સોમવાર, 11 ડિસેમ્બર, 2017

એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ભારતીય મેન્સ ટીમે ગોલ્ડ જીત્યો


હિના સિધ્ધુ અને જીતુ રાઈ


- હિના સિધ્ધુ અને જીતુ રાઈને વ્યક્તિગત ઈવેન્ટમાં બ્રોન્ઝ

- ભારતની મહિલા ટીમને સિલ્વર મેડલ વાકો સિટી

વર્ષ ૨૦૨૦માં જ્યાં ટોકિયો ઓલિમ્પિક યોજાવાના છે, તે જાપાનની વાકો સિટીમાં ચાલી રહેલી એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ભારતીય ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના આંતરરાષ્ટ્રીય સ્ટાર્સ જીતુ રાઈ અને હિના સિદ્ધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. જ્યારે ભારતની મહિલા ટીમે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં સિલ્વર મેડલ જીતવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. આ સાથે ભારતે એશિયન એરગન ચેમ્પિયનશીપમાં ત્રીજા દિવસે કુલ છ મેડલ જીત્યા હતા. ભારતના જીતુ રાઈ, શહઝાર રિઝવી અને ઓમકાર સિંઘની બનેલી ટીમે ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં શાનદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ભારતના જીતુ રાઈએ કુલ મળીને  ૨૧૯.૬ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. ચીનના ઝેંગયાંગ હે એ ૨૪૧.૮ના સ્કોર સાથે ગોલ્ડ અને તેના સાથી વેઈ યાંગે ૨૪૧.૧ પોઈન્ટ્સની સાથે સિલ્વર મેડલ જીત્યો હતો.

મહિલાઓની ૧૦ મીટર એર પિસ્તોલ ઈવેન્ટમાં ભારતની એકમાત્ર શૂટર હિના સિદ્ધુ ફાઈનલમાં પ્રવેશી શકી હતી અને તેણે  ૨૧૭.૨ના સ્કોર સાથે બ્રોન્ઝ જીત્યો હતો. જાપાનની યુકારી કોનીશીએ ૨૪૫.૩ના સ્કોર સાથે એશિયન રેકોર્ડ નોંધાવતા ગોલ્ડ જીત્યો હતો, જ્યારે મોંગોલિયાની સિનિયર શૂટર ઓટ્રીયાડ ગ્યુન્ડેગ્માએ ૨૪૧.૬ પોઈન્ટ્સ સાથે સિલ્વર મેડલ મેળવ્યો હતો.


સિદ્ધુની સાથે મળીને ભારતની પરમાનંથમ અને સરાઓની ટીમે સિલ્વર મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. ભારતની ૧૦ મીટર એર રાઈફલ ટીમે સિલ્વર મેડલ મેળવ્યો હતો, જેમાં ગગન નારંગ, દીપક કુમાર અને રવિ કુમારે નોંધપાત્ર દેખાવ કર્યો હતો.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો