રવિવાર, 9 જૂન, 2019


ડાયનાસૌર મ્યુઝિયમનું લોકાર્પણ:10 કરોડ રૂપિયાની વધારાની સહાય મળશે


 
ગુજરાતના બાલાસિનોર પાસે રૈયાલીના ડાયનાસૌર મ્યુઝિયમ અને ફોસીલ પાર્કને થ્રી ડી ટેક્નોલોજી અને આધુનિક તકનીક સાથે વિશ્વ પ્રવાસન કેન્દ્ર તરીકે વિકસાવવા પ્રવાસન વિભાગને 10 કરોડ રૂપિયાની વધારાની સહાય સરકાર આપશે.
તેમણે આજે રૈયાલી માં ડાયનાસૌર મ્યુઝિયમનું લોકાર્પણ કરતા હવે ગુજરાત ના પ્રવાસન વિકાસ માં એક નવું મોર પીંચ્છ ઉમેરાયાનું ગૌરવ વ્યક્ત કર્યું હતું.
વિશ્વના પ્રવાસન નકશે ગુજરાતના પ્રવાસન ધામો સાથે હવે આ મ્યુઝિયમ પણ ચમક્યું છે અને ગુજરાતે વિશ્વના દેશોની હરોળમાં અગ્રેસર રહેવાની પરંપરા સાકાર કરી છે વિજય ભાઈ રૂપાણી એ ગુજરાતમાં પ્રવાસન વૈવિધ્યની વિશેષતાઓની વિશદ ભૂમિકા આપતા ટુરિઝમ સરકીટ વિકસાવવાની પણ નેમ દર્શાવી હતી.
તેમણે કહ્યું કે, આ મ્યુઝિયમ અને ફોસીલ પાર્કની મુલાકાત લઈને શાળાના બાળકો થી માંડી ડાયનાસૌરની સૃષ્ટિમાં અને અભ્યાસમાં રસ ધરાવનારા તજજ્ઞો પુરાતત્વ વિદો સંશોધકોને આ જીવાષ્મીની અનેક વાતો ગાથાઓ જાણવા નિહાળવા મળશે.
વિજય ભાઈ રૂપાણીએ રૈયાલીનો હવે પ્રવાસન ધામ તરીકે વિકાસ થતાં સ્થાનિક રોજગારીની તકો પણ વધશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો.
સ્ટીવન સ્પીલબર્ગે “જુરાસિક પાર્ક” નામની જગપ્રસિદ્ધ ફિલ્મ બનાવી હતી. ૧૯૯૩માં રિલીઝ થયેલી એ ફિલ્મે અબાલ-વૃદ્ધ સૌને ઘેલું લગાડ્યું હતું તેમ જણાવતાં મુખ્યમંત્રીએ લોકોએ પહેલી જ વખત વિરાટકાય ગરોળી જેવા ડાયનાસોરને સિનેમાના પડદે જોઇને ડાયનાસોર યુગના અદ્વિતીય રોમાંચનો અનુભવ કર્યો હતો. 
અત્યાર સુધી જે રોમાંચ આપણે સૌએ માત્ર ફિલ્મો અને ટેલિવિઝનના પડદે જ અનુભવ્યો હતો, તે જ રોમાંચ ગુજરાતમાં આ પાર્કમાં ડાયનાસોર સ્ટેચ્યૂ, રસપ્રદ માહિતી અને ડાયનાસોર સાથે સંબંધિત અદભૂત પ્રદર્શનના માધ્યમથી હવે પ્રવાસન પ્રેમીઓને મળવાનો છે. જે આજે ગુજરાતે ભારતને જુરાસિક પાર્કની ભેટ આપી છે.
રૈયોલીનું ડાયનાસોર પાર્ક વર્લ્ડ મેપ પર બાલાસિનોરને ચમકાવશે – સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતનું વધુ એક અલભ્ય પ્રવાસન નજરાણું ડાયનાસોરની સૃષ્ટિમાં રસ ધરાવતા સમગ્ર સંશોધકો, યુવાનો માટે રૈયોલી મુખ્ય આકર્ષણનું કેન્દ્ર બનશે. 
1980ના ગાળામાં રૈયોલીમાં ખોદકામ દરમિયાન ક્રિટેશિયસયુગના ડાયનાસોરના ઈડાં અને અવશેષો મળ્યા હતા તેનો ઉલ્લેખ કરતાં મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, સંશોધકોએ અહીં નવી પ્રજાતિના અવશેષો શોધી કાઢ્યાં હતા.
જિઓલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના મંતવ્ય પ્રમાણે તો ડાયનાસોર જીવાશ્મિનો એક અદભુત સંગ્રહ અહીં રૈયોલીમાં છે. વિશ્વના અન્ય ભાગોમાં જે ડાયનાસોરના અવશેષો મળ્યાં છે તેની તુલનામાં રૈયોલીમાં મળેલા જુદા જુદા પ્રકારના ડાયનાસોરના અવશેષો અતિ દુલર્ભ અને સંશોધન માટે મહત્ત્વના છે. સાડા છ કરોડ વર્ષ જૂના આ અવશેષો મનાય છે તેમ મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું. 
મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ ઈડાંની કાળગણનાનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું છે કે ભારતની જીવસૃષ્ટિ અને સંસ્કૃતિ છ હજાર કરોડ વર્ષ કરતાં પણ જૂની છે. વિશાળકાય ડાયનાસૌરના લગભગ ૬૫ મીલિયન વર્ષના ઈતિહાસને રજૂ કરતો ભારતનો સૌ પ્રથમ અને અદ્યતન 'ખોદકામ થી પ્રદર્શન' સુધીની ગાથા કહેતો રૈયોલીનો માહિતીસભર ડાયનાસોર પાર્ક આજથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી પછી ગુજરાતની વધુ એક અજાયબી બન્યો છે. આ ડાયનાસોર પાર્ક રૈયોલી અને બાલાસિનોર તાલુકાને વર્લ્ડ ટુરિઝમ મેપ પર ચમકાવશે.

ગુરૂવાયર મંદિર: દક્ષિણ ભારતનું દ્વારકા, 5000 હજાર વર્ષ જૂનો ઈતિહાસ

વડાપ્રધાન મોદી કેરળના પ્રવાસે છે. ગુરૂવાયર મંદિરમાં પૂજા કર્યા બાદ PM મોદી સ્થાનિક ભાજપ કાર્યકર્તાઓ તરફથી આયોજિત ઉત્સવમાં સામેલ થશે. આ મંદિરની વિશેષતા શુ છે. 
1. ગુરૂવાયૂર મંદિરમાં ભગવાન ગુરૂવાયુરૂપ્પનની પૂજા થાય છે. ગુરૂવાયુરૂપ્પનને ભગવાન વિષ્ણુનું જ રૂપ માનવામાં આવે છે. આ કારણથી મંદિરને ગુરૂવાયૂર શ્રીકૃષ્ણ મંદિર પણ કહેવામાં આવે છે. કેરળના આ પવિત્ર સ્થાનને દક્ષિણ ભારતનું દ્વારકા પણ કહેવામાં આવે છે, જ્યાં કૃષ્ણનો જન્મ થયો હતો.
2. મંદિર દેશના સૌથી પ્રાચીન મંદિરોમાં શુમાર છે. આ મંદિરનો ઈતિહાસ લગભગ 5000 વર્ષ પ્રાચીન છે. મંદિરમાં રહેનાર પૂજારીને મેંસાતી કહેવામાં આવે છે. જે 24 કલાક ભગવાનની સેવામાં રહે છે. 
3. ગૂરૂવાયૂર મંદિરમાં આવનાર શ્રદ્ધાળુઓ માટે એક ખાસ ડ્રેસ કોડ પણ બનાવવામાં આવ્યો છે. અહીં આવનાર શ્રદ્ધાળુઓને મુંડુ નામનો પોશાક પહેરવો પડે છે જ્યારે બાળકોને વેષ્ટી પહેરાવવામાં આવે છે. આ સિવાય સ્ત્રીઓને માત્ર સૂટ-સલવાર અથવા સાડીમાં જ એન્ટ્રી મળી શકે છે. 
4. આપને જાણીને નવાઈ લાગશે પરંતુ મંદિરમાં માત્ર હિન્દુ ધર્મના લોકોને જ આવવાની પરવાનગી છે, બીજા ધર્મના કોઈપણ વ્યક્તિ માટે મંદિર પરિસરમાં પ્રવેશ પર કડક પાબંદી લગાવાઈ છે. 
5. ગરૂવાયૂરમાં ભગવાનના દર્શન કર્યા બાદ શ્રદ્ધાળુઓને અનાકોટ્ટા નામના સ્થળે પણ જવુ પડે છે. આ જગ્યા હાથીઓ માટે ઘણી લોકપ્રિય છે. ગુરૂવાયૂર મંદિર સાથે જોડાયેલા હાથીઓને અહીં 10 એકર જગ્યામાં રાખવામાં આવે છે. અહીં લગભગ 80 હાથીઓના રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે. 

શનિવાર, 8 જૂન, 2019

ચીનની જેમ ભારત પણ અંતરિક્ષમાં કરશે યુધ્ધની કવાયત

 
સેટેલાઈટને તોડી પાડતી મિસાઈલનુ સફળ પરીક્ષણ કર્યા બાદ ભારતે હવે અંતરિક્ષમાં ચીનની જેમ યુધ્ધાભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે.
ચીનને ટક્કર આપવા માટે ભારતે મિસાઈલ પરીક્ષણ કર્યા બાદ સેનાની ત્રણે પાંખની એક સંયુક્ત ડિફેન્સ સ્પેસ એજન્સીની પણ શરૂઆત કરી છે. હવે એક ડગલુ આગળ વધીને ભારતે અવકાશમાં યુધ્ધાભ્યાસ કરવાનુ નક્કી કર્યુ છે. જેને 'ઈન્ડિયન સ્પેસ એક્સ' નામ અપાયુ છે.
આ કવાયતમાં સૈન્ય અને વૈજ્ઞાનિકો ભાગ લેશે.એક અધિકારીએ કહ્યુ હતુ કે, અંતરિક્ષનુ પણ સૈન્યકરણ થઈ રહ્યુ છે અને તેની સાથે સાથે દુનિયાના દેશો વચ્ચે આ માટે સ્પર્ધા પણ ચાલી રહી છે. જુલાઈના અંતિમ સપ્તાહમાં થનારા યુધ્ધાભ્યાસનો હેતુ ભારતની સ્પેસ વોર માટે શું તૈયારીઓ છે તેની સમીક્ષા કરવાનો છે.
અન્ય એક અધિકારીના કહેવા પ્રમાણે ભારતે સ્પેસમાં વિરોધીઓ પર નજર રાખવાની, દુશ્મન દેશની મિસાઈલની આગોતરી ચેતવણી મળી શકે અને કોમ્યુનિકેશન સિસ્ટમ વિકસાવવાની જરૂર છે. આ કવાયતથી સેનાની વિશ્વસનિયતા વધશે અને રાષ્ટ્રીય સુરક્ષા મજબૂત બનશે.
ભારત માટે અંતરિક્ષ અભિયાન એટલા માટે પણ જરૂરી છે કે, લાંબા સમયથી સ્પેસમાં મોજુદગી હોવા છતા ચીનની બરોબરી થઈ શકી નથી. ચીને કોમ્યુનિકેશન, નેવિગેશન સહિત 100 થી વધારે અવકાશી મિશનને અંજામ આપ્યો છે. તેની પાસે મિલિટરી માટેના આગવા સેટેલાઈટ્સ છે. ભારતે તાજેતરમાં જ ખાસ મિલિટરી માટેના બે સેટેલાઈટ્સ લોન્ચ કર્યા છે. બાકી અત્યાર સુધી સેના રિમોટ સેન્સિંગ ઉપગ્રહો પર આધાર રાખતી હતી.
ભારતે હવે અંતરિક્ષમાં પણ લશ્કરી પગ પેસારો કરવાનુ નક્કી કર્યુ છે. જેના ભાગરૂપે ભારતે 740 કિલોના ઉપગ્રહને નષ્ટ કરવા માટે એક મિસાઈલ લોન્ચ કરી હતી. જેને મિશન શક્તિ નામ અપાયુ હતુ.

શુક્રવાર, 17 મે, 2019

ટચૂકડા વિમાનમાં એટલાન્ટિક પાર કરનારી વિશ્વની પહેલી યુવતીનો વિક્રમ આરોહિ પંડીતે નોંધાવ્યો
 
- 23 વર્ષની આરોહિએ લંડનથી કેનેડા સુધીની 3 હજાર કિલોમીટરની સફર કરી
- અગાઉ કોઈ મહિલા લાઈટ સ્પોર્ટ્સ વિમાન દ્વારા એકલી એટલાન્ટિક પાર કરી શકી નથી

મુંબઈની કેપ્ટન આરોહી પંડિતે (૨૩) લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટ (એલએસએ)ની મદદથી એટલાંટિક મહાસાગર પાર કરી ઈતિહાસ સર્જ્યો છે. અગાઉ કોઈ મહિલાએ એકલા એલએસએ દ્વારા એટલાન્ટિક મહાસાગર પાર કર્યો નથી. એટલાન્ટિક મહાસાગર યુરોપ અને અમેરિકાને અલગ પાડે છે. આ મહાસાગર પાર કરવો એ સાહસિકોમાં કાયમ આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. એ માટે આરોહિએ નાનકડું માત્ર ૪ હજાર કિલોગ્રામ ધરાવતું ટુ સિટર વિમાન વાપર્યું હતું. આ વિમાનને માહિ 'માહી' નામ આપવામાં આવ્યું હતું.

બોમ્બે ફ્લાયિંગ ક્લબમાં પાઈલોટનું પ્રશિક્ષણ મેળવનારી આરોહી પંડિતે લાઈટ સ્પોર્ટ એરક્રાફ્ટની મદદથી યુકેના સ્ટોકલેેેન્ડ સ્થિત વિક એરપોર્ટથી ઉડાન ભરી હતી. આ હવાઈયાત્રા દરમ્યાન તેણે આઈસલેન્ડ અને ગ્રીનલેન્ડ આ બે સ્થળે વિરામ લીધો હતો. ગ્રીનલેન્ડના બર્ફિલા પ્રાંતને એકલા પાર કરનારી પણ આરોહિ પ્રથમ યુવતી બની છે. બે વિરામ લીધા પછી તેણે કેનેડાના ઈકાલુઈટ હવાઈમથક પર લેંડિંગ કર્યું હતું. અહીં પહોંચીને તેણે ભારતનો ત્રિરંગો લહેરાવ્યો હતો. કેનેડા સ્થિત ભારતના એમ્બેસેડર વિકાસ સ્વરૂપે આરોહિનું સ્વાગત કર્યું હતું.

આ સફળતા બાદ આરોહીએ કહ્યું કે આ તક આપવા બદલ હું દેશની આભારી છું એટલાંટિક મહાસાગર પાર કરવાનો અનુભવ ખૂબ જ અદ્ભૂત હતો. નીચે બરફ સમાન ભાસતો સમુદ્ર, ઉપર નીલુ ગગન અને વચ્ચે નાની અમથી હું અને નાનું વિમાન. આરોહીએ કહ્યું જો મહિલા દ્દઢ નિશ્ચયથી એટલાંટિક મહાસાગર પાર કરવાનો નિશ્ચય કરે તો કોઈપણ મહિલા આ કાર્ય કરી જ શકશે.
તેણે જે વિમાન વાપર્યું એ સિંગલ એન્જિન અને બે બેઠક ધરાવતું હતું. આ પહેલા ભારતથી આરોહિએ સફર શરૂ કરી હતી. જુલાઈ ૨૦૧૮માં પ્રવાસના આરંભે આરોહિ સાથે તેની ખાસ બહેનપણી કૈથીર મિસકટ્ટા પણ હતી. બન્ને મિત્રોએ મળીને પંજાબ-રાજસ્થાન-ગુજરાત પાર કરતાં પાકિસ્તાનમાં પહેલો વિરામ લીધો હતો.

એ વખતે પાકિસ્તાનની ધરતી પર એલએસએ વિમાન દ્વારા ઉતરાણ કરનાર એ પહેલી ભારતીય મહિલા બની હતી. પાકિસ્તાનથઈ આગળ વધીને તેઓએ ઈરાન, તૂર્કિ, સર્બિયા, સ્લોવેનિયા, જર્મની, ફ્રાન્સ અને યુ.કે.માં વિરામ લીધો હતો. યુ.કે.થી આગળની સફર આરોહિએ એકલા પૂર્ણ કરી હતી.
ભારતના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સહકાર્યથી ચાલતી મહિલા સશક્તિકરણ ઝુંબેશ હેઠળ ત્રણ તબક્કામાં એરક્રાફ્ટની મદદથી વિશ્વભરનો પ્રવાસ કરી 'બેટી બચાવો બેટી પઢાઓ' આ સંદેશ અપાશે. આરોહીએ તેનો વિશ્વવિક્રમ આ જ ઝુંબેશ અંતર્ગત બનાવ્યો છે. તેના આ વિશ્વવિક્રમ બાદ હાલ તો તેના પર અભિનંદનની વર્ષા થઈ રહી છે. આરોહિની સફર પૂરી થઈ નથી. હજુએ આગળ વધશે અને લગભગ ૩૭૦૦૦ કિલોમીટરની સફર તથા ૧૮ દેશ ફરીને જુલાઈમાં ભારત પરત આવશે.
આરોહિએ આ પરાક્રમ કરતાં પહેલા સાત મહિનાની આકરી તાલિમ લીધી હતી. એ તાલિમ દરિયાન વિષમ વાતાવરણ, તેજ પવન ફૂંકાતા પ્રદેશમાં કેમ ટકી રહેવું તે શીખવાયું હતુ. સાથે સાથે એકલી સફર વખતે એ માનસિક રીતે નબળી ન પડે એટલા માટે તેનું મનોબળ મજબૂત થાય એ પ્રકારની ટ્રેનિંગ પણ આપવામાં આવી હતી. એટલાન્ટિક જગતનો બીજો મોટો મહાસાગર છે. આરોહિએ સફર માટે પસંદ કરેલો માર્ગ ઉત્તર એટલાન્ટિકનો હતો. એ વિસ્તાર તેના વિષમ વાતાવરણ માટે કુખ્યાત છે. તેમાંથી આરોહિ હેમખેમ પાર ઉતરી એ તેની મોટી સિદ્ધિ છે.

બુધવાર, 8 મે, 2019


પ્રતિ વર્ષ 8 મેના રોજ વિશ્વભરમાં આંતર રાષ્ટીય રેડ ક્રોસ દિનની ઊજવણી

ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને તેની 33 જિલ્લા તથા 61 તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે
રાજ્યપાલ ઓ.પી.કોહલીએ વિશ્વ રેડ ક્રોસ દિન નિમિત્તે , રાજ્યના પ્રજાજોગ સંદેશમાં જણાવ્યું હતું , કે પ્રતિ વર્ષ , 8 મેના રોજ વિશ્વભરમાં આંતર રાષ્ટીય રેડ ક્રોસ દિનની ઊજવણી કરવામાં આવે છે. રેડ ક્રોસ વિશે આપને શું પ્રિય લાગે છે તે આ વર્ષે આ દિવસની થીમ છે. આ થીમની પસંદગીનું કારણ દુનિયાના લોકો સમક્ષ રેડ ક્રોસ આંદોલનની વિવિધતા અને સાર્વભૌમિકતાવાળી કાર્યશૈલી પ્રકાશિત કરવાનું છે. વધુમાં તેમણે જણાવ્યું હતું  કે ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ગુજરાત શાખા અને તેની 33 જિલ્લા તથા 61 તાલુકા શાખાઓ દ્વારા રાજ્યના મોટી સંખ્યામાં લોકોને માનવીય સેવાઓથી લાભાન્વિત કરવામાં આવી રહ્યા છે


જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે

 
સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી જેમાં 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. 
સૌરાષ્ટ્રની શાન ગણાતા જૂનાગઢ સક્કરબાગ ઝૂ માંથી ગીરના 8 સિંહોને ઉત્તરપ્રદેશના ગોરખપુરમાં નવા બની રહેલા ઝૂમાં મોકલવામાં આવશે. જે માટે સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ મંજૂરી આપી છે. 8 સિંહોમાં બે નર અને છ સિંહણનો સમાવેશ થાય છે. ટૂંક સમયમાં આ સિંહોને વિમાન મારફતે ગોરખપુર લઈ જવામાં આવશે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના ગોરખપુરમાં શહીદ અશફાક ઉલ્લાહ ખાં પ્રાણી સંગ્રહાલયનું નિર્માણ થઇ રહ્યું છે. તો ગોરખપુર ઝુ તરફથી ભરતીય ગેંડાની જોડી તેમજ વિવિધ પ્રકારના પીજન્ટની જોડીઓ સક્કર બાગ ઝૂને આપવામાં આવશે 
મુજીબુર રહેમાનની જન્મ શતાબ્દીના ઉપલક્ષ્યમાં ભારત અને બાંગ્લાદેશ મળીને  એક ફિલ્મ બનાવશે.

સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં બંન્ને પક્ષના અધિકારીઓની બેઠક દિલ્હીમાં મળી હતી
આ ફિલ્મ બંગ બંધુના જીવન પર આધારિત રહેશે. સૂચના અને પ્રસારણ સચિવ અમિત ખરે અને બાંગ્લાદેશના પ્રધાનમંત્રીના સલાહકાર  ગોહર રિઝવીની ઉપસ્થિતિમાં  બંન્ને પક્ષના અધિકારીઓની એક બેઠક દિલ્હીમાં મળી હતી. ભારતના જાણીતા ફિલ્મ નિર્માતા શ્યામ બેનેગલ આ ફિલ્મનું નિર્માણ કરશે.
વર્ષ 2020માં બંગ બંધુનું શતાબ્દી વર્ષ મનાવવામાં આવશે. આ પ્રસંગે અમિત ખરેએ જણાવ્યું હતું , કે બંન્ને દેશના પ્રધાનમંત્રીઓ વચ્ચે ફિલ્મ નિર્માણ માટે સંમતિ સધાયેલી છે. આને પગલે દૂરદર્શન  અને આકાશવાણી જેવા માધ્યમો વચ્ચે સંબંધ વધુ ગાઢ બનશે.