ગુરુવાર, 21 જૂન, 2018


ગુજરાતના એકમાત્ર મહારાષ્ટ્રીયન શરણાઈવાદક


- શ્રી રમાકાંત સંત કહે છે કે પારંપરિક વાદ્ય પ્રત્યે નવયુવાનોની રૂચિ ઓછી થતી જોવા મળી રહી છે

21 જૂનને સમગ્ર વિશ્વ સંગીત દિવસ તરીકે ઉજવે છે ત્યારે ભારત માટે અફસોસની વાત એ છે કે નવયુવાનોમાં પારંપરિક વાદ્ય મહારાષ્ટ્રીયન શહેનાઈ પ્રત્યેની રુચિ ઓછી થઈ રહી છે.

તેમ ગુજરાતના એકમાત્ર મહારાષ્ટ્રીયન શહેનાઈ વાદક તેમજ ગૌરવ પુરસ્કારથી સન્માનિત શ્રીરમાકાંત સંતે જણાવ્યું હતું. વધુમાં તેમણે કહ્યું કે શહેનાઈ વગાડનારા તો ઘણા છે પરંતુ તેમાં નિપુણતા પ્રાપ્ત કરનારા ભારતમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા બચ્યા છે.

સંગીતએ ઈશ્વર સુધી પહોંચવાનો સરળ રસ્તો છે. આ સંગીત આજે મારી નસમાં સમાયેલું છે. શહેનાઈ એ મારા નાના તેમજ પિતાજી તરફથી વારસામાં મળેલી ભેટ છે.

૭૮ વર્ષની ઉંમરે પહોંચેલા શ્રીરમાકાંત સંત કહે છે કે દિવસ ગમે તેટલો વ્યસ્ત હોય છતાં પણ દરરોજ બે કલાક શહેનાઈ વગાડું જ છું. અને જો ક્યારેક મન થાય તો આઠ કલાક સુધી બેઠા બેઠા શહેનાઈ વગાડયા કરું છું.

ખયાલ ઘરાનાની શહેનાઈ શ્રીરમાકાંતે ૯ વર્ષની ઉંમરથી શીખવાની શરુ કરી હતી. આ ઉંમરે તેઓ શહેનાઈની સાથે વાયોલિન પણ શીખતા હતા.

૨૦ વર્ષની ઉંમરે રાજકોટની મ્યુઝિક એકેડમીમાં વાયોલિનના શિક્ષક બનેલા શ્રીરમાકાંત કહે છે કે મેં ગુજરાત, રાજસ્થાન સહિત અનેક શાળાઓમાં સંગીતની તાલિમ આપી પરંતુ મહારાષ્ટ્રીય શહેનાઈમાં રુચિ ધરાવતો શિષ્ય કોઈ મળ્યો નહીં.

જો કે થોડા મહિનાથી વલસાડનો એક વિદ્યાર્થી શહેનાઈ શીખવા દર રવિવારે આવી રહ્યો છે જે મારા માટે ખુશીની વાત છે.

- બનારસી અને મહારાષ્ટ્રીયન શહેનાઈ વચ્ચે શું છે તફાવત?

બનારસી શહેનાઈને વિશ્વ સ્તરે પહોંચાડનાર ઉસ્તાદ બિસ્મિલા ખાન છે.  ડો. આશિષ સંતે જણાવ્યું કે બનારસી શહેનાઈમાં સાત કાણાઓમાંથી સૂર નીકળે છે જ્યારે મહારાષ્ટ્રીયન શહેનાઈમાં ૮ કાણા હોય છે. બનારસી શહેનાઈ નાની અને મધુર  હોય છે.

જેને વગાડવી સરળ છે.શહેનાઈનો મુખભાગ નદીના નરમ ઘાસમાંથી બનાવવામાં આવે છે જે ગંગાનદીના કિનારે જ ઊગે છે. જ્યારે મહારાષ્ટ્રીય શહેનાઈનો મુખભાગ ખજૂરના ઝાડની તાડપત્રીમાંથી બનાવવામાં આવે છે. આ શહેનાઈની ઊંચાઈ ખૂબ જ હોય છે તેમજ તેને વગાડવા માટે ફેફ્સામાં ખૂબ જોર પડે છે.

૫૦ વર્ષ જૂની મહારાષ્ટ્રીયન શહેનાઈ વગાડતા શ્રીરમાકાંત કહે છે કે સયાજીરાવ ગાયકવાડે શહેનાઈને પ્રચલિત કરી હતી અને છેલ્લા શ્વાસ સુધી તેમણે મહારાષ્ટ્રીય શહેનાઈને જીવંત રાખવાના પ્રયત્નો કર્યા હતા.
જો કે હવે મહારાષ્ટ્રીય શહેનાઈનું ભવિષ્ય ધૂંધળુ દેખાઈ રહ્યું છે. અને મને ડર છે કે શહેનાઈ તેમજ તેના સુર મ્યુઝિયમમાં બંધ થઈને ન રહી જાય.

બે પેઢીએ એકસાથે બનારસી શહેનાઈ, સિતાર અને તબલાની પ્રસ્તુતિ કરી.

વડોદરામાં સયાજીરાવના દરબારથી સંત પરિવારની પેઢી વડોદરામાં પોતાની કલાને જીવંત રાખી છે. આજે તેમના પરિવારની પાંચમી પેઢીએ પણ આ પરંપરા જાળવી રાખી છે.

આજે બંને ભાઈઓએ 12 વર્ષના પુત્ર સાથે મધુવંતી રાગની બનારસી શહેનાઈરા સંસ્કૃતિ કરી હતી.

આ રાગ સંધિકાંશ દરમિયાન 4થી 7 વાગ્યાની વચ્ચે ગાવામાં આવે છે. આ પરિવારમાં તમામ લોકો વર્ષોથી શહેનાઈ, જલતરંગ, તબલા, સિતાર, વાયોલિન અને વાંસળી વગાડવામાં નિપુણ છે.

- મારુ બિહાગ રાગ સંભળ અને હાર્મોનિયમની જુગલબંધી સાથે શહેનાઈ દ્વારા વગાડયો

- રાત્રિના પ્રથમ પ્રહાર 7થી 10 દરમિયાન આ રાગ વગાડાય છે.

- વડોદરામાં ૨૦ સદીના આરંભમાં મહારાષ્ટ્રીયન શહેનાઈનો ઉદય થયો

- પં.ગણપતરાવ વસઈકર પ્રથમ શહેનાઈવાદક જેમણે શહેનાઈ પર ૪ પુસ્તકો બનાવી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો