શુક્રવાર, 5 મે, 2017

મોદીની પાડોશીઓને ગિફ્ટ ઇસરો સાઉથ એશિયન સેટેલાઈટ લોન્ચ કરશે, 6 દેશોના સેટેલાઈટ સામેલ

આજે ૫ મેના દિવસે શ્રીહરિકોટાના અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી સાઉથ એશિયા સેટેલાઇટ અવકાશમાં છોડાશે.

આ ઉપગ્રહને અવકાશમાં તરતો મૂકવાને પગલે દક્ષિણ એશિયાના દેશોમાં સંદેશા વ્યવહારને લાભ મળશે. સાઉથ એશિયા સેટેલાઇટ અંતરિક્ષમાં લગભગ ૧૨ વર્ષ સુધી કાર્યરત રહેશે. ભારત આ પ્રોજેક્ટ પર છેલ્લા ત્રણ વર્ષોથી કામ કરતું હતું. આ પ્રોજેક્ટ પર અત્યાર સુધીમાં ૪૫૦ કરોડ રૃપિયા ખર્ચાયા છે. આ ઉપગ્રહનું વજન ૨,૨૩૦ કિલોગ્રામ છે.

વડા પ્રધાન મોદીના કાર્યકાળ દરમ્યાન ઇસરોના અભિયાન:

સપ્ટેમ્બર ૨૦૧૪માં ભારતના મંગળ મિશને ચીનને પાછળ રાખી દીધું હતું.

એપ્રિલ ૨૦૧૬માં IRNSS પ્રણાલીનો સાતમો ઉપગ્રહ અવકાશમાં તરતો મુક્યો હતો.

૨૨ જૂન ૨૦૧૬ના દિવસે ઇસરોએ એક સાથે સૌથી વધુ ૨૦ ઉપગ્રહોને અંતરિક્ષમા તરતા મૂક્યા હતા. આ ઉપગ્રહોમાંથી ભારતના ૩ અને વિદેશના ૧૭ ઉપગ્રહો હતા.

૨૨ ડિસેમ્બર ૨૦૧૬ના દિવસે ભારતે આંધ્ર પ્રદેશના શ્રીહરિકોટા અંતરિક્ષ કેન્દ્ર પરથી પહેલી વખત સ્વદેશી અને ફરીથી ઉપયોગમાં લઇ શકાય એવા યાન RLVને પ્રક્ષેપિત કર્યું હતું. એ સાથે જ ભારત રશિયા, જાપાન, અમેરિકા અને યુરોપિયન સ્પેસ એજન્સીના એલિટ ગ્રૂપમાં સામેલ થઇ ગયો હતો.


૧૫ ફેબ્રુઆરી ૨૦૧૭ના દિવસે ૧૦૪ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂકીને ઇસરોએ ઇતિહાસ રચ્યો છે. અમેરિકા અને ઇઝરાયલ જેવા ૬ દેશોના ઉપગ્રહો અવકાશમા તરતા મુકાયા હતા.

૧૫ ફેબ્રુઆરીએ ૧૦૧ વિદેશી ઉપગ્રહોને સફળતાપૂર્વક અવકાશમાં પ્રક્ષેપિત કરવા સાથે ભારત અત્યાર સુધીમાં ૧૮૦ ઉપગ્રહોને અંતરિક્ષમાં મોકલી ચૂક્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો