મંગળવાર, 4 ડિસેમ્બર, 2018

ભારતીય ઓપનર ગૌતમ ગંભીરે ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી



ભારતને ૨૦૦૭ના ટી-૨૦ અને ૨૦૧૧ના વન ડે વર્લ્ડ કપમાં વિજય અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવનારા દિલ્હીના ઓપનર ગૌતમ ગંભીરે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી દીધી છે. ૩૭ વર્ષના ગંભીરે ૧૫ વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતનું પ્રતિનિધિત્વ કર્યું હતુ. દિલ્હીના ડેશિંગ ઓપનરે તેની નિવૃત્તિની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. 

આઇપીએલમાં કોલકાતા નાઈટ રાઈડર્સ તરફથી શાનદાર સફળતા મેળવનારો ડાબોડી ઓપનર આઇપીએલની છેલ્લી સિઝન દિલ્હી ડેર ડેવિલ્સ તરફથી રમ્યો હતો. જોકે આ વખતે તેને ફ્રેન્ચાઈઝીએ રિલીઝ કરી દીધો હતો. જેના કારણે હવે તેની આઈપીએલની કારકિર્દી પર પણ પૂર્ણવિરામ મૂકાઈ ચૂક્યું છે. હવે તે દિલ્હી અને આંધ્ર વચ્ચે ૬ ડિસેમ્બરથી શરૃ થઈ રહેલી રણજી મેચમાં આખરી વખત રમવા માટે મેદાન પર ઉતરશે. 


ગંભીરની કારકિર્દીના મેજર માઈલસ્ટોન
૨૦૦૭ : ૨૯/૯ જોહનીસબર્ગમાં રમાયેલી ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં ૭૫ રન ફટકાર્યા અને ભારતની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી. ગંભીરનો સ્કોર મેચનો હાઈએસ્ટ સ્કોર હતો.
૨૦૦૭ : ૨૩/૧૧ ના રોજ ટી-૨૦માં વર્લ્ડ નંબર વન બેટ્સમેન બન્યો.
૨૦૦૯ : ૧૬/૭ના રોજ ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન બેટ્સમેનનો તાજ મેળવ્યો.
૨૦૧૧ : ૨/૪ના રોજ રમાયેલી આઇસીસી વન ડે ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલમાં શ્રીલંકા સામે મુંબઈમાં ૯૭ રન ફટકાર્યા. તે મેચમાં ભારતીય ઈનિંગનો સર્વોચ્ચ સ્કોર. 
૨૦૧૨ : ૨૭/૫ના રોજ રમાયેલી આઇપીએલ-૫માં ગંભીરની કેપ્ટન્સીમાં કોલકાતા ચેમ્પિયન.
૨૦૧૪ : ૧/૬ના રોજ રમાયેલી આઇપીએલ-૭માં ગંભીરની કેપ્ટન્સીમાં ફરી કોલકાતા ચેમ્પિયન


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો