શુક્રવાર, 22 ફેબ્રુઆરી, 2019

ભારતે પાણી દેખાડયું : પાકિસ્તાનને અપાતું પાણી બંધ કર્યું
 Image result for sindhu,jhelum river
- ભારતની ત્રણ નદી સિંધુ, ઝેલમ અને ચિનાબના પાણી કાશ્મીર અને પંજાબ તરફ વળાશે
- એક વિશેષ પ્રોજેક્ટની મદદથી પાક. જતી ત્રણેય નદીનું પાણી યમુના નદી તરફ વાળવામાં આવશે : કેન્દ્રીય પ્રધાન
 Image result for sindhu,jhelum river
કેન્દ્રના આ પગલાથી પંજાબ અને કાશ્મીરમાં કૃષિ ક્ષેત્રે મોટો ફાયદો થશે 
હાલ કાશ્મીરમાં આ માટે એક ડેમ રાવી નદી પર તૈયાર થઇ રહ્યો છે, ટૂંક સમયમાં કામ પુરું થઇ જશે તેવો દાવો 

પુલવામા હુમલા બાદ બદલો લેવા માટે સરકાર પર દબાણ વધી રહ્યું છે. આ સ્થિતિ વચ્ચે સરકારે અગાઉ પાકિસ્તાની વસ્તુઓની આયાત પર ૨૦૦ ટકા ડયુટી નાખી હતી ત્યારે હવે પાકિસ્તાન તરફ જતા પાણીના વહેણને બદલવાની તૈયારી કરી લીધી છે.
ઘણા સમયથી માગ થઇ રહી છે કે પાકિસ્તાન તરફ જતું પાણી રોકીને તેને ભારતમાં ખેતી માટે ઉપયોગમાં લેવામાં આવે. આ સ્થિતિ વચ્ચે કેન્દ્રીય પ્રધાન નીતીન ગડકરીએ જણાવ્યું હતું કે ભારતની ત્રણેય નદીઓનું વહેણ પાકિસ્તાન તરફ જતુ અટકાવવા માટે તેને ભારત તરફ વાળવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. 
નીતીન ગડકરી બાગપતમાં યમુનાના વોટર ટ્રીટમેંટ પ્લાંટનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા, આ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી યમુનામાં લાવવામાં આવશે. જેના માટે ત્રણ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું કે દિલ્હી-આગરાથી ઇટાવા સુધી જળમાર્ગ ડીપીઆર તૈયાર થઇ ચુક્યુ છે.
આ પ્રોજેક્ટ અંતર્ગત બાગપાતમાં રિવર પોર્ટ બનાવવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડયા ત્યારે બન્ને દેશોને યોગ્ય ભાગમાં પાણી મળી રહે તેના પર ધ્યાન અપાયું હતું, જે બાદ ભારતમાંથી વહેતી ત્રણેય નદીઓનું પાણી પાકિસ્તાન જઇ રહ્યું છે. હવે આ ત્રણેય નદીનું પાણી વાળીને યમૂના નદીમાં ઠાલવવામાં આવશે. જેને પગલે યમુના નદીનું પાણી વધી જશે અને તેનાથી દેશને વધુ પાણી મળતા ઘણો ફાયદો થશે. 
હાલના આયોજન મુજબ પાકિસ્તાન જતું આ પાણી જમ્મુ કાશ્મીર અને પંજાબમાં વાળવામાં આવશે તેમ ગડકરીએ જણાવ્યું હતું. જોકે અગાઉ પણ ઉરી હુમલા બાદ સરકારે આ જ પ્રકારના પગલા લેવાની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત કાશ્મીરમાં કેટલાક ડેમ પ્રોજેક્ટના ઉદઘાટન પણ કરવામાં આવ્યા છે, જેનું કામ ચાલી રહ્યું છે. ગડકરીએ ટ્વિટ કરીને જણાવ્યું હતું કે આ પાણીને વાળવા માટેના ડેમને બનાવવાનું કામકાજ શરુ થઇ ગયું છે. આ ડેમ હાલ રવી નદી પર શાહપુર અને કાંડીમાં તૈયાર કરવામા આવી રહ્યા છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો