મંગળવાર, 9 એપ્રિલ, 2019

રણમાં રસ્તો કાપતા મતદાતા

 
આઝાદી બાદની ચૂંટણીઓમાં આજે છે તેટલા મતદાન મથકોની સુવિધા ન હતી. એખ મતદાન મથકમાં મોટો વિસતાર આવરી લેવામાં આવતો હતો. ખાસ કરીને રાજસ્થાનના રણ વિસ્તારોમાં આવુ વધારે હતું. રાજસ્થાનમાં એ સમયે છુટા છવાયા નાના નાના ગામડાઓ આવેલા હતા. જેમાં ૩૦થી ૪૦ લોકો રહેતા હોય. આ બધા લોકો માટે નજીકના કોઇ મોટા વિસ્તારમાં મતદાન મથક રખાતું. જ્યાં આસપાસના આવા નાના ગાડાઓના લોકો આવીને મત આપતા. તે સમયે પરિવહનની ખાસ કંઇ સુવિધા પણ નહોતી. માટે આવા વિસ્તારમાં લોકો ચાલીને અથવા તો ઉંટ પર મતદાન મથક પર પહોંચતા. આ ફોટોમાં આવી રીતે જ રણમાં રસ્તો કાપતા મતદારોનો છે.

૧૩૩ બેઠક, મુદ્દો એક  ફોરેસ્ટ રાઈટ એક્ટ 

આજની તારીખે દેશની ૫૧૭માંથી ૧૩૩ બેઠક એવી છે
, જ્યાં આદિવાસી મતદાતાઓ મોટી સંખ્યામાં છે. 
સામાન્ય રીતે બધી સરકારની નીતિ એવી રહેતી હોય છે કે જંગલની જમીનો ઉદ્યોગપતિઓને આપી દેવી અથવા તો વિકાસનું કારણ આગળ ધરીને જંગલના મૂળ રહેવાસીઓને ત્યાંથી તડીપાર કરી દેવા. ગીરમાં રહેતા નેસવાસીઓ હોય કે પછી ઓડિશામાં રહેતા આદિવાસીઓ હોય.. સરકારનું વલણ આ બધા વનવાસીઓ પ્રત્યે ઓરમાયું રહ્યું છે. 

એ માટે ૨૦૦૬માં કાયદો પસાર થયો હતો, 'ફોરેસ્ટ રાઈટ એક્ટ (એફઆરએ), ૨૦૦૬'. આ કાયદાનો અમલ બધા રાજ્યોએ કરવાનો છે, પણ થઈ નથી રહ્યો. કાયદામાં કેટલીક ગરબડ છે, એટલે જો અમલ બરાબર ન કરવામાં આવે તો વનવાસીઓએ જંગલની બહાર નીકળી જવું પડે. ટૂૂંકમાં અત્યારે સ્થિતિ એવી છે કે આદિવાસીએ અને પર્યાવરણની તરફેણમાં હોવા છતાં સરકારની ગરબડને કારણે આ કાયદો વનવાસીઓને પસંદ નથી. વળી કાયદો બનાવતી વખતે વનવાસીઓનો મત પણ લેવાયો નથી.
બીજી તરફ સુપ્રીમ કોર્ટે કાયદો લાગુ કરવાનો આદેશ આપ્યો હતો. આજની તારીખે દેશની ૫૧૭માંથી ૧૩૩ બેઠક એવી છે, જ્યાં આદિવાસી મતદાતાઓ મોટી સંખ્યામાં છે. બીજી ૧૨૪ બેઠક એવી છે, જ્યાં આદિવાસી મતોની સંખ્યા ૧૦ ટકાથી વધારે છે. જે બેઠક પર આ કાયદો લાગુ થવા જશે ત્યાં મતદાતાઓ નારાજ થશે એ નક્કી વાત છે.

કમ્યુનિટી ફોરેસ્ટ રિસોર્સ લર્નિંગ એન્ડ એડવોકસી નામના સંગઠને સર્વે કર્યો તો ખબર પડી કે જે સરકારે કાયદાનો બળજબરી પૂર્વક અમલ કરવાનો પ્રયાસ કર્યો છે, ત્યાં બેઠકોમાં નુકસાન થયું છે. જેમ કે થોડા વખત પહેલા રાજસ્થાન-મધ્યપ્રદેશની વિધાનસભા ચૂંટણી હતી. એ બન્ને ચૂંટણીમાં કોંગ્રેસે મેનિફેસ્ટોમાં એફઆરએ લાગુ કરવા અંગે ખાસ મુદ્દા લખ્યા ન હતા.

એટલે કે આદિવાસીઓની ચિંતા વધારી ન હતી. પરિણામ એ આવ્યું કે કોંગ્રેસની બેઠકો વધી, સરકાર પણ બની. ભલે એકલા આ મુદ્દે સરકાર ન બની હોય, પરંતુ આ મુદ્દો સરકાર સર્જનમાં મહત્ત્વનો રહ્યો હોવાનું સર્વેમાં બહાર આવ્યું છે. 
એફઆરએ જ્યાં સીધો અસર કરે એમ છે એવી ૧૩૩ બેઠકમાંથી ૨૦૧૪માં ભાજપને ૭૯ બેઠક મળી હતી, કોંગ્રેસને પાંચ મળી હતી. પરંતુ કોંગ્રેસનો બીજો ક્રમ રહ્યો હોય એવી બેઠક સંખ્યા ૮૩ હતી. વળી એ ચૂંટણી વખતે આ કાયદો લાગુ કરવા માટે સરકાર સક્રિય ન હતી. આ વખતે અમુક વિસ્તારોમાં સખ્તાઈપૂર્વક અમલ શરૂ થઈ ચૂક્યો છે. તેનું પરિણામ શું આવે એ તો ચૂંટણી પરિણામ વખતે જ ખબર પડશે.


ગ્રીન બોનસ નહીં આપનારી સરકારને રેડ સિગ્નલ?

ગુજરાત અને હિમાચલ પ્રદેશની પર્યાવરણ નીતિ એક સરખી હોય તો ન ચાલે કેમ કે ગુજરાત મેદાની રાજ્ય છે, હિમાચલ પહાડી છે. આ મુદ્દા ધ્યાનમાં રાખીને પહાડી રાજ્યો માટે અલગ પર્યાવરણિય નીતિ ઘડાઈ છે. એકાદ દાયકા પહેલા નક્કી થયું કે પહાડી રાજ્યોને કેન્દ્ર સરકાર પર્યાવરણ સંરક્ષણ માટે વિશેષ ફંડ આપે, ફંડનું નામ રાખ્યું ગ્રીન બોનસ. એ ફંડનો ઉપયોગ વન્ય-પર્યાવરણ સંરક્ષણ માટે કરવાનો હતો. ૨૦૦૯માં નક્કી થયું ત્યારે હિમાલયના રાજ્યો જમ્મુ-કાશ્મીરથી સિક્કીમ સુધીને અમુક હજાર કરોડ દર વર્ષે આપવાની વાત નક્કી થઈ હતી.
સરકારી યોજના આગળ ચાલી, થોડા વર્ષો પછી અમલ કરવાનું નક્કી થયું. અમલીકરણ થાય ત્યાં જ ૨૦૧૪માં કેન્દ્ર સરકાર બદલી ગઈ. એ વખતે ઉતરાખંડમાં કોંગ્રેસની સરકાર હતી. ઉતરાખંડને ગ્રીન બોનસ માટે ૧૨૦૦ કરોડ દર્ષે આપવાનું નક્કી થયું હતુ. એમાંથી ૬૫ કરોડનો હપ્તો તો મળી પણ ગયો હતો.

આ રકમની ફાળવણી આયોજન પંચે કરવાની હતી. નવી સરકારે આયોજન પંચને બદલીને નીતિ આયોગ કરી નાખ્યું હતુ. નીતિ આયોગે આ રકમ આપવાની કોઈ વાત ન કરી. એ વાતને પણ પાંચ વર્ષ વીતી ગયા. હવે ચૂંટણી આવી એટલે પહાડી રાજ્યોમાં ફરીથી ગ્રીન બોનસનો ગણગણાટ સંભળાઈ રહ્યો છે.
ગ્રીન બોનસની અપેક્ષા રાખવી અઘરી છે, કેમ કે ઘણા ખરા રાષ્ટ્રીય નેતાઓ હરીફોને ગાળો દેવા સિવાય કોઈ મુદ્દાની વાત નથી કરતા. એટલે ચૂંટણી વખતે પર્યાવરણ કે પછી ગ્રીન બોનસ અંગે કોઈ સ્ટેજ ઉપરથી કંઈ કહે એ અપેક્ષા રાખવી વધારે પડતી છે. બીજી તરફ આલિશાન હોટેલમાં પર્યાવરણ સંમેલનો યોજતા પર્યાવરણપ્રેમીઓ પણ આ અંગે મૌન છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો