ગુરુવાર, 16 ઑગસ્ટ, 2018


પ્રજાને સતાવતો પ્રશ્ન: 15 ઓગષ્ટ 1947નો દિન પોરબંદર ભારત સંઘમાં ભળશે કે કેમ?



સૌરાષ્ટ્રના સાગર કિનારે વસેલું પોરબંદર આઝાદી પૂર્વે જેઠવા વંશના રાજવીઓ દ્વારા શાસિત રાજ્ય હતું. જેઠવા વંશના રાણા હાલોજી એ 1804 માં રાજગાદી સંભાળ્યા બાદ આસપાસની રીયાસત જૂનાગઢ અને નવાનગર સાથેના સંઘર્ષમાંથી બચવા કાઠીયાવાડ બ્રિટીશ પોલીટીકલ સરકાર સાથે રાજતાંત્રિક કરાર કર્યો હતો જે પાછળથી વોકર કરાર તરીકે ઈતિહાસમાં પ્રખ્યાત થયો હતો. આ કરાર કરતાની સાથે જ પોરબંદર બ્રિટીશ પોલીટીકલ સરકાર સાથે જોડાયેલું રાજ્ય બની ગયું હતું. પાછળથી ભારતની આઝાદીની ચળવળ પૂરજોશમાં ચાલતા પોરબંદરમાં પણ આઝાદીની ચળવળનો પવન ફૂંકાવા લાગ્યો હતો.
પોરબંદર ભારત સંઘમાં ભળી જશે તેવો સંકેત મળતા ખુશી છવાઈ

પોરબંદર રાજ્ય દ્વારા ડામી દેવાના પ્રયત્નો કરાતા જ્યારે અંગ્રેજોએ ભારતને 15 મી ઓગષ્ટ 1947 ના રોજ આઝાદી આપવાનું જાહેર કર્યું ત્યારે પોરબંદર રાજ્ય ભારતસંઘમાં ભળશે કે પછી સ્વતંત્ર રાજ્ય બનવાનું પસંદ કરશેતે પ્રશ્ન લોકોને સતાવી રહ્યો હતો. 

પરંતુ પોરબંદરના મહારાણાએ 14 મી ઓગષ્ટ 1947 ના રોજ 15 અને 16 ઓગષ્ટે સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરવાની જાહેરાત કરતા પોરબંદરની પ્રજાને પોરબંદર ભારત સંઘમાં ભળી જશે તેવો સંકેત મળતા ખુશી છવાઈ ગઈ હતી. આ ખુશીની સાથે પોરબંદરમાં 14 મી ની રાત્રે પોરબંદર શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું હતું.

સુદામાજી મંદિરમાં ભરચક્ક માનવમેદની સમક્ષ ધ્વજપૂજન કરાયું

મધ્યરાત્રી બાદ તા. 15મી નો પ્રારંભ થતા સુદામાજી મંદિરમાં ભરચક્ક માનવમેદની સમક્ષ ધ્વજપૂજન કરાયું હતું. વહેલી સવારે 7:30 કલાકે પ્રભાતફેરી નીકળી મહાત્મા ગાંધીજીના જન્મસ્થાન આગળ પહોંચી હતી. બાદમાં રાષ્ટ્રધ્વજવંદનની વિધી કરાઈ હતી. બાદમાં તુરંત જ ક્રિકેટ પેવેલીયન પરથી ભવ્ય સરઘસ યોજવામાં આવ્યું હતું. આ સરઘસ ગાંધીજીના જન્મસ્થળ પાસેથી થઈ 9:30 કલાકે સુદામા ચોકમાં પહોંચ્યું હતું અને પોરબંદરના યુવરાજ દરબારગઢમાં શહેરીજનોના મોટા સમુદાય અને અધિકારી વર્ગ સાથે રાજ્યની ગાદીના દર્શન કરી સુદામાચોકમાં પહોંચ્યા ત્યારે રાષ્ટ્રધ્વજ અને રાજધ્વજ નું આરોહણ કરી વંદન કર્યું ત્યારે ધ્વજવંદન કાર્યક્રમ સંપન્ન થયો હતો.

ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલમાં નગરજનોની ખાસ સભા મળી

આ વખતે સ્ટેટ મિલ્ટ્રી દ્વારા બેન્ડ સલામી આપવામાં આવી હતી તેમજ સુદામા મંદિરમાં પ્રભુસ્તવન કરવામાં આવ્યું હતું. સાંજના 5 કલાકે મ્યુનિસીપાલીટીની જનરલ કમીટીની ખાસ બેઠક મળી હતી અને 5:30 વાગ્યે ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલમાં નગરજનોની ખાસ સભા મળી હતી. રાત્રીએ સુદામા મંદિરહનુમાન ચોક ફૂવારો (જુનો ફૂવારો)ધ વિક્ટોરીયા જ્યુબેલી ટાઉન હોલ તથા મ્યુનિસીપલ હોલને રોશનીથી શણગારી દેવામાં આવ્યો હતો. સ્વાતંત્ર્ય દિવસના બીજા દિવસે સાંજના સમયે ધી મીકોનકી ક્લબમાં એટ હોમ રાખવામાં આવ્યું હતું. ત્યાં નાનજી કાલિદાસ મહેતા દ્વારા સ્નેહ સંમેલન તથા ભોજન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો