શુક્રવાર, 20 જુલાઈ, 2018

ભારતીય મૂળની પૂજા જોશીની નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક

NASA's Johnson Space Center named six new Mission Control flight directors in July 2018. Pictured L-R) are Marcos Flores, Allison Bolinger, Adi Boulos, Rebecca Wingfield, Pooja Jesrani, and Paul Konyha. Photo: NASA/Robert Markowitz / Robert Markowitz / NASA - Johnson Space Center

- સ્પેસ મિશન વખતે ડિરેક્ટરે કન્ટ્રોલ મથકમાં રહીને સ્થિતિ સંભાળવાની હોય છે

- પૂજા જોશી જેસરાનીનો જન્મ ઈંગ્લેન્ડમાં, શિક્ષણ અમેરિકામાં થયું છે નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા પૂજા પ્રથમ એશિયાઈ વ્યક્તિ

ગુજરાતી મૂળની પૂજા જોશીની અમેરિકી અવકાશ સંસ્થા નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક થઈ છે. ગયા અઠવાડિયે નાસાએ કુલ છ વ્યક્તિની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણુંક કરી હતી, જેમાં પૂજાનો પણ સમાવેશ થાય છે. જ્યારે કોઈ ફ્લાઈટ અવકાશમાં મોકલવામાં આવે ત્યારે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ મહત્ત્વનો બની જતો હોય છે.

ડિરેક્ટરે નાસાના હ્યુસ્ટન સ્થિત કન્ટ્રોલ મથકમાં રહીને અવકાશમાં રહેલી ફ્લાઈટ અને ગ્રાઉન્ડમાં રહેલા મિશન સાથે સંકળાયેલા ઓપરેશન સંભાળવાના હોય. એટલે કે આખી ફ્લાઈટની જવાબદારી ફ્લાઈટ ડિરેક્ટર પર જ હોય છે. નાસાએ ૧૯૫૮માં ક્રિસ્ટોફર ક્રાફ્ટની પ્રથમ ફ્લાઈટ ડિરેક્ટર તરીકે નિમણૂંક કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં ૯૭ ફ્લાઈટ ડિરેક્ટર એપોઈન્ટ થયા છે.

પૂજા જોશી જેસરાની મૂળિયા ગુજરાતમાં છે, પરંતુ તેનો ગુજરાત સાથે કોઈ પ્રત્યક્ષ સબંધ નથી. પૂજાનો જન્મ ઈંગ્લેન્ડમાં થયો છે અને એ દસ વર્ષની હતી ત્યારે પરિવાર અમેરિકા શિફ્ટ થયો હતો. પૂજાના પિતા અતુલ જોશી મુંબઈમાં ડોક્ટર હતા.

પૂજા ટેક્સાસ યુનિવર્સિટીમાંથી ૨૦૦૭માં એરોસ્પેસ એન્જિનિયરિંગમાં ગ્રેજ્યુએશન કર્યું હતુ. પૂજાએ અમેરિકામાં એટર્ની પુરવ જેસરાની સાથે લગ્ન કર્યા છે અને તેમને અઢી વર્ષની એક દીકરી પણ છે.
પૂજા છેલ્લા ૧૧ વર્ષથી નાસાના હ્યુસ્ટન સ્થિત જ્હોન્સન સ્પેસ સેન્ટરમાં જ કામ કરે છે. હવે નાસાએ તેમની ફ્લાઈટ ડિરેક્ટર તરીકે પસંદગી કરી છે. નાસામાં ફ્લાઈટ ડિરેક્ટર બનનારા તેઓ પ્રથમ ભારતીય ઉપરાંત પ્રથમ એશિયન છે. હાલ નાસા પાસે ૨૬ ફ્લાઈટ ડિરેક્ટર છે, તેમની સાથે જોડાઈને આ નવા છ ડિરેક્ટર પણ કામ કરશે. નાસાએ થોડા સમય પહેલા નવા ફ્લાઈટ ડિરેક્ટર માટે અરજીઓ મંગાવી હતી. નાસાને દુનિયાભરમાંથી કુલ ૫૫૩ એપ્લિકેશન મળી હતી, જેમાંથી શ્રેષ્ઠ ૬ વ્યક્તિની પસંદગી કરવામાં આવી છે.

અવકાશ પ્રવાસ વખતે તુરંત અને સચોટ નિર્ણય લેવાનો હોય છે. બીજી તરફ પૃથ્વી પર અનેક સ્થળે ફેલાયેલા એન્જિનિયરો, સંશોધકો, ફ્લાઈટ કન્ટ્રોલરો વગેરે સાથે સંકલન પણ કરવાનું હોય છે. એ બધુ જ ગણતરીની સેકન્ડોમાં કરી નિર્ણય લઈ શકે એ ફ્લાઈટ ડિરેક્ટરની સૌથી મોટી જવાબદારી છે.
કેમ કે નિર્ણય લેવામા મોડું થાય કે ખોટો નિર્ણય લેવાઈ જાય તો અવકાશમાં રહેલા અવકાશયાત્રીઓના જીવ પર જોખમ આવી શકે છે. ભૂતકાળમાં અનેક સ્પેસ એક્સિડેન્ટ થયા પછી હવે ફ્લાઈટ ડિરેક્ટરનો રોલ વધારે ક્રિટિકલ (કટોકટીભર્યો) બન્યો છે.

પૂજા ઉપરાંત એલિસ બૉલિંગર, એડી બોલસ, જોસ માર્કોસ, પોલ કોન્યા અને રિબેકા વિંગફિલ્ડની પસંદગી ડિરેક્ટર તરીકે કરવામાં આવી છે.

જોકે ડિરેક્ટરની ખુરશી પર બેસાડતા પહેલા તેમની આકરી તાલીમ આપવામાં આવશે. ફ્લાઈટ કન્ટ્રોલ, ફ્લાઈટ વખતે માનસિક સ્થિરતા, રિસ્ક મેનેજમેન્ટ.. સહિતના વિવિધ પાસાંઓની તેમને ટ્રેનિંગ અપાશે. નાસા આગામી સમયમાં સમાનવ અવકાશયાત્રાનું આયોજન કરી રહ્યું છે.


શક્ય છે આ છ પૈકી કોઈને એ સમાનવ સ્પેસ ફ્લાઈટ સંચાલન કરવાની તક પણ મળે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો