મંગળવાર, 13 માર્ચ, 2018


મોદી-મેક્રોએ ઉત્તર પ્રદેશના મિર્ઝાપુરમાં સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું

Image result for Modi-Macron,inaugurated,the,largest,solar,power,plant,in,Mirzapur,,Uttar,Pradesh,

-વારાણસીમાં મોદી-મેક્રો એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા

-ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોને બનારસની મહેમાનગતિ અને બનારસના લોકોનો પ્રેમ યાદ રહેશે : વડાપ્રધાન

-મિત્રોની જેમ વારાણસી ફરેલા મોદી-મેક્રોએ ગંગામાં નૌકાવિહાર કર્યો 
-
મોદી-યોગીએ મેક્રોની વારાણસી મુલાકાત યાદગાર બનાવી


ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ ભારત મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી સાથે ઉત્તર પ્રદેશની મુલાકાત કરી હતી અને મિર્ઝાપુર જિલ્લામાં આવેલા યુપીના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. વારાણસીના ઘાટ ઉપર નૌકાવિહાર પણ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાન્સના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોએ ઉત્તર પ્રદેશમાં વડાપ્રધાન મોદીના મત વિસ્તાર વારાણસીની મુલાકાત લીધી હતી. એ મુલાકાત દરમિયાન મેક્રો અને મોદી ગાઢ મિત્રોની જેમ વારાણસીના ઘાટ ઉપર હાથમાં હાથ નાખીને ફર્યા હતા. વારાણસીના અસ્સી ઘાટમાં પહોંચ્યા પછી મોદી-મેક્રોએ હોડીમાં બેસીને ગંગાઘાટોને નિહાળ્યા હતાં.

ઘાટો ઉપર વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થયું હતું. જેમાં રામલીલાનો પણ સમાવેશ થતો હતો. મોદી-મેક્રોએ રામલીલા જોઈ હતી. કેદાર ઘાટ ઉપર રાધા-કૃષ્ણ અને ગોપીયોના નૃત્યનું આયોજન થયું હતું. એ નૃત્યુ પણ આ બંને નેતાઓએ જોયું હતું. તુલસી ઘાટ ઉપર રામ ચરિત માનસ, અસ્સી ઘાટ ઉપર વૈદિક રૃચા અને માનસરોવર ઘાટ ઉપર કબીરના પદના ગાયનનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને વડાપ્રધાન મોદીએ મિર્ઝાપુર જિલ્લામાં ઉત્તર પ્રદેશના સૌથી મોટા સોલાર પાવર પ્લાન્ટનું ઉદ્ધાટન કર્યું હતું. ૧૫૫ હેક્ટરમાં ફેલાયેલા આ સોલાર પાવર પ્લાન્ટની ૧૦૦ મેગાવોટ વીજળી પૂરી પાડવાની ક્ષમતા છે. આ પાવર પ્લાન્ટમાં લગભગ ૧ લાખ ૧૯ હજાર જેટલી સોલાર પેનલ લગાવવામાં આવી છે.
ઉત્તર પ્રદેશની મુલાકાતે આવેલા ફ્રાન્સના પ્રમુખ મેક્રો અને તેમના પત્નીનું સ્વાગત વડાપ્રધાન મોદી ઉપરાંત યુપીની મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રાજ્યપાલ રામ નાઈકે કર્યું હતું. અલગ અલગ ઘાટો ઉપર અસંખ્ય લોકો અને શાળાના બાળકોએ હાથમાં ભારત અને ફ્રાન્સનો ધ્વજ લઈને બંને મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું.

મોડી સાંજે વડાપ્રધાન મોદી અને મેક્રો સહિતના મહાનુભાવોનો કાફલો ડીરેકા મેદાનમાં પહોંચ્યો હતો. ત્યાં મોદીએ વારાણસીના લોકોનો આભાર માનતા કહ્યું હતું કે વારાણસીમાં મેક્રોને જે પ્રેમ અને આવકાર મળ્યો છે એ મહેમાનગતિ મેક્રો ક્યારેક ભૂલી શકશે નહીં. એ માટે તેમણે વારાણસીના નાગરિકોનો આભાર માનતા તેમણે કહ્યું કે આ મારું સૌભાગ્ય છે કે હું અહીં કેટલીય નવી નવી યોજનાઓનું ઉદ્ધાટન કરી શક્યો છું.



13 માર્ચ : 'ભદ્રં ભદ્ર'ના સર્જકનો આજે 150મો જન્મદિવસ


- રમણભાઈ નીલકંઠ સમગ્ર હિન્દના પ્રથમ હાસ્યકાર હતા
- હાસ્યકાર, તંત્રી, કવિ, જજ, સમાજ સુધારક, અમદાવાદ મ્યુનિ.ના પ્રમુખ સહિતના અનેક રોલ તેમણે ભજવ્યા હતા
વાંચવાનો શોખ ન હોય એ લોકોને પણ એટલી ખબર હોય કે ગુજરાતી ભાષામાં 'ભદ્રં ભદ્ર' નામની એક કૃતિ છે. એ કૃતિના સર્જક એટલે રમણભાઈ મહિપતરામ નીલકંઠ. ૧૮૬૮ની ૧૩મી માર્ચે અમદાવાદમાં જન્મેલા રમણભાઈનો આજે ૧૫૦મો જન્મદિવસ છે.

આજે માત્ર ગુજરાતી જ નહીં, ભારતના સાહિત્યિક ઈતિહાસમાં રમણભાઈનું નામ આદરપૂર્વક લેવાય છે, જ્યારે તેમની ઓળખ સમગ્ર હિન્દના પ્રથમ કટાક્ષકાર (હાસ્યકાર) તરીકે અપાય છે.

ભદ્રં ભદ્રએ સમાજ પર થયેલા કટાક્ષની જ કથા છે. ભદ્રં ભદ્રમાં પ્રયોજાયેલી વિશિષ્ટ ભાષાને કારણે 'ભદ્રં ભદ્રીય ગુજરાતી' એવો શબ્દપ્રયોગ પણ પ્રચલિત થયો છે.

બ્રિટિશ તાબા હેઠળના ભારતમાં હાસ્ય કે કટાક્ષની પરંપરા જ ન હતી. એ વખતે રમણભાઈએ પશ્ચિમી સાહિત્ય વાંચીને હાસ્ય-કટાક્ષ લેખનની શરૃઆત કરી હતી.

વળી ભદ્રં ભદ્ર પહેલી હાસ્ય નવલકથા હતી. એટલે તેમને યોગ્ય રીતે જ આખા દેશના પ્રથમ કટાક્ષકાર ગણાવાયા હતા. ભદ્રં ભદ્ર એ કથાનું મુખ્ય પાત્ર છે. તેમના વિશે પછી જ્યોતિન્દ્ર દવેએ કહ્યું હતુ કે 'ભદ્રં ભદ્રને પદભ્રષ્ટ કરે એવો મહાનુભાવ હાસ્યસૃષ્ટિમાં જન્મવો બાકી જ છે.' આજે પણ બાકી જ છે.

રમણભાઈના પિતા મહિપતરામ એ સમયના સમાજ સુધારક હતા. એ વારસો રમણભાઈએ જાળવ્યો હતો અને સુધારાની શરૃઆત પોતાના લેખન દ્વારા કરતી હતી. મુંબઈમાં તેઓ કોલેજ ભણ્યા હતા અને ત્યાં શિક્ષક બન્યા હતા. એ પછી અમદાવાદમાં પણ શિક્ષક તરીકે નોકરી કરી હતી. તેમણે જજ પદેથી રાજીનામુ આપી વકીલાત શરૃ કરી હતી. વકીલ તરીકે એ સમયના સમકાલીનો કરતા બહુ ઓછી ફી લેતા હતા.

'પ્રાર્થના સમાજ' અને 'ગુજરાત વર્નાક્યુલર સોસાયટી'માં તેઓ સક્રિય સભ્ય હતા. એ વખતે ગુજરાત કોલેજના અંગ્રેજ પ્રિન્સિપાલ રોબર્ટસને કહ્યું હતું કે અમદાવાદમાં સંપૂર્ણ જેન્ટલમેન કોણ છે એમ કોઈ મને પૂછે તો હું રમણભાઈ નીલકંઠનું જ નામ આપું.

૧૯૦૦ની સાલમાં લખાયેલી ભદ્રં ભદ્રમાં તેમણે ગુજરાતી સાથે દેવભાષા સંસ્કૃતનો પણ બખુબી પ્રયોગ કર્યો હતો. એ વખતે ભદ્રં ભદ્રની બહુ ટીકા થઈ હતી, કેમ કે રમણભાઈએ પોતાની રીતે અનેક શબ્દ પ્રયોગો કર્યા હતા અને ભાષાને વિસ્તારી હતી.

આજે પણ કોઈ લેખક નવા શબ્દ પ્રયોગો કરે ત્યાં કેટલાક ભાષાશાસ્ત્રી અને પ્રૂફ રીડર્સ 'આવા શબ્દો તો આપણી ભાષામાં છે જ નહીં' એમ લખીને સોશિયલ મીડિયા પર ટીકાનો વરસાદ અને એ બહાને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કરે છે. રમણભાઈના વખતે પણ એવુ થતું હતુ એટલે તેમની ટીકા થઈ હતી.

ભદ્રં ભદ્ર ઉપરાંત તેમણે 'રાઈનો પર્વત' નામે નાટક લખ્યું હતુ, જે પણ એટલું જ લોકપ્રિય નીવડયું છે. રાઈનો પર્વત એ શિર્ષક વળી રમણભાઈએ પોતાના પિતાએ સંપાદિત કરેલા ભવાઈ સંગ્રહની એક પંક્તિ (રાઈકો પરબત કરે, પરબત બાગેજ માંહી) 'શોધમા' નામે બીજી એક હાસ્યકથા લખવાની શરૃઆત કરી હતી, પરંતુ પૂરી થાય એ પહેલા તેમનું અવસાન થયુ હતુ. માટે એ કથા પછી બિપિન ઝવેરીએ પૂર્ણ કરી હતી.

'જ્ઞાાન સુધા' સામયિકના તેઓ તંત્રી બન્યા અને આજીવન રહ્યા હતા.  ભદ્રં ભદ્ર કથા આ સાયમકિમાં જ હપ્તાવાર પ્રગટ થઈ હતી. તેમણે વિવેચનનું કામ પણ થોડા અંશે કર્યુ હતુ, તો વળી 'હાસ્યમંદિર'માં તેમના નિબંધોનો સંગ્રહ થયો છે.

પ્રથમ પત્ની હસવદનનું અકાળે અવસાન થતા રમણભાઈએ 'તું ગઈ' નામે કવિતા લખી હતી. તેમના નામે ૩૪ જેટલી કવિતા નોંધાયેલી છે. રમણભાઈ પાસે લોકો હસ્તાક્ષર જોવડાવવા પણ આવતા હતા કેમ કે તેઓ તેના નિષ્ણાત હતા.

૬૦ વર્ષનું આયુષ્ય ભોગવી ૧૯૨૮માં અવસાન પામેલા રમણભાઈના નામે આજે ગુજરાતી સાહિત્યનો સર્વોચ્ચ હાસ્ય પુરસ્કાર 'રમણભાઈ નીલકંઠ પારિતોષિક' અપાય છે.

૧૩ માર્ચ : 'ભદ્રં ભદ્ર'ના સર્જકનો આજે ૧૫૦મો જન્મદિવસ

'ગુજરાતમાં વિદ્વાનો છે, નીડર યોદ્ધાઓ છે, મુત્સદ્દીઓ છે પણ ગુજરાતનો એકમાત્ર સજ્જન રમણભાઈ જ.' એવું જેમના માટે ગાંધીજીએ કહ્યું હતું. ગાંધી યુગ પૂર્વેના અમદાવાદ- ગુજરાતના રાજકીય, સામાજિક, સાહિત્યિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્રેસર એવા રમણભાઈ નીલકંઠે અમદાવાદ શહેરને ગૌરવ બક્ષવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમદાવાદના વિકાસમાં તેમનો ફાળો સવિશેષ છે.  ૧૯૧૫થી ૧૯૨૪ દરમિયાન તો મ્યુનિ. પ્રમુખપદે સેવાઓ આપી હતી. ૧૯૧૯માં ગુજરાતી સાહિત્ય પરિષદની ચૂંટણીમાં મહાત્મા ગાંધીને (ત્યારે મોહનદાસ કરમચંદ ગાંધી અથવા મિ. ગાંધી) પરાજિત કરવામાં તેમની કામગીરી નોંધપાત્ર હતી.

તેઓ ગાંધીજીની અસહકારની વિચારધારા સાથે પણ અસહમત હતા. આમ છતાં કોઈ વ્યક્તિગત દ્વેષભાવ ક્યારેય વ્યક્ત કર્યો નહોતો એટલે તો આગળ કહ્યું તેમ ગાંધીજીએ તેમને એકમાત્ર સજ્જન ગણાવ્યા હતા. દ્વિતિય પત્ની વિદ્યાગૌરી ઉચ્ચ શિક્ષણ મેળવે, ગ્રેજ્યુએટ બની શકે તે માટે ગોધરામાંની જજની નોકરી ત્યજી દીધી હતી, અમદાવાદ આવી ગયા હતા. પરિણામતઃ વિદ્યાગૌરી ગુજરાતના પહેલા મહિલા ગ્રેજ્યુએટ બની શક્યા હતા.

ગાંધીજીની જેમ સરદાર સાહેબ જોડે પણ વૈચારિક મતભેદ ધરાવતા આ મહાનુભાવે અમદાવાદ મ્યુનિ. માટે વિનામૂલ્યે કાનુની સલાહ આપવાનું ઉમદા કામ કરેલું. કોઈ બીજા પ્રકારના ભથ્થા પણ તેઓ લેતા નહોતા. રમણભાઈને સરદારે સરદારે 'સંપૂર્ણ સદ્ગૃહસ્થ' તરીકે વર્ણવેલા. ૬ઠ્ઠી માર્ચ, ૧૯૨૮ના રોજ તેમનું અવસાન થયું પછી સરદારના જ હસ્તે મ્યુનિ. કંપાઉન્ડમાં ૧૬ જૂન, ૧૯૩૧ના રોજ તેમની પ્રતિમા મૂકાઈ હતી. આજે નગરસેવકો તરીકે ફરજ બજાવતા ભાજપ- કોંગ્રેસના લોકો રોજ આ પ્રતિમા જોતા હશે પણ લગીરેય ખ્યાલ નહીં હોય કે આ મહાનુભાવ કોણ છે? એમણે અમદાવાદ માટે શું કરેલું?

ગુરુવાર, 8 માર્ચ, 2018


આ છે, સુરતની ગુલાબી ગેંગ, સ્વાભિમાન સાથે રીક્ષા દોડાવીને પરિવારનું ગુજરાન ચલાવી રહી છે


- સુરતમાં 34 જેટલી ગુલાબી રીક્ષાઓ દોડે છે: મહિલાઓ મહિને મહેનતનાં રૃ.10થી 30 હજાર કમાય છે
'રામ ગોપાલ વર્મા કી આગ' આમ તો આ ફિલ્મમાં ખાસ યાદ કરવા જેવુ કશું નથી પરંતુ ફિલ્મમાં જે લીડ એક્ટ્રેસ છે એ રીક્ષા ચલાવવાનું કામ કરે છે. અને એ ઘૂંઘરૃનાં મુખેથી એક ડાયલોગ બોલાઇ છે, '' લડકી ઓટો નહી ચલા સકતી ઐસા ભગવત ગીતા મેં લીખા હૈ ક્યા?'' આ ડાયલોગ બોલતી વેળા પણ તેની એક્ટીંગ તો ઓવર જ હતી પણ ડાયલોગ મજાનો હતો.
એ ફિલ્મી ડાયલોગ હકીકતની દુનિયામાં ચરિતાર્થ થયો છે. દરેક ક્ષેત્રને ખૂંદી વળેલી નારી હવે રીક્ષા ચલાવવામાં પણ આગળ આવી રહી છે. સુરતમાં હાલ ૩૪ જેટલી પીંક ઓટો રીક્ષા સુરતના રોડ પર દોડી રહી છે જાણે સ્વાભિમાની 'ગુલાબી ગેંગ'

૨જી જુલાઇ ૨૦૧૭નો દિવસ સુરતની મહિલાઓ માટે સોનેરી સૂરજ બનીને ઉગ્યો એવુ કહેવા કરતા એ રવિવાર ગુલાબી રવિવાર બનીને આવ્યો હતો. શહેરમાં પ્રથમ વખત મહિલાઓ માટે પિંક રીક્ષા પ્રોજેકટનું લોકાર્પણ થયુ હતું. રીક્ષા પણ પિંક અને રીક્ષા ચલાવનાર મહિલાનો ડ્રેસ પણ પિંક. જાણે સુરતમાં મહિલાઓની ગુલાબી ક્રાંતિની શરુઆત થઇ.
મહાનગર પાલિકાનાં યુસીડી વિભાગનાં પ્રોજેક્ટ ઓફિસર આર.સી.પટેલે જણાવ્યુ કે સુરતમાં પિંક ઓટો પ્રોજેકટને સારો પ્રતિસાદ મળ્યો છે. ૯૦ જેટલી મહિલાઓ ટ્રેનિંગ લઇ રહી છે. તેમાંથી ૩૪ મહિલાઓ ઓલરેડી રીક્ષા ચલાવે છે. સુરતનાં રોડ પર હાલ ૩૪ રીક્ષાઓ દોડી રહી છે.

બાકીની અંડર પ્રોસેસ છે. રીક્ષા લેનાર મહિલાને ગવર્મેન્ટની વાજપેયી બેંકેબલ યોજનામાંથી ૩૦ ટકા સબસીડીનો લાભ મળે છે અથવા મનપાની દીનદયાળ અંત્યોદય યોજનામાં માત્ર સાત ટકા વાર્ષિક વ્યાજ લાગે છે. ચારથી પાંચ વર્ષનાં સરળ હપ્તાથી મહિલાઓને રીક્ષા આપવામાં આવે છે.
શહેરની કોઇપણ આઠ ધોરણ પાસ મહિલાઓ આ પ્રોજેક્ટનો લાભ ઉઠાવી શકે છે. ૩૪ રીક્ષાઓમાંથી સૌથી વધુ ઉધના, લિંબાયત વિસ્તારમાં છે એ પછી કતારગામ, વરાછા, રાંદેર, અડાજણ વગેરે વિસ્તારમાં પણ રીક્ષાઓ દોડે છે. મહિલાઓ સ્વાભિમાન સાથે મહિને ૧૦થી ૩૦ હજાર રુપિયાની કમાણી કરી લે છે. સુરતમાં સાત જગ્યાએ આ પ્રોજેક્ટના સેન્ટર ચાલે છે. માહિતી માટે ૦૨૬૧-૨૬૩૬૩૯૬ પર સંપર્ક કરી શકાશે.

રીક્ષાભાડાની કમાણીથી કાર ખરીદી
પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા રીનાબેન પટેલે કહ્યું કે શરૃઆતનો મહિનો ખુબ કપરો લાગ્યો. પણ લડી લેવાનુ નક્કી કરીને ઝંપલાવ્યુ હતુ બાદમાં કામમાં મજા આવવા લાગી. હવે ત્રણ સંતાનોના ભવિષ્યની ચિંતા નથી. તેને સારૃ શિક્ષણ આપી શકાય છે. સમાજમાં પણ સન્માન વધી ગયુ એટલુ જ નહી લોકો ઘણીવાર સાથે સેલ્ફી લે છે ત્યારે સેલિબ્રિટી જેવુ પણ ફિલ થાય છે. રીનાબેન મુખ્યત્વે સ્કૂલની વર્દીમાં રીક્ષા ચલાવે છે.

તેમની પાસે ૫૦ જેટલા વિદ્યાર્થીઓ છે. મહિલા ચાલક હોવાથી માતા-પિતા નિશ્વિત બની જાય છે. સ્કૂલ સિવાયના ટાઇમમાં સ્પેશ્યલ ભાડા પણ કરે છે. જેના કારણે તેમણે રીક્ષાભાડાની કમાણીથી ઇકો કાર પણ હપ્તેથી ખરીદી લીધી છે. પિંક રીક્ષાએ તેની લાઇફને ગ્રીન બનાવી દીધી છે તેવુ તેમણે જણાવ્યુ હતું.

પુરૃષોની પજવણી હવે નહિવત થઇ ગઇ
ઉધનામાં રહેતા પૂનમબેન પટેલે કહ્યું કે અગાઉ જોબ કરતી પણ ટાઇમના બંધનનાં કારણે પરિવારને સમય ફાળવી શકાતો ન હતો અને ઇન્કમ પણ લિમિટેડ હતી. રીક્ષાના કારણે સ્વતંત્રતા મળી અને સંતોષ પણ. જ્યારે રીક્ષા ચલાવવાની શરૃ કરી એ સમયે પુરૃષ રીક્ષાચાલકો ઓવરટેક કરીને કે કટ મારીને પજવતા તો કોઇ બાઇક ચાલકો પણ સ્પીડથી બાજુમાંથી પસાર થઇ જતા આ બધુ થતુ ત્યારે રીક્ષા છોડી દેવાની ઇચ્છા થતી પરંતુ કાઉન્સેલિંગ દરમિયાન આપેલી સમજણથી કામ ચાલુ રાખ્યુ અને હવે આજે એ પજવણી નહિવત છે. લોકોને પણ ખ્યાલ આવી ગયો છે આ મહિલાઓ મહેનત કરીને બેઠા થવાનો પ્રયાસ કરે છે એમને પજવવા ન જોઇએ પણ પ્રોત્સાહન આપવુ જોઇએ.



આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણીનો આરંભ 8 માર્ચ, 1910ના રોજ થયો

- 1909માં અમેરિકાની મહિલા કામદારોએ મહાહડતાળ પાડી હતી

- અમેરિકામાં સ્ત્રી કામદારોનું શોષણ અને 15 કલાક કામ કરવું પડતું હતું

19મી સદીમાં રશિયા, પોલેન્ડ, ઇટાલી જેવા દેશોમાંથી હજારો નાગરિકો અમેરિકામાં સ્થળાંતર કરી ગયા હતા. આ પૈકી સ્ત્રી-કામદારો અમેરિકાના કાપડ-સુતર ઉદ્યોગમાં કામ કરતી. એમણે અત્યંત ઓછા વેતન સાથે દિવસના 15 કલાક કામ કરવું પડતું. કારખાનાના માલિકો સોય, દોરા, વીજળી-એ બધાનો ખર્ચ પણ સ્ત્રી-કામદારોના વેતનમાંથી કાપી લેતા...!

કાપડ ઉદ્યોગની આ કામદાર મહિલાઓએ એમના કામની પાળી 10 કલાકની થાય એ હેતુસહ તા.8 માર્ચ, 1857ના દિવસે મોરચો કાઢ્યો અને ફેકટરીના દરવાજે પિકેટિંગ કર્યુ. પોલીસે લાઠી-ગોળીના દમનથી આ વિરોધને દબાવી દીધો.

આ લડતની 51મી વર્ષગાંઠે તા.8 માર્ચ, 1908ના રોજ ફરી એકવાર, 15,000 કામદારોએ કામના કલાકો 10 કલાક પૂરતા મર્યાદિત કરવા ઉપરાંત બાળમજૂરી નાબૂદ કરવા, વેતનદર વધારવા અને મતાધિકારની માગણી સાથે ન્યુયોર્કના રસ્તાઓ ગજવ્યા. પોલીસે આ  વખતે પણ દમનનો દોર છુટો મૂકી દીધો.

બીજા જ વર્ષે, ઇ.સ.1909માં કાપડ-સુતરના ઉદ્યોગોની તમામ ફેકટરીઓમાં મહાહડતાળ પાડવામાં આવી. 20 થી 30 હજાર સ્ત્રી-કામદારોએ બરફ વરસાવતા શિયાળાની ઠંડીમાં 13-13 સપ્તાહો સુધી હડતાળ ચલાવી. મહિલા કામદારોએ આ તમામ સમયગાળા દરમિયાન ફેકટરીઓ ખાતે પિકેટિંગ કર્યુ.

એના બીજા વર્ષે એટલે કે ઇ.સ.1910માં સમાજવાદી મહિલાઓની આંતરરાષ્ટ્રીય પરિષદમાં વિશ્વના 17 દેશોના 100 સ્ત્રી-કામદારોના પ્રતિનિધિઓ એકઠા મળ્યા હતા. જર્મન મહિલા આગેવાન કલેરા ઝેટકિને અમેરિકી ઔદ્યોગિક મહિલા - કામદારોની ઉપરોક્ત અડગ લડતથી પ્રભાવિત થઇને આ લડતની યાદમાં વિશ્વભરમાં તા.૮ માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનો પ્રસ્તાવ મૂક્યો, જેને સર્વાનુમતે વધાવી લેવાયો. આમ, તા.8 માર્ચનો દિવસ જગતના નારી આંદોલનના ઇતિહાસમાં આગવો બની રહ્યો છે.


નેફિયો રિયોએ નાગાલેન્ડના મુખ્યમંત્રી પદના શપથ લીધા

Image result for nefia rio new cm of nagaland

- શપથ સમારોહમાં અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ હાજર રહ્યા


નાગાલેન્ડમાં નવનિર્વાચિત સરકારના CM નેફિયો રિયોએ આજે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. કોહિમા લોકલ ગ્રાઉન્ડમાં આયોજિત કાર્યક્રમમાં નેફિયોની સાથે 10 ધારાસભ્યોએ પણ કેબિનેટ મંત્રી પદના શપથ લીધા.

આવુ પહેલીવાર બન્યુ જ્યારે રાજ્યમાં નવી સરકાર માટે આટલા વિશાળ સ્તરે શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યુ. આ દરમિયાન ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ અમિત શાહ, રક્ષા મંત્રી નિર્મળા સીતારમણ, કેન્દ્રીય મંત્રી કિરણ રિજ્જૂ પણ હાજર રહ્યા.

શપથ ગ્રહણ માટે કોહિમા લોકલ ગ્રાઉન્ડની જ પસંદગી કેમ કરવામાં આવી. કેમ કે 1963માં તત્કાલિન રાષ્ટ્રપતિ સર્વપલ્લી રાધાકૃષ્ણને અહીંયાથી નાગાલેન્ડ રાજ્યની રચનાનું એલાન કર્યુ હતુ. રાજ્યમાં પૂર્ણ થયેલ વિધાનસભા ચૂંટણીમાં નેશનલ ડેમોક્રેટિક પ્રોગેસિવ પાર્ટી ( NDPP)એ પ્રગતિ કરી હતી, જે બાદ પાર્ટીએ BJPની સાથે મળીને રાજ્યમાં સરકાર બનાવવાનો નિર્ણય કર્યો હતો.

નાગાલેન્ડના રાજ્યપાલ પીબી આચાર્ય દ્વારા NDPP નેતા નેફિયો રિયોની CM તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભારતીય બંધારણની કલમ 164 (1) અનુસાર રાજ્યપાલે આ નિમણૂક કરી છે. રાજ્યપાલે નેફિયો રિયોથી 16 માર્ચ સુધી પોતાનો બહુમત સાબિત કરવાનું કહ્યું છે. આજે માર્ચે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ થશે. ભાજપ-એનડીપીપીએ એક સાથે ચૂંટણી લડી હતી. બંને પાર્ટીઓએ 32 ધારાસભ્યોનું સમર્થન રજૂ કરવાનું કહ્યું હતુ.

Happy Women’s Day
Image result for happy womens day


એશિયા કપ તીરંદાજીમાં ભારતની મુસ્કાન-પ્રોમીલાએ ગોલ્ડ જીત્યા


- બેંગકોકમાં ચાલી રહેલી ટુર્નામેન્ટમાં ભારતનું પ્રભુત્વ  :ભારતે બે બ્રોન્ઝ મેડલ પણ મેળવ્યા
એશિયા કપ તીરંદાજીમાં ભારતની મુસ્કાન કરીર અને પ્રોમીલા દૈમારીએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સ્ટેજ-વન ઈવેન્ટમાં ભારતની પ્રોમીલાએ મહિલાઓની રેક્યુર્વે ઈવેન્ટમાં અને મુસ્કાને કમ્પાઉન્ડ ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી. જ્યારે ભારતની મધુ વેદવાન અને ગૌરવ લામ્બેએ બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી.મહિલાઓની કમ્પાઉન્ડ તીરંદાજીની ફાઈનલમાં ભારતની મુસ્કાન કરીરે ફાઈનલમાં મલેશિયાની ઝાકરીયા નાધીરાહને માત્ર ત્રણ પોઈન્ટથી હરાવીને ગોલ્ડમેડલ જીત્યો હતો. મુસ્કાને ૧૩૯-૧૩૬થી ફાઈનલ જીતી હતી. જ્યારે રેક્યુર્વે ઈવેન્ટની ફાઈનલમાં પ્રોમીલાએ રશિયાની સ્ટાર ખેલાડી એર્ડીનીવા નાતાલ્યાને ૭-૩થી હરાવીને ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો હતો.મેન્સ રેક્યુર્વે ઈવેન્ટમાં ગૌરવ લામ્બેએ અને વિમેન્સ રેક્યુર્વે ઈવેન્ટમાં મધુ વેદવાને બ્રોન્ઝ સફળતા હાંસલ કરી હતી. વેદવાને ૬-૫થી મોંગોલિયાની ઈન્ખ્તુયાને હરાવી હતી. જ્યારે લામ્બેએ મલેશિયાના કમરુદ્દીન હાઝીકને પરાસ્ત કર્યો હતો. ભારતની યશ્વી ઉપાધ્યાય, દિવ્યા ધયાલ અને હિવરાલે મ્રીનાલ અનિલને ક્વાર્ટર ફાઈનલમાં હારનો સામનો કરવો પડયો હતો.