાસન રસપ્રદ ધાર્મિક ઈતિહાસ ધરબાયેલો છે. આજનો ધિણોધર ડુંગર એ ગઈકાલનો કાનકટ્ટા સાધુઓનો મઠ છે. ડુંગર ઉપર તેના અવશેષો અને મંદિર છે જ. પ્રચલિત માન્યતા પ્રમાણે ધોરમનાથ નામના સાધુએ અહીં ૧૨ વરસ તપસ્યા કરી હતી. મંદિરની અનેક દિવાલો પર જૂનવાણી ચિત્રો દોરેલા છે, જે કળા પણ આજે લુપ્ત થઈ ચૂકી છે. વિશિષ્ટ રીતે બનેલા આ ચિત્રો અનેક ચોમસા, ઉનાળા, શિયાળા પસાર થઈ ગયા પછી આજેય અણનમ છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો