ગુરુવાર, 29 માર્ચ, 2018


ગુજરાતી વિજ્ઞાનીના નામે બનેલા રોકેટ દ્વારા આજે ઉપગ્રહ 'જીસેટ-6 ' લોન્ચ થશે

- પ્રથમવાર સ્વદેશી એન્જિન વપરાશે જેને 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ)'નામ અપાયું છે

- ચંદ્રયાન-2 પહેલાં જીએસએલવી દ્વારા સેટેલાઈટ લોન્ચિંગની નેટ પ્રેક્ટિસ

- ક્રાયોજેનિક એન્જિન ધરાવતો ભારત દુનિયાનો છઠ્ઠો દેશ છે

ઈસરો દ્વારા આજે શ્રીહરિકોટા લોન્ચિંગ મથકેથી ઉપગ્રહ 'જીસેટ-૬એ' લોન્ચ થવા જઈ રહ્યો છે. જો છેલ્લી ઘડીએ કોઈ ફેરફાર નહીં થાય તો સાંજે ૧૬:૫૬ કલાકે સતિષ ધવન સ્પેસ સેન્ટરના બીજા નંબરના લોન્ચ પેડ પરથી 'જીએસએલવી-એફ૦૮'માં સવાર થઈ ઉપ્રગ્રહ લોન્ચ થશે. જીએસએલવી રોકેટમાં પ્રથમવાર સ્વદેશમાં બનેલું ક્રાયોજેનિક એન્જિન વપરાશે. આ  લોન્ચિંગ માટે ૨૭ કલાકનું કાઉન્ટડાઉન શરૃ થઈ ચૂક્યુ છે.

આ એન્જિનને ઈસરોએ દુરદૃષ્ટા વિજ્ઞાની ડો.વિક્રમ સારાભાઈના નામે 'વિકાસ (વિક્રમ અંબાલાલ સારાભાઈ) નામ આપ્યું છે.જોકે એન્જિનનું ટેકનિકલ નામ તો 'હાઈ ટ્રસ્ટ ક્રાયોજેનિક એન્જિન (એચટીસીઈ)' છે. પરંતુ ઈસરોના વિજ્ઞાાની નામ્બી નારાયણ પાસે જ્યારે આ એન્જિન બનાવવાની ચેલેન્જ આવી ત્યારે જ તેમણે ૧૯૭૩માં તેને વિક્રમ અંબાલાલ સારાભાઈ નામ આપી દીધું હતુ.

૨૭૦ કરોડનો ઉપગ્રહ, ૧૦ વર્ષ કામ આપશે

આજે લોન્ચ થનારો ઉપગ્રહ જીસેટ-૬એ કમ્યુનિકેશન સેટેલાઈટ છે. ઉપગ્રહનું વજન ૨ ટન છે, તેને તૈયાર કરવામાં અંદાજે ૨૭૦ કરોડ રૃપિયાનો ખર્ચ થયો છે, જ્યારે એ દસ વર્ષ સુધી કાર્યરત રહેશે. જીઓસિન્ક્રોનસ એટલે કે ભુસ્થિર પ્રકારનો હોવાથી આ ઉપગ્રહ ૩૫,૯૭૫ કિલોમીટરની ઊંચાઈ રહીને પૃથ્વીની પ્રદક્ષિણા કરશે.

જીએસએલવી : ભારે ઉપગ્રહ માટે ભારે રોકેટ

વજનદાર ઉપગ્રહને સ્થિર કક્ષા સુધી લોન્ચ કરવા માટે ભારે રોકેટ જોઈએ, એટલે ઈસરો જીએસએલવી (જીઓસિન્ક્રોનસ સેટેલાઈટ લોન્ચ વ્હિકલ) રોકેટનો ઉપયોગ કરશે. જીએસએલવી એ ભારતનું સૌથી ભારે રોકેટ છે અને હજુ શરૃઆતી તબક્કામાં છે. પરંતુ ભવિષ્યમાં ચંદ્રયાન-૨ કે મંગળમિશન જેવા મહાત્વાકાંક્ષી અવકાશી પ્રોજેક્ટ માટે જીએસએલવી જેવુ સક્ષમ રોકેટ જરૃરી છે. જીએસએલવીની આ ૧૨મી ફ્લાઈટ હશે.

સ્વદેશમાં સર્જાયેલું ક્રાયોજેનિક એન્જિન

ભારત વરસોથી જીએસએલવીમાં ચાલી શકે એ માટે ક્રયોજેનિક એન્જીન તૈયાર કરી રહ્યું હતુ. હવે આ એન્જિન બનાવવામાં સફળતા મળી છે. ક્રાયોજેનિક એન્જીન એ અવકાશમાં એન્જીનોમાં વપરાતા વિવિધ એન્જીનો પૈકીનો એક પ્રકાર છે. અત્યંત નીચા તાપમાને જે એન્જીનમાં બળતણ સંગ્રહી શકાય એવુ એન્જીન ક્રાયોજેનિક કહેવાય. નીચા તાપમાનને કારણે ઓછી જગ્યામાં વધુ બળતણ સમાવી શકાય અને તેનાથી રોકેટનો પ્રવાસ લંબાવી શકાય. ક્રોયોજેનિક એન્જીનને કારણે જ અમેરિકા સેટર્ન રોકેટ સિરિઝ દ્વારા ચંદ્ર સુધી પહોંચી શક્યુ છે. સામાન્ય એન્જીનોમાં અંદર પાંખીયા ફરતાં હોય અને તેના દ્વારા એન્જીનને ધક્કો લાગે, વાહન આગળ વધે. પણ ક્રાયોજનિક એન્જીનમાં અંદર કશું ફરતું હોતુ નથી. ન્યુટનના ત્રીજા સિદ્ધાંત પ્રમાણે એક દિશામાં ધક્કો લગાવી, બીજી દિશામાં આગળ વધવાનું કામ કરે છે.

ગુજરાતી વિજ્ઞાાનીના નામે ઈસરોનો વિકાસ

જ્યારે ભારત પાસે કંઈ ન હતું, ત્યારે વિક્રમ સારાભાઈએ વિજ્ઞાનીઓ એકઠા કરીને દેશને અવકાશી મહાસત્તા બનવાનું સપનું દેખાડયુ હતુ.

ભારતને ક્રાયોજેનિક એન્જીન માટે વિવિધ દેશોએ ટેકનોલોજી આપવાની ના પાડી દીધી હતી. એટલે ભારત એ એન્જિન માટે ૨૦૦૧થી મહેનત કરતું હતુ. આખરે ગયા વર્ષે એન્જિન તૈયાર થયુ અને તેનું પરિક્ષણ પણ સફળ રહ્યું હતુ. હવે ભારત ક્રાયોજેનિક એન્જિન બનાવી શક્યો હોય એવો અમેરિકા, રશિયા, ફ્રાંસ, જાપાન અને ચીન પછી છઠ્ઠો દેશ છે.



આજે મહાવીર જન્મ કલ્યાણક અમદાવાદમાં ભવ્ય રથયાત્રા યોજાશે


- જિનાલયોમાં વિશિષ્ટ આંગી કરવામાં આવશે

- રથયાત્રામાં 700 કિગ્રા ચાંદીથી મઢેલો 100 વર્ષ જૂનો પ્રભુજીનો રથ આકર્ષણનું કેન્દ્ર

પ્રભુ મહાવીર જન્મ કલ્યાણક એટલે પ્રત્યેક જૈન માટે એક અતિ વિશિષ્ટ પર્વ. ગુરુવારે ચૈત્ર સુદ-13 છે ત્યારે અમદાવાદ સહિત રાજ્યભરમાં મહાવીર જન્મ કલ્યાણકની આસ્થા-ઉલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવશે.
  પર્વ નિમિત્તે જિનાલયોમાં વિશિષ્ટ આંગી, સાધુ ભગવંતો દ્વારા વ્યાખ્યાનના આયોજન કરવામાં આવશે.  જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન-જીતો દ્વારા અમદાવાદ (રાજનગર)ના સમસ્ત જૈન સંઘોના સહયોગથી છેલ્લા સાત વર્ષ માફક આ વખતે પણ મહાવીર જન્મ કલ્યાણકના ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ રથયાત્રાનો મુખ્ય ઉદ્દેશ જૈન તથા જૈનેતરોમાં પ્રભુ મહાવીરના અહિંસા, અનેકાન્તવાદ, અપરિગ્રહ, વિશ્વમૈત્રી, જીવદયા જેવા સંદેશાનો પ્રચાર પસાર કરવાનો છે.



જુનિયર શૂટિંગ વર્લ્ડ કપ : મુસ્કાન ભાનવાલાના ડબલ ગોલ્ડ મેડલ


- માનુ ભાકેરે ઓસ્ટ્રેલિયામાં જુનિયર વર્લ્ડ કપમાં ચોથો ગોલ્ડ જીત્યો
- ભારતે કુલ ૯ ગોલ્ડ સાથે ૨૨ મેડલ જીતીને ચીન પછી બીજા ક્રમે
ઓસ્ટ્રેલિયાના સીડની શહેરમાં યોજાયેલા જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમા ભારતીય શૂટર મુસ્કાન ભાનવાલાએ વ્યક્તિગત અને ટીમ એમ બે ઈવેન્ટમાં ગોલ્ડન ડબલની સફળતા મેળવી હતી. આ સાથે ભારતે કુલ ૯ ગોલ્ડ મેડલની સાથે પોઈન્ટ ટેબલમાં આઠ ગોલ્ડ જીતી ચૂકેલા ચીનને પછાડીને ટોચનું સ્થાન હાંસલ કરી લીધું હતુ. જોકે ત્યારબાદની શૂટિંગ ઈવેન્ટસમાં ચીનના શૂટરોએ નોંધપાત્ર દેખાવ કરતાં ટુર્નામેન્ટ પુરી થઈ ત્યાં સુધીમાં ચીને ૯ ગોલ્ડ, ૮ સિલ્વર અને ૮ બ્રોન્ઝ સાથે ૨૫ મેડલ જીતીને ટોચનું સ્થાન મેળવી લીધું હતુ. જ્યારે ભારત ૯ ગોલ્ડ, પાંચ સિલ્વર અને આઠ બ્રોન્ઝ સાથે ૨૨ મેડલ જીતીને બીજા ક્રમે રહ્યું હતુ.


બુધવાર, 28 માર્ચ, 2018


માનુ ભાકેર અને અનમોલ જૈનની જોડીએ એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો


- જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને સાતમો ગોલ્ડ મેડલ
- માનુ ભાકેર અગાઉ બે ગોલ્ડ જીતી ચૂકી છે
ભારતની ૧૬ વર્ષીય ગોલ્ડન શૂટર માનુ ભાકેરે ઓસ્ટ્રેલિયાના સીડનીમાં ચાલી રહેલા જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ત્રીજો ગોલ્ડ મેડલ જીતવાની અનોખી સિદ્ધિ હાંસલ કરી છે. માનુએ ભારતના અનમોલ જૈનની સાથે જોડી જમાવીને એર પિસ્તોલ મીક્સ ટીમ ઈવેન્ટમાં ગોલ્ડન સફળતા મેળવી હતી. આ સાથે ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા જુનિયર વર્લ્ડ કપમાં ભારતે કુલ મળીને સાતમો ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યાે હતો. માનુએ અગાઉ ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં વ્યક્તિગત અને ટીમ એમ બંને ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યા હતા. ભારતની જેનેમત સેખોને મહિલાઓની જુનિયર સ્કિટ ઈવેન્ટમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

જ્યારે ૧૦ મીટર એર રાઈફલની મિક્સ પેર્સ ઈવેન્ટમાં ભારતની શ્રેયા અગ્રવાલ અને અર્જુન બાટુલાની જોડીએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યાે હતો.  માનુ ભાકેર અને અનમોલ જૈનની જોડીએ ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં શરૃઆતથી જ પ્રભાવ પાડયો હતો. તેમણે ક્વોલિફાઈંગમાં હાઈએસ્ટ સ્કોર કરતાં જુનિયર લેવલે નવો વિશ્વકિતમાન સ્થાપિત કરતાં ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતુ. ફાઈનલમાં નોંધપાત્ર દેખાવ કરતાં માનુ-અનમોલે ૪૭૮.૯નો સ્કોર કરીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેઓ વર્લ્ડ રેકોર્ડથી માત્ર ૧.૮ પોઈન્ટ્સ જ દૂર રહ્યા હતા.

અગાઉ તેમણે જુનિયર ક્વોલિફિકેશનમાં ૭૭૦ પોઈન્ટ્સનો વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. આ ઈવેન્ટમાં સિલ્વર અને બ્રોન્ઝ મેડલ ચીનને મળ્યા હતા.  આ જુનિયર વર્લ્ડ કપમાં ભારતના સાત ગોલ્ડ મેડલ થઈ ગયા છે. જ્યારે ભારતના યુવા શૂટરો કુલ ૧૮ મેડલ જીતીને મેડલ ટેલીમાં બીજા ક્રમે છે. પ્રથમ સ્થાન ચીનના નામે છે, જેણે આઠ ગોલ્ડની સાથે કુલ ૨૨ મેડલ્સ જીત્યા છે.

મંગળવાર, 27 માર્ચ, 2018


સંસ્કૃતિ મંત્રાલય ગુજરાતમાં માધવપુર મેલાનું આયોજન કરે છે


Image result for madhavpur fair porbandar

સૌપ્રથમ વખત સાંસ્કૃતિક સાંસ્કૃતિક મંત્રાલય, ગુજરાતમાં પોરબંદર જિલ્લાના માધવપુર ગઢમાં માધવપુર મેળા નું આયોજન કર્યું હતું. તેનો હેતુ દેશના વિવિધ ભાગો, ખાસ કરીને ઉત્તર-પૂર્વ, એકબીજાની નજીક લાવવાનો છે.

ચાર દિવસની સાંસ્કૃતિક ઉત્કૃષ્ટતાએ અરુણાચલ પ્રદેશ, મણિપુર અને અન્ય ઉત્તર-પૂર્વીય રાજ્યોમાંથી કલા, નૃત્ય, સંગીત, કવિતા, વાર્તા-કહેવા અને લોક નાટકના વાઇબ્રન્ટ સાંસ્કૃતિક લક્ષ્યાંકને બે ક્ષેત્રોની સમૃધ્ધ સંસ્કૃતિઓને એકીકૃત કરવાના ઉદ્દેશ સાથે રજુ કરવામાં આવ્યુ. તેમા  પણ ઉત્તર-પૂર્વ, ખાસ કરીને અરુણાચલ પ્રદેશ અને મણિપુરના ભવ્ય પ્રદર્શનને પ્રથમ વખત જોવા મળ્યા હતા.

અરુણાચલ પ્રદેશ અને મણિપુરના રુકમણી-કૃષ્ણ દંતકથાઓ અને અરુણાચલથી ઇડુ મિશ્મી આદિજાતિના લોકનૃત્ય પર આધારિત ડાન્સ-નાટકો પણ દર્શાવવામાં આવ્યા હતા.

પૃષ્ઠભૂમિ
Image result for madhavpur beach porbandar

ગુજરાતનો માધવપુર મેલા અરુણાચલ પ્રદેશના મિશ્રમી જનજાતિ સાથે જોડાય છે. આદિજાતિ તેના પુણ્યશાળી રાજા ભીષ્મક અને તેના પુત્રી રુકમણી અને ભગવાન કૃષ્ણને તેના પૂર્વજોને શોધી કાઢે છે.  

માધવપુર ગઢ નાનુ પરંતુ સાંસ્કૃતિક રીતે નોંધપાત્ર ગામ છે. લોકકથા અનુસાર, તે સ્થળ છે જ્યાં રાજા ભીષ્મકાની પુત્રી રુકમણી સાથે ભગવાન કૃષ્ણ ના લગ્ન થયા હતા. માધવપુર પોરબંદરની નજીકના દરિયાકાંઠે આવેલું છે. 15મી સદીમાં માધવરાઇ મંદિર આ સ્થળને ચિહ્નિત કરે છે. માધવપુર મેળામાં દર વર્ષે સાંસ્કૃતિક ઉત્સવ ઉજવવામાં આવે છે, જે રામ નવમી પર શરૂ થાય છે. આ ઉજવણીના ભાગરૂપે, કૃષ્ણની મૂર્તિને લઇને એક રંગીન રથ ગામમાં ફરે છે.આ તહેવારની ઉજવણી સામાન્ય રીતે પાંચ દિવસ સુધી ચાલે  છે.



સુરત - પ્રથમ જિલ્લો જ્યાં 100% સોલર સંચાલિત આરોગ્ય કેન્દ્રો છે


Image result for Surat: First district to have 100% solar powered health centres

 

ગુજરાતમાં સુરત જીલ્લો સૌપ્રથમ સૌરઊર્જા સંચાલિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC-Primary Health Centers) ધરાવે છે. જીલ્લામાં તમામ 52 PHC હવે સોલર સિસ્ટમ દ્વારા સંચાલિત છે. આ સાથે, સુરત દેશ માટે એક ઉદાહરણ સુયોજિત કરે છે, જે વિકાસશીલ ગામડાઓ દ્વારા ઉર્જાના ટકાઉ સ્વરૂપોનો ઉપયોગ કરે છે.
આ રીતે સુરત જીલ્લાના તમામ PHC પર સુર્યઉર્જા દ્વારા વીજળી બિલ 40% નીચે લવાશે અને ગ્લોબલ વોર્મિંગ સામે લડવામાં પણ મદદ કરશે. 



Worldtheatre Day


રણજિતરામ સુવર્ણ વિજેતા જયશંકર સુંદરીએ ગરવી ગુજરાતણના અનેક રૃપને રંગભૂમિ પર ચોટદાર રીતે સજીવ કર્યા છે. રંગભૂમિના આ મહાન કલાકારથી ગુજરાતનું નામ સમગ્ર વિશ્વમાં ગૂંજતું બન્યું છે. આજે નવી પેઢીએ આ પરંપરાને નવા વિષયો, નવા સ્વરૃપો સાથે કેડી કંડારી છે. આજે વિશ્વ રંગભૂમિ દિવસ...


સોમવાર, 26 માર્ચ, 2018


ચિપકો આંદોલનની 45મી વર્ષગાંઠ નિમિત્તે ગૂગલે બનાવ્યુ ડૂડલ

- આ આંદોલનને કારણે જ ભારતમાં પર્યાવરણને લગતા કાયદા બન્યા

ચિપકો આંદોલનની આજે 45મી વર્ષગાંઠ છે ત્યારે ગૂગલે પણ ડૂડલ બનાવીને તેને બિરદાવ્યુ છે. આજે જ્યારે ગ્લોબલ વોર્મિંગની વાતો અને ચિંતા થઈ રહી છે ત્યારે આજથી 45 વર્ષ પહેલા એક નાનકડા ગામડાની મહિલાએ વૃક્ષો બચાવવા આંદોલન શરૂ કર્યુ હતુ. આ આંદોલનને કારણે જ ભારતમાં પર્યાવરણને લગતા કાયદા બન્યા.

ઉત્તરાખંડના રહાણે નામના ગામમાં પાકો રસ્તો બનાવવા માટે 2541 વૃક્ષોનું નિકંદન કાઢવાનું નક્કી કરવામાં આવ્યુ હતુ ત્યારે જ્યારે ગામવાસીઓને આ વીશે જાણ થઈ ત્યારે તેમણે પોતાના પ્રાણ પ્યારા ઝાડવાઓને બચાવવાનો નિર્ધાર કર્યો.

આ સમય હતો માર્ચ 1973નો. ગામવાસીઓનો વિરોધ જોઈને વૃક્ષો કાપવા માટે એક ચાલ રમવામાં આવી. ગામવાસીઓને નવા રોડ બનતી વખતે જે જમીનેનું કે બીજુ નુકસાન થવાનું હતુ આ અંગેનું વળતર આપવાનુ કહીને તેમને 26મી તારીખે ચમૌલી બોલાવી લીધા.

એ વખતે ગામના તમામ પુરૂષો ચમૌલી ગયા હતા ત્યારે પહેલેથી જ નક્કી થયા પ્રમાણે વૃક્ષોને કાપવાનું શરૂ કરવા માટે મજૂરો અને કોન્ટ્રાક્ટરો આવી પહોંચ્યા ગામમાં માત્ર સ્ત્રીઓ અને બાળકો જ હતા.

જેવી સ્ત્રીઓને આ વાતની ખબર પડી કે તરત જ સ્ત્રીઓ બાળકોને સાથે લઈને જંગલમાં પહોંચી અને મજૂરોને ઝાડ ન કાપવા માટે સમજાવવા માંડી પણ મજૂરો માનતા નહતા ત્યારે ગૌરા નામની મહિલા ઝાળને વળગી પડી અને કહ્યુ કે, આ તો અમારૂ પિયર છે અમે તમને ઝાડ નહી કાપવા દઈએ. અને બસ પછી શું ત્યાં હાજર તમામ મહિલાઓ પણ વૃક્ષને વળગી પડી અને આ રીતે શરૂ થયુ ચીપકો આંદોલન.

શુક્રવાર, 23 માર્ચ, 2018


રાજસ્થાનના પોખરણમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

Image result for Successful,test,of,BrahMos,supersonic,cruise,missile,in,Pokhran,in,Rajasthan,

- ડીઆરડીઓની વધુ એક સિદ્ધિ : નિર્મલા સીતારામને અભિનંદન પાઠવ્યા

- ભારત-રશિયાના સંયુકત ઉપક્રમે તૈયાર થયેલ બ્રહ્મોસ મિસાઇલની મહત્તમ ક્ષમતા ૪૦૦ કિમી

ભારતે આજે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે મિસાઇલ નક્કી કરેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહી હતી. આ સફળતાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બની છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ પ્રથમ વખત ઇન્ડિયન એરફોર્સના સુખોઇ-૩૦ એમકેઆઇ યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સિતારમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સવારે ૮.૪૨ વાગ્યે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલનું પરિક્ષણ ૧૦૦ ટકા સફળ રહ્યું હતું.

ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ આ મિસાઇલની રેન્જ ૪૦૦ કિમી સુધી લઇ જઇ શકાય છે. ગયા વર્ષે ભારત મિસાઇલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજિમ(એમટીસીઆર)નું સંપૂર્ણ સભ્ય બન્યા પછી કેટલાક ટેકનિકલ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા છે.

બ્રહ્મોસનું નિર્માણ ભારતની ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ મશિનોસ્ટ્રોનિયા (એનપીઓએમ)એ સાથે મળીને કર્યુ છે. સંરક્ષણ પ્રધાને સફળ પરિક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતાં. બ્રહ્મોસ મિસાઇલ સુખોઇ યુદ્ધ વિમાન પર લઇ જવામાં આવેલું સૌથી વજનદાસ શસ્ત્ર હતું.