Monday, 1 January 2018

વિશ્વનાથન આનંદે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો

- આનંદે બે દિવસ અગાઉ જ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયનશીપ જીતી હતી

- બ્લિટ્ઝમાં કાર્લસનને ગોલ્ડ, કાર્જાકિનને સિલ્વર આનંદે ૨૧ માંથી ૯ બાજી જીતી, ૧ હાર્યો, ૧૧ ડ્રો

બે દિવસ અગાઉ જ વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન બનીને ઈતિહાસ રચનારા ભારતના લેજન્ડરી ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદે વર્લ્ડ બ્લિટ્ઝ ચેસ ચેમ્પિયનશીપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે વર્લ્ડ નંબર વનનું સ્થાન ધરાવતા નોર્વેના યુવા સ્ટાર મેગ્નસ કાર્લસને પોતાની શ્રેષ્ઠતા સાબિત કરતાં ચેમ્પિયનશીપ મેળવી હતી.


રેપિડ ચેસના કિંગ તરીકે ફરી વિશ્વમાં પ્રસ્થાપિત થઈ ચૂકેલા ૪૮ વર્ષીય ભારતીય ગ્રાન્ડ માસ્ટર વિશ્વનાથન આનંદે પાંચ વખત વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી છે. આ ઉપરાંત તે ૨૦૦૩ અને ૨૦૧૭માં વર્લ્ડ રેપિડ ચેસ ચેમ્પિયન પણ બની ચૂક્યો છે. બ્લિટ્ઝ વર્લ્ડ ચેમ્પિયનશીપમાં આનંદની શરૃઆત સારી રહી નહતી અને તેને પહેલા જ દિવસે રશિયાના ઈયાન નેપોમનિયાચ્ચી સામે હારનો સામનો કરવો પડયો હતો.