ખ્યાતનામ અભિનેતા શશીકપૂરના સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર
- ''એક રાસ્તા હૈ જિંદગી જો થમ ગયે તો કુછ નહીં...''
- અમિતાભ બચ્ચન, સંજય દત્ત તેમ જ કપૂર ખાનદાનના સભ્યોએ સોહામણા સ્ટારને આખરી વિદાય આપી
હિન્દી ફિલ્મ જગતમાં અને અગ્રણી ચાહકોના દિલમાં અદકેરૃં સ્થાન જમાવી વિદાય થયેલા મશહૂર અભિનેતા શશી કપૂરના આજે સંપૂર્ણ રાજકીય સન્માન સાથે સાંતાક્રુઝની સ્મશાનભૂમિમાં
અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. મહાનાયક અમિતાભ બચ્ચન અને કપૂર ખાનદાનના સભ્યોની હાજરીમાં શશી કપૂરનો પાર્થિવ દેહ પંચતત્ત્વમાં વિલિન થઈ ગયો હતો.
જૂહુમાં પૃથ્વી થિયેટર સ્થાપી નાટય જગત માટે બહુમૂલ્ય યોગદાન આપનારા શશી કપૂરના નશ્વર દેહને આજે એ જ પૃથ્વી થિયેટરમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. ત્યાંથી વરસતા વરસાદમાં એમ્બ્યુલન્સ દ્વારા શશી કપૂરના નશ્વર દેહને રાષ્ટ્રધ્વજ ઓઢાડીને સાંતાક્રુઝ સ્મશાનભૂમિમાં લાવવામાં આવ્યો હતો. પદ્મભૂષણના રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા હોવાથી સંપૂર્ણ રાજકીય સન્માન આપવામાં આવ્યું હતું. મુંબઈ પોલીસે ગન સેલ્યુટ આપ્યા પછી પુત્રો કુણાલ કપૂર અને કરણ કપૂર તથા પુત્રી સંજના કપૂરે પિતાને અગ્નિદાહ આપ્યો હતો.
લગભગ ચાર દાયકા સુધી અભિનય ક્ષેત્રે સક્રિય રહેલા મહાન અભિનેતા અને ઉમદા ઈન્સાન શશી કપૂરને અંતિમ વિદાયઆપવા માટે વરસતા વરસાદમાં અમિતાભ બચ્ચન, રણધીર કપૂર, રિશી કપૂર, રણઁબીર કપૂર, સૈફઅલી-કરીના, પૂનમ ધીલ્લોં, સુરેશ ઓબેરોય, રણજીત, શ્.મ બેનેગલ, સંજય દત્ત, સલીમખાન સહિત અનેક જાણીતી ફિલ્મી હસ્તીઓ સ્મશાનગૃહમાં પહોંચી હતી.
લાંબા સમયથી બીમાર શશી કપૂરે ગઈકાલે સાંજે અંધેરીની કોકીલાબેન હોસ્પિટલમાં આખીર શ્વાસ લીધા હતા. રાત્રે તેમના મૃતદેહને હોસ્પિટલમાં જ રાખવામાં આવ્યો હતો અને આજે સવારે એમ્બ્યુલન્સમાં જૂહુના જાનકી કુટીર સ્થિત નિવાસસ્થાને લાવવામાં આવ્યો હતો. ત્યાંથી આજે સાડાબાર વાગ્યે શબવાહિનીમાં લાવવામાં આવ્યા બાદ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે અભિનેતાને અંતિમ વિદાય આપવામાં આવી હતી.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો