બુધવાર, 14 નવેમ્બર, 2018

આજથી શરૂ થઇ રહી છે રામાયણ એક્સપ્રેસ



- દિલ્હીથી તામિલનાડુના રામેશ્વરમ સુધી રામાયણ સાથે સંકળાયેલા મહત્વના સ્થળોએ મુસાફરોને જાત્રા કરાવશે


- ચેન્નાઇથી શ્રીલંકાનું અલગ પેકેજઃ શ્રીલંકાના કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોંબો જેવા સ્થળોનો સમાવેશ



ધાર્મિક પર્યટનને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન (IRCTC) દ્વારા રામાયણ સાથે જોડાયેલા મહત્વના સ્થળોએથી પસાર થનારી સ્પેશિયલ ટ્રેન રામાયણ એક્સપ્રેસ આજથી શરૃ થશે. આ ટ્રેન દિલ્હીના સફદરજંગ સ્ટેશનેથી રવાના થશે. 


આ સ્પેશિયલ ટ્રેનમાં 16 દિવસનું પેકેજ રહેશે જેમાં ભારતમાં ભગવાન રામ સાથે જોડાયેલા દરેક મહત્વના સ્થળો ઉપરાંત શ્રીલંકાના 4 સ્થળોની યાત્રા પણ કરાવવામાં આવશે. દિલ્હીથી રવાના થયા બાદ ટ્રેનનો પહેલો પડાવ અયોઘ્યા ખાતે હશે. ત્યાર બાદ આ ટ્રેન હનુમાન ગઢી. રામકોટ અને કનકભવન મંદિર જશે. ત્યાર બાદ રામાયણ સર્કિટના મહત્વપૂર્ણ સ્થળો જેવા કે નંદીગ્રામ, સીતામઢી, જનકપુર, વારાણસી, પ્રયાગ, શ્રુંગપુર, ચિત્રકૂટ, નાસિક, હમ્પી અને રામેશ્વરમ જેવા સ્થળોની યાત્રા કરાવવામાં આવશે. રામાયણ એક્સપ્રેસ તામિલનાડુના રામેશ્વરમ ખાતે 16 દિવસમાં પોતાની યાત્રા પૂર્ણ કરશે.

IRCTCના જણાવ્યા અનુસાર ટૂર પેકેજમાં ધર્મશાળાઓમાં ભોજન, આવાસ, દર્શનીય સ્થળોની મુલાકાતની વ્યવસ્થા કરવામાં આવશે અને IRCTCના ટૂર મેનેજર પણ યાત્રીઓ સાથે રહેશે. રામાયણ એક્સપ્રેસમાં 800 યાત્રીઓની ક્ષમતા હશે અને પ્રતિ વ્યક્તિ કિંમત 15,120 રૂપિયા હશે. 

શ્રીલંકાની મુસાફરી માટે અલગથી ભાડું લેવામાં આવશે. શ્રીલંકા જવા માંગતા યાત્રીઓ માટે ચેન્નાઇથી કોલંબોની ફ્લાઇટની વ્યવસ્થા હશે. 5 રાત અને 6 દિવસના શ્રીલંકાના પ્રવાસની કિંમત પ્રતિ વ્યક્તિ 36,970 રૂપિયા હશે. આ ટૂર પેકેજમાં કેન્ડી, નુવારા એલિયા, કોલંબો અને નેગોંબો જેવા સ્થળોને સમાવેશ કરવામાં આવશે. 
Children's Day: 14 નવેમ્બરે જ શા માટે ઉજવાય છે બાળદિવસ, જાણો ઈતિહાસ

 


પંડિત જવાહર લાલ નેહરુનો જન્મ 14 નવેમ્બરે થયો હતો. દેશના પ્રથમ પ્રધાનમંત્રી પંડિત નહેરુના જન્મદિવસની ઉજવણી દેશભરમાં બાળદિવસ તરીકે થાય છે. પંડિત નહેરુને બાળકો પ્રિય હતા અને બાળકો પણ તેમને 'ચાચા નહેરુ' ઉપનામથી સંબોધિત કરતા. પંડિત નહેરુ કહેતા કે બાળકો જ દેશનું ભવિષ્ય છે તેથી તેમને પ્રેમ આપવો અને તેમની સંભાળ કરવી જરૂરી છે.  બાળદિવસની ઉજવણીના ભાગરુપે શાળામાં પણ અનેક રંગારંગ કાર્યક્રમો રાખવામાં આવે છે. વિવિધ સ્પર્ધાઓનું આયોજન આ દિવસે કરવામાં આવે છે. 

ભારતમાં દર વર્ષે 14 નવેમ્બરના રોજ બાળ દિવસની ઉજવણી થાય છે. 27 મે 1964ના રોજ પંડિત જવાહરલાલ નહેરુના નિધન બાદ બાળકો પ્રત્યે તેમનો પ્રેમ જોયા પછી સર્વસમ્મતિથી નિર્ણય કરવામાં આવ્યો કે તેમના જન્મદિવસને બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે. 

બાળ દિવસની ઉજવણી દેશમાં 1925થી થવા લાગી હતી. પરંતુ યૂએનએ 20 નવેમ્બર 1954ના રોજ બાળ દિવસની ઘોષણા કરી હતી. અલગ અલગ દેશોમાં બાળ દિવસ અલગ અલગ તારીખે ઉજવવામાં આવે છે. પરંતુ ભારતમાં 14 નવેમ્બરે જ બાળ દિવસ વર્ષોથી ઉજવાય છે. 


સુભાષચંદ્ર બોઝના માનમાં સરકાર બહાર પાડશે 75 રુપિયાનો સિક્કો




કેન્દ્ર સરકારે મંગળવારે આંદામાન નિકોબારની રાજધાની પોર્ટબ્લેયરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝ દ્વારા પહેલી વખત તિરંગો ફરકાવવાના 75 વર્ષ પુરા થવા નિમિત્તે 75 રુપિયાનો સિક્કો બહાર પાડવાનુ એલાન કર્યુ છે.


નાણા મંત્રાલય દ્વારા આ માટે એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. સિક્કાની ખાસીયતો આ પ્રમાણે છે

- સિક્કાનુ વજન 35 ગ્રામ હશે

- તેમાં 50 ટકા ચાંદી, 40 ટકા તાંબા અને 5-5 ટકા નિકલ તેમજ ઝિંક ધાતુ હશે.

- સિક્કાની પાછળ સેલ્યુલર જેલની પાછળ તિરંગાને સલામી આપનાર નેતાજી સુભાષચંદ્ર બોઝનુ ચિત્ર બનાવાયુ હશે.

- સિક્કા પર દેવનાગરી અને અંગ્રેજી ભાષામાં પહેલો ધ્વજારોહણ દિવસ લખેલુ હશે.

ઉલ્લેખનીય છે કે સુભાષચંદ્ર બોઝે પોર્ટ બ્લેયરમાં 30 ડિસેમ્બર, 1943ના દિવસે તિરંગો ફરકાવ્યો હતો.

 

ISRO લોન્ચ કર્યો સંચાર ઊપગ્રહ GSAT-29, ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે થશે ઊપયોગી


 

 

અંતરિક્ષમાં સતત નવી ઉપલબ્ધીઓ હાંસલ કરનાર ISROએ વધુ એક ઉપલબ્ધી પોતાના નામે કરી છે. ISROએ સંચાર ઉપગ્રહ GSAT-29ને લોન્ચ કર્યો. આ ઉપગ્રહને બુધવારે સાંજે 5 કલાક અને 8 મિનીટે શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવ્યો.

 

આ સંચાર ઉપગ્રહ GSAT-29ને લોન્ચ કરવા માટે GSLV-MK-III D2 રોકેટનો ઊપયોગ કરવામાં આવી રહ્યો છે. ISROનો આ વર્ષનું પાંચમું લોન્ચીંગ હશે. આ લોન્ચ જમ્મ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે મહત્વપૂર્ણ છે.

 

GSAT-29 એક હાઇથ્રોપુટ સંચાર ઉપગ્રહ છે. તેને જમ્મુ-કાશ્મીર અને ઉત્તર-પૂર્વીય રાજ્યો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. જાણવા મળી રહ્યું છે કે તેનાથી આ રાજ્યોમાં સંચાર સુવિધા સુધરશે અને તેનાથી ઇન્ટરનેટની સ્પીડ પણ વધી જશે.


સોમવાર, 12 નવેમ્બર, 2018


દેશના પહેલા ઇનલેંડ વોટર વે ટર્મિનલનું વારાણસીમાં લોકાપર્ણ

 Image result for india water terminal varansi

-મોદીની વારાણસીને લહાણી, ૨૪૧૩ કરોડના પ્રોજેક્ટને ખુલ્લા મુક્યા
-૧૫૦૦ કરોડના ખર્ચે તૈયાર બે મોટા રોડનું ઉદઘાટન કર્યું, કોલકાતાથી આવેલા કંટેનરનું મોદીએ સ્વાગત કર્યું

મોદીએ વારાણસીને ૨૪૧૩ કરોડ રૃપિયાની ભેટ આપી છે જે દરમિયાન તેમણે દાવો કર્યો હતો કે આજનો દિવસ ઐતિહાસિક છે.

મોદીએ ગંગા પર બનેલા મલ્ડી મોડલ ટર્મિનલનું ઉદઘાટન કર્યું હતું. આ દરમિયાન મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ કાશીને ૨૪૧૩ કરોડ રૃપિયાની લહાણી કરતી યોજનાઓ આપી હતી.

મોદીએ આ સાથે જ બે રોડનું પણ ઉદઘાટન કર્યું હતુંજે આશરે ૩૪ કિમી સુધી બનાવવામાં આવ્યો છે. અને બાંધકામ પાછળ ૧૫૭૧.૯૫ કરોડ રૃપિયાનો ખર્ચ કરવામા આવ્યો છે. ૧૬.૫૫ કિમી લાંબા વારાણસી રિંગ રોડ ફેઝ-૧ને બનાવવા પાછળ ૭૫૯.૩૬ કરોડ રૃપિયાનો ખર્ચ થયો હતો. જ્યારે બાપતપુર-વારાણસીના ૧૭ કિમી લાંબા રોડને બનાવવા પાછળ ૮૧૨ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો.

આ રોડની મદદથી બૌદ્ધીષ્ઠ યાત્રાળુઓ માટે મહત્વના સ્થળ સર્નાથ જવામાં સરળતા રહેશે. જ્યારે વારાણસીમાં ૪૨૫ કરોડના ખર્ચે સેવેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ અને ૭૨.૯૧ કરોડના ખર્ચે રામનગરમાં વધુ એક પ્રોેજેક્ટના નીર્માણનું ઉદઘાટન કર્યું હતું. દરમિયાન મોદીએ દાવો કર્યો હતો કે ગંગા નદીના કિનારે આવેલા ગામડાઓ જાહેરમાં શૌચાલયથી મુક્ત થઇ ગયા છે અને દરેક પાસે હવે ટોઇલેટ છે. મોદીએ આશરે ૧૦ જેટલી યોજનાઓને ખુલ્લી મુકી હતી જ્યારે ૧૦ યોજનાઓનો પાયો નાખ્યો હતો.
 

રવિવાર, 11 નવેમ્બર, 2018

અસ્થમાના દર્દી હતા એક સમયે હવે 5 જ્વાળામુખી સર કરનાર ભારતીય બન્યા સત્યરુપ સિદ્ધાંત

 



ભારતીય પર્વતારોહી સત્યરૂપ સિદ્ધાંત પાપુઆ ન્યૂ ગિનીના સૌથી ઊંચા જ્વાળામુખી પર્વત શિખર માઉંટ ગિલુવેને સર કરનાર પહેલા ભારતીય બન્યા છે. સત્યરૂપ શુક્રવારે પાપુઆ ન્યૂ ગિનીમાં 4,367 મીટરની ઊંચાઈ પર પહોંચ્યા હતા. અત્યાર સુધીમાં તે સાતમાંથી પાંચ જ્વાળામુખીની ચઢાઈ સફળતાપૂર્વ કરી ચુક્યા છે. 

સત્યરુપ માઉંટ સિડલેની ચઢાઈ પૂર્ણ કરનાર પહેલા ભારતીય છે. સત્યરરૂપ દક્ષિણી ધ્રુવના અંતિમ છોર સુધી પણ પહોંચી ચુક્યા છે. તેમણે 50 કિલો સ્લેજ સાથે 6 દિવસમાં 111 કિમીની યાત્રા પૂર્ણ કરી છે. 

મહત્વપૂર્ણ છે કે સત્યરૂપ કોલેજના સમયમાં અસ્થમાના રોગના દર્દી હતા. પરંતુ આજે જે સિદ્ધિ તેમણે પ્રાપ્ત કરી છે તેના માટે મણિપાલ ગૃપ અને ટાટા ટ્ર્સ્ટ અને અન્ય પ્રાઈવેટ ફર્મ તરફથી તેને સહયોગ મળ્યો છે. સત્યરૂપ જાન્યુઆરી 2019માં માઉંટ સિડલે પર્વત ચઢશે.

ગુરુવાર, 8 નવેમ્બર, 2018


વડાપ્રધાને સરહદે જવાનો સાથે દિવાળી ઉજવીઃ કેદારનાથના દર્શન કર્યા
Image result for narendra modi at kedarnath

- ઉત્તરાખંડમાં 7860 ફૂટની ઊંચાઇએ હર્ષિલમાં જવાનોને મળ્યા
- કેદારનાથ મંદિરમાં પૂજા કરી આસપાસના વિસ્તારના વિકાસ કાર્યોનું નિરીક્ષણ કરી દિલ્હી પરત ફર્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉત્તરાખંડમાં હર્ષિલ ખાતે જવાનો સાથે દિવાળી ઉજવી કેદારનાથના દર્શને ગયા હતા. હેલિકોપ્ટરમાંથી ઉતરી લગભગ અર્ધો કિલોમીટર પદયાત્રા કરીને તેઓ કેદારનાથમાં મંદિરમાં પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી.

 
મંદિરની પ્રદક્ષિણા કરી તેમણે આસપાસ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું હતું. વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીની આ ત્રીજી કેદારનાથ યાત્રા હતી. તેમની સાથે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હતા. કેદારનાથના દર્શન કરી વડાપ્રધાન દિલ્હી પરત ફર્યા હતા.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે ઉત્તરાખંડના હર્ષિલ ખાતે ચીન સરહદ નજક તૈનાત જવાનો સાથે દિવાળી ઉજવવા પહોંચ્યા હતા. જવાનો સાથે દિવાળી ઉજવી તેમણે જવાનોને અભિનંદન આપ્યા હતા અને સંબોધન પણ કર્યું હતું. તેમણે અગાઉ જવાનો સાથે ઉજવેલી દિવાળીને યાદ કરી હતી. તેમણે જવાનો અને નિવૃત જવાનોના કલ્યાણ માટે લીધેલા પગલાંની માહિતી પણ આપી હતી. હર્ષિલ ૭૮૬૦ ફૂટની ઊંચાઇએ આવેલું કેન્ટોનમેન્ટ છે.

ઉલ્લેખનીય છે કે ૨૦૧૩માં ઉત્તરાખંડમાં આવેલા પ્રચંડ પૂરમાં કેદારનાથ મંદિરને ભારે નુકસાન થયું હતું. આ તબાહી બાદ કેદારનાથનું પુનઃ નિર્માણ થયું હતું. વડાપ્રધાને તે કામનું નિરીક્ષણ કર્યું હતું.
વડાપ્રધાનના સ્વાગત માટે કેદારનાથ મંદિરમાં સજાવટ કરાઇ હતી. મંદાકીની નદીને સમાંતર મંદિર સુધી બનેલા નવા રસ્તાનું વડાપ્રધાને નિરીક્ષણ કર્યું હતું.