શુક્રવાર, 19 જાન્યુઆરી, 2018

ICC એવોર્ડ્ઝમાં કોહલી છવાયો: વર્ષનો શ્રેષ્ઠ ક્રિકેટર અને વન ડે પ્લેયર જાહેર


- કોહલી ICCની વન ડે અને ટેસ્ટ ટીમોનો કેપ્ટન: ચહલને ટી-૨૦ના બેસ્ટ પર્ફોમન્સનો એવોર્ડ: સ્મિથ ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર: પાકિસ્તાનનો હસન અલી બેસ્ટ ઇમર્જિંગ પ્લેયર

આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા એક વર્ષમાં રનના ઢગલા ખડકનારો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી આઇસીસીએ જાહેર કરેલા વર્ષ ૨૦૧૬-૧૭ના એવોર્ડમાં છવાઈ ગયો હતો. કોહલીને વર્ષના શ્રેષ્ઠ ક્રિકેટરને એનાયત કરવામાં આવતી સર ગારફિલ્ડ ટ્રોફી (ક્રિકેટર ઓફ ધ યર એવોર્ડ) અને વન ડે ક્રિકેટર ઓફ ધ યરની ટ્રોફીના વિજેતા તરીકે જાહેર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત આઇસીસીની ટેસ્ટ અને વન ડે ટીમ ઓફ ધ યરનું સુકાન કોહલીને જ સોંપવામાં આવ્યું હતુ, જે ભારતીય ક્રિકેટ માટે અને કેપ્ટન કોહલી માટે વિશેષ ગૌરવરૃપ બની રહ્યું હતુ. નોંધપાત્ર છે કે, કોહલી વર્ષ ૨૦૧૨માં પણ વન ડે પ્લેયર ઓફ ધ યર જાહેર થયો હતો. કોહલી ઉપરાંત ભારતના યઝવેન્દ્ર ચહલને બેસ્ટ ટી-૨૦ પર્ફોમન્સ ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવશે.  જ્યારે આઇસીસી ટેસ્ટ ટીમ ઓફ ધ યરમાં કેપ્ટન તરીકે કોહલીની સાથે ભારતના આધારભૂત મીડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા અને  સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર અશ્વિનને સ્થાન આપવામાં આવ્યું હતુ. જ્યારે વન ડે ટીમમાં પણ કેપ્ટન કોહલી ઉપરાંત મુંબઈના ઈનફોર્મ બેટ્સમેન રોહિત શર્મા અને ગુજરાતના મીડિયમ પેસર જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો હતો.  આઇસીસીએ ૨૧મી સપ્ટેમ્બર, ૨૦૧૬ થી લઈને ૩૧ ડિસેમ્બર, ૨૦૧૭ સુધીના રેકોર્ડને ધ્યાનમાં રાખીને આ એવોર્ડ્ઝની જાહેરાત કરી હતી. જેમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન સ્ટીવ સ્મિથને ટેસ્ટ પ્લેયર ઓફ ધ યર જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે પાકિસ્તાનનો હસન અલી ઈમર્જિંગ પ્લેયર ઓફ ધ યર અને અફઘાનિસ્તાનનો રશિદ ખાન એસોસિએટ્ ક્રિકેટર ઓફ ધ યર બન્યો હતો. સાઉથ આફ્રિકાના મારાઈસ ઇરાસ્મુસને બેસ્ટ અમ્પાયર જાહેર કરવામાં આવ્યા હતા.


ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018

પ્રાંતિજના વદરાડના ફાર્મની ભારત, ઇઝરાયલના વડાપ્રધાનોએ મુલાકાત લીધી



-ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા

-કૃષિકાંતિ માટે આહ્વાહન કરાયું, ખેડૂતો સાથે બંને વડાપ્રધાનોએ સંવાદ કર્યો

ઇઝરાયલના વડાપ્રધાનની ભારત મુલાકાત અંતર્ગત ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે ઇન્ડો-ઇઝરાઇલ ફાર્મની મુલાકાત લીધી હતી. કૃષિ ટેકનોલોજી મામલે બંને વડાપ્રધાનોએ ખેડૂતો સાથે વિસ્તારપૂર્વક સંવાદ પણ કર્યો હતો. વડાપ્રધાનોને જોવાતેમને સાંભળવા અને આવકારવા મોટી સંખ્યામાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ ખાતેની ભારત-ઇઝરાયલના વડાપ્રધાનની મુલાકાત યાદગાર બની રહી હતી. વર્ષ ૨૦૨૨માં આઝાદીના ૭૫માં વર્ષે ખેડૂતોની આવક બમણી કરવાના રાષ્ટ્રના સંકલ્પને સિદ્ધી સુધી પહોંચાડવામાં ઇઝરાયલની કૃષિ ટેકનોલોજી સહાયરૃપ બની રહેશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

ઓછા પાણીના વપરાશમાં ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનકૃષિ વેસ્ટ મેનેજમેન્ટમાં વૈજ્ઞાાનિક અભિગમ સાથે આધુનિક કૃષિ માટે આગળ વધવાનું પણ તેઓએ આહ્વાહન કર્યું હતું . કચ્છના કુકમા ખાતે ખારેક પાકના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પ્લગ નર્સરીની પણ મુલાકાત લીધી હતી


ચેન્નાઇના દરિયા કિનારે ભારત અને જાપાનના કોસ્ટ ગાર્ડેની સંયુક્ત નૌકા કવાયત
- ભારતીય કોસ્ટ ગાર્ડના નવ જહાજ અને આઠ વિમાનોએ દ્વીવાર્ષિક કવાયતમાં ભાગ લીધો
૧૭ દેશોના નિરિક્ષકો, જાપાન કોસ્ટ ગાર્ડનું પ્રતિનીધી મંડળ અને નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડના સભ્યો હાજર રહ્યા


ભારતીય કોસ્ટ ગાર્ડ અને તેના જાપાની સમકક્ષના જહાજો અને વિમાનો એ ચેન્નાઇના દરિયા કિનારે યોજાયેલી સંયુક્ત નૌકા કવાયતમાં ભાગ લીધો હતો.દ્વી વાર્ષિક સર્ચ એન્ડ રેસ્ક્યુ એકસરસાઇઝ ૨૦૧૮માં ભારતીય કોસ્ટ ગાર્ડના નવ જહાજ અને વિમાનો તેમજ જાપાની કોસ્ટ ગાર્ડના જહાજ 'સુગુરૃ' અને હેલો (જહાજના ડેક પરના હેલિપેડ) સાથે ભાગ લીધો હતો.

બંગાળના આખાતમાં યોજાયેલી કવાયતમાં ભારતીય કોસ્ટ ગાર્ડના આઇસીજી સારંગ, શૌર્ય, વૈભવ, અનંઘ,રાની અબ્બાકા, અભીક. સી-૪૩૧. સી-૪૩૨ અને ત્રણ ડોનિયેર તેમજ ચેતક હેલીકોપ્ટરે ભાગ લીધો હતો.

કવાયત જોવા માટે આઇસીજીના ડાયરેકટર જનરલ રાજેન્દ્ર સિંહ અને જાપાનના સીજી કમાન્ડન્ટ એડમિરલ સાતોશી નકાજિના આવ્યા હતા. કવાયતનું નિરિક્ષણ કોસ્ટ ગાર્ડ ઇસ્ટર્ન રીજન, કમાન્ડર અને ઇન્સપેકટર જનરલ રાજન બરગોત્રાએ  કર્યું હતું. કવાયતને જોવા માટે ૧૭ દેશોના નિરિક્ષકો, જાપાન કોસ્ટ ગાર્ડનું પ્રતિનીધી મંડળ અને નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડૃના સભ્યો પણ હાજર રહ્યા હતા. કવાયતમાં ક્રુઝના અપહરણ અને બન્ને દેશોના દળો મુસાફરોની બચાવ કામગીરી સહિતના અનેરા દ્રશ્યો સર્જાયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર જાપાની જહાજ પર અને જાપાની કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ભારતીય જહાજ પર ઉતર્યું હતું. કવાયતમાં ક્રોસ બોર્ડીંગ તેમજ આગની ઘટનામાં કેવી રીતે કામ કરવું તે પણ દર્શાવવામાં આવ્યું હતું. કવાયતના અંતે વિમાનની નજીકની વિમાનને ઉડાડવા અને જહાજ પાસેથી જહાજને પાસ કરવાની કવાયત પણ કરવામાં આવી હતી. કવાયતમાં ૧૯૯૯માં બનેલી એક ઘટનાને પણ દર્શાવવામાં આવી હતી જેમાં જાપાની ફલેગશિપ એમવી એલોન્દ્રા રેનબોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ઓડિશા સરકારે મુખ્યમંત્રી કલાકાર સહાય યોજના શરૂ કરી


Odisha CM - Naveen Patnaik

રાજ્યના સાહિત્ય અને સાંસ્કૃતિક કલાકારોને નાણાકીય સહાય પૂરી પાડવા માટે ઓડિાની સરકારે મુખ્યમંત્રિ કલાકાર સહાય યોજના (MMKSY- Mukshyamantri Kalakar Sahayata Yojana) શરૂ કરી છે. તે ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયક દ્વારા શરૂ કરવામાં આવી હતી.

વિશેષતા

આ યોજના મુખ્યત્વે રાજ્યના સાહિત્ય અને સાંસ્કૃતિક કલાકારોના કલ્યાણ માટે છે. તે રૂ. માસિક નાણાકીય સહાય પૂરી પાડશે.રાજ્ય સરકારે પાત્રતાના માપદંડમાં ઉંમર ઘટાડી દીધી છે, જેની હેઠળ ફક્ત 4000 કલાકારોને દર મહિને 1000 રૂપિયા આપવામાં આવ્યા છે.

આ યોજના તમામ જિલ્લાઓના કલાકારોની ઓળખને સરળ બનાવશે. આ સમગ્ર રાજ્યમાં આશરે 50000 કલાકારોને ફાયદો થશે. નવા પાત્રતાના માપદંડ અનુસાર, પુરુષ કલાકાર 50 વર્ષની ઉંમર (તે પહેલાં 60 વર્ષની હતી) અને 40 વર્ષથી ઓછી વયના મહિલા કલાકારને તે મેળવી શકે છે (અગાઉ તે 50 વર્ષ હતું) પછી સહાય મેળવી શકે છે.

 



વડાપ્રધાને બાડમેર ખાતે રાજસ્થાનની પ્રથમ ઓઇલ રિફાઇનરીનું ઉદ્ઘાટન કર્યું



વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના બાડમેર જીલ્લામાં ઓઇલ રિફાઇનરીના પ્રકલ્પની શરૂઆતમાં એચપીસીએલ રાજસ્થાન રિફાઇનરી લિમિટેડ (HPCL Rajasthan Refinery Ltd -HRRL) નું ઉદઘાટન કર્યું. તે રાજસ્થાનમાં સૌપ્રથમ ઓઇલ રિફાઇનરીની સ્થાપના છે.


આ પ્રોજેક્ટ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL) અને રાજસ્થાન સરકાર વચ્ચે સંયુક્ત સાહસ તરીકે હાથ ધરવામાં આવે છે. એચપીસીએલ પાસે આ પ્રોજેક્ટમાં 74 ટકા હિસ્સો છે, જ્યારે રાજ્ય સરકારનો હિસ્સો 26 ટકા છે.

બુધવાર, 17 જાન્યુઆરી, 2018

ઈઝરાયેલના વડાપ્રધાને દરિયાઈ પાણીને મીઠું બનાવતી કાર ભેટ આપી



- આ બોટ બનાસકાંઠાના નડાબેટ ખાતે રાખવામાં આવશે

- સરહદે જવાનોને પહોંચાડાશે ખાસ મીઠુ પાણી

ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ ભારતના છ દિવસીય પ્રવાસે છે ત્યારે તેમણે ભારતને દરિયાના ખારા પાણીમાંથી મીઠુ પાણી બનાવતી કાર ભેટ આપી છે.

ઇઝરાયેલની 'પાણીદાર' ભેટ સમી દરિયાઈ પાણીને મીઠું બનાવતી કારથી સરહદે જવાનોને પીવા માટે મીઠું પાણી પહોંચાડવામાં આવશે. આ કાર બનાસકાંઠાના નડાબેટમાં રાખવામાં આવશે. આ માટે ખાસ ઈઝરાયેલથી એન્જિનિયર્સની ટીમ આવી છે.



ભલે પધાર્યા:ઈઝરાયેલના વડાપ્રધાન સાથે ભારતના વડાપ્રધાનનો આજે રોડ શો


-સાબરકાંઠાના વદરાડમાં વેજીટેબલ કેન્દ્રમાં પણ જશે

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ આવતીકાલે એક દિવસની ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ દિલ્હીથી અમદાવાદ તેમની સાથે આવશે. બન્ને વડાપ્રધાનોનું એરપોર્ટથી લઇને ગાંધી આશ્રમ સુધીનાં યોજાનારા રોડ શોમાં ભવ્ય સ્વાગત કરવામાં આવશે.

બન્ને નેતાઓ ખુલ્લી જીપમાં જશે. તેમજ રસ્તા પર ઊભેલા લોકોનું અભિવાદન કરશે. બન્ને મહાનુભાવોનો ભવ્ય રોડ શો યોજાય તે માટેની તમામ તૈયારીઓ વહીવટી તંત્રએ પૂરી કરી લીધી છે. નવ કીલોમીટરનાં લાંબા રૃટ પર રોડની બન્ને બાજુએ ૫૦ જેટલા સ્ટેજો ઊભા કરાયા છે. જેમાં ભાતીગળ વસ્ત્રોમાં જૂદા જૂદા રાજ્યોના લોકો લોકનૃત્ય - સંગીત પીરસશે. રોડની બન્ને બાજુ લોકો ઊભા રહીને રોડ શોને નિહાળી શકશે.

વડાપ્રધાનોનો કાફલો આશ્રમ રોડ પરનાં ગાંધી આશ્રમે પહોંચ્યા બાદ ત્યાં લગભગ ૨૦ મિનિટનનું રોકાણ કરશે. બન્ને નેતાઓ હૃદયકુંજની મુલાકાત લઇને રેંટીયો પણ કાંતશે. ત્યાર બાદ એરપોર્ટ પરત ફરશે. એરપોર્ટથી હેલિકોપ્ટર દ્વારા બાવળા ખાતેના આઈ-ક્રીએટ સેન્ટર ખાતે બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે પહોંચશે.

આ સંસ્થાના ત્રણ બિલ્ડિંગનું ઉદઘાટન કરીને ઉપસ્થિત યુવાનો - સાહસિકોને સંબોધન પણ કરશે. સ્ટાર્ટ અપ પોલીસી હેઠળ જૂદા જૂદા ૪૦થી વધુ પ્રોજેક્ટસનાં સ્ટોલની તેઓ મુલાકાત પણ લેશે. અંતે ગુજરાતનાં ટોચનાં ઉદ્યોગપતિઓ સાથે બપોરનું ભોજન કરશે. અત્રે નોંધનીય છે કે, મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ આઈ-ક્રીએટ સંસ્થાની સ્થાપના કરી હતી.

આ કાર્યક્રમ પતાવ્યા બાદ હેલીકોપ્ટર દ્વારા જ બન્ને વડાપ્રધાનો સાબરકાંઠાના વદરાડ ખાતેના સેન્ટર ઓફ એક્સેલન્સ વેજીટેબલ ખાતેની મુલાકાત માટે નીકળી જશે. આ કેન્દ્ર બન્ને દેશના કૃષિ ક્ષેત્રનાં પરસ્પર સહયોગનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી રહ્યું છે.


નેશનલ હોર્ટીકલ્ચર મિશન અને બાગાયત ખાતા દ્વારા રૃા. ૧૨ કરોડનાં ખર્ચે બનેલા રાજ્યનાં આ સૌ પ્રથમ સેન્ટર ઓફ એક્સલેન્સ વેજીટેબલ ૨૦૦ ચોરસમીટર વિસ્તારમાં પથરાયેલું છે. આ કેન્દ્રમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ૫૦ લાખ ધરૃનું નિદર્શન કરાય છે. જે ધરુ પ્રતિકૂળ વાતાવરણમાં ટકીને કિટકો - જંતુ સામે પ્રતિરોધક શક્તિ પણ ધરાવે છે. ભવિષ્યમાં અહીં મધમાખી ઉછેર અને સેન્દ્રીય પાકોનું નિદર્શન કરાશે. અત્રે નોંધનીય છે કે ગુજરાતનું આ એક માત્ર સેન્ટર છે જ્યાં એક જ સ્થળ ઉપર આશરે ૨ હેકટર વિસ્તારમાં જૂદા જૂદા પ્રકારનાં ૨૦ જેટલા રક્ષિત ખેતીનાં સ્ટ્રકચર આવેલા છે. બન્ને વડાપ્રધાનો સેન્ટર ખાતે કાયમી સ્મૃતિરૃપ એવા સ્તંભને ખુલ્લો મૂકશે. આ પ્રસંગે તેઓ પ્રગતિશીલ ખેડૂતો સાથે સંવાદ પણ કરશે.