શુક્રવાર, 21 ડિસેમ્બર, 2018

ભારતીય સંસ્કૃતિમાં નારીના સૌંદર્ય, સંયમ, લજ્જા અને જાજરમાન દેખાવનું પ્રતીક- સાડી


આજે ૨૧ ડિસેમ્બર વિશ્વ સાડી ડે

સાડી જ એક એવુ પરિધાન છે જે અનેક પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે

 


સામાન્ય સ્ત્રીને પણ જાજરમાન બનાવતું પરિધાન એટલે સાડી. જે આજની યુવા પેઢીમાં છેલ્લો વિકલ્પ બની ગયો છે. વિશ્વભરમાં દેશના રાષ્ટ્રીય પરિધાન સાડીની અલગ છબી તરી આવે તે હેતુથી ૨૧ ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય સાડી દિવસ ઉજવાય છે. સાડી જ એક એવું પરિધાન છે અનેક જે પેઢીઓ સુધી વારસાગત રીતે આપવામાં આવે છે. વડોદરાના ગાયકવાડ પરિવારના રાધિકા રાજે પાસે આજેપણ ૬૦ વર્ષ જૂની ટિશ્યુ સાડીઓ છે. તાજેતરમાં જ ઈશા અંબાણીએ પોતાના લગ્નના પોષાકમાં તેની માતા નીતા અંબાણીનું ૩૫ વર્ષ જૂનુ પાનેતર પહેર્યુ હતું.
કોર્પોેરેટ કંપનીમાં સાડી પહેરીને જ કામ કરનાર જિયા દવેએ જણાવ્યું કે,સાડી એક એવુ પરિધાન છે જેમાં સેફ્ટીપીનની જરુર પડતી નથી અને ફક્ત એક ગાંઠથી શરીર પર વિંટાળી શકો છો. સાડીનો ઈતિહાસ ૭૦ હજાર વર્ષ જૂનો છે. પ્રાચીન સમયમાં સાડી સંસ્કૃત શબ્દ 'સતી'ના નામે ઓળખાતી હતી ત્યારબાદ અપભ્રંશ થઈને સાદી અને હવે સાડી તરીકે ઓળખાય છે. મૌર્ય યુગ સુધી સ્ત્રીઓને સાડી પહેરતા આવડતી નહોતી તેઓ ધોતીની જેમ વિંટાળીને પહેરતી હતી. જેના ઉદાહરણ આજે પણ અજંતા-ઈલોરાની ગુફાના ચિત્રોમાં જોવા મળે છે.
ફક્ત સ્ત્રીઓ જ નહીં પરંતુ પુરુષો પણ સાડીઓનો વિવિધ રીતે ઉપયોગ કરતા હતા. જેમકે, મુઘલો બનારસ સાડીના સાફા માથા પર બાંધતા તો હિંદુ રાજાઓ રાણીઓની સાડીમાંથી બનાવેલા ખેસ પોતાના ખભા પર રાખતા હતા. પેશ્વાઓ બનારસી સાડીઓની ધોતી પહેરતા હતા. રાજપૂત રાણીઓએ શિફોનની સાડીઓને પ્રચલિત બનાવી છે. આજે પણ ઘણા એવાં ક્ષેત્રો જેવા કે, શિક્ષણ, કેર-ટેકર, એર હોસ્ટેસ, જ્વેલરી શો રુમ, હોસ્પિટલો જેમાં મહિલાઓ મોટેભાગે સાડી પહેરીને કલાકો સુધી કામ કરે છે.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો