ગુરુવાર, 12 ઑક્ટોબર, 2017

ગુજરાતમાં દરિયાની વચ્ચે 40 મતદાતા માટે પોલીંગ બુથ બનાવાશે

- બાણેજ ગીરના મહંત ભરતદાસ દર્શનદાસ માટે પણ બનાવાય છે મતદાન બુથ

- અરબી સમુદ્રની વચ્ચોવચ દેવભૂમિ દ્વારકાથી થોડે દૂર છે અજાડ ટાપુ

અરબી સમુદ્રની વચ્ચોવચ દેવભૂમિ દ્વારકાથી થોડે દૂર આવેલા અજાડ ટાપુ પર 40 મતદાતાઓ માટે ઈલેક્શન કમિશન ઑફ ઈન્ડિયા (ECI) દ્વારા ખાસ પોલ બુથ બનાવવામાં આવશે. 

આ પોલબુથમાં એક ટેમ્પરરી ટેન્ટ મૂકવામાં આવશે અને બેટરીથી ચાલતુ EVM મશીન મૂકવામાં આવશે. 139 હેક્ટરનો આ ટાપુ ખંભાળિયા બેઠકના નાના આસોટા ગામથી 8 કિલોમીટર દૂર આવેલુ છે.

મતવિસ્તારમાં ચાર અધિકારીઓ, ત્રણ સિક્યોરીટી અને એક ટેમ્પરરી પોલીસ ચોકી હશે. આ બધી જ વ્યવસ્થા માત્ર 40 મતદાતાઓ માટે ઊભી કરવામાં આવશે જે ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં પહેલવહેલી વાર વોટ આપવા જઈ રહ્યા છે. 2013માં આ ટાપુ બન્યા બાદ તે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં શામેલ કરવામાં આવ્યો હતો. આ ટાપુ પર ન તો વીજળી છે, ન તો પ્રાથમિક આરોગ્યની સુવિધા. અજાડ ટાપુ પર સ્કૂલ કે પોલીસ સ્ટેશનની વ્યવસ્થા પણ નથી. ત્યાંના સ્થાનિક રહેવાસીઓને આશા છે કે અહીં ઈલેક્શન બૂથ બન્યા બાદ સ્કૂલ અને આરોગ્ય કેન્દ્ર બને તેવી આશા તે સેવી રહ્યા છે.

ECIના નિયમ મુજબ દરેક વોટરની 2 કિલોમીટરની અંદરના વિસ્તારમાં વોટિંગ બૂથ હોવુ જોઈએ. આથી અજાડ ટાપુના 19 સ્ત્રી તથા 21 પુરૂષ મતદાતાઓ માટે ખાસ બૂથ બનાવવામાં આવશે. ચૂંટણીના દિવસ પૂર્વે અધિકારીઓ મશીન અને બીજા સાધનો હોડી મારફતે ટાપુ પર શિફ્ટ કરશે. આ બૂથ આખો દિવસ ચાલુ રહેશે.


છેલ્લી વસ્તી ગણતરી મુજબ આ ટાપુ પર 89 લોકો રહે છે જેમાંથી 45 પુરૂષો અને 44 સ્ત્રીઓ છે. આ ટાપુ પર માત્ર 13 જ ઘર છે. સરકારી માળખાગત સુવિધાઓના અભાવે અહીં રહેતા લોકોની સંખ્યા ઘટી રહી છે અને તે ભૂતિયા ટાપુમાં પરિવર્તિત થઈ રહ્યું છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો