બુધવાર, 20 માર્ચ, 2019

આ દીકરીએ દેશને અપાવ્યો ગોલ્ડ, માતા કરે છે ઘરકામ, કહાની જાણી કરશો સલામ


ગોવાની સબિતા યાદવે સ્પેશલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સમાં સિંગલ ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ પોતાના નામે કર્યો છે. જ્યારે ડબલ્સમાં સિલ્વર મેડલ જીતીને બે મેડલ દેશને અપાવ્યા છે. આ પરાક્રમ બાદ હવે 17 વર્ષની સબિતા ઘર પરત ફરી તેની માતાને સરપ્રાઇઝ આપવા માંગે છે.

સબિતાને બૌદ્ધિક વિકલાંગતા સાથે સરખી રીતે બોલવામાં પણ મુશ્કેલી થાય છે. તેને કહ્યું કે,‘મારા પિતાનું નિધન થઈ ગયું છે અને મારી માં બીજાના ઘરમાં કામ કરે છે.’ આર્થિક રીતે કમજોર પરિવારની દીકરી સબિતા ખૂબજ ઉત્સાહિત અને મેહનતી છે. રિપોર્ટ મુજબ સબિતાએ એક સ્પેશિયલ સ્કૂલમાં એડમિશન લીધુ હતું જ્યાં તેને વોકેશનલ ટ્રેનિંગ આપવામાં આવી હતી. ત્યાં સબિતાને લાગ્યું કે તેની રુચિ ટેબલ ટેનિસમાં વધુ છે.


ટેબલ ટેનિસના કોચ શીતલ નેગીએ કહ્યું કે,‘સબિતાના હાર્ડ વર્કના કારણે તેનું સપનું પુરુ થયું છે.’ તેમને કહ્યું કે,‘હું સબિતાને 2 વર્ષથી ઓળખું છું અને તેનામાં ઘણો આત્મવિશ્વાસ છે. ખૂબજ ઓછા લોકોને ખબર છે કે સ્પેશિયલ ઓલિમ્પિક એથ્લીટને પણ જિલ્લા, રાજ્ય, રાષ્ટ્રીય સ્તરને પાર કર્યા બાદ આંતરરાષ્ટ્રીય લેવલે રમવાની તક મળે છે.’

ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી સ્પેશિયલ ઓલિમ્પિક વર્લ્ડ ગેમ્સ 2019માં ભારતનું પ્રદર્શન ખૂબજ સારું રહ્યું છે. ભારત હાલ મેડલ લિસ્ટમાં 163 મેડલ સાથે ટોપ પર છે. જેમાં 44 ગોલ્ડ, 52 સિલ્વર અને 67 બ્રોન્જ સામેલ છે. ચીન આ યાદીમાં બીજા નંબરે છે.


આજે ર૦ માર્ચ વિશ્વ ચકલી દિવસ

 

આજના આધુનિક યુગમાં ઘર આંગણે ચી ચી કરતી ચકલી હાલ તેના અસ્તિત્વ માટે ઝઝુમી રહી છે. ચકલીની પ્રજોપ્તી સામે ચકલીની સંખ્યામા ઘટાડો થઈ રહ્યો છે. જે ચિંતાનો વિષય બન્યો છે. ભાવિ પેઢીને માત્ર પાઠયપુસ્તકોમાં જ ચકલી જોવા મળે તો નવાઈ નહીં.

ચકા-ચકીની વાર્તા માત્ર વાર્તા જ બની રહેશે. વૃક્ષોનું નિકંદન, મોબાઈલ ટાવરમાંથી નીકળતા રેડિયેશન, કારખાના-વાહનોનો ઝેરી ધુમાડો વગેરેના કારણે શહેરોમાંથી તો ઠીક ગામડાઓમાં પણ ચકલીઓ લુપ્ત થઈ રહી છે.

‘એક હતી ચકી, એક હતો ચકો, ચકી લાવી ચોખાનો દાણો, ચકો લાવ્યો મગનો દાણો, બંનેએ રાંધી ખીચડી…’ વાર્તા કહેનારી દાદીમાઓ પણ હવે જોવા મળતી નથી, જેના લીધે આજની કોમ્પ્યુટર, મોબાઈલ અને ઈન્ટરનેટયુક્ત પેઢીને પર્યાવરણ અને પ્રકૃતિ સાથેનો લગાવ પણ ઘટી ગયો છે. અત્યારની સ્થિતિ જોતાં આવનારી પેઢીને ચકલીઓ માત્ર ફોટામાં જ જોવા મળશે તે નક્કી છે.

વન વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ સાબરકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાંથી 70 થી 80 ટકા જેટલી અને ગ્રામ્ય વિસ્તારોમાં પ૦ ટકા ચકલીઓ લુપ્ત થઈ ગઈ છે.

સતત 8 વર્ષથી ખંભીસરમાં યુવાનો દ્રારા ચકલી બચાવો અભિયાન મોડાસાના ખંભીસરમાં છેલ્લા 8 વર્ષ થી સતત ચકલીઓ સહિતના અન્ય પક્ષીઓના અસ્તિત્વને ટકાવી રાખવા કુંડા તેમજ માળા અભિયાન ચલાવવામાં આવે છે.ચકલીઓના ગામ તરીકે જાણીતા બનેલા ખંભીસરમાં દર વર્ષે યુવાનો દ્રારા પોતાના પોકેટમનીમાંથી બચત કરી અભિયાન ચલાવવામાં આવે છે.

ટીમ ખંભીસરના નામથી કામ કરતા યુવાનોના સંગઠન દ્રારા ચાલુ વર્ષે ગામમાં ઘરદીઠ બે માળા અને બે કુંડા લગાવવામાં આવ્યા છે અને દરેક યુવાનોને પોતાના મહોલ્લામાં નિયમિત ચણ અને પાણી ભરાય તેની જવાબદારી સોપાઈ છે.

દર વર્ષે ઉનાળાના પ્રારંભમાં પોતાના ગામ સહિત આજુબાજુના અન્ય વિસ્તારોમાં પણ પક્ષીઓને રહેવા અને પાણી પીવાની તકલીફ ન પડે તે માટે માળા અને કુંડા લગાવવામાં આવે છે તેનો અંદાજે પચાસ હજાર થી વધુ ખર્ચ યુવાનો ઉઠાવે છે.

ગ્રામજનો દ્રારા પણ પોતાના ઘરઆંગણે લગાવેલા માળા અને કુંડાની યોગ્ય જાળવણી થાય તેમજ પક્ષીઓને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટેનું આયોજન કરે છે. ટીમ ખંભીસર દ્રારા ખંભીસર સહિત આજુબાજુના અન્ય ગામોમાં 1૦૦૦ જેટલા માળા અને કુંડા લગાવી પર્યાવરણ સહિત પક્ષીઓ બચાવવા માટેનો સંદેશ સમગ્ર સમાજને આપ્યો છે.

નિદોર્ષ ચકલીઓ માટે રેડીયશન ઘાતક નિવડી રહ્યુ છે 

આડેધડ વૃક્ષછેદન અને શહેરી વિસ્તારનો ઝડપથી વ્યાપ વધવાને કારણે ફ્રેન્ડલી નેબરહૂડ કહી શકાય તેવી ચકલીઓના અસ્તિત્વ સામે ખતરો તોળાઈ રહ્યો છે. ઈન્ટરનેટ અને મોબાઈલ ટીવીના દ્રશ્ય-શ્રાવ્ય તરંગોના ઈલેક્ટ્રોમેગ્નેટીક રેડીયશને પણ કોઈ કસર છોડી નથી.
ચકલીઓની સંખ્યામાં ઝડપથી થઈ રહેલ ઘટાડા પાછળ માળો બાંધવાની જગ્યાનો અભાવ, ખોરાકની ઉપલબ્ધતામાં ઘટાડો, ખેત ઉત્પાદનો ઉપર રહેલ ઝેરી રસાયણોનો છંટકાવ, બ્રીડીંગ ઓપર્ચ્યુનીટીમાં ઘટાડો સહિતના પરિબળો જવાબદાર હોવાનું માનવામાં આવી રહ્યું છે.



ડાંગની ગોલ્ડન ગર્લ સરિતા ગાયકવાડે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

Image result for sarita gayakwad win gold medal

ડાંગ જિલ્લાના કરાડીઆંબાની સરિતા ગાયકવાડે પંજાબ ખાતે યોજાયેલી એથ્લેટિક્સ ગેમમાં ગોલ્ડ મેડલ મેળવી ગોલ્ડન ગર્લ બની હતી.

અમેરિકાના કોચ ગાલીના મામેના માર્ગદર્શન હેઠળ પ્રેકટીસ કરે છે.સોમવારે સરિતા ગાયક્વાડે 400 મીટર દોડમાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.

ડાંગ જિલ્લાના ડાંગ એકસપ્રેસ મુરલી ગાવિતે  પંજાબ ખાતે બે ગોલ્ડ મેડલ મેળ્યા બાદ ડાંગની કુમારી સરિતા ગાયકવાડે પણ ગોલ્ડ મેળવી કુલ 3 મેડલ પ્રાપ્ત કર્યા છે.

મંગળવાર, 19 માર્ચ, 2019

છેવટે રાતે બે વાગ્યે પ્રમોદ સાવંતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યાં




ભારે ગડમથલ બાદ છેવટે પ્રમોદ સાવંત ગોવાના નવા મુખ્યમંત્રી બન્યાં છે. વિધાનસભા અધ્યક્ષ રહેલાં પ્રમોદ સાવંતે મંગળવારે રાતે લગભગ પોણા બે વાગ્યે રાજભવન ખાતે ગોવાના મુખ્યમંત્રી તરીકે શપથગ્રહણ કર્યા. તેમની સાથે 11 ધારાસભ્યોએ પણ મંત્રીપદના શપથ લીધાં.

પ્રમોદ સાવંતની સરકારમાં બે નાયબ મુખ્યમંત્રી રહેશે. મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના સુધિન ધવલીકર અને ગોવા ફોરવર્ડ પાર્ટીના અધ્યક્ષ વિજય સરદેસાઇ નાયબ મુખ્યમંત્રીનું પદ સંભાળશે. એ સિવાય તમામ મંત્રીઓ એ જ રહેશે જે મનોહર પર્રિકરની સરકારમાં મંત્રી હતાં. 

અગાઉ રવિવારે મનોહર પર્રિકરના નિધન બાદ ગોવામાં રાજકીય હિલચાલ વધી ગઇ હતી. પહેલાં કોંગ્રેસે પણ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો. રવિવારે સાંજે કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી ગોવા પહોંચ્યાં, મળતી માહિતી મુજબ પહેલા સુધિન ધવલીકર અને વિજય સરદેસાઇ બંનેએ મુખ્યમંત્રીપદની માગણી કરી હતી.
છેવટે ભાજપ અધ્યક્ષ અમિત શાહે દરમિયાનગીરી કરીને બે નાયબ મુખ્યમંત્રી વાળી ફોર્મ્યૂલા સૂચવી. 40 સભ્યોવાળી ગોવા વિધાનસભામાં હાલ 36 સંખ્યા છે અને ભાજપ પાસે 20 ધારાસભ્યોનું સમર્થન છે. 

ગોવાના મુખ્યમંત્રી મનોહર પર્રિકરનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન

દિગ્ગજોએ આપી શ્રદ્ધાંજલિ
ગોવાના મુખ્યમંત્રી અને પૂર્વ રક્ષામંત્રી મનોહર પાર્રિકરનો પાર્થિવ દેહ પંચતત્વમાં વિલીન થયો.  તેમના અંતિમ સંસ્કાર પણજીની નજીક મીરામાર બીચ પર પૂરા રાજકીય અને સૈન્ય સન્માન સાથે કરવામાં આવ્યા. આ અવસર પર ભાજપા અધ્યક્ષ અમિત શાહ અને અન્ય ગણમાન્ય લોકો ઉપસ્થિત હતા. 63 વર્ષીય પાર્રિકરે કાલે પણજીની નજીક પોતાના નિવાસ સ્થાને અંતિમ શ્વાસ લીધા. તે એક વર્ષથી કેન્સરની બીમારી સામે લડી રહ્યા હતા. આ પહેલા પાર્રિકરની અંતિમ યાત્રા કલા અકાદમી કોમ્પલેક્સથી શરૂ થઈ મીરામાર બીચ પહોંચી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. પાર્રિકરનો પાર્થિવ દેહ દર્શનાર્થે પણજીની કલા અકાદમી અને ભાજપા મુખ્યાલયમાં રાખવામાં આવ્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરી, સુરેશ પ્રભુ, નિર્મલા સીતારમન, સ્મૃતિ ઈરાની તથા શ્રીપદ નાયક, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને અન્ય કેટલાએ મહત્વપૂર્ણ વ્યક્તિઓએ દિવંગત નેતાને શ્રદ્ધાંજલી આપી હતી..

સોમવાર, 18 માર્ચ, 2019

પર્રિકર રાજકીય સમ્માન સાથે પંચમહાભૂતમાં વિલિન, સેંકડો ચાહકો ભાવુક થયા

 

- મોદી, અમિત શાહ સહિતના નેતાઓએ પૂર્વ સંરક્ષણ પ્રધાનને અંતિમ વિદાય આપી

- અનેક મહિલાઓ મારો ભાઇ જતો રહ્યો કહીને ચોધાર આંસુએ રડી

 
કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીની આંખોમાં પણ આંસુ આવ્યા 
મિરામાર બીચ પર ગોવાના પહેલા મુખ્ય પ્રધાન દયાનંદની સમાધિની બાજુમાં પુત્રએ પર્રિકરને મુખાગ્નિ આપ્યો

ગોવાના મુખ્ય પ્રધાન મનોહર પર્રિકરનું રવિવારે ૬૩ વર્ષની વયે નિધન થયું હતું. સોમવારે તેમની અંતિમવીધી કરવામા આવી હતી, જેમાં તેમના હજારો સમર્થકો જોડાયા હતા. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીતના નેતાઓ પણ આવ્યા હતા. પર્રિકરની અંતિમવીધી ગોવાના મારીમાર વિસ્તારમાં કરવામાં આવી હતી.
તેમના દેહને અંતિમ દર્શન માટે અહીંની કાકા એકેડમી ખાતે રાખવામાં આવ્યો હતો. જ્યાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહીતના નેતાઓએ પૂર્વ સંરક્ષણ પ્રધાન પર્રિકરને શ્રદ્ધાંજલી પાઠવી હતી. બાદમાં તેમને અહીંના મિરામાર વિસ્તારમાં લઇ જવામાં આવ્યા હતા, જ્યાં તેમની અંતિમવીધી કરવામાં આવી હતી. 
અંતીમવીધીમા ભાજપ અધ્યક્ષ અમિત શાહ તેમજ કેન્દ્રીય પ્રધાનો અને ભાજપ શાસીત રાજ્યોના મુખ્ય પ્રધાનો હાજર રહ્યા હતા. દરમિયાન કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની ભાવુક થઇ ગયા હતા. ચાર વખત ગોવાના મુખ્ય પ્રધાન રહી ચુકેલા પર્રિકર જ્યારે કેન્દ્રમાં સંરક્ષણ પ્રધાન હતા ત્યારે સૈન્યને ખુલ્લી છુટ આપી હતી તેથી સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં સફળતા મળી હતી.
તેમની જે મિરામાર બીચ પર અંતિમવીધી કરવામાં આવી તેની બાજુમાં જ ગોવાના પહેલા મુખ્ય પ્રધાન દયાનંદ બંદોદકરની પણ સમાધી આવેલી છે. પર્રિકરને તેમના પુત્રએ મુખાગ્ની આપી હતી. રાજકીય સમ્માન સાથે તેમને અંતિમ વિદાય આપવામાં આવી હતી. જ્યારે સોમવારે કેન્દ્ર સરકારે દેશમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક પણ જાહેર કર્યો હતો. જ્યારે ગોવાની સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો હતો. 
દરમિયાન મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા, અનેક સમર્થકો અને ભાજપના કાર્યકર્તાઓની આંખોમાં આંસુ પણ હતા. સાદગીના પ્રતિક સમાન મનોહર પર્રિકરની એક ખાશીયત એ પણ હતી કે તેઓ ક્યારેય સ્કૂટ પર પણ મુખ્ય પ્રધાનની ઓફિસે પહોંચી જતા હતા. તેમની આ સાદગીને કારણે પણ લોકો તેમને બહુ યાદ કરી રહ્યા છે. ગોવામાં ચાર વખત મુખ્ય પ્રધાન રહ્યા તે દરમિયાન અનેક મહત્વપૂર્ણ પગલા પણ લીધા હતા. તેમના બન્ને પુત્રોના ઉછેરમાં પણ પર્રિકરે ધ્યાન આપ્યું. 

મંગળવાર, 12 માર્ચ, 2019

મીઠા સત્યાગ્રહ કૂચ સાબરમતીથી નડિયાદના લસુંદ્રાને બદલે દાંડી સુધી લંબાવાઇ હતી

- ઐતિહાસિક દાંડીકૂચને 89 વર્ષ

- પહેલા લસુંદ્રામાં મીઠુ પકવવાનું આયોજન હતુઃ કૂચ લંબાવવામાં સુરતના ક્લ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકા હતી

અમદાવાદ સાબરમતી આશ્રમથી સુરત નજીક નવસારીના દાંડી સુધી ઐતિહાસિક દાંડીકૂચને ૮૯ વર્ષ થયા છે. સત્યાગ્રહમાં લોકજાગૃતિ લાવી રાષ્ટ્રવાદની ભાવના કેળવવા મીઠા સત્યાગ્રહ થયો હતો. મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા નડીયાદ પાસેના લસુંદ્રા નજીક દરિયાના પાણીને ઉકાળીને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો. પણ કલ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકાથી આ કૂચ દાંડી સુધી લંબાવાઇ હતી. ઇતિહાસ વિષયના પ્રાધ્યાપક અને સંશોધક ડો.પીયૂષ એસ.અંજીરીયાએ સવિનય કાનૂન ભંગ અંગેની કેટલીક અજાણી વાતો પણ શોધી છે.
પંડિત જવાહલાલ નહેરુના પ્રમુખપદે ૩૧ ડિસેમ્બર, ૧૯૨૯ના રોજ લાહોરમાં રાવિના કિનારે કોંગ્રેસનું અધિવેશન મળ્યું હતું. જેમાં સંપુર્ણ સ્વરાજ્ય પ્રાપ્તિના ધ્યેયની જાહેરાત કરતો ઠરાવ પસાર કરાયો હતો. આ અધિવેશનને ૨૬ જાન્યુઆરી, ૧૯૩૦ના દિવસને સ્વાધીનતા દિન તરીકે જાહેર કર્યો હતો. અને સ્વતંત્રતાની પ્રાપ્તિ માટે 'સવિનય કાનૂન ભંગ'ની લડત શરૂ કરવાની સત્તા આપતો ઠરાવ પણ કરાયો હતો. ૪ માર્ચ, ૧૯૩૦ના રોજ ગાંધીજીએ ગાંધીજીએ વાઇસરોયને જાણ કરતો એક ઐતિહાસિક પત્ર રેજિનાલ્ડ રેનોલ્ડ્ઝ મારફતે લખી મોકલ્યો હતો. જેમાં ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી કૂચ શરૂ કરશે અને મીઠા કાયદાનો ભંગ કરવાના પોતાના ઇરાદાની જાણ કરી હતી.
મીઠા સત્યાગ્રહનો કાર્યક્રમ પહેલા અમદાવાદના સાબરમતી આશ્રમથી લઇને નડિયાદ પાસેના લસુંદ્રા પાસે દરિયાના પાણીને ઉકાળીને ત્યાં જ મીઠાના કાયદાનો ભંગ કરવાનો હતો. પણ કલ્યાણજીભાઇ મહેતા અને મહાદેવભાઇ દેસાઇની મહત્વની ભૂમિકાથી આ કૂચ છેક નવસાીર સુધી લંબાવવામાં આવી હતી. સુરતના કલ્યાણજીભાઇ મહેતાએ દાંડીકૂચની મહત્તાની જાણ મહાદેવભાઇ દેસાઇને કરતા તેઓ સાથે સરદાર વલ્લભભાઇ પટેલ સાથે મળીને ગાંધીજીને આ કૂચ લંબાવવા જણાવ્યું હતું. 
અમદાવાદથી નવસારી નજીક દાંડી વચ્ચેનું અંતર આશરે ૩૦૦ કિલોમીટર જેટલું છે. અમદાવાદના સાબરમતી આશ્રમથી અસલાલી, નડિયાદ, આણંદ, રાસ, જંબુસર, ભરુચ, સુરત, નવસારી વગેરે ગામોને આવરી લેવાયા હતા. 
દાંડીકૂચમાં ગાંધીજી સાથે અન્ય ૮૦ સ્વાતંત્ર્યસેનાઓ જોડાયેલા:અન્ય લોકોને ગામકક્ષાએ કામ કરવા જણાવાયું હતું
બુધવાર ૧૨ માર્ચ, ૧૯૩૦ની વહેલી સવારે ગાંધીજીએ તેમના ૭૮ સાથી સાથે સાબરમતી આશ્રમથી બુધવારે સવારે ૬ઃ૩૨ કલાકે સ્વાતંત્ર્ય ધર્મયુધ્ધ અંગની વ્રજયાત્રા શરૂ  કરી. ગાંધીજીની ટુકડીમાં ૭૮ બહાદુર લડવૈયાઓ જોડાયા હતા. સાબરમતી આશ્રમથી શરૂ થયેલીકૂચ તા.૧૪મી માર્ચે માતર આવી પહોંચી હતી.ત્યારે અહીથી કાકાસાહેબ કાલેલકરનો પુત્ર સતીષ અને ડી.એ.વી. કૉેલજ, દહેરાદુનના વિદ્યાર્થી ખડગ બહાદુરસિંહ કૂચમાં સામેલ થતા કૂચ કરનારાઓ સંખ્યા ગાંધીજી સહિત ૮૧ થઇ હતી. મીઠાનો વેરો પ્રજાના તમામ વર્ગોને શ્રીમંત-ગરીબ એકસરખો સ્પર્શતો હોવાથી ગાંધીજીએ મીઠાના કાયદાનો ભંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કૂચમાં ગાંધીજીએ નિયત કરેલા લોકો સિવાય અન્યોને ગામોમાં જ કાર્યક્રમ કરવા માટે જણાવાયું હતું.