Friday, 2 June 2017

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર દેશોની છ દિવસીય મુલાકાત અંતર્ગત જર્મની, સ્પેનથી રશિયા પહોંચ્યા હતા. અહીં વડાપ્રધાન મોદીએ રશિયન પ્રમુખ વ્લાદિમિર પુતિન સાથે બેઠક કરી હતી. આ દરમિયાન બંને દેશ વચ્ચે તમિલનાડુના કુદાનકુલમ પરમાણુ મથકમાં બે યુનિટ સ્થાપવા મુદ્દે કરાર થયા હતા. ભારત રશિયા વચ્ચે થયેલા જનરલ ફ્રેમવર્ક એગ્રિમેન્ટ અને યુનિટ પાંચ-છ માટેના ક્રેડિટ પ્રોટોકોલ મહત્ત્વની સિદ્ધિ ગણાય છે.

વડાપ્રધાન મોદીની રશિયન મુલાકાતની સાથે સાથે...

દિલ્હીની એક રસ્તાનું નામ રશિયન રાજદૂત એલેક્ઝાન્ડર કડાકિનના નામ પરથી અપાશે. વર્ષ ૧૯૭૨થી ૨૦૦૯ સુધી કડાકિને ભારત સ્થિત રશિયન દૂતાવાસમાં સેવા આપી હતી.

ન્યુક્લિયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતના સભ્યપદની પણ રશિયાએ મજબૂત રીતે તરફેણ કરી. બ્રિક્સ
, વિશ્વ આરોગ્ય સંસ્થા અને જી-૨૦ જેવી તમામ સંસ્થાઓમાં ભારતને તમામ સ્તરે સહકાર આપવાની ખાતરી આપી.


ભારત અને રશિયા સંયુક્ત રીતે સ્વતંત્ર ક્રેડિટ રેટિંગ ઈન્ડસ્ટ્રીની સ્થાપના કરશે. એસ એન્ડ પી, ફિચ અને મૂડી'ઝ જેવી વૈશ્વિક રેટિંગ એજન્સીઓ અમેરિકાની છે, જેમના પર ભારત, ચીન અને રશિયા જેવા દેશોને નીચું રેટિંગ આપવાનો આરોપ લાગતો રહે છે.

ભારત અને રશિયાએ એકબીજાને ઊર્જા ક્ષેત્રે સંપૂર્ણ સહકાર આપવાનો ૨૧મી સદીનો વિઝન ડોક્યુમેન્ટ જાહેર કર્યો. આ માટે બંને દેશ ન્યુક્લિયર, હાઇડ્રોકાર્બન અને રિન્યૂએબલ ઊર્જાના તમામ સ્તરે પરસ્પર કરારો કરીને આગળ વધશે.


વડાપ્રધાન મોદીએ રશિયન ઉદ્યોગપતિઓને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે રોકાણ કરવા આવકાર્યા. મોદીએ કહ્યું હતું કે, ભારત સૌથી વધુ ઉત્પાદન કરતો વિશ્વનો છઠ્ઠા નંબરનો દેશ છે. ભારતના જીડીપીમાં ઉત્પાદનનો હિસ્સો ૧૬ ટકા છે, જેને અમે ૨૫ ટકા સુધી લઈ જવા ઈચ્છીએ છીએ.

બંને દેશ લશ્કરી ક્ષેત્રે શસ્ત્રસરંજામના ઉત્પાદન તેમજ વિજ્ઞાન-ટેક્નોલોજિકલ વિકાસમાં વધુ ઊંડી વ્યૂહાત્મક ભાગીદારી કરશે. આ ઉપરાંત નિયમિત રીતે સંયુક્ત લશ્કરી કવાયત, તાલીમ અને પરેડનું આયોજન પણ કરાશે.


રશિયાએ આતંકવાદને આક્રમક સૂરમાં વખોડયો અને ભારતને આતંકવાદ સામે લડવા તમામ પ્રકારનો સહકાર આપવાની બાંહેધારી આપી. આ દરમિયાન પુતિને આતંકવાદ મુદ્દે બેવડા ધોરણો ધરાવતા દેશોને પણ આડે હાથ લીધા.

No comments:

Post a comment