આજે બંદર તરીકે ભાંગી ચૂકેલા ભરૃચનો
વેપાર ૨૦૦૦ વર્ષ પહેલાં ગ્રીસ સાથે હતો
- રાજ્ય કક્ષાની ગુજરાત સ્થાપના દિવસ
ઉજવણી જ્યાં થવાની છે
- ગ્રીકવાસીઓ આવીને ભરૃચમાં સ્થાયી થયા
હતા, ગ્રીસ-રોમમાં
ભરૃચનો ઉલ્લેખ 'બારૃગાઝા' તરીકે થતો
હતો
આ વખતે ગુજરાત
સ્થાપના દિવસની ઉજવણી પ્રાચીન નગર ભરૃચમાં થવા જઈ રહી છે.
અભરૃચની ગણતરી
ઔદ્યોગિક શહેર તરીકેની છે. એક સમયે અહીંથી નિકાસ થતા મોતી- માણેકની યુરોપની
બજારમાં બોલબાલા હતી, જ્યારે અત્યારે ખારી-શીંગ
વખણાય છે.
શહેરની ઓળખ સદંતર બદલાઈ ચૂકી છે અને ભવ્ય આભા ઈતિહાસ સાથે ભુંસાઈ ચૂકી
છે. માટે ભારતના પ્રાચીનતમ નગરમાં સ્થાન પામતું હોવા છતાં આજે ભરૃચની ગણતરી
ગુજરાતના એક સામાન્ય શહેર તરીકે જ થાય છે.
ભરૃચ બે-સવા બે
હજાર વર્ષ પહેલા બંદર તરીકે ધમધમતું હતુ. અહીં ઈજિપ્ત, ગ્રીક, ઈરાન, કાર્થેજિયન,
આરબ વગેરે પ્રદેશોમાંથી જહાજોની નિયમિત આવન-જાવન થતી હતી. એમાંય
ભરૃચ ત્યારે સૌથી લોકપ્રિય બંદર હતું કેમ કે પરદેશથી આવનારાઓને ભારતમાં પ્રવેશવા
માટે એ સૌથી સરળ પડતું હતું. રોમન અને ગ્રીક પ્રજાને તો ભરૃચ બહુ માફક આવી ગયું
હતુ.
ગ્રીક-રોમનોને ભરૃચ ઉચ્ચાર ફાવતો ન હતો, માટે તેઓ આ શહેરને 'બારૃગાઝા' તરીકે ઓળખતા હતા. આ શબ્દનો મતલબ
ઊંડો-ખજાનો એવો થાય છે. કેમ કે ભરૃચ તેમના માટે ખજાનાથી કમ ન હતું. ગુજરાતના બંદરો
અને ઈતિહાસ વિશે અનેક પુસ્તકો લખનારા વિદ્વાન ઈતિહાસવિદ્ શિવપ્રસાદ રાજગોરે ભરૃચ
વિશે આવી માહિતી લખી છે.
ગ્રીક-રોમન
પ્રજા સાથે એટલુ બધુ સાંસ્કૃતિક આદાન-પ્રદાન હતું કે આ પ્રદેશ પર રાજ કરતા ક્ષત્રપ
રાજા નહાપાનએ બહાર પાડેલા સિક્કામાં એક બાજુએ ગ્રીક ભાષામાં લખાણ છપાયેલું હતું
(ઈસવીસન ૨૩થી લઈને ૪૦૦ સુધીનો સમય ક્ષત્રપ કાળ ગણાય છે). એ કાળમાં ભરૃચ તેમની
રાજધાની હતું. રાજા નહાપાનની બુદ્ધિ વેપારીને છાજે એવી હતી. એટલે પરદેશથી આવતા
જહાજોને દૂરથી જ દરિયામાં અને પછી નર્મદા નદીમાં થઈ ભરૃચ સુધી આવવા-જવામાં સરળતા
રહે એ પ્રકારે પાઈલોટિંગની વ્યવસ્થા ત્યારે ગોઠવાયેલી હતી. ભરૃચને કાંઠે દરિયો
સાંકડો હોવાથી અજાણ્યા જહાજોને પ્રવેશમાં અને બહાર નીકળવામાં મુશ્કેલી પડે. એ માટે
રાજના નાવિકો માર્ગદર્શન આપવા દરિયામાં હાજર રહેતા હતા.
દરિયાઈ સફર અને
બંદરો વિશેના પ્રાચીન ગ્રંથ 'પેરીપ્લસ ઓફ ઈરિથિન
સી'માં ભરૃચનો વિશ્વ સાથે વેપાર હોવાનો ઉલ્લેખ છે. આ
પુસ્તકના ચેપ્ટર નંબર ૪૧માં ભરૃચ વિશે વિગતવાર વાતો લખી છે. એ પ્રમાણે ભરૃચથી મોટે
પાયે ઘઉં, ચોખા, કપાસ.. વગેરેની નિકાસ
થતી હતી. રોમન અને ગ્રીક વેપારીઓ અહીં આવતા ત્યારે પોતાની સાથે અહીંના શાસકો માટે
ઊંચા પ્રકારનો વાઈન અને બીજી ભેટ-સોગાદો પણ લઈ આવતા હતા. આ ગ્રંથમાં લખ્યા પ્રમાણે
આખા ભારતીય ઉપખંડ સાથે વેપાર કરવાનું મુખ્ય પ્રવેશદ્વાર જ બારીગાઝા હતું. ગ્રીકના
મહાન ગણિતજ્ઞા અને ઈતિહાસકાર ટોલેમીએ લખ્યા પ્રમાણે ભરૃચ એ વખતે ભારતનું મહાનત્તમ
શહેર હતું.
નિયમિત
આવન-જાવનને કારણે કેટલાક ગ્રીક-રોમનો અહીં આવીને વસી પણ ગયા હતા. માટે આજની ભરૃચની
વસતીના સીધા છેડા ગ્રીક-રોમનો સાથે સ્પર્શે છે એમ કહી શકાય. ભરૃચ જિલ્લા
સર્વસંગ્રહમાં નોધ્યા પ્રમાણે ભરૃચનું વણેલું કાપડ ગ્રીસ-રોમમાં ઘણુ પ્રચલીત હતું.
ત્યાંની સ્ત્રીઓ અહીંના દેહની આરપાર દેખાતા કાપડની દિવાની હતી. એ વસ્ત્રો ખરીદવા
માટે ત્યાંના વેપારીઓ સોનું લઈને ભરૃચમાં ઉતરી પડતાં હતા. એટલે એ વખતના રોમન
ઈતિસકારોએ કાપડના વેપારની ટીકા પણ કરી હતી. કેમ કે કાપડ માટે ઘણું હુુંડિયામણ
યુરોપથી ભરૃચ ઢસડાઈ આવતુ હતું.
ભરૃચ અને
બ્રહ્મદેશ (મ્યાનમાર) વચ્ચે સાગના લાકડાનો વેપાર થતો હતો. પૌરાણીક કાળથી ભરૃચનો
ઉલ્લેખ ભૃગુકચ્છ તરીકે થતો જ આવ્યો છે. ઈસવીસન ૬૪૧માં આરબોએ ભરૃચ જીતી લીધું એ પછી
તેનો યુરોપ સાથેનો વેપાર ઘટયો હતો. આરબો પાસેથી ૧૧મી સદીમાં કર્ણદેવે ભરૃચ સહિતનો
લાટ પ્રદેશ જીતી લીધો હતો. છેક સોળમી સદી સુધી ભરૃચ મહત્ત્વનું બંદર રહ્યું હતુ. એ
પછી ધીમે ધીમે ભરૃચની આભા ઘટતી ગઈ અને અંદાજે ૨૦૦ વર્ષ પહેલા ૧૮૧૫ પછી તો દરિયાઈ
વેપાર સાવ ભાંગી પડયો. ભરૃચના બદલે હવે નજીક આવેલું દહેજ બંદર વિકસાવાયુ છે, પરંતુ તેમાં ભરૃચની ભવ્યતા ક્યાંય નથી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો