મંગળવાર, 12 ફેબ્રુઆરી, 2019

અબુધાબીમાં સ્વામિનારાયણ મંદિરનો શિલાન્યાસ કરવાની તારીખ જાહેર, PM મોદીનો અગત્યનો રોલ


અબુધાબીમાં આ વર્ષે એપ્રિલ મહિનામાં પહેલા હિન્દુ મંદિરની આધારશિલા રખાશે. મીડિયા રિપોર્ટમાં આવેલી માહિતી પ્રમાણે સંયુકત અરબ અમીરાત (યુએઇ)ની રાજધાનીમાં મંદિર બનાવાની યોજનાને 2015મા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં પહેલી વખત મુલાકાત કરાઇ ત્યારે જ અબુધાબી સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી.
ગલ્ફ ન્યૂઝના સમાચારમાં કહ્યું છે કે વિશ્વવ્યાપી હિન્દુ ધાર્મિક અને નાગરિક સંગઠન, BAPS સ્વામિનારાયણ સંસ્થા દ્વારા મંદિરનું નિર્માણ કરાઇ રહ્યું છે. તેમાં કહ્યું છે કે મંદિરની આધારશિલા રાખવાનો સમારંભ 20મી એપ્રિલના રોજ થશે જેની અધ્યક્ષતા BAPS સ્વામિનારાયણ સંસ્થાના મહંત સ્વામી મહારાજ દ્વારા કરાશે.
મહંત સ્વામી 18 થી 29મી એપ્રિલની વચ્ચે યુએઇમાં રહેશે. અબુધાબીના વલી અહદ (ક્રાઉન પ્રિન્સ) શેખ મોહમ્મદ બિન જાયદ અલ નહયને મંદિરના નિર્માણ માટે 13.5 એકર જમીન ગિફ્ટમાં આપી છે. યુએઇ સરકારે આટલી જ જમીન મંદિર પરિસરમાં પાર્કિંગની સુવિધાના નિર્માણ માટે આપી છે.

અબુધાબીમાં અંદાજે 30 લાખ ભારતીયો વસે છે
અબુધાબીમાં અંદાજે 30 લાખ ભારતીયો વસે છે. આ ત્યાંની વસતીના લગભગ 30 ટકા હિસ્સો છે. ત્યાંના અર્થતંત્રના વિકાસમાં આપણા ભારતીયોનું મોટું યોગદાન છે. સાધન-સંપન્ન આટલી મોટી વસતી ધરાવતા અબુધાબીમાં કોઇ હિન્દુ મંદિર અત્યાર સુધી નથી. તેની સરખામણીમાં દુબઇમાં બે મંદિર અને એક ગુરૂદ્વારા છે. આથી અબુધાબીના સ્થાનિક હિન્દુઓને પૂજા કે લગ્ન જેવા સમારંભ માટે દુબઇ જવું પડે છે. તેના માટે અંદાજે ત્રણ કલાકની મુસાફરી કરવી પડે છે. આ મુશ્કેલીને જોતા યુએઇ સરકારે આ મંદિર માટે જમીન આપવાનો નિર્ણય કર્યો હતો.


ખાસિયત
આ મંદિર અબુધાબીથી 30 મિનિટના અંતર પર હાઇવેને અડીને આવેલા અબુ મુરેખાનામની જગ્યા પર બનશે. આ મંદિરમાં શિવ, કૃષ્ણ, અયપ્પા ભગવાનની મૂર્તિઓ હશે. અયપ્પાને વિષ્ણુ ભગવાનનો એક અવતાર મનાય છે અને કેરળમાં તેની પૂજા થાય છે. આ મંદિરના નિર્માણમાં મુહિમ ચલાવનાર અબુધાબીના જાણીતા ભારતીય બિઝનેસમેન બીઆર શેટ્ટી છે. તેઓ યુએઇ એક્સચેન્જનામની કંપનીના એમડી અને સીઇઓ છે.
આ મંદિરના પરિસરમાં સુંદર બગીચા અને મનને મોહી લેનાર વોટર ફ્રન્ટ હશે. આ મંદિર પરિસરમાં પર્યટક કેન્દ્ર, પ્રાર્થના સભા માટે સ્થળ, પ્રદર્શન અને બાળકોને રમવાની જગ્યા હશે. તેમજ ફૂડકોર્ટ, પુસ્તક અને ગિફ્ટની દુકાનો હશે.

ભારતીય શિલ્પકારો બનાવશે
આ મંદિરનું નિર્માણ ભારતીય શિલ્પકાર કરી રહ્યા છે. 2020 સુધીમાં તે પૂરું થશે. બોચાસણવાસી શ્રી અક્ષર પુરષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના પ્રવક્તાએ કહ્યું કે પશ્ચિમ એશિયામાં પથ્થરોથી બનનાર આ પહેલું હિન્દુ મંદિર હશે. ટ્રસ્ટના એક સભ્યે કહ્યું કે આ દિલ્હીમાં બનનાર બીએપીએસ મંદિર અને ન્યૂજર્સીમાં બની રહેલા મંદિરની પ્રતિકૃતિ હશે.


આ મંદિરની સંરચના, નિર્માણ અને મેનેજમેન્ટ કરનાર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના એક પ્રવકતા એ કહ્યું કે મંદિરમાં ઉપયોગ થનાર પથ્થરો પર નક્શીકામ ભારતમાં શિલ્પકાર દ્વારા કરાશે અને ત્યારબાદ તેને યુએઇમાં લાવી મંદિરને તૈયાર કરાશે. યુએઇ અને ભારત સરકાર દ્વારા આ મંદિરના નિર્માણને લઇ તેના મેનેજમેન્ટ સુધીનું કામ કરવા પર બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા પોતાને સમ્માનિત અને કૃતજ્ઞ મહેસૂસ કરી રહ્યું છે.



સ્માર્ટ સિટી રેન્કમાં ગુજરાતના ત્રણ શહેરોનો સમાવેશ, અમદાવાદ ચોથા ક્રમે

ગુજરાતની જનતા માટે રાષ્ટ્રીય સ્તરેથી સારા સમાચાર મળી રહ્યા છે.  કેન્દ્રીય હાઉસિંગ અને અર્બન અફેર મંત્રાલય દ્વારા દેશભરમાંથી સ્માર્ટ સિટીની યાદી જાહેર કરવામાં આવી છે.
આ યાદીમાં રાજ્યના ત્રણ શહેરોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં મહારાષ્ટ્રનું નાગપુર પ્રથમ ક્રમે રહ્યું છે, જ્યારે બીજા ક્રમે મધ્યપ્રદેશના ભોપાલ અને ત્રીજો ક્રમ રાંચીને અપાયો છે.  
આ યાદીમાં ગુજરાતનું અમદાવાદ ચોથા ક્રમે, સુરત પાંચમા ક્રમે અને વડોદરાનો છઠ્ઠા ક્રમે સમાવેશ કરાયો છે. જેમાં રાષ્ટ્રીય સ્તરે અમદાવાદને 265.35, સુરતને 226.37 અને વડોદરાને 223.58 પોઇન્ટ મળ્યા છે. 


સોમવાર, 11 ફેબ્રુઆરી, 2019

અર્ધ કુંભ એટલે ધૂણી ધખાવેલા નાગા સાધુઓ, કલા, સંસ્કૃતિ અને વિવિધતાનો મેળો

 
પ્રયાગરાજ ખાતે હાલ અર્ધ કુંભ મેળો ચાલી રહ્યો છે.અર્ધ કુંભ ધૂણી ધખાવેલા નાગા સાધુઓ, કલા, સંસ્કૃતિ અને વિવિધતાનો મેળો છે. સમુદ્રમંથન દરમિયાન નીકળેલા અમૃત કળશની દેવ-દાનવો વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિની સ્વરુપ ધારણ કરી અમૃત કળશને સ્વર્ગમાં લઈ ગયા હતા. તે દરમિયાન અમૃતના ટીપા હરિદ્રાર, ઉજ્જૈન, નાસીક અને પ્રયાગરાજમાં પડયા હતા જેથી આ ચારેય પવિત્રધામ પર કુંભ મેળાનું આયોજન થાય છે.
નાગા સાધુના ત્રણ તબક્કા હોય છે. પ્રથમ મહાપુરુષ જેને છ વર્ષ માટે બ્રહ્મચર્યાનું પાલન કરવું પડે છે.શારીરિક ઈચ્છાઓ અને જરુરિયાતો પર કાબૂ મેળવે ત્યારે તે મહાપુરુષ તરીકે ઓળખાય છે. બીજો તબક્કો એટલે અવધૂત, જેમાં સાધક પારિવારીક, સામાજિક સંબંધો, દુખ,ચિંતા, ભૌતિક સુખ સંપત્તિનો ત્યાગ કરવો પડે છે. અને ત્રીજો તબક્કો નાગા તરીકે ઓળખાય છે જેમાં સાધક ભૌતિક અને આધ્યાત્મિક પરીક્ષણોમાંથી પસાર થઈને વૈદિક મંત્રોચ્ચારનું રટણ કરે છે. આ ત્રણેય તબક્કાના અંતે તે નાગા સાધુ તરીકે ઓળખાય છે.

રવિવાર, 10 ફેબ્રુઆરી, 2019

અબુ ધાબીમાં કોર્ટની ત્રીજી સત્તાવાર ભાષા તરીકે હિન્દીનો સમાવેશ


- યુએઇમાં કુલ વિદેશીઓમાં ૨૬ લાખ ભારતીયો ૩૦ ટકા સાથે ત્રીજો ક્રમે

- ન્યાયિક બાબતોમાં અંગ્રેજી અને અરેબિક પછી હિન્દીને દાખલ કરતા ભારતીયો ખુશ

Image result for hindi language
એક ઐતિહાસિક નિર્ણય લઇને અબુ ધાબીની સરકારે કોર્ટમાં ઉપયોગમાં લેવા માટે હિન્દી ભાષાનો પણ સમાવેશ કર્યો હતો. આમ અં ગ્રેજી અને અરબી ભાષા પછી હિન્દીને એ ગૌરવ પ્રાપ્ત થયો છે.આનાથી લોકોને  ન્યાયિક બાબતોમાં વધુ સરળતા રહેશે અને અંગ્રેજી કે અરબી ભાષા નહીં જાણનારને રાહત મળશે.
શનિવારે અબુધાબી  સરકારના કાયદા વિભાગે કહ્યું હતું કે મજુર કેસોમાં અંગ્રેજી અને અરબી ભાષા સહિતના દાવાઓ કોર્ટ સમક્ષ ફાઇલ કરવામાં આવતા નિવેદનમાં ઇન્ટરએક્ટિવ ફોર્મને પણ અપનાવવામાં આવ્યો હતો.
આની પાછળનો હેતુ  ભાષાના અવરોધો વગર કાયદાકીય પ્રક્રિયા,તેમના હક્કો અને અધિકારી અંગે  જાણવા હિન્દી ભાષીઓને મદદ કરવાનો છે. સત્તાવાર આંકડાઓ અનુસાર, યુએઇની વસ્તી આશરે નેવું લાખ છે જેમાંથી બે તૃતિયાંશ વિદેશી કામદારો  છે. યુએઇમાં ભારતીય સમુદાયની વસ્તી ૨૬ લાખની છે જે કુલ વસ્તીની ૩૦ ટકા થાય છે.
આમ વિદેશીઓની બાબતમાં ભારતીયો ત્રીજા ક્રમે છે. અબુધાબીના કાયદા વિભાગના અન્ડર સેક્રેટરી યુસુફ સઇદ અલ અબ્રીએ કહ્યું હતું કે કેલેમ શીટના બહુભાષી દાવાઓને અપનાવવાથી તેમની ફરીયાદો અને સમસ્યાઓનો વહેલો ઉકેલ લાવી શકાશે. ઉપરાંત કાયદાકીય પ્રક્રિયામાં પારદર્શિતાનો વધારો કરવા તેમજ 'ટુમોરો ૨૦૨૧'યોજનાને અનુરૃપ ન્યાયીક પ્રક્રિયાને પ્રોત્સાહિત કરી શકાશે.'
વિવાદ સબંધીત બાબતોમાં કાયદાકીય પ્રક્રિયા વધુ લોકો જાણે, ઇન્ટરએકટિવ ફોર્મ ઓફ ધી  સ્ટેમેન્ટ ઓફ ક્લેમ મારફતે ન્યાયીત જાગૃત્તિ લાવવા તેમજ સરળ ભાષામાં નોધણીની પ્રક્રિયા માટે આ એક વધારાની સેવા છે'એમ  અલ અબ્રીએ કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે  અનેક ભાષાઓમાં ઇન્ટરએકટિવ ફોર્મને અપનાવવાની સત્તા સીધી રીતે નાયબ વડા પ્રધાન શેખ મન્સુર એલ ઝૈદ બિન એલ ન્હયાન  હેઠળ આવે છે.

શુક્રવાર, 8 ફેબ્રુઆરી, 2019

ગુજરાતમાં આજથી ૫૪ વર્ષ પહેલા ફક્ત બે જ નર્સરી હતી જે વડોદરામાં હતી


 

આજથી ૫૪ વર્ષ પહેલા એટલે કે ૧૯૬૫ ગુજરાતમાં ફક્ત બે જ નર્સરી હતી જે વડોદરામાં હતી. આજે તેની સંખ્યા ૭૦ થઈ છે જ્યારે રાજ્યભરમાં ૨૦૦થી વધારે નર્સરીઓ છે. આગ્રાના ભૈયાઓ ૫૪ વર્ષ પહેલા કાલાઘોડા પાસે માટીના કૂંડામાં ફૂલ-ઝાડ વેંચવા બેસતા હતા. બાદમાં આગ્રામાં પોતાની જમીન વેંચી બરોડામાં નર્સરી બનાવી હતી.

એલેમ્બિક ગરબા ગ્રાઉન્ડ ખાતે ૪૮માં ફ્લાવર શોનો પ્રારંભ થયો છે. આ વિશે વાત કરતા ૮૬ વર્ષીય બી.એમ.વાઘેલાએ જણાવ્યું કેફૂલોની ૩૦૦ પ્રજાતિના ૪ હજાર નમૂનાઓ રાખવામાં આવ્યા છે. કટ ફ્લાવર, સલાડ, ફ્લાવર ડેકોરેશન વગેરેની સ્પર્ધાનુ આયોજન કરાયું છે. આજથી બોન્સાઈ, શાકભાજી અને ફળોનું પ્રદર્શન આજથી શરુ થશે. ૧૨થી વધારે વર્ષ જૂના બોન્સાઈના ૨૦૦ નમૂનાઓ મૂકવામાં આવશે. ગુજરાતના સૌથી સુંદર ફૂલો જેવા કે, ક્લાઈએન્થસ, બર્ડ ઓફ પેરેડાઈઝ, સેવંતી, ડાલિયા, પેન્જી, ડોગ ફ્લાવર વગેરેને ફ્લાવર શોમાં પ્રદર્શિત કર્યા છે.


બુધવાર, 6 ફેબ્રુઆરી, 2019

GSAT-31નું સફળ લોન્ચિંગ, ઇનસેટ-4CRની લેશે જગ્યા


ભારતીય સ્પેસ રિસર્ચ સંસ્થા (ઇસરો)ના 40મા કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-31ને બુધવારના રોજ સફળતાપૂર્વક લોન્ચ કરાયું. આ લોન્ચ ફ્રેન્ચ ગુએનામાં સ્થિત યુરોપીયન સ્પેસ સેન્ટર પરથી ભારતીય સમયાનુસાર બુધવારના રોજ રાત્રે 2 વાગ્યે 31 મિનિટ પર કરાયું. લૉન્ચના 42 મિનિટ બાદ 3 વાગ્યાને 14 મિનિટ પર સેટેલાઇટ જિઓ-ટ્રાન્સફર ઓર્બિટમાં સ્થાપિત થઇ ગયું. આ લોન્ચ એરિયનસ્પેસના એરિયન-5 રોકેટથી કરાયો.

GSAT-31નું વજન 2535 કિલોગ્રામ છે અને આ સેટેલાઇટની ઉંમર 15 વર્ષની છે. આ ભારતના જૂના કોમ્યુનિકેશન સેટેલાઇટ ઇનસેટ-4 સીઆરનું સ્થાન લેશે. ફ્રેન્ચ ગુએનાના ઇસરોની તરફથી ઉપસ્થિત સતીશ ધવન સ્પેસ સેન્ટરના ડાયરેકટર એસ પાંડિયને આ અંગે કહ્યું કે લોન્ચમાં કોઇ સમસ્યા નથી આવી. GSAT-31 ઇનસેટ સેટેલાઇટને રિપ્લેસ કરશે. હું આ સફળતા માટે એરિયનસ્પેસ અને ઇસરોના અધિકારીઓએ એ અધિકારીઓને અભિનંદન પાઠવવા માંગું છું, જે જાન્યુઆરીના શરૂઆતથી જ અહીં ગુએનામાં હાજર છે.

જુલાઇમાં GSAT-30ને પણ લોન્ચ કરશે એરિયનસ્પેસ
એસ પાંડિયને કહ્યું કે એરિયનસ્પેસ જ આ વર્ષે જૂન-જુલાઇમાં વધુ એક કોમ્યુનિકેશન સેટેલાઇટ GSAT-30 લોન્ચ કરશે. એરિયનસ્પેસ અને ઇસરોના આ સાથ અંગે પાંડિયને કહ્યું કે આપણું એરિયનસ્પેસથી 1981થી સંબંધ છે, જ્યારે એરિયન ફલાઇટ L03એ ભારતના પ્રાયોગિક સેટેલાઇટ APPLEને લોન્ચ કર્યો હતો. બીજીબાજુ એરિયનસ્પેસના સીઇઓ સ્ટીફન ઇઝરાયલે કહ્યું કે એરિયન વ્હિકલ દ્વારા ભારત માટે લોન્ચ કરાયું. આ 23મું સફળ અભિયાન છે. ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં અમે ભારતના સૌથી ભારે સેટેલાઇટ GSAT-11ને લોન્ચ કર્યું હતું, તેનું વજન 5854 કિલોગ્રામ હતું.

આ કામોમાં GSAT-31નો ઉપયોગ થશે
ઇસરો એ કહ્યું કે GSAT-31નો ઉપયોગ વીસેટ નેટવર્ક, ટેલિવિઝન અપલિંક, ડિજિટલ સેટેલાઇટ ન્યૂઝ ગેધરિંગ, ડીટીએચ ટેલિવિઝન સર્વિસ અને બીજી કેટલીય અન્ય સર્વિસીસમાં કરાશે. આ સિવાય આ સેટેલાઇટ પોતાના વ્યાપક બેન્ડ ટ્રાન્સપોડરની મદદથી અરબ સાગર, બંગાળની ખાડી અને હિન્દ મહાસાગરના વિશાળ સમુદ્રી ક્ષેત્રની ઉપર સંચારની સુવિધા માટે વિસ્તૃત બીમ કવરેજ પ્રદાન કરશે.

મંગળવાર, 5 ફેબ્રુઆરી, 2019

પ્રયાગરાજ એક દિવસ માટે વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું

સોમવારે મૌની અમાસ નિમિત્તે લગભગ 5 કરોડ શ્રદ્ધાળુઓ ઊમટી પડતાં એક દિવસ માટે પ્રયાગરાજ વિશ્વનું સૌથી વધુ વસ્તી ધરાવતું શહેર બન્યું હતું. 41 ઘાટ પર ડૂબકી માટે વ્યવસ્થા કરાઈ હતી. સુરક્ષા માટે 30 હજારથી વધુ જવાનો ફરજ પર હતા. રાત્રે 12 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધીમાં 5 કરોડ લોકો અહીં આવ્યા હતા. 71 વર્ષ પછી કુંભમાં સોમવતી અને મૌની અમાસ એક દિવસે જ આવી હતી. વિશ્વમાં સૌથી વધુ 3.8 કરોડની વસ્તી સાથે જાપાનનું ટોકિયો ટોચ પર છે.