મંગળવાર, 1 જાન્યુઆરી, 2019


સોમનાથ મંદિરે શીશ ઝુકાવ્યા બાદ રાજકોટથી વિદાય લેતા રાષ્ટ્રપતિ



- ગુજરાતની ત્રણ દિવસની મુલાકાત દરમિયાન કચ્છની સંસ્કૃતિ, સાસણમાં સિંહદર્શન, સોમનાથ મહાદેવ મંદિરની પુજા કર્યા બાદ રાષ્ટ્રપતિ કોવિંદ દિલ્હી જવા રવાના થયા





દેશના રાષ્ટ્રપતિ મહામહિમ શ્રી રામનાથ કોવિંદ ગઈકાલે સાસણ ખાતે ગીર અભ્યારણ્યની વનસૃષ્ટિ અને સિંહદર્શન કરવા આવી પહોંચ્યા બાદ આજે સપરિવાર સાસણથી સ્પેશ્યલ હેલીકોપ્ટરમાં સોમનાથ મહાદેવના મંદિરે દર્શનાર્થે આવી પહોંચ્યા હતા. અહીં શાસ્ત્રોક્ત વિધિવિધાન સાથે મંદિરમાં પુજાવિધિ કર્યા બાદ તેઓ રાજકોટ એરપોર્ટ ઉપર આવી પહોંચ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યા પછી તેઓ હવાઈ માર્ગે દિલ્હી જવા રવાના થયા હતા.

ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવેલા રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદ આજે સવારે સાસણમાં દેવળિયા ખાતે સફારી પાર્કમાં સિંહદર્શન કર્યા બાદ તેમના પત્ની સવિતાબેન અને પુત્રી સ્વાતિબેન સહિતનો કાફલો આજે સોમનાથ મહાદેવના મંદિર ખાતે આવી પહોંચ્યો હતો. અહીં સોમનાથ મંદિરના પરિસર ખાતે રાષ્ટ્રપતિએ સૌપ્રથમ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાની મુલાકાત લઈ પુષ્પાંજલી અર્પણ કરી હતી.

અહીંથી સપરિવાર તેઓ મંદિરે પહોંચ્યા હતા જ્યાં સોમનાથ તિર્થક્ષેત્રના વિદ્વાન બ્રાહ્મણોએ વેદમંત્રોનું ગાન કરીને તેઓને આવકાર્યા હતા. મંત્ર ગાનથી વાતાવરણ પવિત્ર બની ગયું હતું. ત્યારબાદ પુજારીએ સ્તુતિ મંત્રોના મંગલમય ગાન સાથે પુજા અર્ચના કરાવી હતી. તેમણે શિવલીંગ ઉપર ગંગાજળનો અભિષેક કરી વિશ્વના કલ્યાણ માટેની કામના કરી હતી.

સોમનાથ મહાદેવના મંદિરે તેઓએ મધ્યાહન આરતીનો લ્હાવો લીધો હતો. ત્યારબાદ સોમનાથ મહાદેવની તત્કાલ મહાપુજા કરાવી તેઓ ભાવવિભોર બની ગયા હતા. મંદિર ખાતે તેઓને સ્મૃતિચિહન અર્પણ કરવામાં આવ્યા બાદ તેઓએ સાગરદર્શન ખાતે ભોજન લીધા પછી રાજકોટ જવા રવાના થયા હતા.

બપોરે ૨-૩૦ વાગ્યાની આસપાસ રાજકોટ આવી પહોંચ્યા બાદ તેઓને એરપોર્ટ ખાતે સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી આવકારવામાં આવ્યા હતા. અહીં ગાર્ડ ઓફ ઓનર અપાયું હતું. ત્યારબાદ સ્પેશ્યલ વિમાનમાં તેઓ દિલ્હી જવા રવાના થયા હતા.

 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો