શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

ભારતીય સંસ્કૃતિમાં નારીના સૌંદર્ય, સંયમ, લજ્જા અને જાજરમાન દેખાવનું પ્રતીક- સાડી


આજે ૨૧ ડિસેમ્બર વિશ્વ સાડી ડે

સાડી જ એક એવુ પરિધાન છે જે અનેક પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે

 


સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી. જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી ૨૧ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે. સાડી જ એક એવું પરિધાન છે અનેક જે પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. વડોદરાના ગાયકવાડ પરિવારના રાધિકા રાજે પાસે આજેપણ ૬૦ વર્ષ જૂની ટિશ્યુ સાડીઓ છે. તાજેતરમાં જ ઈશા અંબાણીએ પોતાના લગ્નના પોષાકમાં તેની માતા નીતા અંબાણીનું ૩૫ વર્ષ જૂનુ પાનેતર પહેર્યુ હતું.
કોર્પોેરેટ કંપનીમાં સાડી પહેરીને જ કામ કરનાર જિયા દવેએ જણાવ્યું કે,સાડી એક એવુ પરિધાન છે જેમાં સેફ્ટીપીનની જરુર પડતી નથી અને ફક્ત એક ગાંઠથી શરીર પર વિંટાળી શકો છો. સાડીનો ઈતિહાસ ૭૦ હજાર વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ 'સતી'ના નામે ઓળખાતી હતી ત્યારબાદ અપભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી તેઓ ધોતીની જેમ વિંટાળીને પહેરતી હતી. જેના ઉદાહરણ આજે પણ અજંતા-ઈલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે.
ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ સાડીઓનો વિવિધ રીતે ઉપયોગ કરતા હતા. જેમકે, મુઘલો બનારસ સાડીના સાફા માથા પર બાંધતા તો હિંદુ રાજાઓ રાણીઓની સાડીમાંથી બનાવેલા ખેસ પોતાના ખભા પર રાખતા હતા. પેશ્વાઓ બનારસી સાડીઓની ધોતી પહેરતા હતા. રાજપૂત રાણીઓએ શિફોનની સાડીઓને પ્રચલિત બનાવી છે. આજે પણ ઘણા એવાં ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શો રુમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે.


વજ્ર મુષ્ઠીની રમત પહેલવાન મરી ન જાય ત્યાં સુધી રમાતી હતી

 
મહારાજા ખંડેરાવ ગાયકવાડના સમયગાળા સુધી પહેલવાન મરી ન જાય ત્યાં સુધી વજ્ર મુષ્ઠીની રમત રમાતી હતી. પરંતુ જ્યારે મહારાજા સયાજીરાવ રાજગાદી પર આવ્યા ત્યારે તેમણે  સામેવાળાના શરીરમાંથી લોહી નીકળવાનું શરુ થાય એટલે રમત સમાપ્ત કરી દેવી એવો નિયમ બનાવ્યો હતા.વજ્ર મુષ્ઠીની રમત માટે મહારાજાએ ખાસ અગડના મેદાનમાં અખાડો શરુ કર્યો હતો.એમ, ઈતિહાસના જાણકાર ચંદ્રશેખર પાટિલનું કહેવું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની રમત-ગમતની સ્પર્ધા બરોડા સ્ટેટમાં યોજાય તે હેતુથી  ગ્વાલિયર પાસેના ઓરછાના મહારાજા અને મહારાજા સયાજીરાવે શહેરના બદામડી બાગ પાસે ૧૯૧૮માં હિંદ વિજય જીમખાનાની શરુઆત કરી હતી. જેના શતાબ્દી મહોત્સવ નિમિતે ગુજરાત ક્રિડા મંડળ અને બરોડા જિલ્લા એમેચ્યોર એથ્લેટિક અસોશિએસન દ્વારા સયાજી ક્રિડા મહોત્સવ ૨૦૧૮નું આયોજન કરેલું હતું જેમાં મહારાજા સયાજીરાવ પહેલા, પછી અને તેમના સમયમાં રમાતી રમતોનું તસવીર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. વજ્ર મુષ્ઠીની રમત વિશે ચંદ્રશેખર પાટિલે જણાવ્યું કે, આ રમત ફક્ત જેઠી પરિવારના પહેલવાનો જ રમતા હતા. સૌરાષ્ટ્રના આ જેઠી પરિવારના પહેલવાનો આંધ્રપ્રદેશ, મૈસુર અને ત્યારબાદ ૧૮મી સદીની શરુઆતમાં બરોડા સ્ટેટમાં આવ્યા હતા. ૬ ફૂટ ઊંચાઈ અને ૮૫ કિલો વજન ધરાવતા આ પહેલવાનો ગાયના શિંગડામાંથી બનાવેલ શસ્ત્ર હાથમાં પહેરતા અને તેનાથી જ દુશ્મન ખેલાડી પર પ્રહાર કરતા હતા. ભદ્રકચેરીની પાછળ આવેલા અગડના મેદાનમાં હાથી, બળદ, ગેંડો, ભેંસ, મરઘા, પોપટ જેવા પ્રાણી-પક્ષીઓની લડાઈ પણ થતી હતી. જેને જોવા હજારોની સંખ્યામાં નગરજનો આવતા હતા. રમત-ગમતમાં જે વિજેતા થાય તેને મહારાજા ગણપતરાવે 'રુસ્તમે હિંન્દ' ટાઈટલ આપવાનું નક્કી કર્યું હતું. છેલ્લે આ ટાઈટલ દારાસિંહને મળ્યું હતું.
સયાજીરાવ પ્રેક્ષકો માટે જર્મનીથી લાકડાનું ફોલ્ડિંગ સ્ટેડિયમ લાવેલા
રમતોત્સવ દરમિયાન પ્રેક્ષકોની બેસવાની તાત્કાલિક વ્યવસ્થા માટે મહારાજા સયાજીરાવ જર્મનીથી સાગના લાકડાનું ફોલ્ડિંગ સ્ટેડિયમ લાવ્યા હતા. હિંદ વિજય જીમખાનામાં આ સ્ટેડિયમ મોટે ભાગે હોકી અને કુસ્તીની રમતમાં મૂકાતુ હતુ જેમાં ૧૦થી ૧૫ હજાર પ્રેક્ષકો બેસી શક્તા હતા. એ સમયે આ ફોલ્ડિંગ સ્ટેડિયમ અમરેલી, નવસારી અને મહેસાણા પણ રમતોત્સવ દરમિયાન મોકલાતું હતું.૧૯૮૦ સુધી આ સ્ટેડિયમ કમાટીબાગમાં સચવાયેલુ હતુ. ત્યારબાદ આ સ્ટેડિયમ નામશેષ થઈ ગયું.
મહારાજા મૃત્યુ પામ્યા ત્યારે સ્ટેટમાં 45,000 સ્કાઉટ હતા
ચંદ્રશેખર પાટિલે જણાવ્યુ કે, મહારાજા સયાજીરાવે તમામ રમતોની સાથે સ્કાઉટને પણ ઘણું મહત્વ આપ્યું હતુ. ઈ.સ.૧૯૩૯માં જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે બરોડા સ્ટેટ પાસે ૪૫,૦૦૦ સ્કાઉટ હતા. અને ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ફક્ત વડોદરાના જ ૬૫,૦૦૦ સ્કાઉટ હતા. અને આઝાદી બાદ દેશના રાષ્ટ્રપતિને રાજાની સિક્યુરિટી 'પ્રતાપગાઢ' તેમજ સયાજીરાવની બગી આપવામાં આવી હતી. જે આજે પણ ઉપયોગમાં લેવાય છે

ગુરુવાર, 20 ડિસેમ્બર, 2018


ઈસરોની વધુ એક સિદ્ધિઃ સંચાર ઉપગ્રહ જીસેટ ૭-એ સફળતાપૂર્વક લૉન્ચ કરાયો


જીએસએલવી એફ-૧૧ રોકેટની મદદથી અવકાશમાં મોકલેલા ૨,૨૫૦ કિલોના આ ઉપગ્રહથી ભારતીય વાયુસેનાની ક્ષમતા વધશે

અગાઉ ઈસરોએ નૌસેના માટે રુક્મિણી નામે ઓળખાયેલો જીસેટ ૭ લૉન્ચ કર્યો હતો, જે સમુદ્રમાં ચાંપતી રાખવા ઉપયોગી


 


ઈસરોએ બુધવારે સાંજે ૪:૧૦ કલાકે જીએસએલવી એફ-૧૧ રોકેટની મદદથી જીસેટ ૭-એ ઉપગ્રહ સફળતાપૂર્વક લૉન્ચ કર્યો હતો. ભારતીય વાયુસેનાને ધ્યાનમાં રાખીને તૈયાર કરાયેલો આ ઉપગ્રહ આંધ્રપ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી અવકાશમાં મોકલાયો હતો. હાલમાં જ ઈસરોએ સૌથી ભારે જી-સેટ ૧૧ ઉપગ્રહ સફળતાપૂર્વક અવકાશમાં તરતો મૂક્યો હતો. એ પછી ઈસરોએ આ બીજી એક સિદ્ધિ હાંસલ કરી છે. ઈસરોએ છેલ્લાં ૩૫ દિવસમાં સફળતાપૂર્વ લૉન્ચ કરેલો આ ત્રીજો ઉપગ્રહ છે.

 

જીસેટ ૭-એ ૨,૨૫૦ કિલો વજન ધરાવતો સંચાર ઉપગ્રહ છે. એટલે કે, આ ઉપગ્રહની મદદથી હાઈટેક કોમ્યુનિકેશન થઈ શકશે, જેનો સૌથી વધુ લાભ ભારતીય વાયુસેનાને મળશે. રોકેટ લૉન્ચ કર્યાની ૧૯ જ મિનિટમાં જિયોસિન્ક્રોનોસ લૉન્ચ વ્હિકલે જીસેટ ૭-એ ઉપગ્રહને સફળતાપૂર્વક ધરીમાં મૂકી દીધો હતો. આ ઉપગ્રહ ગ્રાઉન્ડ રડાર સ્ટેશન, એરબેઝ અને એરબોર્ન અર્લી વૉર્નિંગ એન્ડ કન્ટ્રોલ એરક્રાફ્ટને ઈન્ટરલિંક કરવામાં પણ મદદરૃપ થશે. એટલું જ નહીં, આ જીસેટ ૭-એથી વાયુસેનાના ડ્રોન અને અનમેન્ડ એરિયલ વ્હિકલની ક્ષમતામાં પણ અનેકગણો વધારો થશે. આ ઉપગ્રહથી ભવિષ્યમાં એક હજાર જીબી સુધીની ઈન્ટરનેટ સ્પિડ પણ મળી શકે એમ છે.

 

આ પહેલાં ઈસરોએ ભારતીય નૌસેનાની ક્ષમતા વધારવાના હેતુથી 'રુક્મિણી' નામનો ઉપગ્રહ લૉન્ચ કર્યો હતો. જીસેટ રુક્મિણી પહેલો મિલિટરી કોમ્યુનિકેશન માટે તૈયાર કરાયેલો ઉપગ્રહ હતો, જેનાથી નૌસેનાની ક્ષમતામાં અનેકગણો વધારો થયો છે. આ ઉપગ્રહની મદદથી જ નૌસેના ભારતીય સમુદ્ર સરહદોમાં થતી ગતિવિધિઓ પર ચાંપતી નજર રાખી શકે છે.

બુધવાર, 19 ડિસેમ્બર, 2018


આજ્ના દિવસે ગોવા, દમણ અને દિવને પોર્ટુગલના શાસનથી આઝાદ કરવામાં આવ્યાં હતાં

Image result for diu daman goa liberation day

ભારતીય સેનાએ આજના દિવસે જ ગોવા, દમણ અને દિવમાં પ્રવેશ કરી આ વિસ્તારને સાડાચારસો વર્ષના પોર્ટુગલના શાસનથી આઝાદ કરાવ્યું હતું. ગોવા, દમણ અને દિવ પર 450 વર્ષના પોર્ટુગલના શાસનને ભારતીય સેનાએ આજે ખતમ કર્યુ હતુ. 40 કલાકની લડાઇ પછી ગોવા પોર્ટુગલોથી આઝાદ થયું હતુ અને એને ભારતનો એક ભાગ  જાહેર કરવામાં આવ્યો.

30 મે, 1987ના રોજ ગોવાને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો, જ્યારે દમણ અને દીવ કેંદ્રશાસિત પ્રદેશ જ રહ્યા.

આજે ભગવદ ગીતા જયંતિ, મોક્ષદા એકાદશીની મંદિરોમાં વિશિષ્ટ ઉજવણી
Image result for gita jayanti
મોક્ષદા એકાદશી કરવાથી વાજપેય યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે
ગીતાજીના ૭૦૦ શ્લોકનો પાઠ મંદિરોના પરિસરમાં કરાશે

માગશર સુદ એકાદશી છે ત્યારે આવતીકાલે અમદાવાદ સહિત રાજ્યભરના મંદિરોમાં 'ગીતા જયંતિ', 'મોક્ષદા એકાદશી'ની વિશિષ્ટ ઉજવણી કરવામાં આવશે. 'ગીતા જયંતિ' એવું દિવ્ય પર્વ છે જ્યારે ભગવાન કૃષ્ણે પોતાના મુખેથી અર્જુનને ગીતાના અગૂઢ જ્ઞાાનથી અવગત કરાવ્યા હતા.

ભગવદ ગીતાના ૧૮માં અધ્યાયના ૬૮માં શ્લોકમાં ભગવાન કૃષ્ણ કહે છે કે, 'જે મનુષ્ય ભક્તોને ભગવદ ગીતાનું જ્ઞાન લોકો સુધી પહોંચાડે છે, તે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરે છે અને તે અંતે મારી પાછો આવશે, તેમાં લેશમાત્ર શંકા નથી. 

19-12-2018


મંગળવાર, 18 ડિસેમ્બર, 2018

ગુજરાતી સાહિત્યમાં ૩૦૦૦ હસ્તપ્રતોમાંથી ફક્ત ૨૦ ટકા જેટલી જ ઉકેલાઈ છે

-     હસ્તપ્રતોનો અભ્યાસ ધૂળ ધોયાનો ધંધો છે પરંતુ સંશોધનનો આનંદ અમૂલ્ય છે

-     ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં હસ્તપ્રતોનું સંપાદન અને વાંચન વિશે સેમિનાર યોજાયો

 



અત્યારના સમયમાં જીવન જીવવાની ચાવી મળે તેવી ગુજરાતી સાહિત્યમાં ૧૬૦૦ જેટલા કવિઓની ૩૦૦૦ જેટલી હસ્તપ્રતો છે. પરંતુ તેમાંથી ફક્ત ૨૦ ટકા ઉકેલાઈ છે. બાકીની ૮૦ ટકા હસ્તપ્રતો વણઉકેલાયેલી છે. આ હસ્તપ્રતો ઈ.સ.૧૧૫૦થી ૧૮૫૦ એટલે ૭૫૦ સમયગાળાની છે.એમ, ગુજરાત યુનિવર્સિટીના પ્રો. કીર્તિદા શાહનું કહેવું છે.
એમ.એસ.યુનિની ઓરિએન્ટલ ઈન્સ્ટિટયૂટમાં તા.૧૭થી ૨૩ સુધી હસ્તપ્રતોના સંપાદન અને વાંચન વિશે સેમિનાર રાખવામાં આવ્યો છે. ઈન્સ્ટિટયૂટના ડિરેક્ટર ડો.શ્વેતા પ્રજાપતિએ જણાવ્યું કે, લિપિ વિશેના સેમિનાર વારંવાર આ ઈન્સ્ટિટયૂટમાં થતા હોય છે. પરંતુ હસ્તપ્રતોમાં જે સાહિત્ય છે તેને ઉકેલવા માટે તેમજ સંશોધનો થાય તે હેતુથી પ્રથમવાર હસ્તપ્રતો વાંચનનો સેમિનાર રાખવામાં આવ્યો છે. જેમાં નિષ્ણાંતો દ્વારા ગુજરાતી અને સંસ્કૃત બે વિષયની હસ્તપ્રતોની જાણકારી વિદ્યાર્થીઓને આપવામાં આવશે. સાત દિવસીય સેમિનારમાં એમ.એસ.યુનિ. ઉપરાંત વિદ્યાનગર,રાજકોટ, મહેસાણાથી વિદ્યાર્થીઓ આવ્યા છે. 
પ્રો. કીર્તિદા શાહે જણાવ્યું કે, હસ્તપ્રતોનો અભ્યાસ ધૂળ ધોયાનો ધંધો છે પરંતુ સંશોધનનો આનંદ અમૂલ્ય છે. તેનાથી પૈસાદાર નહીં થવાય પરંતુ જ્ઞાાનમાં ચોક્કસ વધારો થશે. ગુજરાતી સાહિત્યની હસ્તપ્રતોમાં હિંદુ, જૈન અને સૂફી પરંપરાની કૃતિઓ છે. અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યામંદિરમાં ગુજરાતી સાહિત્યમાં કુરાન, રામાયણ અને મહાભારતની હસ્તપ્રતો સોના-ચાંદીના વરખથી લખાયેલી છે.
૩૫ મિલિયન હસ્તપ્રતોમાંથી હજારનો પણ અધિકૃત પાઠ તૈયાર કરાયો નથી
મુંબઈની ઈન્ડિયન ઈન્સ્ટિટયૂટ ઓફ ટેકનોલોજીના પ્રો.મલ્હાર કુલકર્ણીએ જણાવ્યું કે, દેશમાં વિવિધ લિપિમાં ૩૫ મિલિયન હસ્તપ્રતો સચવાયેલી છે તેમાંથી હજાર જેટલી હસ્તપ્રતોનો પણ અધિકૃત પાઠ તૈયાર કરાયો નથી.જેનું મુખ્ય કારણ તાલીમ પામેલા નિષ્ણાંતોની અછત અને સમય માંગી લે તેવું કામ છે.