બુધવાર, 10 જાન્યુઆરી, 2018


શહેરી માનવવસતિ વચ્ચે આવેલું ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય પ્રદૂષણની ઝપટમાં



-ગાંધી જન્મભૂમિ પોરબંદરની ગેંગવોર સિવાયની અન્ય એક વિશિષ્ટ ઓળખ

-પોરબંદરનું પક્ષી અભયારણ્ય વિદેશી પક્ષીઓનું મનપસંદ સ્થળ પરંતુ ત્યાં ગંદુ પાણી ઠલવાઇ રહ્યું છે

શહેરી માનવવસતિ વચ્ચે અસ્તિત્વ ધરાવતું હોય તેવું ગુજરાતનું એકમાત્ર પક્ષી અભયારણ્ય ગુજરાતના પોરબંદરમાં આવેલું. વિદેશી પક્ષીવિદના કારણે અભયારણ્યમાં સમાવિષ્ટ થનારી આ જગ્યા હાલ પ્રદૂષણ અને બેદરકારીના કારણે દયનીય હાલતમાં છે. 

સામાન્ય રીતે અભયારણ્યો માનવસાહતોથી ઘણાં દૂર આવેલા હોય છે અથવા ત્યાં ન્યૂનતમ માનવવસાહત હોય છે પરંતુ પોરબંદરનું પક્ષી અભયારણ્ય શહેરનાં મધ્યભાગમાં છે. ગુજરાતમાં શહેરી માનવવસતિ વચ્ચે આવેલું આ એકમાત્ર અભયારણ્ય છે. 

હાલ ત્યાંના પાણીમાં પ્રદૂષણના કારણે અહીં આવતા યાયાવર પક્ષીઓની વિવિધતામાં અને સંખ્યામાં ઘટાડો આવવાનું જોખમ ઉભું થયું છે.


મધ્ય એશિયા અને યુરોપથી આવતા પક્ષીઓ માટે પોરબંદર સુધીનો રૃટ વધુ યોગ્ય હોવાથી અહીં યાયાવર પક્ષીઓ વધુ જોવા મળે છે. પોરબંદરમાં ગોઢાણિયા કોલેજ પાછળના આશરે ૯ હેક્ટર વિસ્તારના વેટલેન્ડ પ્રકારના જળાશયને અભયારણ્યના દરજ્જો મળ્યો છે.

યુરોપ અને સાઇબિરિયાથી આવતા સેંકડો ક્રેન પોરબંદરના પક્ષી અભયારણ્ય અને આસપાસના જળાશયોમાં આશરો લે છે. સુરખાબ, પેલિકન, બસ્ટર્ડ, સારસ, કુંજ જેવા લગભગ ૩૫૦ પ્રજાતિના ત્રણ લાખથી પણ પક્ષીઓ અહીં જોવા મળે છે. પોરબંદરના વેટલેન્ડ પર પીએચડી કરી રહેલા ધવલ વારગિયા કહે છે કે શહેરની વચ્ચે આવેલો ૧૫ હેક્ટરનો વિસ્તાર વેટલેન્ડ છે.

જેમાંથી નવ હેક્ટર વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો છે. અભયારણ્ય સિવાયના વિસ્તારમાં ધોબીઘાટ છે અને નગરપાલિકા ગંદુ પાણી છોડે છ. જેના કારણે પક્ષીઓની વસાહત ઘટી રહી છે.

શહેરની નજીક આવેલા ગોસાબારા ડેમ અને અમીપુર તળાવમાં પણ સંખ્યાબંધ યાયાવર પક્ષીઓ જોવા મળે છે. અહીં આવતુ ગોલ્ડન બ્લોઅર લગભગ ૩૦૦૦ કિલોમીટર સુધી સતત ઉડી શકે છે.
જાણીતા વિદેશી પક્ષીવિદ્ પીટર જેક્સન વર્લ્ડ વાઇલ્ડલાઇફ ફન્ડના સભ્ય બન્યા તે સમયે તેઓ ભારતની મુલાકાત અવારનવાર લેતા હતા. ૧૯૮૦ના દાયકામાં પોરબંદરની મુલાકાત વખતે તેમણે શહેરની મધ્યમાં આવેલા જળ વિસ્તારમાં ફ્લેમિંગોને તદ્દન નજીકથી જોયા હતા. આ અજાયબી વિશે તેમણે તત્કાલિન વડાંપ્રધાન ઇન્દિરા ગાંઘીને જાણ કરી તે વિસ્તારને અભયારણ્ય જાહેર કરવાની માગ કરી હતી. ૧૯૮૮મા આ વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યો હતો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો