ગુજરાતનો
એકમાત્ર 'ચાલતો આંબો' છેલ્લા ૭
વર્ષમાં ૨૦ ફૂટ ચાલ્યો
-
જાણો ક્યાં છે આ આંબો અને કેટલી છે તેની ઉંમર
ઇરાનમાં વિધર્મીઓના ત્રાસ સામે ધર્મનું રક્ષણ કરવું અશક્ય લાગતા ઇ.સ.
૭૮૫માં પારસીઓ દરિયાઇ માર્ગે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સંજાણ બંદરે ઉતર્યા.
એ સમયના સંજાણના રાણાને પારસીઓએ દૂધના પ્યાલામાં સાકર ભેળવી પારસી લોકોને રાજ્યમાં રહેવા દેવા
સમજાવ્યા હતા. એ કથાવાર્તા જૂની છે. નવી
વાર્તા એ છે કે, ૧૨૩૩ વર્ષ પહેલા
સંજાણ આવેલા પારસીઓએ એક આંબાનું વૃક્ષ વાવેલું અને આજે એ આંબો ૧૨૩૩ વર્ષથી ઉપર
આકાશમાં વધવાને બદલે જમીનને સમાંતર આડો વધી રહ્યો છે. જેને સંજાણ સહિત ગુજરાતમાં ''ચાલતો આંબો'' તરીકે ઓળખવામાં આવે છે.૨૦૧૧માં આ આંબાને
ગુજરાત સરકારે હેરિટેજ વૃક્ષની યાદીમાં સામેલ કર્યાને આજે ૭ વર્ષ થયા છે. આ ૭ વર્ષમાં આંબો ૨૦ ફૂટ જેટલો ચાલ્યો અને
ફુલ્યોફાલ્યો છે.
વનસંપદાની દ્રષ્ટિએ ગજુરાતના 'હેરિટેજ વૃક્ષ'ની યાદીમાં ૨૦૧૧માં સમાવિષ્ટ આ ચાલતા આંબાની વાતો રોમાંચ ભરેલી છે. આશરે ૧૨૩૩ વર્ષ પહેલા રોપાયેલા આ ચાલતા આંબાને પારસીઓ દ્વારા કોઇક ભીલ આદિવાસી ભાઇઓની જમીનમાં રોપવામાં આવ્યો હતો. બાદ આ આંબો ઉપર આકાશ તરફ વધવાની જગ્યાએ જમીનને સમાંતર અડીને વિસ્તરતો જાય છે. આંબાની ડાળીઓ ઉપર વિસ્તરવાને બદલે જમીનને સમાંતર વધવાથી ડાળીઓ જમીનને સીધી અઅડે છે અને ત્યાં નવા નવા મૂળિયાઓ ઉગતા જ સીધા જમીનમાં ખૂંપી જાય છે. જ્યાં આ મુળીયાઓ જમીનની અંદર વિકસી બહાર રોપા બનીને નવો આંબો બની ખીલી બહાર આવે છે. જોતજોતામાં જુના મૂળિયાઓ નાશ પામી ખરી પડે છે. આને કારણે આ આંબો નવા નવા મૂળીયાઓ થકી નવો નવો ઉગતો રહે જ છે અને ચાલતો રહે છે. ૭૫ ફૂટનો હાલે ઘેરાવો ધરાવતો આ ચાલતો આંબો છેલ્લા ૭ વર્ષમાં ૨૦ ફૂટ જેટલો ચાલ્યો હોવાની માહિતી સંજાણના ખેડૂત અલતાફભાઇ વલીભાઇ અચ્ચુએ આપી હતી.
આ ચાલતા આંબાની વધુ વિગત આપતા સંજાણના
અલતાફભાઇ જણાવે છે કે, ૧૨૩૩ વર્ષ પહેલા
રોપાયેલો આંબો ખસતો ખસતો અમારી
આંબાવાડીમાં આવી ઉછર્યો અને હાલે આ
આંબાનું મૂળ-થડ મારી વાડીમાં જોવા મળે છે. પરંતુ તેની નમેલી શાખાઓ- ડાળીઓ મારા
પાડોશી અહમદ સરીફભાઇ પટેલની વાડીમાં
પહોંચી ગઇ છે. મેં મારી સગી આંખે
આ આંબાને ૨૦ ફૂટથી વધુ ખસતા જોયો છે. મારા પિતાજી વલીભાઇની વાત મુજબ આંબો ૧૦ ફૂટથી વધુ ખસતો તેમણે જોયો છે.
ચાલતો આંબો પોતાના ૧૨૩૩ વર્ષની જીવનયાત્રા દરમિયાન કેટલું ચાલ્યો હશે એનો અંદાજો લગાવવો મુશ્કેલ છે. પરંતુ સંજાણમાં આવેલા
આ આંબાની વિશિષ્ટતા નામશેષ નહી થઇ જાય એ માટે કોઇપણ જમીન માલિકો આ આંબાને નુકસાન
પહોંચાડતા નથી.
દર વર્ષે અલગ દિશામાં કેરી લાગે છે
દર વર્ષે અલગ દિશામાં કેરી લાગે છે
આ આંબાની કેરી કેવી? જેનો જવાબ આપતા અલતાફભાઇ જણાવે છે કે, આ આંબાની કેરીઓ અંદરથી રેસાવાળી છે, પરંતુ તમે કેરીઓ ખાવો ત્યારે એકપણ રેસો દાંતમાં ભેરવાય નહીં. હાફૂસ કરતા પણ તદ્દન જુનો સ્વાદ આપતી આ કેરીઓ પાકે એટલે તરત જ ખાઇ જવી પડે. નહી તો બીજા દિવસે આ કેરી બગડી જાય અને ગોટલીમાંથી કાળો ડાઘ દેખાવા માડે. બીજી તમામ કેરીના રસ કરતા આ કેરીનો રસ જાડો આવે. વિશેષમાં આંબામાં બે વર્ષમાં માંડ-માંડ એકાદી ડાળ આવે અને જ્યારે પણ કેરી લાગે ત્યારે જુદી-જુદી દિશાઓમાં કેરી લાગે. દર વખતે અલગ જ દિશામાં કેરી આપે એ એની વિશેષતા છે.
વડવાઓએ રોપેલા આંબાના દર્શને પારસીઓ ચોક્કસ આવે
નવેમ્બર મહિનામાં સંજાણ દિન ઉજવવા આવતા પારસીઓ પણ પોતાના વડવાઓના હાથે રોપાયેલા
આ આંબાને સંભારણું માની આંબાને જોવા અચૂક પહોંચી જાય છે. ઉપરાંત રાજકોટ, મુંબઇ જેવા મોટા શહેરોમાંથી પણ આ લકઝરી બસો ભરીને આંબાને જોવા પ્રકૃતિ અને
પર્યાવરણ પ્રેમીઓ આવી પહોંચે છે. આંબાની ફરતે બેસવા ફોરેસ્ટ વિભાગે સાત જેટલા
સિમેન્ટના બાંકડાઓ મુકી આપ્યા છે.
આંબામાંથી ૫૦૦ કલમો બનાવી રોપી પણ
ઉગતી નથી
ફોરેસ્ટ વિભાગ દ્વારા આ આંબામાંથી ૫૦૦થી વધુ કલમો બનાવી બીજા આંબા ઉગાડવાનો
પ્રયત્ન કરાયો છે છતાં આજ દિન સુધી નિષ્ફળતા મળી છે. આરોગ્યની દ્રષ્ટિએ ગુણકારી આ ચાલતા આંબાની
ડાળીની છાલ ઘશીને નાના છોકરાઓના પેટ ઉપર લગાવો તો પેટમું દુઃખતું તાત્કાલિક મટી
જવાના કિસ્સાઓ પણ બન્યા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો