ભારતના મેડલનું ‘વેઈટલિફ્ટિંગ’ બીજા દિવસે એક ગોલ્ડ, એક બ્રોન્ઝ
ઓસ્ટ્રેલિયા ખાતે રમાઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સમાં
વેઈટલિફ્ટિંગમાં ફરી એક વખત ભારતનું નસીબ ચમક્યું છે. ભારત તરફથી વેઈટલિફ્ટિંગમાં
૬૯ કિલોની કેટેગરીમાં ભારતના દીપક લાઠેરે બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. દીપકે
સ્નેચમાં ૧૩૬ અને ક્લીન એન્ડ જર્કમાં ૧૫૯ કિલો વજન ઉઠાવ્યું હતું. અંતિમ પ્રયાસમાં
તેણે ૧૬૦ કિલો વજન ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો પણ સફળ થયો નહીં. તેણે કુલ ૨૯૫ કિલો
વજન ઉઠાવ્યું હતું. આ સાથે જ તેણે ભારતના વેઈટલિફ્ટિંગના મેડલ્સની સંખ્યા ચાર
કરાવી દીધી હતી. ભારતને અત્યાર સુધીમાં બે ગોલ્ડ, એક સિલ્વર અને એક બ્રોન્ઝ મળેલો છે.
આ પહેલાં ભારતી સ્ટાર વેઈટલિફ્ટર સંજીતા ચાનૂએ ૫૩ કિલોની કેટેગરીમાં ગોલ્ડ જીત્યો
હતો. વેઈટલિફ્ટિંગમાં ભારતને આ બીજો ગોલ્ડ મળ્યો હતો. ગુરુવારે પહેલાં જ દિવસે
મીરાંબાઈ ચાનુએ ભારતને પહેલો ગોલ્ડ અપાવ્યો હતો. ભારત હવે મેડલ ટેલીમાં ત્રીજા
સ્થાને પહોંચી ગયો છે. સંજીતાએ કુલ ૧૯૨ કિલો વજન ઉઠાવ્યું હતું. સંજીતાએ સ્નેચમાં
૮૪ કિલો વજન ઉઠાવ્યું હતું જે આ ગેમનો રેકોર્ડ છે. બીજી તરફ ક્લીન એન્ડ જર્કમાં
તેણે ૧૦૮ કિલો વજન ઉઠાવ્યું હતું. આ સાથે તેણે કુલ ૧૯૨ કિલો વજન ઉઠાવીને ભારતને
ગોલ્ડ અપાવ્યો હતો. પપૂઆ ન્યૂ ગિનીની લાઉ ડિકા તાઉએ ૧૮૨ કિલો સાથે સિલ્વર જ્યારે
કેનેડાની રચેલ લેબ્લાંગે ૧૮૧ કિલો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો