ઓડિશાના અબ્દુલ
કલામ ટાપુ પર અગ્નિ-૪ પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ
ચાર હજાર કિ.મી. દૂર સુધી પ્રહાર કરી શકતી અગ્નિ ૪ ઉડાન વખતે
ગરબડી સર્જાય તો જાતે જ ઠીક કરવા અને માર્ગદર્શન આપવા સક્ષમ
વીસ મીટર લાંબી ૧૭ ટનની અગ્નિ ૪ મિસાઈલ
સૌથી પહેલાં ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ લૉન્ચ કરાઈ હતી
ભારતે રવિવારે ઓડિશાના અબ્દુલ કલામ
ટાપુ પરથી ચાર હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરી શકતી સરફેસ ટુ સરફેસ અગ્નિ ૪
પરમાણુ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું હતું. ભારતીય સેનાના સ્ટ્રેટેજિક ફોર્સ કમાન્ડ
દ્વારા હાથ ધરાયેલું આ સાતમું પરીક્ષણ હતું. સવારે ૮ઃ૩૫ વાગ્યે ઈન્ટિગ્રેટેડ ટેસ્ટ
રેન્જના ચોથા લોન્ચ કોમ્પ્લેક્સ પરથી સેનાએ તાલીમ અભ્યાસના ભાગરૃપે આ પરીક્ષણ
કર્યું હતું. આ પહેલાં બીજી જાન્યુઆરી,
૨૦૧૮ના રોજ અબ્દુલ કલામ ટાપુ
પરથી જ પરીક્ષણ કરાયું હતું, જે અગાઉ વ્હિલર આઈલેન્ડ તરીકે ઓળખાતો હતો. સંપૂર્ણ સ્વદેશી ગણાતી આ
મિસાઈલમાં અનેક એડવાન્સ્ડ હાઈટેક સિસ્ટમ છે. જેમ કે, અગ્નિ ૪ બેલિસ્ટિક
મિસાઈલ ઉડાન વખતે કોઈ ગરબડી સર્જાય તો જાતે જ ઠીક કરવા તેમજ માર્ગદર્શન આપવા સક્ષમ
છે. આ ઉપરાંત તે એવિયોનિક્સ, ફિફ્થ જનરેશન ઓન બોર્ડ કમ્પ્યુટર અને ડિસ્ટ્રિબ્યુટેડ
આર્કિટેકચર ધરાવે છે. આ ઉપરાંત તેમાં માઈક્રો નેવિગેશન સિસ્ટમથી સજ્જ 'રિંગ લેસર ગાયરો બેઝડ્
ઈનએર્ટિયલ નેવિગેશન સિસ્ટમ' (RINS) પણ છે, જેના કારણે મિસાઈલને ઈચ્છીએ તે ચોક્કસ સ્થળે સહેલાઈથી
પહોંચાડી શકાય છે.
સેનાના સૂત્રોના જણાવ્યાનુસાર, આ મિસાઈલ પર રડાર, ટ્રેકિંગ
સિસ્ટમ અને રેન્જ સ્ટેશનોની મદદથી નજર રખાઈ હતી, જેને એક
મોબાઈલ લૉન્ચરની મદદથી છોડવામાં આવી હતી. અગ્નિ ૪ બે તબક્કામાં બનાવાયેલી મિસાઈલ
છે. આશરે ૧૭ ટન વજન ધરાવતી અગ્નિ ૪ મિસાઈલ વીસ મીટર લાંબી છે. અગ્નિ ૪ને સૌથી
પહેલાં ૨૦મી જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ લૉન્ચ કરાઈ હતી. હાલમાં જ અગ્નિ ૫ પરમાણુ
મિસાઈલનું સફળ પરીક્ષણ કરાયું હતું. સરફેસ ટુ સરફેસ પ્રહાર કરી શકતી આ મિસાઈલ પાંચ
હજાર કિલોમીટર દૂર સુધી પ્રહાર કરવા સક્ષમ છે.
નોંધનીય છે કે, હાલ ભારતીય સેનાના
શસ્ત્રભંડારમાં અગ્નિ ૧, ૨, ૩ અને પૃથ્વી જેવી મિસાઈલ સામેલ છે, જેના
કારણે ભારતની લશ્કરી ક્ષમતા અનેકગણી વધી ગઈ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો