મંગળવાર, 10 ઑક્ટોબર, 2017

'વર્તણૂક આધારિત અર્થશાસ્ત્ર'માં સંશોધન બદલ રિચાર્ડ થેલરને ઇકોનોમિક્સનું નોબેલ

- પ્રોફેસર થેલર યુનિવર્સિટી ઓફ શિકાગોમાં કાર્યરત છે : ૧૧ લાખ ડૉલરનું ઈનામ દીવાળી ટાણે વિવિધ જરૃરી ચીજો એક સાથે એક જ સ્થળેથી ખરીદવી કે પછી અલગ  રીતે શોપિંગ કરવું? એ નિર્ણયનો સમાવેશ 'બિહેવિયરલ ઈકોનોમિક્સ'માં થાય છે.

વર્તણૂક આધારિત અર્થશાસ્ત્ર એટલે કે બિહેવિયરલ ઈકોનોમિક્સમાં પ્રદાન બદલ અર્થશાસ્ત્રનું નોબેલ પ્રાઈઝ પ્રોફેસર રિચાર્ડ થેલરને આપવાનું નક્કી થયું છે. પ્રોફેસર થેલર હાલ અમેરિકાની 'યુનિવર્સિટી ઓફ શિકાગો'માં કામ કરે છે. તેમને નોબેલ પ્રાઈઝ સમારોહમાં ૧૧ લાખ ડોલરનું ઈનામ એનાયત થશે. આ ઈનામ નોબેલ પ્રાઈઝ તરીકે ઓળખાય છે, પરંતુ તેની રકમ સ્વિડનની રિઝર્વ બેન્ક 'સ્વિડિશ નેશનલ બેન્ક' દ્વારા આપવામાં આવે છે. અલબત્ત, ઈનામ તો પણ નોબેલ પ્રાઈઝ તરીકે જ ઓળખાય છે અને નોબેલ પ્રાઈઝ વિતરણ સમારોહ ૧૦મી ડિસેમ્બરે યોજાય ત્યારે જ આપવામાં આવે છે.

નોબેલ સમિતિએ જણાવ્યુ હતું કે વ્યક્તિની વર્તણૂકને અર્થશાસ્ત્ર સાથે સીધો સબંધ છે. એ સબંધ સ્થાપિત કરવાનું એટલે કે માનસશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર વચ્ચે જોડાણ કરવાનું મહત્ત્વપૂર્ણ કામ પ્રોફેસર થેલરે કર્યું છે. એક વ્યક્તિનો નિર્ણય સરવાળે આખા અર્થતંત્રને અસર કરતો હોય છે. માટે વ્યક્તિના માનસનો અર્થશાસ્ત્રની દૃષ્ટિએ અભ્યાસ થઈ રહ્યો છે. અર્થશાસ્ત્રની આ શાખા 'બિહેવિયરલ ઈકોનોમિક્સ' કહેવાય છે.


પ્રોફેસર થેલરનું તેમાં ઘણુ મોટું પ્રદાન છે. ૭૨ વર્ષિય પ્રોફેસર થેલરે પોતાના સંશોધન હેઠળ 'મેન્ટલ એકાઉન્ટિંગ' નામનું મોડેલ તૈયાર કર્યો છે. આ મોડેલમાં વ્યક્તિના દિમાગના વિવિધ ખાના પાડવામાં આવ્યા છે. એ ખાના હકીકતે ખરીદી કરતી વખતે થતી ગણતરીના છે. જેમ કે એક સાથે દિવાળી પર ટીવી-ફ્રીઝ અને બીજી જરૃરી ચીજો ખરીદવી? કે પછી બધું અલગ અલગ, જૂદા જૂદા સ્થળોએથી લેવું? સરેરાશ વ્યક્તિ ખરીદી વખતે પોતાના મગજમાં આ રીતે અલગ અલગ વિભાગ પાડીને વિચાર કરતો હોય છે. થેલરે તેનો અભ્યાસ કર્યો છે, જેના આધારે કંપનીઓ વેચાણની વિવિધ યોજનાઓ બનાવામાં મદદ મળે છે. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો