શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

વજ્ર મુષ્ઠીની રમત પહેલવાન મરી ન જાય ત્યાં સુધી રમાતી હતી

 
મહારાજા ખંડેરાવ ગાયકવાડના સમયગાળા સુધી પહેલવાન મરી ન જાય ત્યાં સુધી વજ્ર મુષ્ઠીની રમત રમાતી હતી. પરંતુ જ્યારે મહારાજા સયાજીરાવ રાજગાદી પર આવ્યા ત્યારે તેમણે  સામેવાળાના શરીરમાંથી લોહી નીકળવાનું શરુ થાય એટલે રમત સમાપ્ત કરી દેવી એવો નિયમ બનાવ્યો હતા.વજ્ર મુષ્ઠીની રમત માટે મહારાજાએ ખાસ અગડના મેદાનમાં અખાડો શરુ કર્યો હતો.એમ, ઈતિહાસના જાણકાર ચંદ્રશેખર પાટિલનું કહેવું છે.
આંતરરાષ્ટ્રીય સ્તરની રમત-ગમતની સ્પર્ધા બરોડા સ્ટેટમાં યોજાય તે હેતુથી  ગ્વાલિયર પાસેના ઓરછાના મહારાજા અને મહારાજા સયાજીરાવે શહેરના બદામડી બાગ પાસે ૧૯૧૮માં હિંદ વિજય જીમખાનાની શરુઆત કરી હતી. જેના શતાબ્દી મહોત્સવ નિમિતે ગુજરાત ક્રિડા મંડળ અને બરોડા જિલ્લા એમેચ્યોર એથ્લેટિક અસોશિએસન દ્વારા સયાજી ક્રિડા મહોત્સવ ૨૦૧૮નું આયોજન કરેલું હતું જેમાં મહારાજા સયાજીરાવ પહેલા, પછી અને તેમના સમયમાં રમાતી રમતોનું તસવીર પ્રદર્શન રાખવામાં આવ્યું હતું. વજ્ર મુષ્ઠીની રમત વિશે ચંદ્રશેખર પાટિલે જણાવ્યું કે, આ રમત ફક્ત જેઠી પરિવારના પહેલવાનો જ રમતા હતા. સૌરાષ્ટ્રના આ જેઠી પરિવારના પહેલવાનો આંધ્રપ્રદેશ, મૈસુર અને ત્યારબાદ ૧૮મી સદીની શરુઆતમાં બરોડા સ્ટેટમાં આવ્યા હતા. ૬ ફૂટ ઊંચાઈ અને ૮૫ કિલો વજન ધરાવતા આ પહેલવાનો ગાયના શિંગડામાંથી બનાવેલ શસ્ત્ર હાથમાં પહેરતા અને તેનાથી જ દુશ્મન ખેલાડી પર પ્રહાર કરતા હતા. ભદ્રકચેરીની પાછળ આવેલા અગડના મેદાનમાં હાથી, બળદ, ગેંડો, ભેંસ, મરઘા, પોપટ જેવા પ્રાણી-પક્ષીઓની લડાઈ પણ થતી હતી. જેને જોવા હજારોની સંખ્યામાં નગરજનો આવતા હતા. રમત-ગમતમાં જે વિજેતા થાય તેને મહારાજા ગણપતરાવે 'રુસ્તમે હિંન્દ' ટાઈટલ આપવાનું નક્કી કર્યું હતું. છેલ્લે આ ટાઈટલ દારાસિંહને મળ્યું હતું.
સયાજીરાવ પ્રેક્ષકો માટે જર્મનીથી લાકડાનું ફોલ્ડિંગ સ્ટેડિયમ લાવેલા
રમતોત્સવ દરમિયાન પ્રેક્ષકોની બેસવાની તાત્કાલિક વ્યવસ્થા માટે મહારાજા સયાજીરાવ જર્મનીથી સાગના લાકડાનું ફોલ્ડિંગ સ્ટેડિયમ લાવ્યા હતા. હિંદ વિજય જીમખાનામાં આ સ્ટેડિયમ મોટે ભાગે હોકી અને કુસ્તીની રમતમાં મૂકાતુ હતુ જેમાં ૧૦થી ૧૫ હજાર પ્રેક્ષકો બેસી શક્તા હતા. એ સમયે આ ફોલ્ડિંગ સ્ટેડિયમ અમરેલી, નવસારી અને મહેસાણા પણ રમતોત્સવ દરમિયાન મોકલાતું હતું.૧૯૮૦ સુધી આ સ્ટેડિયમ કમાટીબાગમાં સચવાયેલુ હતુ. ત્યારબાદ આ સ્ટેડિયમ નામશેષ થઈ ગયું.
મહારાજા મૃત્યુ પામ્યા ત્યારે સ્ટેટમાં 45,000 સ્કાઉટ હતા
ચંદ્રશેખર પાટિલે જણાવ્યુ કે, મહારાજા સયાજીરાવે તમામ રમતોની સાથે સ્કાઉટને પણ ઘણું મહત્વ આપ્યું હતુ. ઈ.સ.૧૯૩૯માં જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે બરોડા સ્ટેટ પાસે ૪૫,૦૦૦ સ્કાઉટ હતા. અને ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે ફક્ત વડોદરાના જ ૬૫,૦૦૦ સ્કાઉટ હતા. અને આઝાદી બાદ દેશના રાષ્ટ્રપતિને રાજાની સિક્યુરિટી 'પ્રતાપગાઢ' તેમજ સયાજીરાવની બગી આપવામાં આવી હતી. જે આજે પણ ઉપયોગમાં લેવાય છે

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો