400 વર્ષ પહેલાં
અમદાવાદનો સમાવેશ વિશ્વના સૌથી મોટા અને મહત્ત્વનાં શહેરોમાં થતો હતો
- બ્રિટિશ અખબાર 'ફાઈનાન્સિયલ ટાઈમ્સે' દુનિયાના શહેરો વિશે અહેવાલ તૈયાર
કર્યો
- 1697માં 3.77 લાખની વસતિ સાથે અમદાવાદ વિશ્વમાં
છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર હતું : કલકત્તા-મુંબઈને છેક 19મી સદીમાં મહત્ત્વ મળ્યું હતું
આશાપલ્લી, આશાવલ, રાજનગર, કર્ણાવતી, અહેમદાબાદ અને આપણું અમદાવાદ.
વિતેલા સેંકડો વર્ષોના સમયનું સાક્ષી બનીને આ શહેર ઉભું છે. આ સેંકડો વર્ષોના
સમયના સંભારણાઓ પણ અહીં સંઘરાયેલા છે. આપણું અમદાવાદ એ બોલતી દિવાલોનું શહેર છે.
સતત વિકસતા, વિસ્તરતા અને ધબકતા એ શહેરનો ઇતિહાસ ભવ્ય છે. શહેરમાં ઉભેલા
ઐતિહાસિક સ્થાપ્ત્યો આ વાતની સાક્ષી પુરે છે. ભારતનું એકમાત્ર વર્લ્ડ હેરિટેજ સિટી
અમદાવાદ મધ્યકાલિન યુગમાં વિશ્વના સૌથી મોટા શહેરોમાંનું એક હતું. આજથી લગભગ ૫૦૦
વર્ષ પહેલા વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવતા દસ શહેરોમાં અમદાવાદનો પણ સમાવેશ થતો
હતો.
બ્રિટનના આંતરરાષ્ટ્રીય અખબાર 'ફાઇનાન્સિયલ ટાઇમ્સ' દ્વારા છેલ્લા પાંચસો વર્ષ દરમિયાન
જગતના સૌથી મહત્ત્વના શહેરો અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. આ અહેવાલ
અખબારે વિડીયો સ્વરૂપે રજૂ કર્યો છે. તેમાં ઇ.સ. ૧૫૦૦થી લઇને ૨૦૧૮ એટલે કે ૫૦૦
વર્ષના સમયગાળા દરમિયાન જે તે સમયે વિશ્વમાં સૌથી વધુ વસતી ધરાવનારા ૧૦ શહેરોનો
ડેટા રજુ કરવામાં આવ્યો છે. આ વિડીયો એશિયામાં અને ખાસ કરીને ભારતમાં સોશિયલ
મિડીયામાં મોટા પ્રમાણમાં શેર કરવામાં આવી રહ્યો છે. તેનું કારણ છે કે વિડીયોમાં
એશિયાના ઘણા શહેરોને જે તે સમયે વિશ્વના મોટા શહેરો તરીકે દર્શાવવામાં આવ્યા છે.
જેમાં ભારતના ત્રણથી ચાર શહેરો સાથે અમદાવાદનો પણ સમાવેશ થાય છે. ઇ.સ. ૧૫૦૦થી
૧૭૫૦ની વચ્ચે ગુજરાતનું અમદાવાદ, બંગાળનું ગૌડા, વિજયનગર અને બીજાપુર(હાલ કર્ણાટક), આગ્રા સૌથી વધુ વસતી ધરાવતાં દસ શહેરોની યાદીમાં આવે છે અને
બહાર નીકળે છે.
ઇ.સ. ૧૫૮૦માં
અમદાવાદ ૧.૭૭ લાખની વસતી સાથે વિશ્વનું ૧૦મું સૌથી વધુ વસતી ધરાવતું શહેર બન્યું
હતું. ત્યારબાદ ૧૫૯૦માં આ યાદીમાંથી બહાર થયા બાદ ફરી ૧૬૫૩માં ૨.૮૪ લાખની વસતી
સાથે અમદાવાદ ૧૦મા ક્રમે આવ્યુ હતું. વર્ષ ૧૬૯૭માં ૩.૭૭ લાખની વસતી સાથે અમદાવાદ
વિશ્વમાં છઠ્ઠા નંબરનું સૌથી મોટું શહેર જાહેર થયું હતું. ૧૭૦૧માં શહેરની વસતી
૩.૮૦ લાખ પર પહોંચ્યા બાદ તેમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો અને ૨.૬૨ લાખની વસતી થઈ
ત્યારે શહેર યાદીમાંથી બહાર ફેંકાયુ હતુ.
હાલમાં ભારતના
મહત્વના ગણાતા શહેરો જેવા કે મુંબઇ, કોલકત્તા અને દિલ્હી તો ૧૯૫૦ બાદ આ
યાદીમાં જોવા મળે છે. જો કે, મુંબઇ ઇ.સ. ૧૮૦૦ બાદ યાદીમાં આવે છે
અને તુરંત જ નિકળી પણ જાય છે. આજે અમદાવાદનો સમાવેશ ભારતના સૌથી મોટા પ્રથમ ચાર કે
મહત્ત્વના ચાર શહેરોમાં થતો નથી.
આપણા માટે
મહત્વની અને ગૌરવની વાત એ છે કે પંદરમી સદીના મધ્યથી લઇને સતરમી સદીના ઉતરાર્ધ
સુધી અમદાવાદ વૈશ્વિક ફલક પર મોટા અને મહત્વના શહેર તરીકે ઉભર્યુ હતું. સાથે જ તે
સમયે અમદાવાદ ભારતનું પણ સૌથી મોટું શહેર હતું. માત્ર આટલું જ નહી પરંતુ વ્યાપાર
અને સંસ્કૃતિના ઉત્કૃષ્ટ સમન્વયના કારણે અમદાવાદ તે સમયે સૌથી સમૃદ્ધ પણ હતું.
ઇ.સ. ૧૪૧૧માં
અમદાવાદનો મુઘલ શાસકોએ રાજધાની રૂપે સ્થાપિત કર્યુ. ત્યારબાદથી આ શહેર વિકાસનું
કેન્દ્ર બન્યુ. માત્ર રાજકિય અને વ્યાપારીક પ્રવૃતિ ઉપરાંત અમદાવાદ બૌદ્ધિક અને
ધાર્મિક પ્રવૃતિનું પણ કેન્દ્ર બન્યુ. આ બધા કારણોસર તે વૈશ્વિક ફલક પર મહત્વનું
આલેખાયું.
અત્યારે સ્થિતિ
એવી છે કે કોઈ શહેર આજે મોટું થાય તો બે-પાંચ વર્ષમાં બીજું કોઈ શહેર તેને ઓવરટેક
કરી જાય. અમદાવાદ જો કે લગલગાટ બે સદી સુધી ભારતના સૌથી મહત્ત્વના શહેરોમાં રહ્યું
હતું. અમદાવાદ ૧૬મી સદીના અંત ભાગમાં વિશ્વના પ્રથમ દસ શહેરોમાં સ્થાન પામ્યું. એ
પછી છેક ૧૮મી સદીમાં અમદાવાદ પ્રથમ દસ મહત્ત્વના શહેરોના લિસ્ટમાંથી બહાર થયું
હતુ. મુઘલ સામ્રાજ્યના પતન બાદ શહેરની ચમક ઝાંખી થઇ હતી. વર્ષ ૧૭૨૦ આસપાસ અમદાવાદને
બેથી ત્રણ વખત લૂંટવામાં આવ્યુ. ત્યારબાદ પ્રથમ મરાઠા સામ્રાજ્ય અને પછી બ્રિટીશ
શાસન આવ્યું. પરંતુ પછી અમદાવાદ પહેલા જેવી ચમક અને સમૃદ્ધિ ના મેળવી શક્યું.
નેધરલેન્ડ
(ડચ)ના પ્રવાસી ફિલિપસ બેલડસે ૧૬૭૨ની સાલમાં અમદાવાદનું ચિત્ર દોર્યું હતું. એ
ચિત્રમાં તો આખુ શહેર એક કિલ્લામાં જ સમાઈ જતું દેખાય છે. વહેતી સાબરમતી અને તેના
કાંઠે પસાર થઈ રહેલા વટેમાર્ગુ તથા તેમના ઢોર-ઢાંખર પણ ફિલિપસે ચિતર્યા હતા.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો