શનિવાર, 16 ફેબ્રુઆરી, 2019

પિતા ભૂપેન હજારિકા વતી ભારત રત્ન સ્વીકારવું મારા માટે સન્માનની વાત: તેજ

 
પ્રખ્યાત આસામી ગાયક-સંગીતકાર ભૂપેન હજારિકાના દીકરા તેજ હજારિકાએ દિવંગત પિતા વતી ભારત રત્ન પુરસ્કાર સ્વીકારવા ભારત સરકારનું આમંત્રણ મળ્યું હોવાનું જાહેર કર્યું છે. આ સાથે જ તેમણે દેશના સર્વોચ્ય નાગરિક સન્માન પુરસ્કારને સ્વીકારવા પોતાને મળેલા આમંત્રણને ખૂબ જ સન્માનજનક ઘટના ગણાવી છે. 
એક ઇન્ટરવ્યૂમાં તેમણે જણાવ્યું કે ભારત સરકારે મને મારા પિતા માટે ભારત રત્ન સ્વીકારવા આમંત્રણ આપ્યું છે. મારા પિતાએ દેશની એકતા અને પ્રગતિશીલતાને જાળવી રાખીનેે નિસ્વાર્થપણે બલિદાન આપ્યું છે અને ભારત સરકારે તેમના આ બલિદાનની કદર કરીને તેમને આ સર્વોચ્ય સન્માન માટે યોગ્ય ગણ્યા છે.
ભારત સરકારે મારા સ્વર્ગસ્થ પિતા વતી ભારત રત્ન પુરસ્કાર સ્વીકારવા આમંત્રણ આપ્યું તે મારા અને મારા પરિવાર માટે ખૂબ જ ગર્વની બાબત છે. પિતા વતી સન્માન મેળવવું તે મારા પિતાના ચાહકો, અનુયાયીઓ અને મારા માટે એક સ્વપ્ન સમાન ઘટના હશે. હું મારા પિતાના પગલે ચાલીને જ્યાં અંધકારનું સામ્રાજ્ય હશે ત્યાં રોશની પ્રકાશવા પ્રયત્નશીલ રહીશ. 
ફેસબુક પર ૧૧ ફેબુ્રઆરીના રોજ તેમણે કરેલી ટિપ્પણી બાદ થયેલા વિવાદને તેમણે પોતાના મંતવ્યનું કેટલાક લોકો દ્વારા થયેલું ખોટું અર્થઘટન ગણાવ્યું હતું. 
ફેસબુક પોસ્ટમાં તેમણે લખ્યુ હતું કે પૂર્વોત્તરનો એક મોટો હિસ્સો મારા પિતાનો પ્રશંસક છે. મારા પિતાએ કદી પણ ભારતની મહાન વિવિધતાને વિખંડિત કરવા પ્રયાસ નહોતો કર્યો. પરંતુ સરકાર જે બિલ લાગુ કરવા જઇ રહી છે તેના સાથે મારા પિતા કદી સહમત ન થતા. આ બિલ એક રીતે ગેર-બંધારણીય અને બિનલોકતાંત્રિક છે. 
પૂર્વોત્તરમાં ભાજપની એનડીએ સરકારે રજૂ કરેલા આ બિલમાં અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા ધાર્મિક લઘુમતી ધરાવતા લોકોને ભારતીય નાગરિકત્વ આપવાનો મુદ્દો છે. ઉત્તર પૂર્વના મોટા ભાગના સંગઠનો અને પક્ષોએ આ બિલ તે પ્રદેશની ગરિમા અને સંસ્કૃતિ માટે હાનિકારક હોવાનું જણાવીને ત્યાંની મૂળ વસતી માટે ચિંતા વ્યક્ત કરી છે અને તેનો વિરોધ કર્યો છે.
તેજ હજારિકાએ જણાવ્યું કે, મારુ મોટા ભાગનું જીવન વિદેશમાં વીત્યું છે પરંતુ મારા ભારતીય મૂળ તમામ રીતે ખૂબ જ મજબૂત છે. મારા ઉછેરને કારણે મને હંમેશા ભારતની વિશાળતા, વિવિધતામાં એકતા અને લોકતાંત્રિકતા માટે માન રહ્યું છે અને દેશનું સર્વોચ્ય સન્માન મારા દિવગંત પિતા ડૉ. ભૂપેન હજારિકાને મળવા જઇ રહ્યું છે તે ખૂબ જ સન્માનની ઘટના છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો