મંગળવાર, 25 ડિસેમ્બર, 2018


દુનિયાની સૌથી મોટી તોપ

 

ભારતીય મહારાજાઓનો ઈતિહાસ, તેમનો વારસો અને તેમની જાહોજલાલી રસપ્રદ છે. તેમના અસ્ત્ર શસ્ત્ર પણ ખાસ હતા. આજે પણ મહેલોમાં રાજા મહારાજાઓના શસ્ત્ર જેવા કે તીર, ભાલા, બંદૂક અને તોપ જોઈ શકાય છે. હવે વાત તોપની નીકળી જ છે તો આજે જાણો દુનિયાની સૌથી મોટી તોપ વિશેની રસપ્રદ જાણકારી. આ તોપ વિશે તમે કદાચ સાંભળ્યું પણ નહીં હોય. આ તોપ એશિયાની સૌથી મોટી તોપ છે અને તે જયપુરમાં જયગઢ કિલ્લા પર રાખવામાં આવી છે. આ તોપ જયબાણ નામથી પ્રખ્યાત છે. 
આ તોપ વિશેની રસપ્રદ વાત એ છે કે તેમાંથી ફેંકવામાં આવેલા ગોળાથી શહેરથી 35 કિલોમીટર દૂર એક ગામમાં તળાવ બની ગયું હતું. આજે પણ તોપના કારણે બનેલું તળાવ અસ્તિત્વમાં છે અને લોકો તેના પાણીથી પોતાની જરૂરીયાત પૂરી કરે છે. 
ઈતિહાસકારો અનુસાર જયગઢ કિલ્લાનું નિર્માણ 1726માં થયું હતું. વિશ્વની સૌથી મોટી તોપ જયગઢ કિલ્લાના દરવાજા પર રાખવામાં આવી છે. તેનું કુલ વજન 50 ટન છે. જયબાણ તોપની કુલ લંબાઈ 31 ફૂટ અને 3 ઈંચ છે. 35 કિલોમીટર સુધી વાર કરી શકતી આ તોપમાં એકવાર ફાયર કરવા માટે 100 કિલો ગન પાવડરની જરૂર પડતી. જયબાણ તોપનું જ્યારે પહેલીવાર ટેસ્ટ ફાયરિંગ કરવામાં આવ્યું ત્યારે 35 કિમી દૂર ચાકસૂ નામના ગામમાં ગોળો પડ્યો અને તે જગ્યાએ તળાવ બની ગયું.
આ તોપનો ગોળો બનાવવાના ઉપકરણ પણ ખાસ છે. જયબાણ તોપમાં 8 મીટર લાંબી બેરલ રાખવાની સુવિધા છે. આ તોપ વિશ્વભરમાં પ્રસિદ્ધ તોપ છે. આ કિલ્લામાં તોપને લગતી જાણકારી અંકિત કરવામાં આવી છે. વધારે વજનના કારણે આ તોપને ક્યારેય બહાર લઈ જવામાં નથી આવી અને તેનો ઉપયોગ ક્યારેય યુદ્ધમાં પણ કરવામાં આવ્યો નથી.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો