સોમવાર, 3 જુલાઈ, 2017

ગુજરાતનુ સૌથી પહેલુ રેડિયો સ્ટેશન 1939માં વડોદરામાં શરૂ થયુ હતુ...



1947માં દેશમાં માત્ર છ રેડિયો સ્ટેસન હતા અને ૨ લાખ ૭૫ હજાર રેડિયો સેટ હતા.

ત્રણસો ચોપન પૂર્ણાંક છ દશાંશ મીટર્સ એટલે કે આઠસો છેતાલીસ કિલો હર્ટસ પર આકાશવામીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે..........

 
૧૩મી ફેબુ્રઆરીનો વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવવામાં આવે છે. રેડિયો રસોકોનો પણ કદાચ આ વાતની જાણકારી નહીં હોય, વર્લ્ડ રેડિયો ડેની ઉજવણી માટે ૨૦૧૦માં સ્પોનિશ રેડિયો એકેડેમીએ યુનોસ્કોનો વિનંતી કરી હતી. જેને ધ્યાનમાં લઇને ૨૦૧૧માં યુનોસ્કો દ્વારા આ અંગે નિર્ણય લેવામાં આવ્યો અને ૨૦૧૨ થી ૧૩મી ફેબુ્રઆરીનો વર્લ્ડ રેડિયો ડે તરીકે ઉજવાની શરૂઆત કરવામાં આવી. આ દિવસો વિશ્વભરનાં રેડિયો બ્રોડકાસ્ટરો ભેગા થઇને નવી ટેકનોલોજીનાં ઉપયોગથી રેડિયો પ્રસારણનો વધુ લોકભોગ્ય બનાવવા માટે ચર્ચા વિચારણા કરે છે.

ભારતમાં રેડિયો પ્રસારણનો આરંભ બ્રિટીશકાળમાં જુલાઇ ૧૯૨૩ થી થયો હતો. ખાનગી રેડિયો પ્રસારણ સંસ્થા રેડિયો કલબ ઓફ બોમ્બે દ્વારા આ પ્રસારણ શરૃ કરવામાં આવ્યું હતુ. ૧૯૪૭માં દેશ આઝાદ થયો ત્યારે દેશમાં માત્ર છ રેડિયો સ્ટેસન હતા. અને ૨ લાખ ૭૫ હજાર રેડિયો સેટ હતા.

૧૯૩૦માં ઓલ ઇન્ડિયા રેડિયોનો આરંભ થયો. જે ૧૯૫૬થી આકાશવાણીના નામે પ્રચલિત થયો. આકાશવાણી શબ્દ મૂળ સંસ્કૃત ભાષા પરથી આવ્યો છે. જેનો અર્થ આકાશમાંથી થતી ભવિષ્યવાણી કે સંદેશો એવો થાય છે.

ગુજરાતમાં પ્રથમ રેડિયો સ્ટેશન ૧૯૩૯માં ગાયકવાડ શાસનકાળમાં વડોદરા ખાતે શરૂ થયુ હતું. તે સમયના અન્ય રજવાડાઓ હૈદરાબાદ, ઔરંગાબાદ, મૈસુર અને ત્રિવેન્દ્રમના પોતાના પણ રેડિયો સ્ટેશન હતા. તા.૧૬ ડિસેમ્બર ૧૯૪૮માં ઓલ ઇન્ડિયાનું અમદાવાદ રેડિયો સ્ટેશન શરૂ થયુ. ત્યારબાદ તા.૧૬ એપ્રિલ ૧૯૪૯માં વડોદરા સ્ટેશનને અમદાવાદ સાથે ભેળવી દેવામાં આવ્યુ અને અમદાવાદ-વડોદરા એક જ રેડિયો સ્ટેશન ગણાવા લાગ્યુ.

વર્ષોથી સવારે આકાશવાણી પર જે સિગ્નેચર મ્યુઝિક વાગે છે એ તૈયાર કરનારાઓમાં પણ ગુજરાતના ગણાતા પારસીબંધુનો સમાવેશ થાય છે. આકાશવાણીનું એ થીમ મ્યુઝિક જાણીતા વાયોલિનવાદક વી.જી. જોગ અને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત પારસી સંગીતકાર ઝુબીન મહેતાના પિતા મેહિલ મહેતાએ તૈયાર કર્યુ છે. જે મેહિલ મહેતા દ્વારા કોન્સર્ટમાં વગાડવામાં આવતા સોનાટા પર આધારિત છે.

આજે ટીવીનું ચલણ વધ્યુ હોવાથી રેડિયો પ્રસારણ ડીટીએચ એટલે કે ડાયરેકટ ટુ હોમ પધ્ધતિથી ટીવી પર પણ સાંભળવા મળે છે. ક્રિકેટ મેચ કે અન્ય મહત્વની ઘટનાઓનું જીવંત પ્રસારણ ટીવી પર જોઇ શકાય છે, પરંતુ જ્યારે ટીવી નહોતુ ત્યારે લોકો રેડિયો પર ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા. વળી સ્વાતંત્ર્ય દિન, પ્રજાસત્તાક દિન, રથયાત્રા તેમ જ જન્માષ્ટમીની ઉજવણીની કોમેન્ટ્રી પણ રેડિયો પરથી પ્રસારિત થતી.

ભારતમાં ગુજરાતનું મહત્વ અનેકગણુ છે. ગુજરાતના રેડિયો સ્ટેશનોની લોકપ્રિયતા આ મહત્વમાં વધારો કરે છે. ગુજરાતનું અમદાવાદ વડોદરા સ્ટેશન ૨૦૦ કિલોવોટ ક્ષમતા ધરાવતુ હોવાથી એનુ પ્રસારણ 
ગુજરાત ઉપરાંત ગુજરાતની બહાર વિવિધ રાજ્યો જેવા કે રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર ઉપરાંત પડોશી દેશ પાકિસ્તાનમાં પણ સંભળાય છે.

સમાચાર ઉપરાંત ફિલ્મ સંગીત, હાસ્યરસથી ભરપુર કાર્યક્રમો, શાસ્ત્રીય અને સુગમ સંગીતના કાર્યક્રમો તેમજ શ્રોતાઓ સાથે સંવાદ સાધવા પત્રાવલિ જેવા કાર્યક્રમો શરૃ કરવામાં આવ્યા. વિવિધભારતીના કાર્યક્રમોથી સિલોનની લોકપ્રિયતા ઘટી છે. એક સમયે સિલોનનો બિનાકા ગીતમાલા કાર્યક્રમ સૌથી વધુ લોકપ્રિય બન્યો હતો. આજે એનુ સ્થાન વિવિધભારતીના છાયાગીત કાર્યક્રમે લીધુ છે.

આકાશવાણી પરથી બાળકો, યુવાનો, મહિલાઓ તેમજ વૃધ્ધો માટે વિવિધ રસપ્રદ કાર્યક્રમો પ્રસારિત કરવામાં આવે છે, જેમાં યુવાનો માટે યુવવાણી અને મહિલાઓ માટે ખસીસહેલી સાંભળનારો વર્ગ બહુ મોટો છે. ગુજરાતના ખેડુતો માટે ખેતીની વાત કાર્યક્રમ દ્વારા આધુનિક ખેતીની પધ્ધતિ વિશે જાણકારી આપવામાં આવતી હોવાથી ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં આ કાર્યક્રમ ખૂબ પસંદ કરવામાં આવે છે.

ઓલ ઇન્ડિયા રેડિયો દ્વારા ગુજરાતી સહિત દેશની નવ ભાષાઓમાં પ્રાદેશિક પ્રસારણ કરવામાં આવે છે. ૨૦૦૭ સુધીમાં ઓલ ઇન્ડિયા રેડિયો દેશમાં ૨૫૦ સ્ટેશનો અને ૩૫૦ ટ્રાન્સમીટર ધરાવતું નેટવર્ક બની ચૂક્યું છે.
ગુજરાતમાં ચાર પ્રાઇમરી રેડિયો સ્ટેશન છે, જેમાં અમદાવાદ- વડોદરા, રાજકોટ, ભૂજ અને આહવાનો સમાવેશ થાય છે, રેડિયોની લોક પ્રિયતાનો જોતાં આહવા જેવા અંતરિયાળ વિસ્તારમાં પણ ટ્રાન્સમીટર ઊભું કરવામાં આવ્યું છે. વળી ત્રણ સ્થાનિક સ્ટેશનો હિંમતનગર, ગોધરા અને દમણ તેમજ વિવિધ ભારતીના પણ ચાર સ્ટેશનો જેવા કે અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરતની લોકપ્રિયતા વધી છે.

ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ એટલે એફ.એમ.નું ચલણ વધ્યા બાદ ખાનગી એફએમ ચેનલોની સખ્યા વધી છે તેની સામે આકાશવાણીએ પણ એફએમ ચેનલ શરૃ કરી છે, જે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં સાંભળવા મળે છે.
રેડિયો સાથે શ્રોતાઓને જોડવા માટે ફોન ઇન જેવા કાર્યક્રમોનું પ્રસારણ થવાથી શ્રોતાઓની સંખ્યામાં વધારો થયો છે. વળી હવે તો રેડિયો પર વિવિધ સ્પર્ધાઓ યોજાય છે. અને એના વિજેતાઓને ફિલ્મની ટિકિટ કે રેસ્ટોરેન્ટમાં જમવાના ગિફ્ટ વાઉચર મળતાં હોવાથી રેડિયો સાંબળનારાઓની સંખ્યા ઝડપથી વધી રહી છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો