ગાંધીજીને 'મોહન'માંથી
'મહાત્મા' બનાવવામાં કસ્તુરબાનો સિંહફાળો
-આજે રાષ્ટ્રમાતા કસ્તુરબાનો ૭૪મો નિર્વાણદિન
તા. ૨૨મી ફેબુ્રઆરી, રાષ્ટ્રમાતા કસ્તુરબાનો આજે ૭૪મો નિર્વાણદિન છે. પરંતુ
કમનસીબીની વાત એ છે કે બાપુને મહાન બનાવવામાં સૌથી મહત્વનું યોગદાન આપનાર અને
ભારતની આઝાદીની લડતમાં ગાંધીબાપુ સાથે ખભેખભા મિલાવનાર રાષ્ટ્રમાતા કસ્તુરબા
ભાગ્યે જ કોઈને સાંભરે છે.
ગાંધીજીના જન્મસ્થાન કીર્તિ
મંદિરે આવતા પ્રવાસીઓમાં ૧૦ ટકા પ્રવાસીઓ પણ કસ્તુરબાના ઘરે આવતા નહીં હોવાનું
જાણવા મળ્યું છે.
ગાંધીજીને મહાત્મા બનાવવામાં
અનેક લોકોનો ફાળો હતો. જેમાં સૌથી મહત્વનો સિંહફાળો તેમના ધર્મપત્નિ કસ્તુરબાનો
હતો. કસ્તુરબાનાં જીવનનાં કેટલાક પ્રસંગો આજની મહિલાઓને પણ રાહ ચીંધે તેવા છે. ઈ.સ. ૧૮૬૯ની ૧૧મી એપ્રિલે ગોકુલદાસ કાપડીયાને ત્યાં જન્મેલા કસ્તુરબા સમૃદ્ધ પરિવારમાં
ઉછરેલા છે.
પરંતુ તેમ છતાં સાદગીભર્યુ જીવન
જીવીને ગાંધીજીએ ચીંધેલા માર્ગે ચુપચાપ સ્વેચ્છાએ ચાલેલા કસ્તુરબા વિષે ગાંધીબાપુએ
તેમની આત્મકથામાં નિખાલતાથી સ્વીકાર કરીને પોતાની ખામી રજુ કરી છે, જે
નાની-નાની બાબતમાં ઝઘડતા અને છુડાછેડા લઈ લેતા યુગલો માટે પણ પ્રેરણાદાયી છે.
ગાંધીજી તેમની
આત્મકથા 'સત્યનાં પ્રયોગો'માં જણાવે છે કે પોતે હંમેશા કસ્તુરબા ઉપર ધણીપણું
દાખવતા. પોતાની રજા વિના ક્યાંય જવું નહીં. છતાં કસ્તુરબા ક્યારેક ક્યાંક જાય
ત્યારે ઝઘડો થતો અને કસ્તુરબા પણ આદર્શ ગૃહિણીની માફક ચુપચાપ સ્વીકારી લેતા હતા.
ગાંધીજીનો પડછાયો બનીને આજીવન
સાથ નિભાવનાર કસ્તુરબો જીવનભર તેમના સૂરમાં સૂર પુરાવ્યો હતો. માત્ર ૩૭ વર્ષની વયે
જ ગાંધીજીએ બ્રહ્મચર્યનું પાલન કરવાનો આજીવન સંકલ્પ લીધો અને તેને પુરેપુરો સહકાર
કસ્તુરબાએ આપ્યો એ કેમ ભુલી શકાય? એટલું જ નહીં, પરંતુ
આઝાદીની લડતમાં પણ પૂરતો સહકાર આપ્યો હતો.
૧૯૪૨માં ગાંધીજીની મુંબઈમાં
શિવાજીપાર્કમાં ધરપકડ થઈ ત્યારે સંઘર્ષ અટકે નહીં તે માટે કસ્તુરબાએ લોકોને જાગૃત
કરવાનું કાર્ય કર્યું હતું. કસ્તુરબાને પણ જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા.
આર્થરરોડ જેલમાં રખાયા બાદ તેમની તબિયત કથળી જતાં આગાખાન પેલેસ- ઉનામાં લઈ જવાયા
હતા અને ત્યાં તા. ૨૨મી ફેબુ્રઆરી ૧૯૪૪માં તેમણે અંતિમ શ્વાસ લીધા ત્યારે ગાંધીજીએ
મજબુત સાથી ગુમાવ્યાની વેદના ઓછી ન હતી!
આમ બાપુને મહાન બનાવવામાં સૌથી
મહત્વનું યોગદાન આપનાર કસ્તુરબાનું જીવન સંઘર્ષમય હોવા છતાં તેમના યોગદાનને ભાગ્યે
જ કોઈ યાદ કરે છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો